Tue May 26 2026

Logo

મુન્દ્રા કેપ્ટાગોન ડ્રગ્સકાંડ: દિલ્હી બાદ દહેરાદુનમાં હાઈટેક બોગસ લેબ ઝડપાઈ, ગુજરાત સહિત દેશભરમાં એલર્ટ

6 days ago
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ મુન્દ્રા બંદર પરથી ઝડપાયેલા ૧૯૬.૨ કિલો ‘કેપ્ટાગોન’ ડ્રગ્સના તાર છેક ઉત્તરાખંડના દહેરાદુન સુધી પહોંચ્યા છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ દિલ્હી બાદ દહેરાદુન ખાતે ચાલતી એક હાઈટેક અને ગેરકાયદેસર પ્રયોગશાળાનો પર્દાફાશ કર્યો છે, જ્યાં આંતરરાષ્ટ્રીય સ્તરે ‘જેહાદી ડ્રગ’ તરીકે કુખ્યાત આ પ્રતિબંધિત ડ્રગ્સનું મોટાપાયે ઉત્પાદન થતું હતું. તાજેતરમાં એજન્સીઓએ મુંદરા બંદર પર સીરિયાથી આયાત કરાયેલા કન્ટેનરમાંથી ૧૯૬.૨ કિલો અને દિલ્હીના નેબ સરાઈ વિસ્તારમાંથી ૩૧.૫ કિલો મળી કુલ રૂ.૧૮૨ કરોડની કિંમતનું ૨૨૭.૭ કિલો કેપ્ટાગોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું.

આ કેસના મુખ્ય સૂત્રધાર એવા સીરિયન નાગરિક અલાબ્રાસ અહમદની ગત ૧૧ મેના રોજ ધરપકડ કરાયા બાદ તેની પૂછપરછના આધારે એજન્સીએ દહેરાદુનની લેબ સીલ કરી છે. ડ્રગ્સ બનાવવા માટે દૈનિક રૂ.૫૦,૦૦૦ના ભાડે પોતાની જગ્યા આપનાર ફેક્ટરી માલિક સંજય કુમાર (રહે. સહારનપુર)ની પણ ધરપકડ કરવામાં આવી છે, જે અગાઉ ૨૦૨૫માં ફૂડ લાયસન્સના દુરુપયોગના કેસમાં જેલ જઈ ચૂક્યો છે. આ લેબમાં માત્ર ૧૪ દિવસમાં ૨ લાખથી વધુ ગોળીઓ (૩૨ કિલો ડ્રગ્સ) તૈયાર કરાઈ હોવાનો ખુલાસો થયો છે. હાલ એજન્સી દ્વારા ટેબ્લેટ બનાવવાની વ્યવસ્થા કરનાર અન્ય એક ફરાર સીરિયન નાગરિકની શોધખોળ આદરી ચક્રો ગતિમાન કરાયા છે.

પશ્ચિમ એશિયાના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં આતંકી સંગઠનોના લડવૈયાઓ દ્વારા આક્રમકતા વધારવા અને થાક ભૂલવા વપરાતી આ ‘જેહાદી દવા’નું નેટવર્ક પકડાતાં કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઓપરેશનને બિરદાવ્યું છે. કેન્દ્રના આદેશથી ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોમાં શંકાસ્પદ કેમિકલ હેરફેર અને બંધ પરિસરો પર નજર રાખવા એડવાઇઝરી જાહેર કરાઈ છે. ગુજરાતમાં અને ખાસ કરીને પાકિસ્તાનને અડીને આવેલા કચ્છમાં પણ આવી કોઈ ગુપ્ત લેબ કાર્યરત નથી ને, તેની ખાતરી કરવા સ્થાનિક પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. 

બીજી તરફ, આ ડ્રગ્સ કાંડમાં મુંન્દ્રાના બારોઈ પંથકના એક સ્થાનિક શખ્સની અટકાયત કરાઈ હોવાની ચર્ચા વચ્ચે તેના આકાઓ અને આદિપુરના કેટલાક શંકાસ્પદ વેપારીઓની ભૂમિકા તેમજ બંદર પર વારંવાર ગોઠવાઈ જતા કસ્ટમના અમુક ભ્રષ્ટ તત્વો સામે સીબીઆઈ જેવી કેન્દ્રીય એજન્સી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ થાય તેવી માંગ પણ ઉઠી રહી છે.

(ઉત્સવ વૈદ્ય)