Sat Apr 25 2026

Logo

મુંબઈમાં કુલ છ મેટ્રો રૂટ કાર્યવત મેટ્રો-૯ અને મેટ્રો ટૂ-બીના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન આજથી પ્રવાસીઓની સેવામાં

2 weeks ago
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દહિસર(પૂર્વ)થી મીરા રોડના કાશીગાંવ સુધીની મુંબઈ મેટ્રો લાઈન-નવ અને માંડલેથી ચેમ્બુર સુધીની લાઈન ટૂ-બીના પહેલા તબક્કાની મેટ્રો રેલનું મંગળવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ઘાટન કર્યું હતું. બુધવારથી આ બંને લાઈન પર નિયમિત મેટ્રો રેલ સેવા શરૂ થશે. મંગળવારના બે મેટ્રો રેલ સેવાના ઉદ્ઘાટન સાથે જ હવે મુંબઈમાં કુલ છ મેટ્રો રૂટ કાર્યરત થઈ ગયા છે, જેમા મેટ્રો લાઈન-વન (ઘાટકોપર-અંધેરી-વર્સોવા), મેટ્રો લાઈન-ટૂએ (અંધેરી પશ્ર્ચિમ-દહિસર-પૂર્વ), મેટ્રો લાઈન-૭ (દહિસર પૂર્વ અને અંધેરી પૂર્વ) અને મેટ્રો લાઈન -૩  એક્વા લાઈન (કોલાબા-બાન્દ્રા કૉમ્પ્લેક્સ-શીપ્ઝ) નો સમાવેશ થાય છે.

મુખ્ય પ્રધાને મંગળવારે મેટ્રો લાઈન-નવના પહેલા તબક્કાની મેટ્રો રેલની ઉદ્ઘાટન કર્યું હતું. દહિસર પૂર્વથી ટ્રેનને તેમણે લીલી ઝંડી આપી હતી. એ બાદ નાયબ મુખ્ય પ્રધાન અને મુંબઈના મેયર સાથે મેટ્રો રેલમાં તેઓ કાશીગાવં સુધી ગયા હતા. આ લાઈન મુંબઈના છેડા દહિસરને પડોશી થાણે જિલ્લાના મીરા-ભાયંદર સાથે જોડે છે. અગાઉ આ પટ્ટામાં પ્રવાસ કરવા માટે એકથી બે કલાકનો સમય લાગતો હતો તે હવે આ મેટ્રો લાઈનથી પ્રવાસનો ઘટીને ૩૦ મિનિટ પર આવી જવાનો છે. આ પ્રોજેક્ટનો ખર્ચ ૬,૬૦૭ કરોડ રૂપિયા છે.

આજથી શરૂ થઈ રહેલી મેટ્રો લાઈન-નવના પહેલા તબક્કામાં ૫.૬ કિલોમીટરનો એલિવેટેડ સ્ટ્રેચ છે, જેમાં ચાર સ્ટેશન દહિસર પૂર્વ, પાંડુરંગવાડી, મીરાગાંવ અને કાશીગાંવનો સમાવેશ થાય છે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે મીરા-ભાયંદરમાં સાંઈબાબા નગર અને સુભાષચંદ્ર બોઝ મેદાન વચ્ચેના બીજા તબક્કાનું કામ ૯૬ ટકા પૂર્ણ થઈ ગયું છે અને ચાર વધારાના સ્ટેશન સાતે ૪.૩ કિલોમીટરનો પટ્ટો આ વર્ષના અંતમાં ઉદ્ઘાટન કરવામાં આવશે.મુખ્ય પ્રધાને ઉદ્ઘાટન સમયે કહ્યું હતું કે મીરા-ભાયંદરથી નાગરિકો મેટ્રોને કારણે સીધા દક્ષિણ મુંબઈ સુધી ઝડપથી પહોંચી શકશે. મેટ્રો લાઈન-નવ મીરા-ભાયંદરથી દક્ષિણ મુંબઈમાં કોલાબા સુધી મેટ્રો લાઈન -સાત અને ભવિષ્યમાં મેટ્રો લાઈન સાત-એ અને મેટ્રો લાઈન-૩ સાથે ઈન્ટરલિંક કરીને સીમલેસ ક્નેક્ટિવિટી પ્રદાન કરશે.

ગુંદવલી-કાશીગાંવ
મેટ્રો લાઈન સાત અને નવ કોરિડોર (ગુંદવલી-કાશીગાંવ) પહેલી મેટ્રો સવારના ૫.૫૦થી રાતના ૧૧ વાગ્યા સુધી કાર્યરત રહેશે. પીક અવર્કસમાં મેટ્રો રેલની ફ્રીકવન્સી છ મિનિટથી ઓછી રહેશે. આ રૂટ પર અઠવાડિયામાં દિવસના ૨૭૬ સર્વિસ રહેશે, જેમાં  શનિવારે ૨૨૩ અને રવિવારે  ૨૦૫ ફેરી થશે.  

મેટ્રો- સાત અને મેટ્રો-નવને જોડવામાં આવશે
મેટ્રો લાઈન-નવ લોન્ચ થવાની સાથે જ લાઈન ટૂ-એ અને મેટ્રો લાઈન-સેવન સ્વતંત્ર કોરિડોર તરીકે સ્વતંત્ર રહેશે. અગાઉ આ લાઈન પર સેવા અંધેરી પૂર્વથી દહિસર પૂર્વ થઈને અંધેરી પશ્ર્ચિમ સુધી એક જ સ્ટ્રેચ તરીકે ચલાવવામાં આવતી હતી. મેટ્રો લાઈન-સાતને મેટ્રો લાઈન-નવ સાથે જોડવામાં આવશે, જેનાથી અંધેરી પૂર્વથી કાશીગાંવ થઈને મીરા-ભાયંદર સુધી સીધી કનેક્ટિવિટી શક્ય બનશે. દહિસર સ્ટેશન પર એક ઈન્ટરચેન્જ સુવિધા પેઈડ એરિયામાંથી બહાર નીકળ્યા વગર સીમલેસ ટ્રાન્સફરની મંજૂરી આપશે.

મેટ્રોમાં દિલ્હી બાદ મુંબઈ બીજા નંબર
મેટ્રો રેલના ઉદ્ઘાટન સમયે મુખ્ય પ્રધાને કહ્યું હતું કે  મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં સરળ અને સુલભ પરિવહન વ્યવસ્થા વિકસાવવામાં આવી રહી છે, જેમાં મેટ્રો, ઈ-બસ અને વોટર ટ્રાન્સપોર્ટને એકીકૃત કરીને શહેરને દેશમાં સૌથી વધુ સુલભ બનાવવામાં આવ્યું છે. ૧૦૦ કિલોમીટરથી વધુ કાર્યરત મેટ્રો લાઈન સાથે જ મેટ્રો નેટવર્કની દૃષ્ટિએ મુંબઈ હવે દિલ્હી પછી દેશમાં બીજા ક્રમે છે. બાકીના અન્ય પ્રોજેક્ટ પણ આગામી બે વર્ષમાં પૂરા કરવામાં આવશે.