દરિયા કિનારાની સફાઈ પર નજર રાખવા ફ્લાઈંગ સ્કવોડ તહેનાત કરાશે
મુંબઈ: ચોમાસા દરમ્યાન દાદર અને બાન્દ્રામાં ચિંબાઈના દરિયા કિનારાની સફાઈ માટે ૨.૭ કરોડ રૂપિયાનો પાયલોટ પ્રોજેક્ટ હાથમાં લીધો છે, જેમાં દાદર ચોપાટીની સફાઈ માટે ૧.૭ કરોડ અને ચિંબાઈ બીચ માટે એક કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે.
પાલિકાએ બે બીચની સફાઈ માટે હાથ ધરેલા આ પાયલોટ પ્રોજેક્ટમાં દરિયામાંથી નીકળતા કચરાનું વ્યવસ્થાપન અને જાળવણીમાં સુધારો કરવાનો લક્ષ્યાંક છે. આ પ્રોજેક્ટમાં દરિયા કિનારાની દેખરેખ રાખવા, કચરો ફેલાતો અટકાવવા અને ચોમાસા દરમ્યાન દરિયા કિનારાની સ્વચ્છતા જાળવી રાખવા માટે ફ્લાઈંગ સ્કવોડને પણ તહેનાત કરવામાં આવવાની છે.
મુંબઈને લાંબો દરિયો કિનારો મળ્યો છે, જેમાં મુખ્યત્વે ૧૨ બીચ આવેલા છે. જોકે ફકત ૩૩ કિલોમીટરનો દરિયો કિનારો જ નાગરિકો માટે સુરક્ષિત રીતે ઉપલબ્ધ છે, જેમા નરીમાન પોઈન્ટ, વરલી, ગિરગામ ચોપાટી, જુહુ બીચ, બેન્ડસ્ડેન્ટ પ્રોમોનેડ અને દાદર ચોપાટી પર્યટકોની માનીતા સ્થળ છે. અહીં મોટા પ્રમાણમાં લોકોની ભીડ થતી હોય છે. ચોમાસામાં પણ મોટી સંખ્યામાં પર્યટકો અહીં આવતા હોય છે. દરરોજ લગભગ ૧૦૦ મેટ્રિક ટન કચરો ભરતી દરમ્યાન દરિયા કિનારા પર ઠલવાતો હોય છે. તેથી દરિયા કિનારાઓને સાફ રાખવા ભારે જહેમત કરવી પડતી હોય છે.
પાલિકાએ પોતાના પાયલોટ પ્રોેજેક્ટમાં દરિયા કિનારાની સફાઈ કરવાની છે, જેમાં બે ટ્રેકટર સાથે સફાઈ કર્મકચારીઓ અને કચરો ઉપાડનારાની ટીમ રહેશે. પ્રોજેક્ટનો લક્ષ્ય ચોમાસા દરમ્યાન દરિયા કિનારાની સફાઈ જળવાઈ રહે તે રહેશે. જો આ બે બીચ પર સફળતા મળે તો આગામી સમયમાં મુંબઈના અન્ય બીચ પર પણ આ પ્રોજેક્ટને અમલમાં મૂકવામાં આવશે. દરિયા કિનારા પર નજર રાખવા માટે ખાસ ફ્લાઈંગ સ્કવોડ પર રહેશે, જેનું કામ દરિયા કિનારાની સફાઈ જળવાઈ રહે અને કિનારા કચરામુક્ત રહે તેના પર નજર રાખવાની રહેશે. બુધવારે પાલિકાની સ્થાયી સમિતિેએ આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. બે વર્ષના આ કૉન્ટ્રેક્ટમાં દૈનિક ખર્ચ ૭,૫૦૦થી ૧૫,૦૦૦ રૂપિયા થશે.