Sun Apr 26 2026

Logo

ચૂંટણી ગણિત બદલાશે! અમદાવાદના 48 માંથી 45 વોર્ડમાં મતદારોની સંખ્યામાં મોટો ઘટાડો

1 month ago
Author: Mayurkumar Patel
Article Image

અમદાવલાદના નવરંગપુરામાં સૌથી વધુ નામો કમી થયા, જ્યારે નિકોલમાં મતદારોની સંખ્યામાં વધારો નોંધાયો

અમદાવાદઃ રાજ્યમાં ટૂંક સમયમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ શકે છે. જોકે આ પહેલા રાજકીય પક્ષોની ઉંઘ ઉડી જાય તેવા સમાચાર સામે આવ્યા છે.  મળતી વિગત પ્રમાણે, અમદાવાદ શહેરમાં મતદારોની સંખ્યામાં 8.24 લાખનો મોટો ઘટાડો થયો છે. આ ઘટાડો ચૂંટણીના સમીકરણ બદલી નાખે તેમ છે.
 
અમદાવાદમાં મતદારોની સંખ્યા 2015થી પણ ઓછી

વર્ષ 2026 માટે પ્રસિદ્ધ કરવામાં આવેલી પ્રાથમિક મતદાર યાદી (ડ્રાફ્ટ રોલ) મુજબ, અમદાવાદમાં 8,34,131 મતદારો ઘટ્યા છે. અમદાવાદ શહેરમાં હવે 38,00,507 મતદારો છે, જે 2021માં 46,24,638 હતા.  આ આંકડો 2015ના 38,79,771  કરતા પણ ઓછો છે. સૂત્રો મુજબ, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને મોટા પાયે કરવામાં આવેલી મતદાર ચકાસણીને કારણે આ ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ, રાજકીય પક્ષોએ પણ હવે પોતાની વ્યૂહરચના ફરીથી ઘડવાની શરૂઆત કરી દીધી છે.

શહેરના 48 વોર્ડમાંથી 45 વોર્ડમાં મતદારો ઘટ્યા

મતદારોની સંખ્યામાં ઘટાડો સમગ્ર શહેરમાં જોવા મળ્યો છે. શહેરના 48 વોર્ડમાંથી 45 વોર્ડમાં મતદારો ઘટ્યા છે. નવરંગપુરા સૌથી વધુ પ્રભાવિત વોર્ડ તરીકે ઉભરી આવ્યો છે, જ્યાં 29,939 નામો મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. તેની સામે નિકોલ વોર્ડમાં 3902 નવા મતદારો ઉમેરાયા છે, જે સૌથી વધુ છે. ચાંદખેડા અને મક્તમપુરા એવા અન્ય બે વોર્ડ છે જ્યાં મતદારોની સંખ્યામાં થોડો વધારો થયો છે.

24 વોર્ડમાં 20,000 થી વધુ મતદારો ઘટ્યા

સૂત્રોએ જણાવ્યું કે, મ્યુનિસિપલ ચૂંટણીઓમાં 5000 થી 20000 મતોની પાતળી સરસાઈથી હાર-જીત નક્કી થતી હોય, ત્યાં આ સુધારો ખૂબ મહત્વનો છે. નોંધનીય છે કે 24 વોર્ડમાં 20,000 થી વધુ મતદારો ઘટ્યા છે, જે દર્શાવે છે કે નવી યાદી વોર્ડ સ્તરના રાજકીય સમીકરણોને નિર્ણાયક રીતે બદલી શકે છે.

મતદાર યાદીના આ સુધારાને કારણે ચૂંટણી પ્રક્રિયામાં પણ વિલંબ થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની ચૂંટાયેલા પાંખની મુદત 9 માર્ચે પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ મતદાર યાદીના આખરીકરણને કારણે હજુ સુધી ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી. અત્યારે વહીવટદાર  શહેરનો વહીવટ સંભાળી રહ્યા છે.

પૂર્વ વિસ્તારમાં સ્થિતિ વધુ ગંભીર 

ઝોન મુજબના ડેટા પણ આ ઘટાડાની ગંભીરતા દર્શાવે છે. પશ્ચિમ વિસ્તારમાં 18 માંથી 16 વોર્ડમાં ઘટાડો નોંધાયો છે, જેમાં માત્ર ચાંદખેડા અને મક્તમપુરા અપવાદ છે. પૂર્વ વિસ્તારમાં સ્થિતિ વધુ ગંભીર છે, જ્યાં 30 માંથી 29 વોર્ડમાં ઘટાડો થયો છે અને માત્ર નિકોલ અપવાદ રહ્યો છે.

સૂત્રો આ ફેરફાર માટે વિધાનસભા અને લોકસભા મતવિસ્તારો સાથે મતદાર યાદીનું જોડાણ અને સખત ચકાસણી ઝુંબેશને જવાબદાર માને છે. તેમણે નાગરિકોને તેઓ પ્રાથમિક યાદીમાં પોતાનું નામ તપાસી લે અને અંતિમ યાદી પ્રસિદ્ધ થાય તે પહેલા કોઈપણ સુધારો કે નામ ઉમેરવા માટે અરજી કરે તેવી અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે 23 માર્ચના રોજ જાહેર થયેલી આ યાદી શહેરના 58 સ્થળોએ, જેમાં વોર્ડ ઓફિસ, ઝોનલ ઓફિસ અને કલેક્ટર કચેરીનો સમાવેશ થાય છે ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.