Wed Apr 22 2026

Logo

આકરો ઉનાળો:મહારાષ્ટ્ર સરકારે બહાર કામ કરનારા કામદારો માટે એસઓપી બહાર પાડી, બપોરના ચારના કલાકના સમયમાં ફેરફાર કરવાની સૂચના

1 week ago
Author: સપના દેસાઈ
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં છેલ્લા થોડા દિવસો દરમ્યાન કમોસમી વરસાદ અને માવઠાએ કેર મચાવ્યો હતો અને હવે રાજ્યમાં ગરમીનું તીવ્ર મોજું ફરી વળવાનું હોવાની ચેતવણી આપવામાં આવી છે. ૧૩ એપ્રિલથી ૭૨ કલાક માટે હાઈ અલર્ટ જારી કરવામાં આવ્યું હોઈ શક્ય હોય તેટલું બપોરના બહાર નીકળવાનું ટાળવાની અપીલ સરકાર દ્વારા કરવામાં આવી છે. આ દરમ્યાન સરકારે આકરા ઉનાળા અને ગરમીના વધતા પ્રમાણને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકાર દ્વારા બપોરના તડકામાં કામ કરતા કામદારો માટે સોમવારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) પણ બહાર પાડવામાં આવી હતી, જેમાં બપોરના ૧૨થી ચાર વાગ્યા સુધી કામના સમયમાં ફેરફારી કરીને તેને સવારનો છથી ૧૧ કરવાનું કહેવામાં આવ્યું છે.

આ પગલું દેશના  ૧૦ સૌથી વધુ ગરમીથી સંવેદનશીલ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મહારાષ્ટ્રનો સમાવેશ થતો હોવાથી લેવામાં આવ્યું છે.રાજ્યના અર્બન સેન્ટરમાં (શહેરી કેન્દ્રીય વિસ્તાર) ગરમીના વધતા જોખમ વચ્ચે મહારાષ્ટ્ર સરકાર દ્વારા સોમવારે બહાર પાડવામાં આવેલા અનૌપચારિક કામ માટે કામના કલાકોમાં ફેરફાર, ફરજિયાત આરામ, કામના સ્થળ પર પાણીના બૂથ આ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી)નો ભાગ છે.આપત્તિ વ્યવસ્થાપન પ્રધાન ગિરીશ મહાજન દ્વારા  બહાર પાડવામાં આવેલી એડવાઈઝરીમાં બહાર કામ કરનારા કામદારોનો બપોરના સમયમાં ફેરફાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેમાં તેમના કામનો સમય સવારનો છથી ૧૧ વાગ્યા સુધી અને સાંજના ચારથી આઠ વાગ્યા સુધીનો કરવાની સૂચના આપવામાં આવી છે.

ખાસ કરીને ગરમી વધવાની હોય અને  ઓરેન્જ અને રેડ અલર્ટ આપવામાં આવ્યું હોય ત્યારે બપોરના ૧૨ વાગ્યાથી ચાર વાગ્યા સુધી ફરજિયાત આરામ લાગુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નિયમ કન્સ્ટ્રકશન, ઈન્ડસ્ટ્રિયલ અને સ્ટ્રીટ વેન્ડિંગ સેકટરને લાગુ પડશે, જેમાં પૂરતી લાઈટિંગ, પરિવહન અને રક્ષણાત્મક સુવિધાઓ દ્વારા મહિલાઓની સલામતી સુનિશ્ર્ચિત કરવા માટે વધારાની જોગવાઈ છે.આ પગલું ત્યારે લેવામાં આવ્યું છે જ્યારે મહારાષ્ટ્રનો ભારતના ૧૦ સૌથી વધુ ગરમીથી સંવેદનશીલ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એસઓપી હાલના નેશનલ અને સ્ટેટ ફ્રેમ વર્કને કાર્યરત કરે છે, જેમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, મહારાષ્ટ્ર સ્ટેટ હીટ એક્શન પ્લાન એન્ડ ધ સ્ટેટ એક્શન પ્લાન ઓન ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ યોજનાનો પણ સમાવેશ થાય છે.

મહારાષ્ટ્રના મુખ્યત્વે ૧૫ જિલ્લાઓમાં વિદર્ભ, મરાઠવાડા અને ખાનદેશ ભારે ગરમી માટે અત્યંત સંવેદનશી તરીકે ઓળખાયા છે, જેમાં લાતુર, અમરાવતી, યવતમાળ, વાશિમ, અકોલા, બુલઢાણા, નાગપુર, વર્ધા, ચંદ્રપુર, ગોંદિયા, ભંડારા, જળગાંવ, નંદુરબાર, ધુળે અને નાંદેડ વિસ્તારનો સમાવેશ થાય છે. આ ઉચ્ચ જોખમ ધરાવતા શહેરી વિસ્તારોમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન, નગર પંચાયત, નગરપરિષદમાં આ એસઓપી લાગુ પડશે.

એસઓપી કયા લાગુ પડશે?
રાજ્ય સરકારે બહાર પાડેલી એસઓપી મુજબ અનૌપચારિક કાર્યસ્થળો, બજાર, જંકશન, ટ્રાન્ઝિટ હબ અને વેન્ડિંગ ઝોનમાં નિયમિત રીતે પાણીના બૂથ સ્થાપિત કરવાનું ફરજિયાત રહેશે.  પ્રાયમરી હેલ્થ સેન્ટર, વોર્ડ ઓફિસ અને એનજીઓ દ્વારા ઓરલ રિહાઈડ્રેશન સોલ્ટર અને ઈલેક્ટ્રોલાઈટ સેચેટ્સનું વિતરણ ફરજિયાત કરવાનું રહેશે.

આરામ કરવા બગીચા ખુલ્લા રાખવા પડશે
શહેરી સ્થાનિક સંસ્થા (પાલિકા, નગરપંચાયત)ઓને બપોરના સમયે પબ્લિક પાર્ક અને બગીચાઓ ખુલ્લા રાખવા પડશે. મજૂર નાકા અને ટ્રાફિક જંકશન પર કામચલાઉ છાંયડાવાળા ઝોન બનાવવા અને કટોકટીની સ્થિતિમાં પબ્લિક બિલ્ડિંગમાં પંખા, પીવાના પાણી અને આરામ કરવા માટે ચટાઈથી સજ્જ ઠંડા આશ્રયસ્થાનોમાં રૂપાંતરિક કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

આશા વર્કરોને તાલીમ અપાશે
આરોગ્ય તંત્રને પ્રાથમિક અને શહેરી આરોગ્ય કેન્દ્રમાં ઓઆરએસ, આઈવી પ્રવાહી અને ગરમીની બીમારીની કીટનો સ્ટોક કરવા સહિતની તૈયારીઓ વધારવા માટે કહેવામાં આવ્યું છે.  આશા વર્કરઅને વર્ડ સ્તરના સ્ટાફને ગરમીથી થતી બીમારીઓને ઓળખવા માટે અને તેને પ્રતિભાવ આપવા માટે તાલીમ આપવામાં આવશે. જયારે સંવેદનશીલ વિસ્તારમાં ૧૦૮ એમ્બ્યુલન્સ ગોઠવવામાં આવશે. ઉચ્ચ જોખવાળા દિવસોમાં રિસ્પોન્સ ટાઈમનું નિરીક્ષણ કરવામાં આવશે.

ગરમી સંબધિત જોખમોથી કામદારોને બચાવવા માટે રાજ્યને આયુષ્માન ભારત અથવા સમકક્ષ આરોગ્ય વીમાની પહોંચ વધારવા, હીટ સ્ટ્રેસને કારણે વેતનના નુકસાન માટે વળતર શોધવા અને કટોકટીની રાહત, સમયાંતરે આરોગ્ય તપાસ અને નાણાકીય સહાય પૂરી પાડવા માટે કલ્યાણ બોર્ડને મજબૂત બનાવાની ભલામણ કરવામાં આવીછે.

પારો ૪૫ ડિગ્રી સુધી જશે
મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભમાં ઉનાળાની તીવ્રતા વધુ વધવાની છે. પુણે, સાંગલી, સાતારા, કોલ્હાપૂર અને સોલાપૂરમાં વહેલી સવારના હળવી ઠંડક જણાશે પણ બપોર બાદ તાપમાનમાં મોટા વધારો થશે. આ વિસ્તારમાં મહત્તમ તાપમાન ૩૬થી ૩૮ ડિગ્રી સુધી જવાની શક્યતા છે. એ સિવાય સાંગલી અને સોલાપૂર જિલ્લા માટે આગામી ૭૨ કલાક ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે અને અહીં યલો અલર્ટ આપવામાં આવ્યું છે. તો વિદર્ભમાં મોટાભાગના જિલ્લામાં તાપમાનો પારો ૪૦ ડિગ્રીની ઉપર નોંધાશે. સોમવારે  વિદર્ભના મોટાભાગના જિલ્લામાં ૪૩ ડિગ્રીની ઉપર પારો નોંધાયો હતો.