Tue May 26 2026

Logo

જબલપુર ક્રૂઝ દુર્ઘટનાનો કુલ મૃત્યુઆંક 13 થયો;  ચોથા દિવસે વધુ બે મૃતદેહ મળ્યા

3 weeks ago
Author: Devayat Khatana
Article Image

જબલપુર: મધ્યપ્રદેશના જબલપુરમાં બરગી ડેમ ખાતે સર્જાયેલી ક્રૂઝ દુર્ઘટના બાદ છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલું સર્ચ ઓપરેશન આજે રવિવારે પૂર્ણ થયું છે. રવિવારે સવારે 6 વાગ્યે તમિલનાડુના ત્રિચીથી આવેલા 8 વર્ષીય બાળક મૃતદેહ મળ્યો હતો, જ્યારે ત્યારબાદ સવારે 9:22 કલાકે તેના કાકા કામરાજ રામલિંગમનો મૃતદેહ પણ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ સાથે જ ડેમમાંથી અત્યાર સુધીમાં કુલ 13 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.

આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા 13 લોકોમાં 8 મહિલાઓ અને 4 નિર્દોષ બાળકોનો સમાવેશ થાય છે. દુર્ઘટનાના પ્રથમ દિવસે 4, બીજા દિવસે 5 અને શનિવારે 2 બાળકોના મૃતદેહ મળ્યા હતા. આ દુર્ઘટનામાં સૌથી વધુ પીડા તમિલનાડુના ત્રિચીથી આવેલા પ્રવાસી પરિવારે સહન કરવાનું આવ્યું હતું. આ પરિવારના સાત સભ્યો મધ્યપ્રદેશમાં ફરવા આવ્યા હતા, જેમાંથી પાંચ સભ્યોના મોત નીપજ્યા હતા. આ પરિવારમાંથી હવે માત્ર બે જ સભ્યો જીવતા બચ્યા છે.

સત્તાધીશોના આંકડાઓ મુજબ, જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે ક્રૂઝ પર સવાર લોકોમાંથી 28 વ્યક્તિઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા, હાલ તેઓ જોખમથી બહાર હોવાનું જાણવા મળ્યું હતું. પ્રશાસને હવે સત્તાવાર રીતે રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ જાહેર કર્યું છે, કારણ કે હવે કોઈ અન્ય વ્યક્તિ ગુમ હોવાની માહિતી નથી. તેમ છતાં, સાવચેતીના ભાગરૂપે SDRF અને NDRFની ટીમો દ્વારા ડેમ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જેથી સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય.

બીજી તરફ, આટલી મોટી જાનહાનિ બાદ સમગ્ર વિસ્તારમાં સન્નાટો અને માતમ છવાયેલો છે. પોલીસ અને સ્થાનિક પ્રશાસન આ મામલે ઉંડી તપાસમાં જોતરાયું છે. તંત્રના જણાવ્યા અનુસાર, રવિવારે આખો દિવસ સર્ચિંગ અભિયાન ચાલુ રાખવામાં આવ્યું હતું. હવે તપાસનો મુખ્ય વિષય એ છે કે આટલી મોટી બેદરકારી કેવી રીતે થઈ અને આ કરુણ અકસ્માત માટે ખરેખર કોણ જવાબદાર છે. પ્રશાસન દ્વારા સુરક્ષાના નિયમોના ઉલ્લંઘન બદલ જવાબદારો સામે કડક કાર્યવાહીના સંકેત આપવામાં આવ્યા છે.