નવી દિલ્હીઃ દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી હુમલામાં ત્રણ પત્રકારોના મોત નીપજ્યા હતા. આ પત્રકારોમાં અલ-મનાર ટીવીના સંવાદદાતા અલી શોએબ અને અલ-માયાદીનના બે કર્મચારી-રિપોર્ટર ફાતિમા ફતૌની અને કેમેરામેન મોહમ્મદ ફતૌનીનો સમાવેશ થાય છે.
પ્રસારણકર્તાઓના જણાવ્યા અનુસાર આ હુમલો સ્થાનિક સમય મુજબ બપોરના સમયે જેઝીન શહેરમાં તેમના વાહન પર થયો હતો. ઇઝરાયલ સંરક્ષણ દળોએ શોએબને નિશાન બનાવીને મારી નાખવામાં આવ્યો હોવાની પુષ્ટિ કરી હતી. તેમણે શોએબને હિઝબુલ્લાહની રદવાન ફોર્સ સાથે સંકળાયેલો આતંકવાદી ગણાવ્યો હતો, જે વર્ષોથી પત્રકારના વેશમાં કામ કરી રહ્યો હતો. જો કે ઇઝરાયલી અધિકારીઓએ ફતૌનીના મૃત્યુ અંગે કોઇ ટિપ્પણી કરી ન હતી.
લેબનોનના નેતાઓએ આ હુમલાની નિંદા કરી હતી. દેશના પ્રમુખ જોસેફ આઉને તેને 'બેશરમ અપરાધ' ગણાવ્યો હતો. જેણે પત્રકારોને નિશાન બનાવીને આંતરરાષ્ટ્રીય કાયદાના સૌથી મૂળભૂત નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આખરે તેઓ પણ સામાન્ય નાગરિક જ છે અને તેની વ્યાવસાયિક ફરજો બજાવે છે.
વડા પ્રધાન નવાફ સલામે આ હુમલાને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું ઘોર ઉલ્લંઘન અને યુદ્ધ સમયે પત્રકારોની સુરક્ષાની ખાતરી આપતા નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું હતું. જ્યારે ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ એક નિવેદનમાં આ હત્યાઓને 'લક્ષિત હત્યા' અને 'આંતરરાષ્ટ્રીય કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન' ગણાવ્યું હતું.
આ દરમિયાન કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ્સ(સીપીજે)ના પ્રાદેશિક નિયામક સારા કુદાહે જણાવ્યું કે સીપીજે લેબનોનમાં પત્રકારો પર થયેલા તાજેતરના હુમલાની તપાસ કરી રહ્યું છે. લેબનોન પત્રકારો માટે જીવલેણ પ્રદેશ બનતો જાય છે. તેઓ પણ સામાન્ય નાગરિક હોય છે અને તેમને નિશાન બનાવવા જોઇએ નહીં.