Sun Apr 26 2026

Logo

હિજાબ ન પહેરતા છોડવું પડ્યું વતન, આજે હોલીવુડમાં ગાજે છે ગોલશિફ્તેહનું નામ

Tehran   1 month ago
Author: Tejas Rajpara
Article Image

તહેરાન: મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા વચ્ચે ઈરાનથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકા અને ઈઝરાયલના હુમલાઓ વચ્ચે ઈસ્લામિક રિપબ્લિકના સર્વોચ્ચ નેતા અલી ખમેનેઈના મોતના અહેવાલોએ ઈરાની જનતામાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જગાડ્યો છે. ખાસ કરીને વર્ષોથી કડક કાયદાઓ અને પાબંદીઓ હેઠળ જીવતી મહિલાઓ માટે આ ક્ષણ આઝાદીના જશ્ન જેવી સાબિત થઈ રહી છે. ઈરાનના રસ્તાઓ પર અનેક મહિલાઓ હિજાબ ફેંકીને ખુશી માનવી અને આઝાદીના નારા લગાવતી જોવા મળી છે. ખમેનેઈના શાસનકાળ દરમિયાન જે મહિલાઓએ અત્યાચાર સહન કર્યા હતા અને જેમને દેશ છોડવાની ફરજ પડી હતી, તેઓ હવે નવા સૂર્યોદયની આશા સેવી રહી છે.

ઈરાની મહિલાઓના સંઘર્ષની વાત આવે ત્યારે હોલીવુડ અભિનેત્રી ગોલશિફ્તેહ ફરહાનીનું નામ મોખરે આવે છે. 1983માં જન્મેલી ગોલશિફ્તેહનું બાળપણ બોમ્બ ધડાકા અને સાયરનોના અવાજ વચ્ચે તેહરાનમાં વીત્યું હતું. મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ઈરાનમાં છોકરી તરીકે જીવવું એટલું મુશ્કેલ હતું કે તે બાળપણમાં પોતાના વાળ કપાવીને છોકરા જેવો વેશ ધારણ કરતી, જેથી તે રસ્તા પર સાયકલ ચલાવી શકે અને છોકરાઓ સાથે રમી શકે. પોતાની ઓળખ છુપાવીને જીવવાની આ મજબૂરીએ જ તેને લડાયક બનાવી હતી. આજે તે ફ્રાન્સમાં સ્થાયી થઈ છે, પરંતુ તેના દિલમાં હજુ પણ પોતાના દેશના લોકો માટે વેદના અને પ્રેમ અકબંધ છે.

ગોલશિફ્તેહના જીવનમાં વર્ષ 2008માં એક મોટો વળાંક આવ્યો જ્યારે તેણે લિયોનાર્ડો ડિકેપ્રિયોની ફિલ્મ 'બોડી ઓફ લાઈઝ'માં કામ કર્યું. આ એક મોટો હોલીવુડ પ્રોજેક્ટ હતો, પરંતુ ફિલ્મમાં હિજાબ ન પહેરવાના કારણે તે કટ્ટરપંથીઓની નજરમાં આવી ગઈ. ઈરાની સત્તાવાળાઓએ તેના પર દબાણ વધાર્યું અને તેને હેરાન કરવામાં આવી, જેના કારણે તેણે પોતાનું ઘર અને વતન છોડીને ફ્રાન્સમાં શરણ લેવી પડી. તેણે જણાવ્યું હતું કે તેણે જીવન શું છે તે સમજતા પહેલા જ મૃત્યુનો અનુભવ કરી લીધો હતો, કારણ કે ઈરાનમાં યુદ્ધ અને ભય હંમેશા તેની આસપાસ હતા.

ગોલશિફ્તેહ આજે વિશ્વભરમાં 'એક્સટ્રેક્શન' જેવી એક્શન ફિલ્મો માટે જાણીતી છે, પરંતુ તે ઈરાની સ્ટોરીને પડદા પર લાવવાનું ક્યારેય ચૂકતી નથી. તેની ફિલ્મ 'રીડિંગ લોલિતા ઇન તેહરાન' તેની કારકિર્દીની ભાવનાત્મક ફિલ્મ સાબિત થઈ. આ ફિલ્મ એક એવી શિક્ષિકાની સત્ય ઘટના છે જે ગુપ્ત રીતે છોકરીઓને પશ્ચિમી પુસ્તકો વંચાવતી હતી, જેના પર ઈરાનમાં પ્રતિબંધ હતો. ગોલશિફ્તેહ માને છે કે સિનેમા એ શક્તિશાળી માધ્યમ છે જેના દ્વારા તે ઈરાની મહિલાઓની મૌન વેદનાને વિશ્વ સમક્ષ રજૂ કરી શકે છે. હાલમાં ઈરાનમાં ચાલી રહેલી મહિલાઓની આઝાદીની ચળવળમાં પણ તેનું મોટું યોગદાન માનવામાં આવે છે.