Sat Apr 25 2026

Logo

વૈશ્વિક કટોકટી વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય: 40 પેટ્રોકેમિકલ્સ પર કસ્ટમ ડ્યુટી નાબૂદ

3 weeks ago
Author: Mumbaisamachar Team
Article Image

નવી દિલ્હી: મધ્ય-પૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાવાને કારણે ભારતીય ઉદ્યોગો પર સતત વધી રહેલા આર્થિક દબાણને ઘટાડવા માટે કેન્દ્ર સરકારે કમર કસી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઉભી થયેલી અનિશ્ચિતતાની સીધી અસર ખેડૂતો અને સામાન્ય જનતા પર ન પડે તે હેતુથી નાણાં મંત્રાલયે એક મહત્વપૂર્ણ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. સરકારનો આ વ્યૂહાત્મક નિર્ણય ખાસ કરીને ખાતર અને કેમિકલ ઉદ્યોગ માટે સંકટ સમયની સાંકળ સાબિત થશે.

સરકારના નવા આદેશ અનુસાર, લગભગ 40 જેટલા પેટ્રોકેમિકલ કાચા માલ અને ઇન્ટરમીડિએટ્સના આયાત પરની કસ્ટમ ડ્યુટી નાબૂદ કરી દેવામાં આવી છે. આમાં એમોનિયમ નાઈટ્રેટ, મેથેનોલ, ફિનોલ, પીવીસી અને પોલીપ્રોપીલીન જેવા અત્યંત જરૂરી કેમિકલ્સનો સમાવેશ થાય છે. આ છૂટછાટ આજથી એટલે કે 2 એપ્રિલથી શરૂ થઈને 30 જૂન, 2026 સુધી અમલમાં રહેશે. આ નિર્ણય પાછળ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય લોકહિત અને ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતા જાળવી રાખવાનો છે.

ફર્ટિલાઈઝર કંપનીઓ માટે આ નિર્ણય સૌથી મોટી રાહત લાવ્યો છે. ખાતર બનાવવા માટે અનિવાર્ય એવા એમોનિયમ નાઈટ્રેટ પરની કસ્ટમ ડ્યુટી તો હટાવી જ દેવાઈ છે, સાથે તેના પર લાગતો એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ પણ માફ કરી દેવાયો છે. આનાથી ખાતરના ઉત્પાદન ખર્ચમાં મોટો ઘટાડો થશે, જેના કારણે બજારમાં ખાતરની અછત સર્જાશે નહીં અને તેની કિંમતો સ્થિર રાખવામાં મોટી મદદ મળશે, જે સીધો જ ખેડૂતોને ફાયદો કરાવશે.

માત્ર ખેતી જ નહીં, પણ આ છૂટછાટની અસર અનેક ક્ષેત્રોમાં જોવા મળશે. મેથેનોલ અને એસિટિક એસિડ જેવા બેઝિક કેમિકલ્સ પરની ડ્યુટી હટવાથી ફાર્માસ્યુટિકલ (દવા) ઉદ્યોગમાં ઉત્પાદન સરળ બનશે. આ ઉપરાંત, પ્લાસ્ટિક કાચા માલ પરની રાહતથી પેકેજિંગ, ઓટોમોબાઈલ પાર્ટ્સ, ઈલેક્ટ્રોનિક્સ અને કન્ઝ્યુમર ગુડ્સના ભાવ નિયંત્રણમાં રહેશે. એરોસ્પેસ અને ડિફેન્સ જેવા હાઈ-એન્ડ એન્જિનિયરિંગ સેક્ટરમાં વપરાતા મટિરિયલ પણ હવે સસ્તા દરે ઉપલબ્ધ થશે.

વૈશ્વિક સ્તરે યુદ્ધની સ્થિતિ હોવા છતાં, સરકારના આ પગલાથી સ્થાનિક બજારમાં સપ્લાયની અછત ઊભી નહીં થાય. ઉત્પાદન ખર્ચ ઘટવાને કારણે અંતિમ ઉત્પાદનોની કિંમતોમાં ઘટાડો થવાની સંભાવના છે, જે આડકતરી રીતે મોંઘવારીને કાબૂમાં રાખવામાં મદદરૂપ થશે. પીવીસી પાઈપ્સ, પેઈન્ટ્સ અને ઈન્સ્યુલેશન મટિરિયલના ઉત્પાદકોને પણ આ ‘કોસ્ટ રિલીફ પેકેજ’થી નવી ઉર્જા મળશે, જે બાંધકામ ક્ષેત્ર માટે પણ સારા સંકેત છે.