નવી દિલ્હી : પીએમ મોદી ઇંધણની બચત કરવાની કરેલી અપીલ બાદ ઇંધણના પુરવઠા અંગે લોકોની ચિંતામાં વધારો થયો છે. જેના પગલે પેટ્રોલિયમ મંત્રાલય બાદ હવે કેન્દ્રીય કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ લોકોને આશ્વાસન આપ્યું છે કે દેશના ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમજ હાલમાં દરરોજ 54,000 ટન એલપીજીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જેમાંથી 14.2 કિલોગ્રામના 3,802,817 ઘરેલુ ગેસ સિલિન્ડર ભરવા માટે પૂરતો છે.
45 દિવસ ચાલે તેટલો એલપીજી ઉપલબ્ધ
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ સીઆઈઆઈના સંમેલનમાં બોલતા જણાવ્યું હતું કે, હાલ દેશમાં 69 દિવસનો ક્રૂડ ઓઇલ અને એલએનજીનો જથ્થો છે. જ્યારે 45 દિવસ ચાલે તેટલો એલપીજી ઉપલબ્ધ છે. તેમજ મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે એલપીજી ઉત્પાદન 35,000 ટન પ્રતિ દિવસથી વધારીને 54,000 ટન પ્રતિ દિવસ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે પીએમ મોદીની ઇંધણ બચતની અપીલને સાવધાની તરીકે સમજવાની જરૂર છે.
પીએમ મોદીએ ઇંધણની બચત કરવા અપીલ કરી
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ રવિવારે જણાવ્યું હતું કે સરકાર મિડલ ઈસ્ટના તણાવના પ્રતિકૂળ પરિણામોથી લોકોને બચાવવા માટે પ્રયાસો કરી રહી છે. તેમણે અર્થતંત્રની સતત મજબૂતાઈ સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. જેમાં તેમણે ઇંધણનો સમજદારીપૂર્વક ઉપયોગ, સોનાની ખરીદી અને વિદેશ યાત્રા ટાળવા જણાવ્યું હતું.