Tue May 26 2026

Logo

પીએમ મોદીની 'નો ગોલ્ડ' અપીલ વચ્ચે ભારત દર વર્ષે કેટલું સોનું ઈમ્પોર્ટ કરે છે? આંકડાઓ જોઈ ચોંકી ઉઠશો...

1 week ago
Author: Darshana Visaria
Article Image

ભારત વિશ્વમાં સોનાના સૌથી મોટા ખરીદદારોમાંનું એક છે, પરંતુ સોનાની આ વધતી જતી 'ભૂખ' હવે દેશની વર્તમાન અર્થવ્યવસ્થા માટે ચિંતાનો એક વિષય બની રહી છે. હાલમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશવાસીઓને સોનું ન ખરીદવા માટે કરેલી અપીલ પાછળ પણ આ જ મજબૂત આર્થિક કારણો જવાબદાર છે. આ સિવાય સરકાર દ્વારા પણ સોના પરની 6 ટકાની ઈમ્પોર્ટન્ટ ડ્યૂટીમાં નવ ટકાનો વધારો કરીને 15 ટકા જેટલી કરવામાં આવી છે જેને કારણે સોનું-ચાંદી ખરીદવું મોંઘું બનશે. આવી સ્થિતિમાં ભારત દર વર્ષે કેટલું સોનું આયાત કરે છે... 

ભારત દર વર્ષે અંદાજે 700થી 800 ટન જેટલું સોનું આયાત કરે છે. આશ્ચર્ય પમાડે એવી વાત તો એ છે કે, ભારતની સોનાની કુલ જરૂરિયાતનો 90 ટકાથી 95 ટકા હિસ્સો વિદેશોથી મંગાવવામાં આવે છે, કારણ કે દેશમાં સોનાનું સ્થાનિક ઉત્પાદન ખૂબ જ ઓછું કે પછી ઓલમોસ્ટ નહિવત જેવું જ છે.

ભારતની સોનાની આયાતનું બિલ વિક્રમી સ્તર પર પહોંચી ગયું છે. 2025-26ના આંકડાઓ અનુસાર, ભારત સોનાની આયાત પાછળ અંદાજે 71.98 અબજ ડોલર એટલે કે આશરે 6 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. આટલી મોટી રકમ વિદેશી હૂંડિયામણ સ્વરૂપે બહાર જતી હોવાથી દેશના વિદેશી મુદ્રા ભંડાર પર ભારે દબાણ આવે છે.

વાત કરીએ ભારત કયા દેશો પાસેથી સોનું ખરીદે છે એની તો સ્વિટ્ઝરલેન્ડ એ ભારતની કુલ સોનાની આયાતમાં 40 ટકાવા યોગદાન સાથે આ દેશ સૌથી મોટો સોનાનો સપ્લાયર છે. ત્યાર બાદ યુનાઈટેડ આરબ અમીરાત (UAE), દક્ષિણ આફ્રિકા અને પેરુ જેવા દેશોમાંથી પણ ભારત મોટા પ્રમાણમાં સોનું મંગાવે છે.

ભારતમાં સોનાની સૌથી વધુ માંગ દક્ષિણ ભારતના રાજ્યોમાં જોવા મળે છે. કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેવા ભારતના રાજ્યો સોનાની માંગમાં સૌથી અગ્રેસર છે. તમને જાણીને નવાઈ લાગશે પણ એકલું કેરળ જ ભારતની કુલ સોનાની વપરાશમાં અંદાજે 20 ટકા હિસ્સો ધરાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં સોનાની માંગ વધવા પાછળના કારણોની વાત કરીએ તો લગ્નગાળો,અક્ષય તૃતીયા કે ધનતેરસ જેવા તહેવારો આ માગ વધવાનું સૌથી મોટું કારણ છે. ભારતીય પરિવારો સોનાને માત્ર ઘરેણું જ નહીં, પરંતુ આર્થિક અનિશ્ચિતતા સામે સૌથી સુરક્ષિત રોકાણ પણ માને છે. આ સિવાય સોનું એ રોકાણ માટેનું એક સુરક્ષિત અને વધુ વળતર આપતું માધ્યમ હોવાને કારણે પણ તેની માગણી વધારે હોય છે.