Sat Apr 25 2026

Logo

પશ્ચિમ એશિયાની કટોકટીનો ઓછાયો ચોખાની નિકાસ પર વર્ષ 2025-26માં નિકાસ 7.2 ટકા ઘટી

2 days ago
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ ગત ફેબ્રુઆરીના અંતથી ઉદ્ભવેલી પશ્ચિમ એશિયાની કટોકટીને કારણે ખાસ કરીને ગત માર્ચ મહિનામાં મધ્ય પૂર્વના દેશોમાં ચોખાની નિકાસ 15.36 ટકાના ઘટાડા સાથે 99.753 કરોડ ડૉલરની સપાટીએ રહેતાં ગત નાણાકીય વર્ષ 2025-26માં ચોખાની કુલ નિકાસ 7.5 ટકાના ઘટાડા સાથે 11.53 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. 

નોંધનીય બાબત એ છે કે ગત માર્ચ મહિનામાં અમેરિકા-ઈઝરાયલનાાં ઈરાન સાથેના યુદ્ધને પગલે ઈરાન, યુએઈ, સાઉદી અરેબિયા અને ઓમાન સહિતનાં મધ્ય પૂર્વના દેશો ખાતેના શિપમેન્ટ પર માઠી અસર પડી છે. ઈરાન ભારતીય ચોખાનો મુખ્ય આયાતકાર દેશ છે, પરંતુ યુદ્ધને કારણે અસ્થિરતાના માહોલમાં ઓર્ડર, પેમેન્ટ્સ અને શિપમેન્ટોના શિડ્યુલ ખોરવાઈ ગયા છે. 

અહેવાલો અનુસાર આયાતકારો તેનાં હાલના કમિટમેન્ટ્સ પૂરા પાડવામાં અક્ષમ હોવાનું અને ભારતને ચુકવણી અદા કરવા મુશ્કેલ થઈ રહ્યું હોવાનું જણાવતાં નિકાસ સામે અનિશ્ચિતતા ઘેરાયેલી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે નાણાકીય વર્ષ 2024-25માં ભારતે 172 કરતાં વધુ દેશોમાં 12.5 અબજ ડૉલરના મૂલ્યના  2.01 કરોડ ટન ચોખાની નિકાસ કરી હતી. 

ચોખાના વૈશ્વિક ઉત્પાદન અને નિકાસમાં ભારત મોખરાનું સ્થાન ધરાવે છે. વર્ષ 2024-25માં 4.7 કરોડ હેક્ટર વાવેતર વિસ્તારમાં દેશમાં 15 કરોડ ટન ચોખાનું ઉત્પાદન થયું હતું, જે વૈશ્વિક ઉત્પાદનનો 28 ટકા હિસ્સો રહ્યો હતો. તેમ જ બિયાંરણની ગુણવત્તામાં સુધારો, સારી કૃષિ પદ્ધતિ અને સિંચાઈ હેઠળના વાવેતર વિસ્તારમાં વધારો થવાથી નાણાકીય વર્ષ 2024-25માં ચોખાની હેક્ટરદીઠ ઊપજ જે વર્ષ 2014-15માં 2.72 ટનની હતી તે વધીને 3.2 ટનની સપાટીએ રહી હતી.