Sat Apr 25 2026

Logo

ગુજરાતમાં ક્યાં નોંધાયું સૌથી વધુ તાપમાન, અમદાવાદની શું છે હાલત

1 day ago
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને પ્રસરેલા રાજકીય ગરમાવા વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો પણ સતત વધી રહ્યો છે અને ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ દેખવા લાગ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી સાત દિવસ તાપમાનનો પારો ઊંચકાય તેવી શક્યતા છે. અમદાવાદમાં આજથી 6 દિવસ યલો એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં રાજકોટમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું.

ક્યાં કેટલું નોંધાયું તાપમાન

રાજકોટમાં 42.7 ડિગ્રી, અમરેલીમાં 42.5 ડિગ્રી, અમદાવાદમાં 41.5 ડિગ્રી, ભુજમાં 41 ડિગ્રી, ગાંધીનગરમાં 40 ડિગ્રી, વડોદરામાં 39.8 ડિગ્રી, ભાવનગરમાં 37.6 ડિગ્રી, દમણમાં 35.5 ડિગ્રી, ડીસામાં 39.2 ડિગ્રી, દ્વારકામાં 31.3 ડિગ્રી, કંડલામાં 39.6 ડિગ્રી, નલિયામાં 35.4 ડિગ્રી, ઓખામાં 33.7 ડિગ્રી, પોરબંદરમાં 33.9 ડિગ્રી, સુરતમાં 39.8 ડિગ્રી, વેરાવળમાં 31.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં ગરમીના પ્રકોપને જોતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 29 એપ્રિલ સુધી યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં આગામી દિવસોમાં ગરમી વધશે. 26 એપ્રિલના રોજ મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફની અસરના કારણે હાલ વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. 


હવામાન વિભાગ અનુસાર, આજથી એટલે કે 24 એપ્રિલ 2026થી 3 દિવસ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. જોકે ગરમીના આ પ્રકોપ બાદ ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની પણ શક્યતા છે. 25 એપ્રિલ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભાજવાળા પવનોના કારણે અસ્વસ્થતા અને બફારાનું પ્રમાણ પણ વધશે. ગરમ અને ભેજવાળી હવાના કારણે લોકોને પરસેવો અને ગભરામણ જેવી સમસ્યા થઈ શકે છે.

હાલમાં મધ્ય ટ્રોપોસ્ફિયરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. તેની સાથે જ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાનને અડીને આવેલા વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ ઉપરાંત, દક્ષિણ-પૂર્વ રાજસ્થાનથી ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી ગુજરાત પરથી એક ટ્રફ લાઇન પસાર થઈ રહી છે. જેની અસર હવામાન પર જોવા મળી રહી છે.