Sun May 03 2026

Logo

ગુજરાતમાં ગરમીથી રાહત મળશે? જાણો દેશમાં કેવું રહેશે હવામાન

1 day ago
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદ-નવી દિલ્હીઃ દેશના ઘણા રાજ્યોના વાતાવરણમાં ફરી એક વખત મોસમનો મિજાજ બદલાયો છે. હવામાન વિભાગે આજે દેશના અનેક રાજ્યમાં વરસાદ અને ભારે પવન ફૂંકવાની શક્યતા વ્યક્ત કરી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં આકરો તાપ લોકોને અકળાવશે.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં  આગામી 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, ત્યારબાદ સમગ્ર રાજ્યમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેવાની સંભાવના છે. જોકે, અમદાવાદનું તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં 5થી 7 મે વચ્ચે કે તેની આસપાસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને પૂર્વ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. 

દેશના અન્ય રાજ્યોમાં કેવો રહેશે મોસમનો મિજાજ
દિલ્હીમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન 38 થી 41 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશના મોટાભાગના જિલ્લામાં આજે આકરા તાપનો સામનો કરવો પડશે. મહત્તમ તાપમાન 40 થી 43 ડિગ્રી વચ્ચે રહી શકે છે.  બિહારમાં મિશ્ર હવામાન રહેવાની આશંકા છે. કેટલીક જગ્યાએ ભીષણ ગરમી તો કેટલીક જગ્યાએ આંધી સાથે વરસાદની શક્યતા છે. 

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં હળવા વરસાદ અને ગાજવીજનું એલર્ટ  આપવામાં આવ્યું છે. તાપમાન 20 થી 28 ડિગ્રી વચ્ચે રહી શકે છે. આ ઉપરાંત પંજાબ, હરિયાણામાં હળવા વાદળ છવાયેલા રહેશે. રાજસ્થાનમાં આજે લોકોએ ભીષણ ગરમીનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર અહીંયા તાપમાન 45-47 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

દક્ષિણ ભારતના રાજ્યો કેરળ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગ પ્રમાણે પ્રી મોન્સૂન એક્ટિવટીના કારણે અનેક વિસ્તારમાં હળવા વરસાદની સાથે ગાજવીજની શક્યતા છે. આ રાજ્યોમાં તાપમાન 30-33 ડિગ્રી વચ્ચે રહેવાની આશંકા છે.