Sat Apr 25 2026

Logo

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: 11,૦૦૦ વિદ્યાસહાયકોની ભરતીની સત્તાવાર જાહેરાત

3 weeks ago
Author: Mumbaisamachar Team
Article Image

ગાંધીનગર: ગુજરાતના શૈક્ષણિક માળખાને વધુ મજબૂત બનાવવાના આશય સાથે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડવા માંગતા રાજ્યના હજારો શિક્ષિત બેરોજગારો માટે આ સમાચાર કોઈ મોટી ભેટ સમાન છે. ખાસ કરીને પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા અને લાંબા સમયથી પડતર માંગણીઓને સંતોષવા માટે સરકાર હવે એક્શન મોડમાં આવી હોય તેવું જણાઈ રહ્યું છે. આ જાહેરાતથી TET-1 પાસ ઉમેદવારોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 5 ના ગુજરાતી માધ્યમ માટે કુલ 11000 વિદ્યાસહાયકો (વર્ગ-૩) ની ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન અને પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવશે. રસ ધરાવતા અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો 15 એપ્રિલ, 2026 ના રોજ સવારે 12:00 વાગ્યાથી ફોર્મ ભરવાની શરૂઆત કરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ, 2026 ના રોજ બપોરે 3:૦૦ વાગ્યા સુધી નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોએ http://dpegujarat.in વેબસાઇટ પર જઈને પોતાની વિગતો ભરવાની રહેશે.

આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે TET-1 પરીક્ષા પાસ કરેલી હોવી અનિવાર્ય છે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરવાના હેતુથી આ મોટી ભરતીનું આયોજન થયું છે. આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાવાર ખાલી જગ્યાઓ, અનામત બેઠકોની વિગતો અને મેરિટ યાદી અંગેની વિગતવાર સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સમયમર્યાદા પૂરી થાય તે પહેલા જરૂરી દસ્તાવેજો તૈયાર રાખી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી લે, જેથી અંતિમ દિવસોમાં સર્વરની સમસ્યાનો સામનો ન કરવો પડે.

વિદ્યાસહાયકોની ભરતીની સાથે સાથે રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા TAT (Higher Secondary) પરીક્ષાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ પરીક્ષા આગામી 12 એપ્રિલ, 2026 ના રોજ યોજાવાની છે. પરીક્ષા આપનાર ઉમેદવારો આજથી એટલે કે 1 એપ્રિલ, 2026 ના રોજ બપોરે 2:00 વાગ્યાથી OJAS અથવા SEB ની ઓફિશિયલ વેબસાઇટ પરથી પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. 12 એપ્રિલના રોજ બપોરે 12:૦૦ વાગ્યા સુધી જ કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે, જેની ખાસ નોંધ લેવા ઉમેદવારોને જણાવાયું છે.