Sun May 10 2026

Logo

મતદાર યાદીમાંથી હજારો નામ રદ કરવાના  મામલે ગુજરાત હાઇકોર્ટની સરકાર અને ચૂંટણી પંચને નોટિસ

1 hour ago
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ મતદાર યાદી સુધારણા (સર) પ્રક્રિયા દરમિયાન રાજ્યના અમુક વિસ્તારોમાં ચોક્કસ સમુદાયના અસલ મતદારોના નામો કાઢી નાખવાના આક્ષેપની અરજી પર ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ચૂંટણી સત્તાધિકારીઓને બે અલગ-અલગ અરજીઓ પર કારણદર્શક નોટિસ ફટકારીને જવાબ માંગ્યો હતો. આ મામલાની ગંભીરતાને જોતા અરજદારોએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસની માંગ કરી હતી. આ અંગે આગામી સુનાવણી 7 જુલાઈના રોજ થશે.

મળતી વિગતો અનુસાર, આ અરજીઓ ગીર સોમનાથના કોડિનાર અને પાટણના સિદ્ધપુર વિસ્તારના નાગરિકો અને કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી હતી. ગીર સોમનાથના નાગરિકનો આક્ષેપ છે કે માત્ર 47 વ્યક્તિઓએ એકસાથે 6,722 જેટલા 'ફોર્મ નંબર 7' ભરીને હજારો મતદારોના નામ રદ કરવાની માંગ કરી હતી, જેમાં તેમનું નામ પણ સામેલ હતું. તેવી જ રીતે, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને જમિયત ઉલેમા-એ-હિન્દના અગ્રણીઓએ પણ રજૂઆત કરી હતી કે કોઈ પણ પ્રકારની કાયદેસરની ખરાઈ કર્યા વિના જથ્થાબંધ વાંધા અરજીઓ દાખલ કરીને મતદારોને મતાધિકારથી વંચિત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અરજદારોની મુખ્ય દલીલ છે કે 'ફોર્મ નંબર 7' માં ખોટી વિગતો ભરવી એ ફોજદારી ગુનો બને છે. અરજીમાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારી અને સ્થાનિક પોલીસ સત્તાધિકારીઓને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે.