Tue May 26 2026

Logo

ગુજરાત સ્થાપના દિવસ: જાણો રાજ્યના 20 રોચક અને અજાણ્યા તથ્યો

3 weeks ago
Author: MayurKumar Patel
Article Image

લાંબો દરિયાકિનારો, ડાયમંડ હબ અને ઐતિહાસિક વારસો – આપણું ગરવી ગુજરાત

પહેલી મેના ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ અને કરોડો ગુજરાતીઓ આજે હરખથી સ્થાપના દિવસની કરશે ઉજવણી. 1960માં તત્કાલીન બોમ્બે રાજ્યનું ભાષાકીય ધોરણે વિભાજન કરવામાં આવ્યું હતું અને ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા. આજે, આપણે ગુજરાતને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ તરીકે જાણીએ છીએ. તે દેશનું ડાયમંડ હબ પણ છે, અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા – સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ખ્યાતિ મેળવી છે. પરંતુ ગુજરાતના કેટલાક એવા રોચક તથ્યો છે જેનાથી લોકો અજાણ છે.

* ગુજરાત ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. તે 1600 કિમી લાંબો છે અને ભારતના આ પશ્ચિમી રાજ્યનો કોઈ પણ ભાગ સમુદ્રથી 160 કિમીથી વધુ દૂર નથી.

* ભારતનું પ્રથમ બંદર ગુજરાતના લોથલ ખાતે સ્થાપિત કરવામાં આવ્યું હતું, જે હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ છે.

* ગુજરાત 17 એરપોર્ટ સાથે ભારતનું સૌથી વધુ કાર્યરત એરપોર્ટ ધરાવતું રાજ્ય છે.

* સિંધુ ખીણની સંસ્કૃતિના કેટલાક મુખ્ય મહાનગરો જેમ કે લોથલ, ધોળાવીરા આધુનિક ગુજરાતનો ભાગ છે, જે આ રાજ્યને સિંધુ ખીણની સભ્યતાના મુખ્ય કેન્દ્રોમાંનું એક બનાવે છે.

* ફાસ્ટ ફૂડ બ્રાન્ડ ડોમિનોઝ, પિઝા હટ અને સબવેના વિશ્વના પ્રથમ 'વેજિટેરિયન આઉટલેટ્સ' (શાકાહારી કેન્દ્રો) અમદાવાદમાં ખોલવામાં આવ્યા હતા.

* ગુજરાત ભારતનું એકમાત્ર  એવું સ્થળ છે જ્યાં એશિયાટિક સિંહ જોવા મળે છે.

* ગુજરાત ભારતના સૌથી મોટા હીરા કેન્દ્રોમાંનું એક ધરાવે છે. ગુજરાતનું સુરત શહેર હીરા કટિંગ અને પોલિશિંગ માટે લોકપ્રિય છે. આ શહેર વિશ્વના લગભગ 80 ટકા હીરાને રિફાઇન કરે છે, જે સુરતને માથાદીઠ આવકની દ્રષ્ટિએ ભારતના સૌથી ધનિક શહેરોમાંનું એક બનાવે છે.

* ગુજરાત ભારતમાં દૂધનું સૌથી મોટું ઉત્પાદક છે. ગુજરાતના આણંદમાં આવેલી ભારતીય ડેરી સહકારી સંસ્થા અમૂલ વિશ્વભરમાં દૂધના સૌથી મોટા ઉત્પાદકોમાંની એક છે.

* વડોદરામાં આવેલો લક્ષ્મી વિલાસ પેલેસ ભારતમાં બનેલું સૌથી મોટું ખાનગી નિવાસસ્થાન છે. તે લંડનના બકિંગહામ પેલેસ કરતા ચાર ગણું મોટું છે.

* ગુજરાતનો કચ્છ જિલ્લો ભારતનો સૌથી મોટો જિલ્લો અને સૌથી મોટું મીઠાનું રણ છે. તે 45,674 ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલો છે.

* ભારતનો પ્રથમ મરીન નેશનલ પાર્ક (સમુદ્રી રાષ્ટ્રીય ઉદ્યાન) ગુજરાતમાં આવેલો છે.

* ગુજરાતમાં આવેલું ભારતીય ઘુડખર અભયારણ્ય પૃથ્વી પરના એવા છેલ્લા સ્થાનોમાંનું એક છે. જ્યાં લુપ્તપ્રાય વન્ય ગધેડાની પેટા-પ્રજાતિ ભારતીય ઘુડખર જોઈ શકાય છે.

* સરદાર સરોવર ડેમ, જેની નજીક પ્રખ્યાત પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે, તે અમેરિકાના કોલંબિયા નદી પરના ગ્રાન્ડ કુલી ડેમ પછી વપરાયેલા કોંક્રિટના જથ્થાની દ્રષ્ટિએ વિશ્વનો બીજો સૌથી મોટો કોંક્રિટ ડેમ છે.

* અમદાવાદની ન્યુ લકી રેસ્ટોરન્ટમાં, ગ્રાહકો 12 કબર વચ્ચે ગોઠવાયેલા ટેબલ પર બેસીને ભોજન લે છે.
* ભુજ પાસે આવેલું માંડવી એક એવું દરિયાકાંઠાનું સ્થળ છે, જ્યાં 400 વર્ષ જૂની જહાજ બનાવવાની પરંપરા ધરાવે છે.

* ગુજરાતના કચ્છ જિલ્લાના આર્મબાડા નામના શહેરમાં વિશ્વનું પ્રથમ એવું તળાવ છે જ્યાં 'અપસાઈડ ડાઉન જેલીફિશ' નામની દુર્લભ પ્રજાતિ રહે છે.

* ગુજરાત દર વર્ષે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરે છે. આ સપ્તાહ લાંબા ઉત્સવમાં વિશ્વભરના પતંગ રસિયાઓ ભાગ લે છે.

* અમદાવાદમાં આવેલું પતંગ બજાર, જાન્યુઆરીમાં યોજાતા વાર્ષિક આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના સપ્તાહ ઉત્તરાયણ દરમિયાન 24x7 ખુલ્લું રહે છે.

* ગુજરાત પાસે લેહના મેગ્નેટિક હિલનું પોતાનું વર્ઝન છે. ગુજરાતના અમરેલી જિલ્લા પાસે તુલસીશ્યામની ટેકરીઓ ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ કામ કરે છે - લેહના મેગ્નેટિક હિલની જેમ અહીં પણ વસ્તુઓ અને કાર ટેકરી પર ઉપરની તરફ જતી જણાય છે.

* ગુજરાતનું અમદાવાદ હવે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઘર છે. આ નવા સ્ટેડિયમમાં 1,10,000 પ્રેક્ષકો બેસી શકે છે અને 3000 કાર તથા 10,000 ટુ-વ્હીલર માટે પાર્કિંગની જગ્યા છે.