(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મધ્યપૂર્વના દેશોમાં ભૂરાજકીય તણાવ વધતા આજે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં તીવ્ર ઉછાળો આવ્યો હતો અને ક્રૂડતેલના ભાવ વધી આવતા ફુગાવામાં વધારો થવાની શક્યતા પ્રબળ બની હતી. તેમ જ ફુગાવો વધતાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા મંદ પડતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીમાં રોકાણકારોની નવી લેવાલીનો અભાવ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું.
આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 667નો અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 76થી 77નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 48 પૈસા નબળો પડ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાથી વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને વધુ ભાવઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ આગલા બંધ સામે કિલોદીઠ રૂ. 667ના ઘટાડા સાથે રૂ. 2,60,056ના મથાળે રહ્યા હતા.
તેમ જ આજે સોનામાં પણ ભાવમાં નરમાઈનું વલણ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 76 ઘટીને રૂ. 1,58,039 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 77 ઘટીને રૂ. 1,58,674ના મથાળે રહ્યા હતા. જોકે, વધુ ભાવઘટાડાના આશાવાદે સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 1.2 ટકા ઘટીને આૈંસદીઠ 5109.39 ડૉલર આસપાસ અને એપ્રિલ ડિલિવરી વાયદામાં ભાવ 0.8 ટકા ઘટીને 5118.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 0.3 ટકા ઘટીને આૈંસદીઠ 84.07 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના ભાવ વધી આવતાં ફુગાવામાં વધારો અપેક્ષિત હોવાથી આજે વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહ્યું હતું, પરંતુ જો ફુગાવામાં વધારો થાય તો અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા થનારી વ્યાજદરમાં કપાત વિલંબિત થવાની શક્યતાને ધ્યાનમાં લેતા સોના-ચાંદીના ભાવ દબાણ હેઠળ રહ્યા હોવાનું યુબીએસના વિશ્લેષક જિઓવન્ની સ્ટુનોવોએ જણાવ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે આજે ક્રૂડતેલના ભાવ વધતાં એશિયન ઈક્વિટી બજારોમાં નરમાઈ જોવા મળી હતી અને ડૉલર ઈન્ડેક્સ ત્રણ મહિનાની ટોચે પહોંચ્યો હોવાથી પણ સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું વર્તુળો જણાવ્યું હતું.
દરમિયાન આજે ઈરાને તેના સુપ્રીમ લીડર તરીકે મોજતબા ખામેનીઈના નામની જાહેરાત કરી હતી. જોકે, હવે રોકાણકારોની નજર અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી 17-18 માર્ચની નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ છે. જોકે, સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનામાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી 51 ટકા શક્યતા બજાર વર્તુળો મૂકી રહ્યા હતા તે હવે 43 ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.