Wed Apr 29 2026

Logo

આરોગ્ય એક્સપ્રેસઃ તમને ફટીગ-થાકનો અનુભવ થાય છે?

1 day ago
Author: Rajesh Yagnik
Article Image

રાજેશ યાજ્ઞિક

ઘણીવાર આપણે ઘરમાં બેસતાંવેંત હા...શ કહીને થાક ઉતારીએ છીએ. થાક લાગવો આમ તો આપણને કોઈ વિશેષ ચિંતાનું કારણ ન લાગે. ઉનાળાની ઋતુમાં ગરમીને કારણે થાક લાગતો હશે તેવું માનીએ, ક્યારેક વધારે કામ કર્યું હોવાથી થાક લાગ્યો હોવાનું લાગે.

અંગ્રેજીમાં જેને આપણે ફટીગ (રફશિંલીય) કહીએ છીએ તેની વ્યાખ્યા અતિશય થાક છે. અનેક લોકોને સવારના ઊઠે ત્યારે પણ તીવ્ર થાક વર્તાય છે અને ઊઠીને દિવસ પસાર કરવો મુશ્કેલ લાગે છે. શા માટે થાય છે આવું?

ફટીગનાં કારણોમાં ઘણી પરિસ્થિતિઓ અને જીવનશૈલી જવાબદાર હોઈ શકે છે. તમે તમારી આદતો બદલીને તેને દૂર કરી શકો છો.

જો કોઈ અન્ય આરોગ્યનાં કારણોને લીધે આ સ્થિતિ હોય તો તબીબ તેનું નિરાકરણ લાવવામાં મદદ કરી શકે છે.

દરેક વ્યક્તિને ક્યારેકને ક્યારેક થાક લાગે છે, પરંતુ ફટીગ એટલે અતિશય થાક લાગવો. અતિશય થાકને કારણે સવારે ઊઠવું, કામ પર જવું, તમારી સામાન્ય પ્રવૃત્તિઓ કરવી અને દિવસ પસાર કરવો મુશ્કેલ બને છે. થાક એવો લાગે છે કે તમને ઊંઘવાની અતિશય ઇચ્છા હોય છે, પરંતુ આરામ કર્યા પછી કે ઊંઘ લીધા પછી પણ તમને તાજગી ન લાગે.

ફટીગની સાથે ઘણીવાર અન્ય લક્ષણો પણ જોવા મળે છે, જેમ કે: ડિપ્રેશન અને તમને જે પ્રવૃત્તિઓનો આનંદ માણતા હતા તે કરવાની ઇચ્છાનો અભાવ, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, ખૂબ ઓછી ઊર્જા અને ઉત્સાહનો અભાવ, નર્વસનેસ, ચિંતા અને ચીડિયાપણું, સ્નાયુમાં દુખાવો અને નબળાઈ, વગેરે. તે ઉપરાંત, થાકેલી આંખો કે પગ, ખભા જકડાઈ જવા, અસ્વસ્થતા, કંટાળો અને અધીરાઈ જેવી લાગણી પણ જોવા મળે છે.

ઘણી પરિસ્થિતિ, વિકાર, દવાઓ અને જીવનશૈલીનાં પરિબળો ફટીગનું કારણ બની શકે છે. ફટીગ કામચલાઉ હોઈ શકે છે,અથવા તે ક્રોનિક સ્થિતિ (છ મહિના કે તેથી વધુ સમય સુધી ચાલે) હોઈ શકે છે. મહત્ત્વનું છે તેનાં  કારણો જાણવાનું. કેમ કે તેના વિના તેનો ઈલાજ કેવી રીતે થાય? 

જીવનશૈલી 

ખરાબ આહાર, વધુ પડતું મદ્યપાન, ગેરકાયદેસર ડ્રગનો ઉપયોગ, તણાવ, બર્નઆઉટ, નિષ્ક્રિય (બેઠાડુ) જીવનશૈલી અને જેટ લેગ જેવી જીવનશૈલીને લગતાં કારણોથી ફટીગ થઇ શકે છે.

ઊંઘની વિકૃતિઓ

અનિદ્રા, સ્લીપ એપનિયા, નાર્કોલેપ્સી, શિફ્ટ વર્ક સ્લીપ ડિસઓર્ડર જેવી ઊંઘને લગતી સમસ્યાઓને કારણે પણ ફટીગનો અનુભવ થાય છે.

તબીબો દ્વારા કોઈ અન્ય આરોગ્યને લગતી સમસ્યા માટે જે દવાઓ લેવાની સલાહ અપાઈ હોય તેમાંથી કેટલીક દવાને કારણે પણ ફટીગ થાય છે. શરીરના વિવિધ ભાગોને અસર કરતા વિવિધ રોગ, વિકારો અને ખામીઓની આડઅસર રૂપે પણ ફટીગ જોવા મળે છે. જેમકે ...

એચ.આઈ.વી., કોવિડ-19, ઈન્ફલ્યુએન્ઝા, ન્યુમોનિયા, લાઇમ રોગ અને હૃદય અને ફેફસાંની કેટલીક સમસ્યાઓ ફટીગનું કારણ બની શકે છે. ડિપ્રેશન અને એન્ક્ઝાઈટી જેવી માનસિક સ્થિતિ પણ ફટીગ તરફ દોરી જાય છે.

આના પરથી તમને અંદાજ આવી ગયો હશે કે જીવનની નાની-મોટી ઘણી બાબત એવી છે, જેને કારણે અતિશય થાક અનુભવાય છે, 

અને આ લિસ્ટ તો હજી ઘણું લાંબું છે ...ઉમેરવાની જરૂર ખરી કે, એનિમિયા અને અન્ય વિટામિનની ઊણપ (જેમ કે વિટામિન ડી અથવા વિટામિન બી12) ઘણીવાર થાક માટે જવાબદાર હોય છે?

ફટીગ માટે તબીબ પાસે હંમેશાં જવું જ પડે તેવું જરૂરી નથી. ઘરગથ્થુ રીતે કેવી રીતે રાહત મેળવી શકાય તે આપણે જાણીએ. હા, પણ જો સતત અને લાંબો સમય સુધી સમસ્યા રહે તો તબીબને ચોક્કસ બતાવવું જોઈએ.

સૌથી પહેલા, દરરોજ રાત્રે સાતથી નવ કલાકની ઊંઘ લેવાનું લક્ષ્ય રાખો. સૂતા પહેલા કેફીનનું સેવન ટાળો, ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ ન કરો અથવા કસરત પણ ન કરો. દરરોજ એક જ સમયે સૂવાનો અને ઊઠવાનો પ્રયાસ કરો.

ડ્રગ અને દારૂનું સેવન આરોગ્ય માટે હાનિકારક છે, તેનું સેવન બંધ કરવું જ જોઈએ.
સંતુલિત આહાર અને પુષ્કળ પાણી તમારા શરીરને પોષણ આપશે અને હાઇડ્રેટેડ રાખશે.
યોગ, ધ્યાન અને યોગ્ય સમયે નિયમિત કસરત તમને તણાવ દૂર કરવામાં અને વધુ ઊર્જા મેળવવામાં મદદ કરી શકે છે.

તમારું વજન વધારે પડતું હોય કે વધારે ઓછું હોય તો તબીબની સલાહ, યોગ્ય આહાર સાથે યોગ્ય વજન પર પહોંચવું પણ એટલું જ જરૂરી છે.

જો તમને થાક સાથે અન્ય લક્ષણો પણ જોવા મળે તો તબીબ પાસે તરત જેવું જોઈએ. જેમકે, શ્વાસ લેવામાં તકલીફ અથવા છાતી, હાથ અથવા પીઠના ઉપરના ભાગમાં દુખાવો થાય, અસામાન્ય રીતે ઝડપી (ટાકીકાર્ડિયા) અથવા ધીમા હૃદયના ધબકારા (બ્રેડીકાર્ડિયા), માથાનો દુખાવો અથવા દ્રષ્ટિની સમસ્યાઓ (ખાસ કરીને જો તમને તાજેતરમાં માથામાં વાગ્યું હોય), વગેરે.