ભુજઃ ભુજ-ખાવડા માર્ગ પર દદ્ધર અને સાધારા વચ્ચે પુલિયાના નિર્માણ માટે ખોદાયેલા ઊંડા ખાડામાં કાર અને બે મોટરસાઈકલ ખાબકતા ત્રણ વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતાં જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા. આ ગંભીર બેદરકારી બદલ ખાવડા પોલીસે જવાબદાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માધાપરના આમદ ઈબ્રાહીમ સમા દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ ગત રાત્રે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી સ્વજનોને રજા મળતા સ્વિફ્ટ કાર લઈને જુણા ગામ જઈ રહ્યા હતા. રાત્રિના અંધારામાં દદ્ધર-સાધારા વચ્ચે નાળું બનાવવા માટે ખોદાયેલો મોટો ખાડો દેખાયો નહોતો. ત્યાં કોઈ સાઈન બોર્ડ, ડાયવર્ઝન કે રક્ષણાત્મક આડશ મૂકવામાં આવી ન હોવાથી કાર સીધી ખાડામાં ખાબકી હતી.સ્વીફ્ટ કારમાં સવાર નૂરબાઈ જુમા સમા અને રેહાનાબાઈ હકીમ સમાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ ઉપરાંત સાધારા તરફથી આવતી અન્ય એક મોટરસાઇકલ ચાલક જુમા અલુ કલરનું ખાડામાં પડ્યા બાદ માથામાં ગંભીર ઈજા થવાને કારણે મોત નીપજ્યું હતું.
આ દુર્ઘટનામાં ફરિયાદી આમદ સમા, તેમના સસરા લતીફ અને પુત્રી અફસીનને ઈજાઓ પહોંચી હતી. જ્યારે સાધારા તરફથી આવતી બે મોટર સાયકલ પર સવાર ઉંમર હસન વાંઢા, ઈબ્રાહીમ હુસેન સમા અને મુસ્તફા અલુ કલરને ગંભીરથી સામાન્ય ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પુલના નિર્માણ કાર્યમાં ગંભીર લાપરવાહી દાખવનાર અને જરૂરી સુરક્ષાના સાધનો ન મૂકનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ખાવડા પોલીસે ગુનો દાખલ કર્યો છે. અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.
(ઉત્સવ વૈદ્ય)