દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
કોલકાતા 180 રન પર ઑલઆઉટ, `કરોડોપતિ' ગ્રીન છેક છઠ્ઠી મૅચમાં ચમક્યો
અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે કોલકાતા નાઇટરાઇડર્સે 20 ઓવરમાં 180 રન કર્યા છે. ચાર મૅચની ફ્લૉપ ઇનિંગ્સ બાદ અને એક મૅચમાં અણનમ 32 રન કરનાર ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન કૅમેરન ગ્રીન (79 રન, પંચાવન બૉલ, ચાર સિક્સર, સાત ફોર) છેક છઠ્ઠી મૅચમાં સારું રમતો જોવા મળ્યો. તે ઇનિંગ્સના અંતિમ બૉલ પર આઉટ થયો હતો. કોલકાતાનું ફ્રૅન્ચાઇઝી તેને એક સીઝન રમવાના 25.20 કરોડ રૂપિયા આપે છે. ગુજરાત વતી રબાડાએ ત્રણ તેમ જ સિરાજ અને અશોક શર્માએ બે-બે વિકેટ લીધી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો, ઇરાન યુરેનિયમ જથ્થો અમેરિકાને સોંપવા રાજી
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે. જેમાં ટ્રમ્પે કહ્યું છે કે ઇરાન તેના યુરેનિયમનો જથ્થો અમેરિકાને સોંપવા રાજી થયું છે. જ્યારે ઈરાની મીડિયાએ ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે ટ્રમ્પ પાયાવિહોણા નિવેદનો આપી રહ્યા છે.
રહાણેએ પ્રથમ બૅટિંગ લીધી અને પોતે પહેલા જ બૉલ પર આઉટ
કોલકાતાના કૅપ્ટન અજિંક્ય રહાણેએ અમદાવાદમાં ગુજરાત સામે પહેલા બૅટિંગ કરવાનું નક્કી કર્યું, પરંતુ પોતાના પહેલા જ બૉલમાં વિકેટ ગુમાવી દીધી. ગુજરાતના મોહમ્મદ સિરાજે તેને મિડ-ઑન નજીક કૅગિસો રબાડાના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. મોટા નામવાળા બૅટ્સમેનો ગોલ્ડન ડકનો શિકાર થતા હોય એવું આ વખતે વારંવાર જોવા મળી રહ્યું છે. ટી-20 ઇન્ટરનૅશનલનો વર્લ્ડ નંબર-વન રાજસ્થાનનો અભિષેક શર્મા તાજેતરમાં હૈદરાબાદ સામે પહેલા બૉલમાં આઉટ થયો એ જ મૅચમાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ પણ પોતાના પ્રથમ બૉલમાં વિકેટ ગુમાવી હતી. ગુરુવારે પંજાબ સામે સૂર્યકુમાર ગોલ્ડન ડકનો શિકાર થયો ત્યાર બાદ હવે રહાણેએ ચાહકોને નિરાશ કર્યા. કોલકાતાના પાંચ રનના સ્કોર પર રહાણે આઉટ થયો ત્યાર પછી 21મા રને અંગક્રિશ રઘુવંશી પણ પૅવિલિયન ભેગો થયો હતો. તેને રબાડાએ વિકેટકીપર બટલરના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. ઓપનર ટિમ સિફર્ટ 12 રને રમી રહ્યો હતો.
ગુજરાત સામે કોલકાતાએ પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય લીધો
અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે કોલકાતા નાઇટ રાઇડર્સના કૅપ્ટન અજિંક્ય રહાણેએ ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ વખતે સામાન્ય રીતે મોટા ભાગના કૅપ્ટનો મૅચમાં પછીથી ભેજની અસર થઈ શકે એવું માનીને ટૉસ જીતીને ફીલ્ડિંગ લેતા હોય છે, પણ રહાણેએ પ્રથમ બૅટિંગ લઈને યજમાન ગુજરાતની ટીમને લક્ષ્યાંક ચેઝ કરવાની તક આપી છે. ગુજરાતની ટીમમાં કોઈ ફેરફાર નથી કરાયો, જ્યારે કોલકાતાની ટીમમાં ફિન ઍલનના સ્થાને ટિમ સિફર્ટને ઇલેવનમાં સમાવાયો છે. ગુજરાતની ટીમઃ ગિલ (કૅપ્ટન), સુદર્શન, બટલર (વિકેટકીપર), સુંદર, ફિલિપ્સ, તેવાટિયા, રાશીદ, રબાડા, અશોક શર્મા, ક્રિષ્ના, સિરાજ અને (ઇમ્પૅક્ટ પ્લેયર્સ) હોલ્ડર, એમ. શાહરુખ, સુથાર, ખેજરોલિયા અને રાવત. કોલકાતાની ટીમઃ રહાણે (કૅપ્ટન), સિફર્ટ (વિકેટકીપર), નારાયણ, અંગક્રિશ, ગ્રીન, રિન્કુ, રમણદીપ, પૉવેલ, અનુકૂલ રૉય, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી અને (ઇમ્પૅક્ટ પ્લેયર્સ) વરુણ, પાન્ડે, ઍલન, તેજસ્વી અને સૈની.
લોકસભામાં અમિત શાહનો પલટવાર, કહ્યું સીમાંકનનો વિરોધ SC-ST બેઠકનો વિરોધ
લોકસભામાં મહિલા અનામત બિલ અને સીમાંકન બિલ અંગે ચાલી રહેલી ચર્ચાનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જવાબ આપી રહ્યા છે. અમિત શાહે જણાવ્યું હતું કે મહિલા અનામત સામે કોઈએ વાંધો ઉઠાવ્યો નથી. પરંતુ ઇન્ડી ગઠબંધનના તમામ સભ્યોએ જો અને પરંતુનો આશરો લઈને તેનો વિરોધ કર્યો છે. તેમજ સીમાંકનનો વિરોધ કરી રહેલા વાસ્તવમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠકોમાં વધારાનો વિરોધ કરી રહ્યા છે.
સંસદમાં રાહુલ ગાંધીના નિવેદનથી હોબાળો, માફીની માંગ
લોકસભામાં મહિલા અનામત બિલ પર ચર્ચા દરમિયાન વિપક્ષ નેતા રાહુલ ગાંધીના નિવેદને રાજકીય વિવાદ સર્જ્યો છે. જેના પગલે સત્તાધારી પક્ષ અને વિપક્ષ આમને સામને આવી ગયો હતો.તેમજ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે
રાહુલ ગાંધીએ દેશની માફી માંગવી જોઇએ તેવી માંગ પણ કરી હતી
રાહુલ ગાંધીએ કહ્યું કે મારે અને પીએમ મોદીને વાઇફ ઇસ્યુ નથી, સંસદમાં હાસ્ય રેલાયું
લોકસભામાં મહિલા અનામત સુધારા બિલ પર ચર્ચા ચાલી રહી છે. જોકે, આ ચર્ચામાં બોલતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદને સાંસદોને હસવા પર મજબૂર કરી દીધા હતા. તેમણે બિલને મહિલાઓને આગળ ધરીને રાજકીય એજન્ડા પાર કરનારું બિલ ગણાવ્યું હતું. તેમણે મજાકમાં કહ્યું હતું કે મારે અને પીએમ મોદીને વાઇફ ઇસ્યુ નથી. જેના પગલે સમગ્ર સંસદમાં હાસ્ય રેલાયું હતું.
સંસદમાં લોકસભા બેઠકોના સીમાંકન મુદ્દે વિવાદ છેડાયો, દક્ષિણ ભારતના રાજયોની ચિંતા વધી
ભારતીય સંસદમાં મહિલા અનામત બિલ સાથે લાવવામાં આવેલા લોકસભા બેઠકોના સીમાંકન મુદ્દે વિવાદ સર્જાયો છે. જેમાં પણ ઉત્તર અને દક્ષિણ ભારતના વિભાજનમાં દક્ષિણ ભારતના રાજયની ચિંતાઓમાં વધારો થયો છે. જેમાં પણ જો વર્ષ 2011ની વસ્તી મુજબ નવી બેઠકોનું સીમાંકન કરવામાં આવશે તો સંસદની 50 ટકા બેઠકો માત્ર ઉત્તર ભારતના રાજ્યો પાસે રહેશે. જયારે દક્ષિણ ભારતના રાજયોને વસ્તીના સંદર્ભે નુકસાન સહન કરવાનો વારો આવશે.
રાહુલ ગાંધીએ કહ્યું ઓબીસી, દલિત અને મુસલમાનોની સત્તા છીનવવાનો પ્રયાસ
સંસદમાં મહિલા અનામત બિલ અંગે ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પોતાનો પક્ષ મૂક્યો હતો. તેમણે કહ્યું કે આ સાચું મહિલા અનામત બિલ નથી. અમે મહિલા અનામત બિલનું સમર્થન કરીએ છીએ પરંતુ સીમાંકનનો વિરોધ કરીએ છીએ.
જૂનો બિલ લાવો તો સમર્થન આપીશુંઃ રાહુલ ગાંધી
મહિલા અનામત બિલ મુદ્દે આજે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંબોધન શરુ કર્યું. પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ સરકારને અનુરોધ કરતા કહ્યું કે પહેલા જૂનું બિલ લાઓ તો અમે સમર્થન આપીશું. રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર આજે જે બિલ પાસ કરાવવા ઈચ્છે છે એ મહિલા અનામત બિલ નથી. આ બિલ મારફત સરકાર રાજકારણ બદલવા ઈચ્છે છે અને મહિલાઓનો ઉપયોગ કરવા ઈચ્છે છે.
વોટિંગ પૂર્વે પીએમ મોદીએ સાંસદો માટે કરી મહત્ત્વની પોસ્ટ
સંસદના વિશેષ સત્રમાં ગુરુવારે ત્રણ ખરડા રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારે આજે લોકસભામાં વોટિંગ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ સાંસદોને અનુરોધ કરતા મહત્ત્વની પોસ્ટ લખી. પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું કે હું તમામ સાંસદોને ખાસ અનુરોધ કરીશ કે તમારા ઘરમાં માતા-દીકરી-પત્ની સૌને યાદ કરીને તમારા અંતરાત્માનો અવાજ સાંભળજો. દેશની નારીશક્તિની સેવા અને તેમને વંદન કરવાનો મોટો અવસર છે અને આ નવા અવસરથી તેમને વંચિત રાખશો નહીં.
પીએમ મોદી, અમિત શાહ મતદાન માટે આવશે અમદાવાદ
ગુજરાતમાં 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ મતાધિકારનો ઉપયોગ કરવા અમદાવાદ આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાણીપ ખાતે મતદાન કરશે. જ્યારે ગૃહપ્રધાન અમિત શાહ નારણપુરામાં પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરશે.
હોર્મુઝમાં વ્યાપારી જહાજો પર હુમલો જરાય ચલાવી લેવાશે નહીંઃ UNમાં ભારતનું નિવેદન
ભારતે હોર્મુઝ ખાડીમાં તણાવ અને જહાજો પર થઈ રહેલા હુમલાઓ અંગે કડક પ્રતિક્રિયા આપી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, વેપારી જહાજો પર હુમલા અને નિર્દોષ નાવિકોની હત્યા બિલકુલ સહન કરી શકાય તેમ નથી. ઉપરાંત ભારતે તમામ દેશોને આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવા અને આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પર સુરક્ષિત અને અવરોધ વિનાની અવરજવર વહેલી તકે ફરી શરૂ થાય તે માટે અપીલ કરી હતી.
સંસદમાં ભારે હંગામા વચ્ચે મધરાતથી મહિલા અનામત કાયદો લાગુ
ભારત સરકારના કેન્દ્રીય કાયદા મંત્રાલયે એક મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કરીને 'નારી શક્તિ વંદન અધિનિયમ' (મહિલા અનામત કાયદો) ને 16 એપ્રિલ 2026 થી અમલમાં લાવવાની જાહેરાત કરી છે. સપ્ટેમ્બર 2023 માં સંસદ દ્વારા પસાર કરાયેલા આ 106માં બંધારણીય સુધારા હેઠળ લોકસભા અને રાજ્યની વિધાનસભામાં મહિલાઓ માટે એક-તૃતીયાંશ (33%) બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે.
ઈરાન યુદ્ધ ખતમ થવાની શક્યતાથી ક્રૂડ સસ્તું થયું
લેબનાન અને ઈઝરાયલ વચ્ચે 10 દિવસના યુદ્ધવિરામ લાગુ થયા બાદ મધ્ય પૂર્વમાં સંઘર્ષનો અંત આવવાની આશા અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન કે અમેરિકા અને ઈરાન વીકેન્ડ પર વાતચીત માટે મળી શકે છે, તેને પગલે શુક્રવારે શરૂઆતી કારોબારમાં તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ક્રૂડના ભાવમાં 1.37 ટકાના ઘટાડો થતાં 98.05 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચ્યું હતું.