Tue May 26 2026

Logo

દહેજમાં કામદારના મૃત્યુના કેસમાં 60 હજારની લાંચ લેતા પોલીસ અધિકારી રંગે હાથ ઝડપાયા, જાણો શું છે કેસ

2 weeks ago
Author: mumbai samachar team
Article Image

ભરૂચ:  એન્ટી કરપ્શન બ્યૂરો(ACB)એ ગુરુવારે પોલીસકર્મી ક્રિપાલસિંહ જગદીશભાઇ સોલંકીને ₹60,000ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો. આરોપી ક્રિપાલસિંહ દહેજ પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ (વર્ગ-3) તરીકે ફરજ બજાવે છે. ક્રિપાલસિંહ સોલંકીએ એક મૃતકના પરિવાર પાસેથી કામ કરી આપવાના બદલામાં લાંચની માંગણી કરી હતી. ACB કોન્સ્ટેબલને ટ્રેપ કરીને ઝડપી લીધા.

ભરૂચ ACBની મોટી કાર્યવાહી
જાન્યુઆરી 2026માં એક ખાનગી કંપનીમાં બાંધકામ દરમિયાન અકસ્માતે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જે અંગે દહેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટના બાદ મૃતકના પરિવારને મરણના દાખલાની જરૂર પડતા તેઓએ તલાટીનો સંપર્ક કર્યો હતો. તલાટીએ મરણના દાખલા માટે 'મોતની જાહેરાત' અને 'પીએમ (પોસ્ટમોર્ટમ) નોટ' જેવા પોલીસ ડોક્યુમેન્ટ્સની માંગણી કરી હતી.

ACBએ છટકું ગોઠવી પોલીસકર્મીને ઝડપ્યો
મૃતકનો પરિવાર જ્યારે આ દસ્તાવેજો લેવા માટે દહેજ પોલીસ મથકના પોલીસકર્મી ક્રિપાલસિંહ સોલંકી પાસે પહોંચ્યો, ત્યારે તેમણે આ કામ માટે ₹1 લાખની લાંચ માંગી હતી. લાંબી રકઝક બાદ ₹60,000 આપવાનું નક્કી થયું. પરિવાર લાંચ આપવા માંગતો ન હોવાથી તેઓએ ભરૂચ ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ આરોપીને પકડવા છટકું ગોઠવ્યું.પોલીસકર્મી ક્રિપાલસિંહ સોલંકી લાંચના હપ્તા પેટે ₹60,000 સ્વીકારી રહ્યો હતો, ત્યારે જ એસીબીની ટીમ ત્રાટકી હતી અને લાંચિયા પોલીસ કર્મચારીને રંગેહાથ ઝડપી લીધો હતો.

ACBના જણાવ્યા અનુસાર ફરીયાદી દહેજની ખાનગી કંપનીમાં કન્સ્ટ્રક્શન વર્ક સાથે જોડાયેલો છે. જાન્યુઆરી 18, 2026માં ફરિયાદીના મિત્રએ તેને જાણ કરી કે સ્ટાફ મેમ્બરને હાર્ટ એટેક આવ્યો છે અને તેને જોલવા ગામની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે. જયાં સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરવામાં આવ્યો.  

બનાવના પગલે દહેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો હતો અને આરોપી કોન્સ્ટેબલને કેસની તપાસ સોંપવામાં આવી. 
બાદમાં, જ્યારે મૃતક કર્મચારીના પરિવારના સભ્યોએ મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા માટે દહેજ ગ્રામ પંચાયતનો સંપર્ક કર્યો, ત્યારે તલાટીએ તેમને અકસ્માત મૃત્યુ અહેવાલ અને પોસ્ટમોર્ટમ નોટની નકલો સબમિટ કરવા કહ્યું. જ્યારે ફરિયાદીએ આ દસ્તાવેજો માટે આરોપી પોલીસ કર્મચારીનો સંપર્ક કર્યો, ત્યારે તેણે કથિત રીતે ₹1 લાખની લાંચ માંગી.

લાંબી રકઝક બાદ સોદો ₹60,000 માં નક્કી થયો. જોકે, ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી, તેણે ACBનો સંપર્ક કર્યો હતો. 
ફરિયાદના આધારે, ACB એ છટકું ગોઠવ્યું જેમાં આરોપીએ કથિત રીતે અગાઉથી નક્કી કરેલી રકમની માંગણી કરી. રકઝકના અંતે આરોપી ₹60,000 લાંચ તરીકે સ્વીકારતા રંગે હાથે ઝડપાઈ ગયો. સમગ્ર ઘટનામાં ACB એ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.