Wed Apr 22 2026

Logo

બેસ્ટ ટિકિટ માટે વધુ એક ડિજિટલ સિસ્ટમ મોબાઈલ ક્યૂઆર દ્વારા મળશે ટિકિટ

5 hours ago
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
પ્રવાસીઓને વધુ સરળ, ઝડપી અને કૅશલેસ સુવિધા આપવા માટે બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ (બેસ્ટ) ઉપક્રમે પ્રવાસીઓને ડિજિટલ ટિકિટ ઉપલબ્ધ કરી આપવાની છે. હવે ‘ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ’ આ પ્લેટફોર્મ પરની જુદી જુદી ઍપ્સમાંથી મોબાઈલ ક્યૂઆર કોડ દ્વારા ટિકિટ ખરીદી કરવાની સુવિધા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ નવી સિસ્ટમને કારણે પ્રવાસી અને કંડકટર બંનેને છુટ્ટા પૈસાની મગજમારીથી છૂટકારો મળશે અને સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક  અને ઝડપી બનશે.

છેલ્લાં થોડાં વર્ષમાં બેસ્ટ દ્વારા સ્માર્ટકાર્ડ, મોબાઈલ ઍપ્સ અને ડિજિટલ પેેમેન્ટનો ઉપયોગ વધારીને ટિકિટ સિસ્ટમનું આધુનિકરણ કર્યું છે. મુખ્ય પ્રધાન દેવન્દ્ર ફડણવીસે મેટ્રો, બેસ્ટ અને રેલવે જેવા સાર્વજનિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને એક નેજા હેઠળ લાવવા ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવા પર ભાર મૂકતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

‘ઓએનડીસી’ એ કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રાલય અંતર્ગત ‘ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈંટરનલ ટ્રેડ’નો ઉપકમ હોઈ ‘ડિજિટલ ઈન્ડિયા’ અભિયાનનો એક ભાગ છે. હાલ દેશના ૨૬ શહેરમાં આ સિસ્ટમ કાર્યરત હોઈ આઠ મેટ્રો સેવા અને અનેક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ આ નેટવર્ક સાથે જોડાયેલી છે.

વપરાશકર્તામાં ૩૦ ટકા સુધીનો વધારો અપેક્ષિત

બેસ્ટ ઉપક્રમ પૂર્ણરીતે ‘ઓએનડીસી’ નેટવર્ક સાથે જોડાયા બાદ હાલ ૧૫-૧૬ ટકા પર રહેલી ડિજિટલ ટિકિટનો ઉપયોગ ૨૫થી ૩૦ ટકા સુધી વધશે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. વોટ્સઍપ, રેડબસ જેવી ઍપ્સ પરથી સીધી ટિકિટ ખરીદી કરી શકવામાં આવવાની હોવાથી પ્રવાસીઓને અલગથી ઍપ ડાઉનલોડ કરવાની આવશ્કતા રહેશે નહીં. તેથી ટિકિટ ખરીદવી વધુ સરળ પડશે.  ‘ઓએનડીસી’ નેટવર્કને કારણે બેસ્ટ, મેટ્રો અને અન્ય સાર્વજનિક ટ્રાન્સપોર્ટ સેવા એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે.