મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણ અને વહીવટી વર્તુળોમાં અત્યારે સિનિયર IAS અધિકારી અશ્વિની ભીડેનું નામ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે કાર્યરત અશ્વિની ભીડેની એશિયાની સૌથી મોટી મહાનગરપાલિકા પૈકીની એક એવી બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)નાં કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ તેઓ BMCના ઇતિહાસમાં કમિશનર પદ સંભાળનારા પ્રથમ મહિલા અધિકારી બન્યાં છે. વર્તમાન કમિશનર ભૂષણ ગગરાણીનો કાર્યકાળ 31 માર્ચ 2026ના પૂર્ણ થતા, અનુભવ અને કુશળતાના આધારે સરકારે અશ્વિની ભીડે પર પસંદગીનો કળશ ઢોળ્યો છે, પરંતુ મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી ચર્ચાનો વિષય બન્યો છે કે તેમની શા માટે પસંદગી કરવામાં આવી એ પણ જાણીએ.
કોણ છે અશ્વિની ભીડે?
મહારાષ્ટ્રના સાંગલીમાં જન્મેલા અશ્વિની ભીડે 1995ની બેચના IAS અધિકારી છે. તેમણે UPSC પરીક્ષામાં ઓલ ઇન્ડિયા નવમો રેન્ક મેળવનાર મહિલા ઉમેદવારોમાં ટોપ કર્યું હતું. અંગ્રેજી સાહિત્યમાં અનુસ્નાતક અને MBAની ડિગ્રી ધરાવતા ભીડેએ પોતાના કરિયરની શરૂઆત કોલ્હાપુરથી કરી હતી. નાગપુર અને સિંધુદુર્ગમાં જળ વ્યવસ્થાપન અને ગ્રામીણ વિકાસ ક્ષેત્રે તેમણે કરેલા કામની આજે પણ પ્રશંસા થાય છે. જોકે, તેમને ખરી ઓળખ મુંબઈના સૌથી જટિલ ગણાતા અન્ડરગ્રાઉન્ડ મેટ્રો-૩ પ્રોજેક્ટના સફળ અમલીકરણથી મળી, જેના કારણે તેઓ સમગ્ર દેશમાં ‘મેટ્રો વુમન’ તરીકે લોકપ્રિય થયા છે.
અશ્વિની ભીડે માત્ર એક સક્ષમ વહીવટકર્તા જ નહીં, પરંતુ એક મક્કમ નિર્ણયશક્તિ ધરાવતા અધિકારી માનવામાં આવે છે. આરે કોલોનીમાં મેટ્રો કારશેડના વિવાદ દરમિયાન તેમણે પર્યાવરણના મુદ્દે અને પ્રોજેક્ટની જરૂરિયાત પર જે સ્પષ્ટ વલણ અપનાવ્યું હતું, તેણે તેમની મજબૂત વહીવટી છાપ ઊભી કરી હતી.
કોવિડ-19 મહામારી દરમિયાન જ્યારે મુંબઈ કપરા કાળમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે વધારાના કમિશનર તરીકે હેલ્થ મેનેજમેન્ટમાં પણ તેમનો ફાળો અત્યંત મહત્વનો રહ્યો હતો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનાં વિશ્વાસુ અધિકારી ગણાતા ભીડે હવે મુંબઈના શહેરી વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
મહારાષ્ટ્ર સરકાર છેલ્લા કેટલાક સમયથી વહીવટીતંત્રના ટોચના પદો પર મહિલા અધિકારીઓની નિમણૂક કરીને મહિલા સશક્તિકરણનો મજબૂત સંદેશ આપી રહી છે. રશ્મિ શુક્લા રાજ્યના પ્રથમ મહિલા DGP બન્યા અને સુજાતા સૌનિક રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય સચિવ બન્યા, ત્યાર બાદ હવે BMC કમિશનર તરીકે અશ્વિની ભીડેની નિમણૂક એ આ કડીનું જ એક મહત્વનું પગલું છે. આ નિમણૂકથી મુંબઈના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને વેગ મળશે અને વહીવટી પારદર્શિતા વધશે તેવું મનાય છે.