Sun May 03 2026

Logo

ધારી-અમરેલી રોડ પર એકસાથે 8 સિંહોએ રોડ ક્રોસ કર્યો, જેસીબી ચાલકે કેદ કર્યો અદભૂત નજારો!

3 hours ago
Author: Devayat Khatana
Article Image

અમરેલી: એશિયાટિક સિંહ એટલે સાવજનું એકમાત્ર નિવાસ સ્થાન છે સૌરાષ્ટ્રનું ગીર. ગીર નેશનલ પાર્ક અને પાનિયા, મિતિયાળા અભયારણ્ય સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી લઈને જંગલ, ખેતર, ગામ, પાધરમાં સાવજો વિહરે છે. વર્ષ 2025માં વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા એશિયાઈ સિંહોના 16માં વસ્તી અંદાજ-2025ના આંકડામાં સિંહોની સંખ્યા 891 નોંધાઈ હતી. ત્યારે હવે સાવજો માત્ર ગીર જંગલ કે અભ્યારણ સુધી નહીં પણ બૃહદ ગીર અને તે સિવાયના કાઠીયાવાડના ભાગમાં વિહરી રહ્યા છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એકસાથે 8 સિંહે હાઇવે ક્રોસ કરતાં નજરે પડી રહ્યા છે.

હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ધારી-અમરેલી રોડ પર મોડી રાત્રે એકસાથે 8 સિંહનું ઝૂંડ રોડ ક્રોસ કરી રહેલું નજરે પડી રહ્યું છે. શિકારની શોધમાં મોડી રાતે હાઇવે ઉપર સિંહ પરિવાર રસ્તો પસાર કરતા જોવા મળ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.  આ દરમિયાન રોડ પરથી પસાર થઈ રહેલા જેસીબીના ડ્રાઇવરે સિંહના ગ્રુપનો વિડિયો મોબાઇલમાં કેદ કર્યો હતો. આમ પણ અમરેલી જિલ્લામાં સૌથી વધારે સિંહોનો વસવાટ છે.  

આ ઉપરાંત અન્ય એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જે અમરેલી જિલ્લાના ખાંભાના ઇંગોરાળા ગામનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં મોડી રાત્રે સાવજની શાહી સવારી ગામમાં પહોંચી ગઈ હતી અને ગામની બજારમાં પશુનું મારણ કર્યું કર્યું હતું. જેના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જો કે ઇંગોરાળા ગામમાં એક અઠવાડિયામાં સિંહ દ્વારા પશુના મારણની બીજી ઘટના હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે ગીરમાં સાવજોની વસ્તી વધી છે અને આથી હવે સાવજો ગીર જંગલની બહાર નીકળીને બૃહદ ગીરના પણ સીમાડા વટાવીને છેક પાંચાળના ડુંગળાઓ સુધી પહોંચી ગયા હોવાના અહેવાલો મીડિયામાં આવી ચૂક્યા છે. હવે સાવજો જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ સિવાય રાજકોટ, ભાવનગર, પોરબંદર, જામનગર જિલ્લામાં પણ જોવા મળ્યા છે.