Sun May 03 2026

Logo

નમાઝ માટે સાર્વજનિક જમીનનો ઉપયોગ ગેરકાયદે: હાઈ કોર્ટ

1 day ago
Author: MayurKumar Patel
Article Image

નવી દિલ્હીઃ અલાહાબાદ હાઈ કોર્ટે જાહેરમાં રોડ પર નમાઝ પઢવા અંગે મોટો ચુકાદો આપ્યો હતો. અલાહાબાદ હાઈ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા જણાવ્યુંછે કે, સાર્વજનિક જમીનનો ઉપયોગ કોઈ એક પક્ષ દ્વારા ધાર્મિક પ્રવૃત્તિઓ માટે કરી શકાય નહીં. હાઈ કોર્ટે સંભલ જિલ્લાના ગુન્નૌર તાલુકાના ઇકૌના ગામના રહેવાસી અસીનની અરજી ફગાવી દીધી હતી.

કોર્ટે શું કહ્યું

અલાહાબાદ હાઈ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે સાર્વજનિક જમીન પર દરેકનો સમાન અધિકાર હોય છે અને તેનો એકતરફી ઉપયોગ કાયદેસર રીતે સ્વીકાર્ય નથી. ન્યાયાધીશ સરલ શ્રીવાસ્તવ અને ન્યાયધીશ ગરિમા પ્રસાદની ડિવિઝન બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. કોર્ટે પોતાના નિર્ણયમાં 'મુનાઝિર ખાન વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્ય' ના અગાઉના કેસનો હવાલો આપતા જણાવ્યું કે,  ખાનગી પરિસરમાં થતી સદભાવનાપૂર્ણ પ્રાર્થના સુરક્ષિત છે અને વ્યક્તિગત ધાર્મિક પ્રથામાં મનસ્વી રીતે દખલ કરી શકાય નહીં.

જોકે, આનો અર્થ એ નથી કે ખાનગી પરિસરમાં સંગઠિત કે નિયમિત સામૂહિક પ્રવૃત્તિની સંપૂર્ણ છૂટ છે. જ્યારે કોઈ પ્રવૃત્તિ તે વિસ્તારની મર્યાદા વટાવીને જાહેર ક્ષેત્રને અસર કરવા લાગે, ત્યારે ત્યાં કાયદેસરનું નિયમન લાગુ પડે છે.  અગાઉના ચુકાદાઓ ખાનગી પરિસરને અનિયંત્રિત સામૂહિક સ્થળમાં ફેરવવાનો અધિકાર આપતા નથી.

હાઈ કોર્ટે કહ્યું, ધર્મનું પાલન કરવાનો અધિકાર જાહેર વ્યવસ્થાને આધીન છે. આ અધિકારનો ઉપયોગ બીજાના અધિકારોમાં દખલગીરી થાય તે રીતે ન કરી શકાય. જો જમીનને ખાનગી માની લેવામાં આવે તો પણ અરજદાર માંગવામાં આવેલી રાહત માટે હકદાર નથી. 

અલાહાબાદ હાઈ કોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે, રેકોર્ડ મુજબ અરજદાર કોઈ હયાત પરંપરાની સુરક્ષા નથી કરી રહ્યો, પરંતુ ગામના અને બહારના વ્યક્તિઓને સામેલ કરીને નિયમિત સામૂહિક સભાઓ શરૂ કરવાની પરવાનગી માંગી રહ્યો છે. નમાઝ પહેલા માત્ર ઈદ જેવા ખાસ પ્રસંગોએ જ પઢવામાં આવતી હતી તે  વાત સ્વીકારવામાં આવે છે.   પરંપરાથી હટીને થતી પ્રવૃત્તિઓ પર રાજ્યને હસ્તક્ષેપ કરવાનો અધિકાર છે.

કોઈપણ વ્યક્તિ કે જૂથની ધાર્મિક સ્વતંત્રતા સંપૂર્ણ  નથી, પરંતુ તે અન્ય વ્યક્તિઓના અધિકારો અને સ્વતંત્રતા પર પણ નિર્ભર કરે છે. જો સાર્વજનિક જમીનનું ખોટી રીતે હસ્તાંતરણ (દસ્તાવેજ/બેનામું) કરીને ત્યાં ભીડ એકઠી કરી નમાઝ પઢવાની માંગ કરવામાં આવે, તો તેવો દસ્તાવેજ ગેરકાયદે ગણાશે.