અમદાવાદ: ગુજરાતમાં TBથી થતા મોતને લઈ ચોંકાવનારી વિગત સામે આવી છે. નિદાનના એક જ મહિનામાં અનેક દર્દીઓના મોત થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સતત ઉધરસ, છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને ગળફામાં લોહી પડવું જેવા લક્ષણો જોવા મળે તો એલર્ટ થઈ જવું જોઈએ.
52% દર્દીઓના મોત ઘરે જ થયા
એક સંસ્થા દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ, TB ના લગભગ અડધા દર્દીઓના મોત નિદાન થયાના એક મહિનામાં જ થઈ ગયા હતા. આશરે 52% દર્દીઓના મોત ઘરે જ થયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025 ના TB કેસોના વિશ્લેષણમાં જાણવા મળ્યું કે 59% દર્દીઓનું નિદાન થયાના 30 દિવસની અંદર મૃત્યુ થયું હતું.
આ કારણો છે જવાબદાર
ગુજરાત અને સમગ્ર ભારત હાલમાં '100 દિવસીય ટીબી મુક્ત ભારત અભિયાન' ઉજવી રહ્યું છે ત્યારે આ આંકડા દર્શાવે છે કે TB ના પ્રાથમિક ચેપની સાથે મોટાભાગના દર્દીઓ અન્ય બીમારીઓ (કોમોર્બિડિટીઝ) થી પણ પીડાતા હતા. આમાં હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનો સમાવેશ થતો હતો, જ્યારે મોટાભાગના કિસ્સાઓમાં HIV સંક્રમણ અને તમાકુ કે દારૂ જેવા વ્યસનો જોવા મળ્યા હતા. ઓછું બોડી માસ ઇન્ડેક્સ (BMI) પણ મૃત્યુ માટેનું એક મુખ્ય કારણ જણાયું હતું.
ગુજરાતમાં ગત વર્ષે કેટલા કેસ નોંધાયા
ઉલ્લેખનીય છે કે જનજાગૃતિ લાવવા માટે દર વર્ષે 24 માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસ ઉજવવામાં આવે છે. રાજ્ય સરકારના ડેટા મુજબ, ગયા વર્ષે 1.3 લાખ નવા કેસ નોંધાયા હતા. લોકસભાના ડેટા અનુસાર ભારતના રાજ્યોમાં ગુજરાત આ યાદીમાં છઠ્ઠા ક્રમે હતું. રાજ્ય સરકારે જણાવ્યું કે કુલ કેસોમાંથી 1.2 લાખ દર્દીઓ સંતોષકારક રીતે સાજા થયા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, તાજેતરના ગ્લોબલ ટીબી રિપોર્ટ 2025 મુજબ, ભારતમાં TB ના કેસોના દરમાં 21% નો ઘટાડો થયો છે. 2015 માં દર લાખની વસ્તીએ 237 કેસ હતા, જે 2024 માં ઘટીને 187 થયા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે TB થી થતા મૃત્યુમાં પણ 28% નો ઘટાડો થયો છે. જોકે, વાસ્તવિકતા એ છે કે TB નું નિદાન ઘણીવાર મોડા સ્ટેજ પર થાય છે, જે સાજા થવાની શક્યતા ઘટાડે છે.
મોટાભાગના દર્દીઓ વર્કિંગ એજ ગ્રુપના
સૂત્રોએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, કમનસીબે, મોટાભાગના દર્દીઓ વર્કિંગ એજ ગ્રુપના હોય છે. તેમના મૃત્યુ અથવા બીમારીને કારણે રોજગાર ગુમાવવો આર્થિક બોજ વધારે છે. અત્યારે અસંગઠિત ક્ષેત્રના કામદારોમાં આ બીમારીને વહેલી ઓળખવા માટે સતત અભિયાન ચલાવવાની તાતી જરૂર છે.
કયા રાજ્યમાં કેટલી ટીબી કેસ નોંધાયા
MoHFW દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દેશમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ટીબીના કેસ નોંધાયા હતા. ગુજરાત પણ દેશમાં સૌથી વધુ ટીબી કેસ ધરાવતા રાજ્યોમાં ટોપ-10માં સામેલ હતું.
ઉત્તર પ્રદેશઃ 7,00,235
મહારાષ્ટ્રઃ 2,24,648
બિહારઃ 2,17,504
મધ્ય પ્રદેશઃ 1,76,256
રાજસ્થાનઃ 1,68,515
ગુજરાતઃ 1,31,424
દિલ્હીઃ 1,13,809
પશ્ચિમ બંગાળઃ 1,01,756