Thu Aug 27 2026

Logo

મિચલ સ્ટાર્કે એક વિકેટ લઈને મેળવી આ બે મોટી સિદ્ધિ

Darwin   2026-08-13 17:22:59
Author: Ajay Motiwala
મિચલ સ્ટાર્કે એક વિકેટ લઈને મેળવી આ બે મોટી સિદ્ધિ

ડાર્વિન (ઑસ્ટ્રેલિયા): અહીં ગુરુવારે બાંગ્લાદેશ સામે ટેસ્ટ-સિરીઝનો પ્રથમ દિવસ યજમાન ઑસ્ટ્રેલિયા માટે સારો નહોતો, પણ એના ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક માટે યાદગાર બની ગયો હતો, કારણકે તેણે માત્ર એક વિકેટ લઈને બે મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ડાબોડી બોલર બન્યો છે. બીજું, તેના નામે હવે 434 વિકેટ છે અને એ સાથે તેણે ભારતના મહાન ફાસ્ટ બોલર કપિલ દેવની બરાબરી કરી લીધી છે.

ઑસ્ટ્રેલિયા માત્ર 198 રનના સ્કોર પર ઑલઆઉટ થયું ત્યાર પછી બાંગ્લાદેશે 96 રનમાં માત્ર એક વિકેટ ગુમાવી હતી અને એ એક વિકેટ મિચલ સ્ટાર્કે લીધી હતી. તેણે ઓપનર શાદમન ઇસ્લામને નૅથન લાયનના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.

36 વર્ષના મિચલ સ્ટાર્ક (Starc)ની એ 434મી વિકેટ હતી. તે ટેસ્ટ જગતમાં સૌથી વધુ વિકેટ લઈ ચૂકેલા તમામ બોલર્સમાં 11મા નંબરે છે, પરંતુ પહેલા તમામ 10 બોલર રાઇટ-હૅન્ડ છે, જ્યારે સ્ટાર્ક લેફ્ટ-હૅન્ડ ફાસ્ટ બોલર છે. સ્ટાર્ક હવે ટેસ્ટની દુનિયામાં સૌથી વધુ 434 વિકેટ લેનાર ડાબોડી બોલર બન્યો છે. તેણે કપિલ દેવ (434)ની બરાબરી કરવા ઉપરાંત શ્રીલંકાના સ્પિનર રંગાના હેરાથ (433)ને ઓળંગી લીધો છે. ગુરુવાર પહેલાં હેરાથ તમામ બોલર્સમાં સૌથી વધુ 433 વિકેટ લેનાર લેફ્ટ-આર્મ બોલર હતો.

એક સમય હતો જ્યારે કપિલ દેવ (Kapil Dev) તમામ બોલર્સમાં નંબર-વન હતા. તેમની 434 વિકેટનો વિક્રમ ઘણા વર્ષો સુધી નહોતો તૂટ્યો. હાલમાં તમામ ટેસ્ટ બોલર્સમાં મુથૈયા મુરલીધરન 800 વિકેટ સાથે મોખરે છે.