મુંબઈઃ અહીં બ્રેબર્ન સ્ટેડિયમમાં મુંબઈની ટીમે રણજી ટ્રોફી (Ranji trophy)માં રેલવેને 106 રનથી કચડીને આ સીઝનમાં સતત ચોથી સળંગ જીત મેળવી હતી. આ વિજય સાથે મુંબઈના 27 પૉઇન્ટ થયા છે અને એલીટ ગ્રૂપ-ડીમાં પ્રથમ સ્થાને છે. રેલવેની ટીમ એશાન ગોયલના 103 રન અને ઝુબેર અલીના 115 રનની મદદથી બનેલા 372 રનના લક્ષ્યાંક સામે 265 રન પર ઑલઆઉટ થઈ ગઈ હતી.
ઑફ-સ્પિનર તનુષ કોટિયને આખી મૅચમાં કુલ નવ વિકેટ (પ્રથમ દાવમાં સાત અને બીજા દાવમાં બે વિકેટ) લીધી હતી. તેને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મળ્યો હતો. મુશીર ખાને બીજા દાવમાં ત્રણ વિકેટ લીધી હતી.

અમદાવાદમાં ગુજરાતે પ્રથમ દાવના 9/534 ડિક્લેર્ડના સ્કોરના જોરે કેરળ સામે એક દાવથી વિજય મેળવ્યો હતો. બીજા દાવમાં અર્ઝાનની ચાર વિકેટને લીધે કેરળની ટીમ 191 રનમાં આઉટ થઈ ગઈ હતી.
કાનપુરમાં બરોડાની ઉત્તર પ્રદેશ સામેની મૅચ ડ્રૉમાં ગઈ હતી. જ્યારે અગરતલામાં ત્રિપુરા સામે સૌરાષ્ટ્રની ટીમ 342ના લક્ષ્યાંક સામે 208 રનમાં આઉટ થતાં હારી ગઈ હતી.
ત્રિપુરાનો વર્તમાન રણજી સીઝનમાં આ પ્રથમ વિજય છે અને આ વિજય ભૂતપૂર્વ ચૅમ્પિયન સૌરાષ્ટ્ર સામે મળ્યો હોવાથી મણિશંકર મુરાસિંહની કૅપ્ટન્સીવાળી ત્રિપુરાની ટીમ માટે આ અવસર અભૂતપૂર્વ છે.