પ્લોટ - 16 - પ્રકરણ-34: એકને જીવન આપવા બીજાનો જીવ લીધો! | મુંબઈ સમાચાર
નવલકથા

પ્લોટ – 16 – પ્રકરણ-34: એકને જીવન આપવા બીજાનો જીવ લીધો!

યોગેશ સી પટેલ

પોલીસના હાથ અમારી નજીક તો પહોંચી ગયા… હવે શું ગળા સુધી પહોંચવાની રાહ જોવી છે, જેથી ગળું દબાવી દે!

‘તમે વગર વાંકે મને બદનામ કરી દીધો છે… મારું પોલિટિકલ કરિયર દાવ પર લાગી ગયું છે!’ વિધાનસભ્ય ગુલાબરાવ જાંભુળકર ગુસ્સાની સાથે નર્વસ જણાતા હતા.

ડ્રગ્સ તસ્કર સલ્લુ સાથે સાઠગાંઠના વિરોધી પક્ષ નેતા ગજાનન બાપટે કરેલા આરોપો પછી મીડિયા જાંભુળકર પાછળ આદું ખાઈને પડી ગઈ હતી. જાંભુળકરનું ડ્રગ્સ કનેક્શન જોડવામાં આવતું હતું. આ બધાથી કંટાળેલા જાંભુળકર ખુલાસો કરવા તેમના પીએ પ્રસન્ન ચૌધરી સાથે જાતે પોલીસ સ્ટેશને આવ્યા હતા.

સિનિયર ઈન્સ્પેક્ટર અશોક ગાયકવાડે ઈન્સ્પેક્ટર ચંદ્રેશ ગોહિલને પોતાની કૅબિનમાં બોલાવી લીધો હતો, જ્યાં જાંભુળકર સાથે ચર્ચા ચાલુ હતી.

‘હું એ ભલામણ પત્ર વિશે કંઈ જાણતો નથી. મારી બેદરકારી માત્ર એટલી છે કે મેં આ ચૌધરી પર ભરોસો રાખીને વાંચ્યા વિના પત્ર પર હસ્તાક્ષર કરી દીધા!’ જાંભુળકરે સ્પષ્ટતા કરી.

‘તમે સલ્લુને નથી ઓળખતા?’ ગોહિલે કરેલા પ્રશ્નથી જાંભુળકર ઉશ્કેરાયા.

‘કેટલી વાર કહું કે હું એ સલ્લુ… બલ્લુને નથી ઓળખતો અને ક્યારેય તેને મળ્યો પણ નથી!’

‘તમે બેદરકારીથી પત્ર સાઈન કર્યાની વાત કરતા હતા… એ અંગે પ્રકાશ પાડશો?’ જાંભુળકરને શાંત પાડવા ગાયકવાડે વાત વાળી લીધી.

‘હંમેશ મુજબ લેટર ટાઈપ કરાવીને ચૌધરી લાવ્યો હતો. મેં વિશ્ર્વાસ રાખી સાઈન કરી, બસ!’

‘એનો મતલબ આ ચૌધરીની સલ્લુ સાથે દોસ્તી હતી?’ ગોહિલે ચૌધરી તરફ જોતાં કહ્યું.

ખુરશી પર બેઠાં બેઠાં પણ ચૌધરીનાં અંગ હલતાં હતાં કે પછી આકરા સવાલથી તે ધ્રૂજી ઊઠ્યો એ જાણવું મુશ્કેલ હતું.

‘નહીં… સા’બ! મૈં ભી ઉસે નહીં જાનતા. મૈંને તો ગરીબ કો મદદ કરને કી મુરાદ સે યહ કિયા!’ ચૌધરી હિન્દીમાં જ વાત કરી શકતો.

‘મતલબ? કરોડો કા ડ્રગ્સના ધંધા કરનેવાલા ગરીબ!’ ગોહિલે ટોણો માર્યો.

‘ઉસ વક્ત મૈં નહીં જાનતા થા કી સલ્લુ ડ્રગ્સ કા ધંધા કરતા હૈ. ઔર મુઝે તો ડૉક્ટર પાઠક… આયુષ પાઠક કા લેટર કે લિયે ફોન આયા થા!’ ચૌધરીએ નવો ધડાકો કર્યો.

‘ડૉક્ટર પાઠકને બતાયા થા કિ ડૉક્ટર મંદિરાને યે પેશન્ટ કો ફાઈનાન્શિયલ હેલ્પ કરને બોલા હૈ!’ ચૌધરીની માહિતી પરથી ફરી શંકાની સોય ડૉ. મંદિરા તરફ વળી.

‘ડૉક્ટર મંદિરા સે આપને ખુદ બાત કી થી?’ ગોહિલનો મહત્ત્વનો સવાલ.

‘નહીં… મેરી ઉનસે કોઈ બાત નહીં હુયી થી!’

‘આ પણ સાવ ગધેડો છે, ઑફિસર!’ ચૌધરી તરફ આંગળી ચીંધતાં જાંભુળકર બોલ્યા.

જાંભુળકરે અધિકારીઓ સમક્ષ ગધેડો કહી અપમાન કરતાં ચૌધરીનાં અંગ ફરી વાંકાંચૂંકાં થવા લાગ્યાં.

‘પૂરતી ચકાસણી વિના ઑવર કોન્ફિડન્સથી કામ કરે છે!’ જાંભુળકરે કહ્યું.

‘ઑવર કોન્ફિડન્સ નહીં… સર. ડૉક્ટર પાઠક કે સાથ અચ્છી પહચાન હૈ ઈસલિયે ભરોસા કિયા ઔર કોઈ જાંચપડતાલ નહીં કી!’ રહેવાયું નહીં એટલે ચૌધરીએ ચોખવટ કરી.

‘ડૉક્ટર પાઠક આપ કે પહચાનવાલે… રિસ્તે મેં લગતે હૈ!’ ગાયકવાડે નસ દબાવી.

‘નહીં… રિસ્તે મેં નહીં, લેકિન વહ મેડિકલ કૅમ્પ ઔર ચૅરિટી મેં કોઈ પ્રોગ્રામ કરતે હૈ તબ મુલાકાત હોતી હૈ!’ ચૌધરી વાતને ફેરવવા લોચા વાળતો હોવાનું લાગ્યું.

‘ઠીક હૈ…’ ગોહિલ કંઈ બોલે તે પહેલાં જાંભુળકરે કહ્યું:

‘મારી વિનંતી છે કે તમે એક વાર મીડિયા સામે આ ખુલાસો કરી દો… એટલે મીડિયા મારું નામ સંડોવવાનું બંધ કરી દે!’

‘જય મહારાષ્ટ્ર… આમ્હી નાહી ભ્રષ્ટ!’ કહીને ચૌધરી સાથે જાંભુળકર કૅબિન બહાર નીકળ્યા.

‘આ તબક્કે આટલો હોબાળો મચાવવાની જરૂર નથી… થોડી રાહ જોઈએ. બની શકે કે વાત આગળ વધે જ નહીં!’ ડૉ. સંયમ ઈમાનદાર સમજાવી રહ્યા હતા.

‘પોલીસના હાથ અમારી નજીક તો પહોંચી ગયા… હવે શું ગળા સુધી પહોંચવાની રાહ જોવી છે, જેથી ગળું દબાવી દે!’ ડૉ. વિશ્ર્વાસ ભંડારી આવેશમાં બોલી રહ્યા હતા.

આ પણ વાંચો…-16 – પ્રકરણ-33: હૉલોગ્રાફિક કૅમેરાએ તો ભારે કરી…

‘માહિતી લેતી વખતે થોડી પૂછપરછ થતી હોય છે… એમાં આટલા ડરવાની જરૂર નથી!’ ડૉ. ઈમાનદારે કહ્યું.

પોલીસ પૂછપરછ પછી ડૉ. ભંડારી અને ડૉ. મંદિરા ગુસ્સામાં હતાં. પોલીસ પર દબાણ લાવીને હવે પછી પૂછપરછ ન થાય એ માટે ડૉ. ઈમાનદાર સાથે મીટિંગ ગોઠવી હતી. ડૉ. ઈમાનદાર પોલીસ ડૉક્ટર તરીકે ઓળખાતા હતા.

‘તમને ફરક નથી પડતો, ડૉક્ટર, તમારો વારંવાર પોલીસ સાથે પનારો પડતો હોય છે!’ ડૉ. મંદિરાએ ચર્ચામાં ઝુકાવ્યું.

‘અમારે અમારી ઈમેજ જાળવવાની છે… તમે તો જાણો છો કે પોલીસ મળવા આવે તોય બધા શંકાની નજરે જોતા થઈ જાય છે… કોઈ ગુનો કર્યા વિના જ અમને સજા મળશે!’ ડૉ. મંદિરાએ ચિંતા વ્યક્ત કરી.

‘આપણે આ બધામાં ઈન્વોલ્વ નથી તો પછી ચિંતા શા માટે કરવી? પોલીસનું કામ જ છે બધા પર શંકા કરવાનું!’ ડૉ. કુશલ સહાણેએ પણ અભિપ્રાય આપ્યો.

જાણીતા હાર્ટ સ્પેશિયલિસ્ટ ડૉ. સહાણે ડૉ. ઈમાનદારના મિત્ર હતા અને તેમની હૉસ્પિટલમાં પ્રેક્ટિસ પણ કરતા હતા.

‘હું પણ તો એ જ કહું છું કે પોલીસને તેનું કામ કરવા દો… જરૂર પડ્યે આપણે યોગ્ય નિર્ણય લઈશું!’ ડૉ. ઈમાનદારે મામલો શાંત પાડવા કહ્યું.

‘આ બધી ચર્ચા બંધ કરો અને એ નક્કી કરો કે હવે આપણે શું કરવાનું છે?’ ક્યારના બધાની વાતો સાંભળી રહેલા ડૉ. મૃત્યુંજય હિરેમઠે કહ્યું.

‘શું કરવાનું એટલે? આપણે યુનિયનની મદદ લઈને ડૉક્ટરોની હડતાળ જાહેર કરીશું!’ ડૉ. ભંડારીએ ફરી આવેશમાં કહ્યું.

‘પહેલાં હું પોલીસ સાથે વાત કરી જોઉં છું… પછી હડતાળનું વિચારીશું.’ ડૉ. ઈમાનદારે સૂચવ્યું.

‘પણ પોલીસ સ્ટેશનમાં થયું શું કે તમે મોટો ઇશ્યૂ બનાવી રહ્યા છો?’ આખરે ડૉ. આયુષ પાઠકે પૂછ્યું.

‘એક નહીં, અનેક સવાલોથી અમને ઘેરવાનો પ્રયાસ કર્યો છે… એમાં ડ્રગ્સ તસ્કર સલ્લુને ઑપરેશનની ફી માટે ભલામણ પત્રનો પણ સવાલ સામેલ હતો!’ ડૉ. મંદિરાએ ઇરાદાપૂર્વક ડૉ. પાઠક તરફ જોતાં કહ્યું.

‘એ પત્ર માટે તો મેં જ વિધાનસભ્ય જાંભુળકરના પીએ ચૌધરીને ફોન કર્યો હતો!’ હવે ડૉ. પાઠકની ચિંતા વધી.

‘જાણવા મળ્યું છે કે જાંભુળકર આજે જાતે ચૌધરી સાથે પોલીસ સ્ટેશને ગયા હતા… કદાચ પત્ર અંગે ખુલાસો કરવા.’ ડૉ. હિરેમઠે ડૉ. પાઠકની ચિંતા વધારી.

‘કોઈ દરદીની મદદ કરવી ગુનો છે? મેં ડ્રગ્સ તસ્કર નહીં, દરદીને આર્થિક મદદ કરવા વિનંતી કરી હતી!’ ડૉ. પાઠકે કપાળે હાથ મૂકતાં કહ્યું.

પછી ધીરે ધીરે તેમનો હાથ ગળા પર ગયો: ‘મેં ભલામણ પત્ર માટે કૉલ કર્યો હતો… લાગે છે, હવે પોલીસનો ગાળિયો મારા ગળે જ ભેરવાશે!’

વિધાનસભ્ય જાંભુળકર ગયા પછી કેસને લગતી અમુક ચર્ચા પતાવ્યા છતાં ગોહિલ ખુરશીમાંથી ઊઠવાનું નામ નહોતો લેતો એનું ગાયકવાડને આશ્ર્ચર્ય હતું. ખુરશીમાં બેઠાં બેઠાં જ એસીની ઠંડકમાં થોડો આરામ કરવાનું ગાયકવાડ વિચારતા હતા, પણ ગોહિલને કૅબિન બહાર જવાનું કઈ રીતે કહેવાય? વારંવાર ગોહિલ અને દીવાલ પર લગાડેલી ઘડિયાળને જોઈ ગાયકવાડ અવઢવમાં હતા.

‘કોઈ ગડમથલમાં છે, ગોહિલ?’ ગોહિલ ટાઈમ પાસ કરવા એસીમાં બેસી રહે એવો નહોતો એટલે ગાયકવાડે જ વાત છેડી.

‘ના… તમને એવું શેના પરથી લાગ્યું?’ ગોહિલે અચરજથી પૂછ્યું.

‘ચૂપચાપ બેઠો છે તો મને લાગ્યું, કોઈ ગંભીર વિચાર કરી રહ્યો છે!’

‘એવું કંઈ નથી… હું ડૉક્ટર માજીવડેની રાહ જોઉં છું!’ ગોહિલે ખુલાસો કર્યો.

‘કૂપરવાળા ડૉક્ટર ભાવિક માજીવડે? અહીં આવી રહ્યા છે?’ ગાયકવાડને ફરી આશ્ર્ચર્ય થયું.

મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત કૂપર હૉસ્પિટલના સિનિયર ડૉક્ટરોમાંના એક હતા ડૉ. માજીવડે. પોસ્ટમોર્ટમ ડિપાર્ટમેન્ટના હેડ પણ ખરા. આરેના કેસમાં લાશોનું પોસ્ટમોર્ટમ કરનારી ટીમનું નેતૃત્વ કરતા હતા. કામની વ્યસ્તતાને કારણે ફાજલ ચર્ચા માટે તેમની પાસે સમય નથી હોતો. અત્યારે ડૉ. માજીવડે ગોહિલને મળવા છેક આરે આવવાના હતા!

‘હું પછી ઉપર કૅબિનમાં હતો ત્યારે તેમનો કૉલ આવ્યો હતો… અને હમણાં ફરી મેસેજ આવ્યો કે રસ્તામાં છે… પાંચ-દસ મિનિટમાં પહોંચી જશે એટલે મેં તેમને અહીં જ મળવાનો મેસેજ કર્યો છે.’

પછી વિવેક દેખાડતાં ગોહિલે કહ્યું: ‘સૉરી… મેં તમને પૂછ્યું નહીં… તમારી કૅબિનમાં જ આપણે મળીએ તો કોઈ વાંધો નથીને?’

‘અરે, ના યાર! આ તો ડૉક્ટર ખુદ આવી રહ્યા છે એનું મને અચરજ છે!’ ગાયકવાડે મનની વાત કરી.

‘ડૉક્ટરને કામ માટે કાંદિવલી જવાનું છે એટલે તેમણે મને કહ્યું કે તમને મળતો જાઉં!’

ગાયકવાડે ‘ઓકે’ કહ્યું ત્યારે દરવાજે ટકોરા મારી કોન્સ્ટેબલ નામદેવ દળવી કૅબિનમાં આવ્યો.

‘સર… ડૉક્ટર માજીવડે આવ્યા છે.’

‘તો પૂછવા શું આવ્યો… એમને અંદર મોકલ!’ ગાયકવાડે કહ્યું.

‘ઓ હો… બબ્બે મહારથી એક સાથે!’ કૅબિનમાં પ્રવેશતાં જ માજીવડેએ ટીખળ કર્યું.

‘અહીં રથ જ નથી તો મહારથી શેના, ડૉક્ટરસાહેબ!’ ખુરશી પર બેસવાનો ઇશારો કરતાં ગોહિલે પણ એવી જ અદામાં કહ્યું.

‘એટલે?’ હસતાં હસતાં માજીવડેએ પૂછ્યું.

‘અમારી બોલેરો કદમ લઈ ગયો છે. જમીનમાંથી શબ મળ્યાં એ સ્થળે નિરીક્ષણ માટે જાઉં છું, કહીને ટીમ લઈને ગયો છે!’ ગોહિલે હાસ્ય સાથે કહ્યું.

‘અચ્છા… તો રથ યુનિટ સોળમાં ગયો છે!’ ડૉ. માજીવડેએ આંખ મિચકારી.

‘અમારું પણ એવું જ છે… એક ટીમ પેટ્રોલિંગ પર છે, જ્યારે કામત બોરીવલીમાં નૅશનલ પાર્ક ગયો છે… વન વિભાગના અધિકારીને મળવા.’ ગાયકવાડે તેમની ટીમ વિશે કહ્યું.

‘વન વિભાગ? જંગલમાં ફરી જમીન ખોદવાના છો?’ માજીવડેને આશ્ર્ચર્ય થયું.

‘ના… ના. ડૉક્ટરસાહેબ… તમે નવી રામાયણ ઊભી ન કરો! ખોદવાનો તો હવે વિચાર જ ન થાય, જોડવાનો જ વિચાર કરવાનો છે!’ ગાયકવાડ ઉતાવળે બોલ્યા.

‘એ તો દીપડાએ આતંક મચાવી રાખ્યો છે એટલે પાંજરું ગોઠવવાની કામગીરી વહેલી કરાવવા કામત ત્યાં ગયો છે!’ ગાયકવાડે સ્પષ્ટતા કરી.

‘તમે જોડવાની વાત કરી એ શું?’ ડૉ. માજીવડે ન સમજ્યા.

‘બધી કડી જોડવાના પ્રયત્ન ચાલી રહ્યા છેને… ગાયકવાડસાહેબ એની વાત કરે છે!’ જવાબ ગોહિલે આપ્યો.

‘અરે… હા. કોઈ સફળતા મળી કે નહીં તમારા કેસમાં?’

‘એના જ પ્રયાસ ચાલુ છે. બધી ઘટનાઓ વેરવિખેર લાગે છે… તેને જોડતી કડીઓ નથી મળતી!’ ગોહિલે ચિંતા વ્યક્ત કરી.

‘હું પણ એ વિશે જ વાત કરવા આવ્યો હતો.’ ડૉ. માજીવડેની વાતથી ગોહિલ અને ગાયકવાડ બેઠાં બેઠાં જ ટટ્ટાર થઈ ગયા.

‘ફોરેન્સિક નિષ્ણાતો સાથે મારી મીટિંગ થઈ હતી. તેમણે વિચિત્ર અભિપ્રાય આપ્યો. તેમના કહેવા મુજબ કોઈની બન્ને કિડની તો કોઈનું લિવર.. કોઈનું હાર્ટ ગુમ છે.’

ફાટી આંખે ગોહિલ અને ગાયકવાડ ડૉક્ટરને જોતા હતા.

‘તમે સમજ્યા, હું શું કહેવા માગું છું?’ ડૉ. માજીવડેએ પૂછ્યું, પણ ગોહિલ-ગાયકવાડમાંથી કોઈએ પ્રતિભાવ ન આપ્યો.

ડૉ. માજીવડેએ જ બોલવા માંડ્યું: ‘લાશમાંથી માનવજીવન માટે જરૂરી અવયવો ગાયબ છે… એટલે કે કોઈને જીવન આપવા માટે આ લોકોના જીવ લેવામાં આવ્યા છે!’

‘વ્હૉટ?’

‘હા… તમારે તપાસ માટે બીજો મોરચો માંડવો પડશે!’ ડૉ. માજીવડેએ અણસાર આપ્યો.

‘અહીં તો મોરચા જ મોરચા છે, ડૉક્ટરસાહેબ!’ ગાયકવાડે કહ્યું.

‘…પણ આ મોરચે તમારી ઘણી કસોટી થશે, ઑફિસર! ફોરેન્સિક નિષ્ણાતનો અભિપ્રાય છે કે આ લોકોનાં શરીરમાંથી અવયવો એટલા પ્રોફેશનલ રીતે કાઢવામાં આવ્યાં છે કે…’

‘કે… શું?’

‘આ માનવ અવયવોની તસ્કરીનું રૅકેટ જણાય છે!’

(ક્રમશ:)

આ પણ વાંચો…પ્લોટ-16 – પ્રકરણ-32: ડ્રગ તસ્કરને પણ મારીને દાટી દીધો…

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button