નવલકથા

પ્લોટ-16 – પ્રકરણ-50 પોલીસ ડૉક્ટરનું પિશાચી ષડ્યંત્ર…

  • યોગેશ સી પટેલ

‘જય મહારાષ્ટ્ર… આમ્હી નાહી ભ્રષ્ટ! અમે તપાસમાં પોલીસને પૂરેપૂરો સહકાર આપ્યો છે. કોઈ વિઘ્ન નહીં… કોઈ સવાલ નહીં… એટલે જ તો આ રૅકેટ ઝડપથી ઉઘાડું પડ્યું અને આરોપીઓ લૉકઅપ પાછળ ધકેલાયા.’

વિધાનસભ્ય ગુલાબરાવ જાંભુળકર ચૅનલો સામે ડાહીડમરી વાતોથી પોલીસની સફળતામાંથી પોતાનો લાભ ખાટવાના પ્રયાસમાં હતા. બિહાર પોલીસે મોકલેલા દસ્તાવેજો અને શિંદે લઈ આવ્યો હતો તે ફાઈલના અભ્યાસ પછી વધુ કાર્યવાહી સંદર્ભેની સલાહ માટે ઈન્સ્પેક્ટર ગોહિલે ડીસીપી સુનીલ જોશીને કૉલ કર્યો હતો. ગંભીર બાબત હોવાથી ડીસીપીએ વિચારવા થોડો સમય લીધો.

જોકે પછી તરત સૂચવ્યું કે ડૉ. ભંડારીની હૉસ્પિટલમાંથી ઈન્સ્પેક્ટર રવિ કદમ કેસ માટે મહત્ત્વનાં સીસીટીવી ફૂટેજ લાવી રહ્યો છે તો પહેલાં તે જોઈ લો. એટલે ગોહિલ તેની કૅબિનમાં બેસીને કદમની રાહ જોતો હતો. એ દરમિયાન ન્યૂઝ ચૅનલો પર જાંભુળકર પોતે જ પોતાની પીઠ થાબડી રહ્યા હતા.

‘ડ્રગ્સ તસ્કર સલ્લુના ઑપરેશન માટે આર્થિક ભલામણવાળા મારા પત્ર વિશે પોલીસે સ્પષ્ટતા કરી હતી. લેટરહેડનો દુરુપયોગ થયો હોવાનું ક્ધફર્મ થયા છતાં વિરોધી પક્ષ નેતા હોબાળો મચાવતા હતા… પરંતુ અમે પોલીસને તેમની રીતે તપાસની છૂટ આપી. એનું જ પરિણામ છે કે અમને ક્લીનચિટ મળી!’

જાંભુળકરનું માઈક સામે બોલવાનું ચાલુ જ હતું: ‘મારા પીએ પ્રસન્ન ચૌધરીની સંડોવણી સામે આવતાં પોલીસે મને જાણ કરી. મેં તેમને તરત ઍક્શનનો આદેશ આપી ચૌધરીને લૉકઅપમાં ધકેલ્યો… આવા લોકોને સાથ આપવોય ગુનો છે અને એવું અમે ક્યારેય નહીં કરીએ!’

ઈન્સ્પેક્ટર રવિ કદમની સાથે સિનિયર ઈન્સ્પેક્ટર અશોક ગાયકવાડ અને કોન્સ્ટેબલ નામદેવ દળવી આવ્યા એટલે ગોહિલે ટીવી ઑફ્ફ કર્યું.

‘કદમે કહ્યું કે મહત્ત્વનાં ફૂટેજ હાથ લાગ્યાં છે તો એ જોવા હું પણ આવ્યો!’ ગોહિલ કંઈ પૂછે એ પહેલાં જ ગાયકવાડે કહ્યું.

‘ઓહ…’

‘અચ્છા… પેલો કામત ચાર્જશીટ તૈયાર કરી રહ્યો છે. આમ તો એનુંય પેપરવર્ક પરફેક્ટ હોય છે, પણ ફાઈનલ તું જ કરજે!’

‘હા… હા… એ મારે જ કરવાનું છે!’ ગોહિલ બોલ્યો.

‘સર… આ જુઓ! સલ્લુને મારવામાં આવ્યો એ રાતે આ સાહેબ ડૉક્ટર ભંડારીની હૉસ્પિટલમાં આવ્યા હતા!’ પેનડ્રાઈવ લૅપટોપમાં લગાડી ફૂટેજ ચાલુ થતાં કદમે કહ્યું.

કૅમેરાનાં ફૂટેજ જોતાં જ બધા અધિકારીના અલગ અલગ પ્રતિભાવ હતા.

‘ઓહ… માય ગૉડ!’

‘અચ્છા… તો આ છે ટોળકીનો ગૉડફાધર!’

‘હરામખોર… સાધુના વેશમાં શેતાન!’

‘ચ્યા માયલા! હ્યાંની કેલં હે સગળ?’ છેલ્લે દળવીથી રહેવાયું નથી એટલે તે બોલી પડ્યો.

‘મને આ રીતે અહીં શા માટે લાવ્યા છો?’

‘તમારા સાથી પણ અહીં છે એટલે!’

‘…પણ મેં શું કર્યું છે?’

‘એ તો તમારે જણાવવાનું છે!’ ગોહિલે વિચિત્ર જવાબ આપ્યો.

‘મારી સાથે આવું વર્તન કરવાનું કારણ?’

‘આરોપીઓ સાથે તો અમે આનાથી બદતર વર્તન કરીએ છીએ, જે અમે તમારી સાથે કરવા નથી માગતા!’

‘કોણ આરોપી… મેં કયો ગુનો કર્યો છે?’

‘ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ રૅકેટ, ડ્રગ્સ તસ્કરી, જંગલમાં હૉલોગ્રાફિક કૅમેરા ફિટ કરાવી વાહનચાલકોનાં મોત માટે જવાબદાર, હત્યા, જમીનમાં શબ દાટી પુરાવાનો નાશ કરવાનું કાવતરું… વગેરે જેવાં હિચકારાં કૃત્યોનું લિસ્ટ છે અમારી પાસે!’ ગોહિલ જાણે હિસાબ માંડતો હતો.

‘હું આવાં કામ કરતો નથી… શહેરનો પ્રતિષ્ઠિત ડૉક્ટર છું હું!’

‘એ અમે જાણીએ છીએ, મિસ્ટર હાર્ટ સ્પેશિયલિસ્ટ… એટલે જ તો માસૂમને મારીને તેનું હાર્ટ શ્રીમંત પરિવારને વેચી ધનવાન બનવાનો માર્ગ અપનાવ્યો!’ સિનિયર ઈન્સ્પેક્ટર અશોક ગાયકવાડે ભારે અવાજમાં કહેતાં ડૉક્ટર થોડા સમસમી ગયા.

‘વ્હૉટ રબ્બીશ… ફાલતૂ આરોપ ન કરો. તમે જાણો છોને હું કોણ છું. પોલીસને પણ હું નિ:શુલ્ક સેવા આપું છું!’

‘એટલે તો પહેલાં વિશ્ર્વાસ ન બેઠો કે આ શતરંજના મુખ્ય ખેલાડી તમે છો, પોલીસ ડૉક્ટર!’ ગોહિલે ટોણો માર્યો.

‘મારે તમારા ડીસીપી સાથે વાત કરવી છે!’

‘એ આવતા જ હશે અને બાય ધ વે… ડીસીપીના આદેશથી જ તમે અહીં બેઠા છો, ડૉક્ટર ઈમાનદાર!’ ગાયકવાડે ચોખ્ખું સંભળાવ્યું.

‘હું પહેલાં મારા લૉયર સાથે વાત કરવા માગું છું!’ ડૉ. ઈમાનદારે રુઆબ દેખાડતાં કહ્યું.

‘એનીય અમને ખબર છે… તમારો વકીલ નીચે પોલીસ સ્ટેશનમાં બેઠો છે. આગોતરા જામીનની અરજી માટે સમય માગી રહ્યો છે.’ ગોહિલે જણાવ્યું.

‘પણ અમે એને સમજાવી દીધું છે કે મહેનત ન કરે… અમે તમારી ધરપકડ કરી રહ્યા છીએ!’ ગાયકવાડનો અવાજ ગોહિલની કૅબિનમાં ગુંજતો હતો.

‘વ્હૉટ?’

‘યેસ… હવે તમે સીધા કોર્ટમાં મળી શકશો, પણ એય તમારી સાથે અત્યારે એક મુલાકાતની વિનંતી કરી રહ્યો છે!’ ગોહિલ બોલ્યો.

‘તો મને વકીલ સાથે વાત કરવા દો!’ ડૉ. ઈમાનદાર ધીમા સૂરમાં બોલ્યા.

‘પહેલાં અમારી સાથે વાત કરી લો. અમને પૂરતી માહિતી આપી દો… પછી અમે વકીલ સાથે મુલાકાત કરાવીશું!’

અવયવ ચોરી અને લાશ જંગલમાં દાટવા મામલે પોલીસ તપાસમાં ડૉ. સંયમ ઈમાનદારની સંડોવણી સામે આવી હતી. તેમને અણસાર આવે તે પહેલાં તાત્કાલિક કસ્ટડીમાં લેવાનો આદેશ ડીસીપી સુનીલ જોશીએ આપ્યો હતો. પોલીસ કાર્યવાહીનો અણસાર આવ્યો હોત તો તે ધરપકડ પૂર્વેના જામીન માટે કોર્ટમાં ગયા હોત. અત્યારે ગોહિલની કૅબિનમાં ડૉ. ઈમાનદારની પૂછપરછ ચાલી રહી હતી.

‘કેવી માહિતી?’ ડૉ. ઈમાનદારે પૂછ્યું.

‘આરેના બધા કાંડનું સૂત્રસંચાલન તમે કરતા હતા એ અમને ખબર પડી ગઈ છે, પણ આ રૅકેટ કઈ રીતે ચલાવતા હતા એ અંગે સ્પષ્ટતા કરો!’ ગોહિલે કહ્યું.

ડૉ. ઈમાનદાર જવાબ આપવાને બદલે ચૂપ રહ્યા એટલે ગોહિલે જ બોલવા માંડ્યું.

‘જુઓ, વર્ષોથી પોલીસ સાથે તમારી મિત્રતા રહી છે એટલે આરોપી પાસેથી સચ્ચાઈ ઓકાવવા પોલીસ સ્ટેશનમાં શું શું થાય છે એ તમે જાણો છો. મહેરબાની કરીને અમને મજબૂર ન કરો!’

‘નામ ઈમાનદાર, પણ ઈમાનદારીનો એકેય છાંટો નહીં… ડૉક્ટરના પ્રોફેશન પર કલંક લગાડવાના ધંધા કર્યા છે આણે…’

ગાયકવાડે ગુસ્સામાં ડૉ. ઈમાનદારનો કૉલર પકડ્યો એટલે ઈમાનદાર બોલ્યા:

‘એક મિનિટ… આમ કબૂલાત કરવાથી કોર્ટમાં કંઈ સાબિત નહીં કરી શકો!’

‘એની ચિંતા તમે ન કરો… સાબિત કરવા અમારી પાસે ઘણા પુરાવા છે. તમારે સાંભળવું છે?’ ગોહિલે મલકાઈને કહ્યું.

‘કયા પુરાવા?’

‘હા… પુરાવા બતાવો પિશાચી કૃત્ય કરનારા આ પોલીસ ડૉક્ટરને!’ અચાનક આવી પહોંચેલા ડીસીપી જોશી બોલ્યા એટલે બધાનું ધ્યાન એમની તરફ દોરાયું.

‘ગોહિલ… ગાયકવાડ, આના કાન ફાટી જાય અને હોશ ઊડી જાય એવા પુરાવા બતાવો!’ ખુરશી પર બેસતાં જોશીએ કહ્યું.

‘ડૉક્ટર, અક્ષય ભિંગે યાદ છે?’ ગોહિલે કહેતાં ડૉ. ઈમાનદાર ચોંક્યા.

‘અમારો ઑફિસર સાવંત અક્ષયના ઘરે ગયો તો જાણવા મળ્યું કે તેનું મૃત્યુ તો દોઢ વર્ષ પહેલાં જ થયું હતું, પણ મહત્ત્વની વાત… અક્ષયને હાર્ટને લગતી સમસ્યા હતી અને એ તમારો પેશન્ટ હતો.’

‘અમારો અંદાજો છે કે સારવાર દરમિયાન કોઈ ને કોઈ બહાને તમે અક્ષયના આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો મેળવી લીધા હશે, પણ અક્ષયનું મૃત્યુ માંદગીને કારણે થયું હતું કે તેમાં પણ કોઈ ગેમ રમાઈ હતી?’

ડૉ. ઈમાનદાર ચૂપ રહ્યા એટલે ગોહિલે ઉમેર્યું: ‘દાદરની શૉપમાંથી અક્ષયના દસ્તાવેજો પર તમે સિમ કાર્ડ ખરીદ્યું. તમારા મોબાઈલના આઈએમઈઆઈ નંબરની વિગતો પરથી સ્પષ્ટ થયું કે એ નંબર તમારા મોબાઈલમાં હતો, જેના પર ચૌધરી, ભંડારી અને પાઠક સંપર્કમાં રહેતા, બરાબરને?’

ડૉ. ઈમાનદાર પાસે પોતાના બચાવમાં બોલવા કોઈ મુદ્દો નહોતો.

‘જૉની જે તારીખે સલ્લુની બૉડી ડૉ. ભંડારીની હૉસ્પિટલમાંથી જંગલમાં દાટવા લાવ્યો હતો એ રાતે તમે હૉસ્પિટલમાં આવતા-જતા સીસીટીવી ફૂટેજમાં દેખાવ છો. વળી, જૉની તમને મળ્યો પણ હતો… આટલી મોડી રાતે તમે હૉસ્પિટલમાં શું કરવા ગયા હતા તે ડૉક્ટર ભંડારીએ પુરાવા જોયા પછી બધું જ કહી દીધું.’ ગાયકવાડે મુદ્દાસર કહ્યું.

‘ડૉક્ટર… સલ્લુને દવાનો ઑવરડોઝ આપીને તમે જ માર્યોને?’ જોશીએ પૂછ્યું. જવાબમાં ડૉ. ઈમાનદારે માત્ર હકારમાં માથું હલાવ્યું.

‘કેમ?’

‘એને ડ્રગ્સના સેવનની આદત પડી ગઈ હતી. ડ્રગ્સ લીધા પછી એ કંઈ પણ બડબડતો હતો. અમારા માટે ખતરો બની ગયો હતો એટલે તેને મારવો પડ્યો!’ ઈમાનદારીથી ડૉક્ટર બોલ્યા.

‘હજુ એક વાત સાંભળો ડૉક્ટર… ચૌધરીએ આપેલી માહિતીથી ઘાટકોપરની પેશન્ટની ફાઈલ અમે જોઈ, જેમાં પેલી માસૂમ છોકરી… મંજરીનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. ફાઈલમાં ઑપરેશન કરનારા ડૉક્ટર તરીકે તમારું નામ અને સહી છે!’

ડૉ. ઈમાનદાર હવે પૂરેપૂરા સપડાઈ ચૂક્યા હતા તેમ છતાં છેલ્લો દાવ રમવા માગતા હતા.

‘આ બધું ઠીક છે, ડીસીપી… તમારી આખી ટીમની કિંમત બોલો અને અહીં જ મામલાની પતાવટ કરો!’ ધીટતાથી તેમણે કહ્યું.

ડૉ. ઈમાનદારની નાણાંની ઑફરથી જોશી ઉશ્કેરાયા. ખુરશી પરથી ઊભા થઈ તેમણે ડૉક્ટરને જોરદાર લાફો ચોડી દીધો.

‘યમનો એક અર્થ સંયમ પણ થાય છે, ડૉ. સંયમ ઈમાનદાર… બધા તારા જેવા ગીધડાં નથી હોતા કે મડદાં પર મિજબાની કરે!’

‘પણ તમને મારા પર શંકા કેવી રીતે ગઈ?’ ગાલ પસરવારતાં ડૉ. ઈમાનદારે પૂછ્યું.

ચહેરા પર હાસ્ય સાથે ગોહિલ બોલ્યો: ‘બિહારના કેસથી… અને હવે તમારી વિરુદ્ધ અમારી પાસે એ જ મોટો આધાર છે!’

સાંભળીને ડૉ. ઈમાનદારની આંખો પહોળી થઈ ગઈ. તેમણે વિચાર્યું: ‘બિહારના કેસમાં મારું નામ સામે આવ્યું હતું, પણ એ વાતની જાણ આ લોકોને કઈ રીતે થઈ?’ તેમના ચહેરા પર ચિત્ર-વિચિત્ર ભાવ તરવરવા લાગ્યા.

‘આમ ક્ધફ્યુઝ ન થાઓ… એ કેસમાં ચૌધરીએ વગ વાપરીને તમને બધાને બચાવી તો લીધા, પણ પૂછપરછ દરમિયાન એણે તમારું નામ આપ્યું હતું… મુંબઈના મુખ્ય એજન્ટ તરીકે!’

ગોહિલે કહ્યું: ‘કાર્યવાહીથી તો તમે બચી ગયા, પણ બિહારના તપાસ અધિકારીએ પોતાની ફરજ ઈમાનદારીથી બજાવી અને મહત્ત્વનું કામ એ કર્યું કે કેસ ફાઈલમાં શંકાસ્પદ આરોપી તરીકે તમારાં નામ-સરનામાની નોંધ કરી હતી!’
‘અમારી કાર્યવાહી પછી બિહાર પોલીસ પણ તમારી ખબર લેવા ઉત્સુક થઈ છે…’ જોશીનું વાક્ય સાંભળી ડૉ. ઈમાનદાર સમજી ગયા કે હવે તે ખતમ! કબૂલાત સિવાય છૂટકો નથી!

‘એ સાચું છે કે બિહારમાં ચૌધરીએ આ રૅકેટ શરૂ કર્યું હતું. ત્યારથી મને ફાવટ હતી એટલે ચૌધરી અહીં આવ્યો ત્યારે મેં આ કાંડનું સૂત્રસંચાલન કર્યું. કાંડ સંબંધી કોઈ મુશ્કેલી આવે તો પોલીસ પાસેથી બધી વિગતો મળતી રહે એ માટે હું પોલીસનો મદદગાર બન્યો!’

પૂર્ણ શરણાગતિ સાથે ઈમાનદારે કબૂલાતનામું નોંધાવવાની તૈયારી દાખવી.

‘ડૉક્ટર… આ ઘણું અમાનુષી કૃત્ય હતું. આવું કોઈ ડૉક્ટર ન કરે એ માટે તમને કડક સજા થવી જોઈએ… અમારા તો પ્રયત્ન રહેશે કે તમને જામીન સુધ્ધાં ન મળે!’ જોશીએ કડક શબ્દોમાં કહ્યું.

જોશીને સમજાવવા ડૉ. ઈમાનદાર ખુરશીમાંથી ઊભા થયા, પણ તેમનું શરીર ઢીલુંઢસ લાગતું હતું.

‘ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને વહેલો ચુકાદો લાવવાનો પ્રયાસ કરીશું અને તારા જેવા માનવતાના દુશ્મનોને ફાંસી થાય એવી માગ કરીશું…’

પછી જોશીએ ઉમેર્યું: ‘ફાંસીથી બચી ગયા તોય તમને લોકોને આજીવન કારાવાસ પાક્કો, જ્યાં નરકની યાતના મળશે… એની ગૅરન્ટી મારી!’

‘વૉટર ટાઈટ કેસ બનાવો… મજબૂત ચાર્જશીટ જોઈએ મને, ગોહિલ. એકેય આરોપી બચવો ન જોઈએ એ રીતે કોર્ટમાં રજૂઆત થવી જોઈએ!’

આદેશ આપી જોશી કૅબિન બહાર નીકળ્યા ત્યારે ડૉ. ઈમાનદારની અવસ્થા એવી હતી કે એ કોઈની નજરનો સામનો કરી શકતા નહોતા. માથું નીચું કરી સાવ ઢીલા થઈને તે ફરી ખુરશીમાં ફસડાઈ પડ્યા…

(સમાપ્ત)

‘પ્લૉટ-16’ કેવી લાગી?

યોગેશ સી પટેલ લિખિત ધારાવાહિક નવલકથા આજે પૂર્ણ થઈ છે ત્યારે ભૂલ્યા વિના તમને કેવી લાગી આ નવલકથા એ ‘મુંબઈ સમાચાર’ને લખીને જણાવશો.

ઈ-મેઈલ: samachar.bombay@gmail.com

આપણ વાંચો:  પ્લોટ-16 – પ્રકરણ-49 ભયાનક કાંડનો મુખ્ય ખેલાડી કોણ?

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button