પ્લોટ-16 – પ્રકરણ-48: અપરાધી પર રહેમ કરવાની સત્તા નથી!

યોગેશ સી પટેલ
‘બ્રેકિંગ ન્યૂઝ… જંગલના ભયાનક કાંડમાં પોલીસને મોટી સફળતા… ડ્રગ્સ તસ્કરીમાં સંડોવાયેલા બે આરોપી પકડાયા… અવયવ તસ્કરીનો પર્દાફાશ, જેમાં શહેરના જાણીતા બે ડૉક્ટરની પણ ધરપકડ… જંગલમાં પાગલ બનીને ફરનારો જૉની લૉકઅપમાં… પાંચેય આરોપીને કોર્ટે પોલીસ કસ્ટડી ફટકારી… જૉનીનો સાથી બૉની હજુ ફરાર… સૂત્રો અનુસાર જંગલના રહેવાસીઓની કૃપાળુ વલસાડમાં પકડાઈ ગઈ…’
‘ચૅનલવાળાઓને પૂરો મસાલો મળી ગયો છે… હવે આખો દિવસ આ જ સમાચારો ચાલશે!’ ગોહિલે કહ્યું.
‘આખો દિવસ? વચ્ચે થોડા દિવસ શાંતિ હતી… હવે અઠવાડિયું આ ચલાવશે!’ ગાયકવાડે મજાકમાં કહ્યું.
‘સારું છે… હજુ ચૌધરીના સમાચાર રિપોર્ટરો સુધી નથી પહોંચ્યા, નહીં તો ધૂમધડાકા કર્યા હોત!’
‘હા… પણ અત્યારે એ ક્યાં છે?’
‘રસ્તામાં જ છે… કાળે લાવી રહ્યો છે!’
આ કેસમાં જ્યારથી વિધાનસભ્ય જાંભુળકરના પીએ પ્રસન્ન ચૌધરીનું નામ સામે આવ્યું ત્યારથી સબ-ઈન્સ્પેક્ટર વિજય કાળે તેના પર નજર રાખી રહ્યો હતો. એમાંય ડૉ. ભંડારીએ ચૌધરીનું નામ લીધું ત્યારથી પડછાયાની જેમ કાળે તેની પાછળ હતો.
‘બિહાર પોલીસે આપેલી માહિતી પછી તરજ જ ચૌધરીને ઊંચકી લેવાનું કાળેને કહ્યું હતું. જોઈએ એ શું માહિતી આપે છે!’ ગોહિલ બોલ્યો.
‘પેલી કૃપા કંઈ બોલે છે?’ ગાયકવાડે પૂછ્યું.
‘વિદ્યા એની પૂછપરછ કરે છે. ચાલાકી દાખવે એવી છોકરી છે… એટલે મેં વિદ્યાને પૂરી છૂટ લેવાની પરવાનગી આપી છે!’ ગોહિલે આંખ મિંચકારતાં કહ્યું.
ગાયકવાડ અને ગોહિલ વચ્ચે ચર્ચા ચાલતી હતી ત્યારે એકાએક પોલીસ સ્ટેશન બહાર ઘોંઘાટ શરૂ થયો. રહેવાસીઓનું ટોળું ભેગું થયું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હતી.
‘કૃપા અમારે હવાલે કરો… એનો ન્યાય અમે કરીશું!’ ગાયકવાડ અને ગોહિલને જોઈ એક મહિલા ગુસ્સામાં બોલી.
‘કેમ? શું થયું?’ ગાયકવાડે પૂછ્યું.
‘સાહેબ… એ છોકરીને અમે નહીં છોડીએ!’ યુનિટ પચીસના મુખિયા જુગલ મેશ્રામે કોયતો હવામાં વીંઝતાં ધમકી આપી.
‘હા… એને જીવતી છોડવા જેવી નથી… એનો બલિ ચઢાવીશું!’ બીજી મહિલાએ ઉગ્રતાથી કહ્યું.
‘જુઓ, હજુ તો એ પકડાઈ છે… એની પૂછપરછ ચાલી રહી છે. આ કાંડમાં એ કઈ રીતે સંડોવાયેલી છે એની પૂરી જાણકારી અમને જ નથી!’ ગોહિલે મધ્યસ્થી કરી.
‘એણે અમારા ભાઈ-બહેનોને દગો આપ્યો છે. અમારો વિશ્ર્વાસઘાત કર્યો છે. એની સજા એને મળવી જ જોઈએ!’ યુનિટ-16ના મુખિયા ભાસ્કર કડુએ ગુસ્સો ઠાલવ્યો.
‘તમે તો આ લોકોને સમજાવો… આ પગલું યોગ્ય નથી. તેની સામે યોગ્ય કાર્યવાહી થશે!’ ગાયકવાડે યુનિટ-13ના મુખિયા બાળકૃષ્ણ ટેકામને વિનંતી કરી. ટેકામ વડીલ મુખિયા હોવાથી રહેવાસીઓ તેમનું કહ્યું માનતા.
‘મેં ઘણા પ્રયત્ન કર્યા, પણ આ લોકોનું કહેવું છે કે અમારી વચ્ચે રહીને કૃપાએ અમારા જ માણસો સાથે આવું અધમ કૃત્ય કર્યું છે… તો એને કઈ રીતે છોડાય!’ ટેકામે કહ્યું.
‘હા… અમે એને મારીને આ જંગલમાં જ દાટી દઈશું!’ એક મહિલા બોલી.
‘જુઓ… અમારી વિનંતી છે કે પોલીસ પર વિશ્ર્વાસ રાખો. કૃપા કસૂરવાર હશે તો તેને આકરી સજા અપાવીશું!’ ગાયકવાડે સમજાવ્યું.
‘આમ ગુસ્સામાં કેસ બગડશે… અત્યાર સુધીની અમારી બધી મહેનત પાણીમાં જશે એટલે શાંતિ જાળવવામાં જ ભલાઈ છે!’ ગોહિલે પણ સમજાવટનો સૂર અપનાવતાં રહેવાસીઓ ઠંડા પડ્યા.
‘કૃપા… અત્યારે જ રહેવાસીઓની બહાર ભીડ જમા થઈ હતી… તારો ફેંસલો કરવા. અમે સમજાવીને મોકલાવી દીધા છે, પણ એ લોકોનો ગુસ્સો ફાટફાટ થઈ રહ્યો છે. તું અહીંથી નીકળે તોય ઘરે નહીં પહોંચી શકે. એના કરતાં પોપટની જેમ બોલી દે!’ ગોહિલે ડિટેક્શન રૂમમાં બેસેલી કૃપાને ચેતવી.
પોલીસ ઘરે પહોંચે તે પહેલાં છટકી ગયેલી કૃપા ગોડબોલે સયાજી નગરી એક્સપ્રેસમાં બેસીને રફુચક્કર થવાની વેતરણમાં હતી. જોકે પોલીસની સતર્કતાથી વલસાડ રેલવે પોલીસે તેને પકડી પાડી હતી. વલસાડથી મુંબઈ લાવવામાં આવેલી કૃપાની અકડ હવે ઊતરી ગઈ હતી.
‘સર… મેં એને બરાબર સમજાવ્યું છે. હવે એ બોલવા તૈયાર છે!’ કહીને વિદ્યાએ કૃપાના વાળ પકડીને ખેંચ્યા.
‘શું જાણવું છે?’ કૃપાએ મોઢું ખોલ્યું.
‘અમને એટલી તો ખબર છે કે મેડિકલ કૅમ્પ ગોઠવીને બકરા શોધવાનું કામ તારું હતું અને બધાના મેડિકલ રેકોર્ડ પણ તું રાખતી હતી… હવે આગળ બોલ!’
‘અહીંના રહેવાસીઓનો મેં ભરોસો જીતી લીધો હતો એટલે તેમની બધી જાણકારી હું રાખતી અને એ જ આ કાંડમાં કામ લાગી!’
કૃપાએ કહ્યું: ‘મેડિકલ ચેકઅપ માટે રાજી કરીને એ લોકોના પરિવારજનોની માહિતી પણ હું મેળવતી… અશિક્ષિત અથવા એકલી રહેતી વ્યક્તિને સૌપ્રથમ ટાર્ગેટ કરાતી. એ સિવાય પોલીસ સુધી ન જવાના હોય એવા લોકો મારી નજરમાં હતા!’
‘મંજરી અને અંજુને ડૉક્ટર ભંડારીની હૉસ્પિટલ સુધી તું જ દોરી ગઈ હતીને?’
‘હા… મારી બહેનપણીના મનમાં પહેલાં ગંભીર માંદગીનો હાઉ ઊભો કરી દીધો અને પછી તેની સારવારને બહાને હૉસ્પિટલ લઈ ગઈ હતી, જ્યારે મંજરી મને ઓળખતી હતી એટલે મારી સાથે આવવા તૈયાર થઈ હતી!’
‘આટલી નાની ઉંમરે આવા ભયંકર કાંડમાં સામેલ શું કામ થઈ?’ ગોહિલે પૂછ્યું.
‘મધ્યમ વર્ગમાંથી આવું છું, સર… મને હાઈફાઈ લાઈફ જીવવી હતી. મહત્ત્વાકાંક્ષાએ અંધ બનાવી દીધી હતી!’ કૃપા રડી પડી.
‘તને કેટલો હિસ્સો મળતો?’
‘ઑપરેશનદીઠ કમિશન ફિક્સ હતું. પગારમાં વધારો અને ડૉક્ટરે પવઈના પૉશ વિસ્તારમાં ફ્લૅટની લાલચ આપી હતી!’
‘જંગલમાંથી જે શબ મળ્યાં છે તેમના વિશે માહિતી જોઈએ, જેથી લાશની ઓળખ થઈ શકે!’ ગોહિલે કહ્યું.
‘એ હું તમને આપીશ… સર, પણ મને કાનૂની સકંજામાંથી બહાર કાઢો! મારો પરિવાર આ બદનામી સહન નહીં કરી શકે… મારા કરતૂતની જાણ થશે તો એ ભાંગી પડશે!’ કૃપા આજીજી કરવા લાગી.
‘એ શક્ય નથી, કૃપા. અપરાધી પર રહેમ કરવાની અમને સત્તા નથી. તારી સજા કોર્ટ નક્કી કરશે!’
એપીઆઈ શિંદે અને સબ-ઈન્સ્પેક્ટર દત્તા બંડગરને જોઈને ધ્રૂજતો પ્રસન્ન ચૌધરી ગાયકવાડ અને ગોહિલને જોઈ જમીન પર બેસી પડ્યો.
‘તુઝે તોડને કે લિયે શિંદે કા એક હાથ હી કાફી હૈ… અબ તું હી નક્કી કરલે કીતુઝે કિસ તરહ બોલના હૈ! વૈસે… તેરી સારી ડિટેઈલ્સ હૈ હમારે પાસ!’
ગોહિલ ધમકીભરી ભાષામાં ચૌધરીને સમજાવતો હતો ત્યારે ઈન્સ્પેક્ટર રવિ કદમ અને સબ-ઈન્સ્પેક્ટર કપિલ રાજપૂત શોએબ અને ઝમીલને લઈ આવ્યા. ચૌધરી બન્ને સામે જોવા લાગ્યો.
‘ચૌધરી… અબ તીનો સાથ મેં હી પૂરી કહાની બતાઓ, જિસસે હમારા કામ આસાન હો જાયેગા!’ ગોહિલે કહ્યું.
‘યહ દોનો ભી બિહાર કે રહેનેવાલે…’ કહેતાં જ શિંદેએ ચૌધરીના પગને પોતાના પગથી જોરથી દબાવ્યો. ચૌધરી ‘ઓ… મા…’ની ચીસ પાડી ઊઠ્યો.
‘કામ કી બાત બતાઓ… યહ સબ હમ જાનતે હૈ!’ શિંદેએ કહ્યું.
‘શોએબ… ઝમીલ, તમે આને કઈ રીતે ઓળખો છો?’ ગાયકવાડે ભારે અવાજમાં પૂછતાં બન્નેને પોલીસનો માર યાદ આવી ગયો.
‘સાહેબ… ચૌધરી જ ડ્રગ્સના ધંધાનો કર્તાહર્તા છે. આ કામ માટે તેણે જ અમને બિહારથી બોલાવ્યા હતા!’
‘ચૌધરી… તેરે કોન્ટેક્ટ મેં થે યહ દોનો. ઈનકો તોડા તો ડ્રગ્સ કે ધંધે મેં તેરી હિસ્સેદારી કી બાત યે લોગોંને સુનાઈ… અબ તું ફટાફટ બોલ દે, વરના..!’
‘સા’બ, મુઝે મારના મત… પોલીસ કી માર ખાને કી મુઝે આદત નહીં… ચાહે તો મૈં સબ બતાને કે લિયે તૈયાર હૂં!’
ચૌધરી હિન્દીમાં જ બોલતો હતો: ‘ડ્રગ્સ કે ધંધે મેં બહોત પૈસા હૈ… આપ ચાહો તો માલામાલ હો શકતે હો… મૈં તુમ સબકો રૂપિયોં સે નહલાઉંગા, લેકિન મુઝે જાને દો!’
બંડગરે એક લાફો ચોડી દેતાં કહ્યું: ‘રિશ્ર્વત કી બાત કી તો યહીં પે ફૈસલા હો જાયેગા ઔર તુઝે સઝા ભી મિલ જાયેગી!’
‘સિર્ફ ડ્રગ્સ નહીં… ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ રૅકેટ ભી તેરે ઇશારે પર ચલ રહા થા. ઉસ બારે મેં ભી બાત કર… બિહાર મેં તુને ઐસા હી સ્કૅન્ડલ કિયા થાના?’ ગોહિલે કહ્યું.
‘બંડગરના લાફાને કારણે ફાટેલા હોઠમાંથી નીકળતું લોહી લૂંછતાં ચૌધરી બોલવા માંડ્યો…
‘હા… બિહાર મેં રૅકેટ પકડા ગયા ઈસલિયે મુઝે યહાં આના પડા. વહાં પોલિટિકલ પાવર કે વજહ સે મૈં બચ ગયા. ઈસલિયે મુંબઈ આ કે મૈં એમએલએકા પીએ બન ગયા!’
‘યહાં કે ડૉક્ટરોં કો ઈસ રૅકેટ કે લિયે કૈસે મના લિયા?’ ગાયકવાડે પૂછ્યું.
‘વહ તો પુરાને કૉન્ટેક્ટ કામ આયે!’
થોડી સ્માઈલ સાથે ચૌધરીએ ઉમેર્યું: ‘બિહાર કે પૈસેવાલે લોગ ઔર ઉનકે મુંબઈ કે રિસ્તેદારો યા જાનપહેચાનવાલોં મેં સે કિસી કો ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ ઑપરેશન કી જરૂરત હોતી તો વહ લોગ મુઝે કૉન્ટેક્ટ કરતે થે… બડી રકમ વસૂલ કે હમ પૂરા ઈન્તઝામ કર દેતે થે!’
‘જ્યાદાતર બિહાર કે પેશન્ટ્સ કે ઑપરેશન કિયે હૈ!’ ચૌધરીએ કહ્યું.
‘જિનકે ઑપરેશન કિયે હૈ, ઉનમેં સે ફિલહાલ મુંબઈ મેં કૌન હોગા?’ ગોહિલના પ્રશ્ન પછી ચૌધરી મૌન રહ્યો એટલે શિંદેએ તેને ફટકારવા હાથ ઊંચો કર્યો. શિંદેનું મજબૂત બાવડું જોઈ ચૌધરીએ ફરી મોઢું ખોલ્યું.
‘દો ફૅમિલી હૈ… એક ઘાટકોપર ઔર દૂસરી બાન્દ્રા મેં!’
ચૌધરી બોલ્યો: ‘મંજરી કા હાર્ટ ઘાટકોપર કે પરિવાર કી એક લડકી મેં ફિટ કિયા ગયા ઔર અંજુ કી કિડની બાન્દ્રા મેં રહેનેવાલે બિઝનેસમૅન કી બેટી કો દી ગઈ!’
‘કદમ… આની પાસેથી બન્ને દરદીના પરિવારના મોબાઈલ નંબર અને સરનામાં લઈ લે. તેમના ઘરે કોઈને મોકલીને ઑપરેશનની ફાઈલ લાવવાની વ્યવસ્થા કર!’ ગોહિલે આદેશ આપ્યો.
‘લાશ કે અંદર ડ્રગ્સ ભરને કા આઈડિયા કિસકા થા?’
‘વહ તો સા’બ… શોચા કે લાશ કો ઝમીન મેં ગાડની હી હૈ તો ઈસ તરહ ઈસ્તેમાલ કરને કા આઈડિયા મુઝે આયા થા!’
‘ઝમીલ… તેં તો ડૉક્ટર સહાણેને વારંવાર કૉલ કર્યા છે. એનું શું કનેક્શન છે?’
ઝમીલ, શોએબ અને ચૌધરી એકબીજાનાં મોઢાં જોવા લાગ્યાં.
પછી ઝમીલે કહ્યું: ‘સર… એ તો મારી તબિયત બગડી હતી એટલે તેમનો સંપર્ક કર્યો હતો. બાકી, એમને તો આ કાંડની કોઈ જાણ નહોતી!’
‘ઈસ કાંડ મેં ઔર કૌન સામિલ હૈ?’ ગાયકવાડે ચૌધરીને પૂછ્યું, પણ તેણે જાણે હોઠ સીવી લીધા હતા.
‘માસ્ટરમાઈન્ડ એમએલએ જાંભુળકર હૈ યા ઓપોઝિન લીડર બાપટ?’ ગોહિલના પ્રશ્નને પણ સાંભળ્યો ન હોય તેમ ચૌધરી નિર્જીવની જેમ બેસી રહ્યો.
‘ડૉક્ટર હિરેમઠ યા ડૉક્ટર મંદિરા તેરે જુર્મ કે સાથી હૈ?’
‘સર… આપ મુઝે માર ડાલો, લેકિન એક બાત પક્કી હૈ… મૈં કિસી કા નામ નહીં બતાઉંગા!’ ચૌધરી મક્કમપણે બોલ્યો.
‘તો ફિર જાંભુળકર કે વહાં નોકરી ક્યૂં કરતા થા?’
‘વક્ત આને પર પોલિટિકલ કનેક્શન કા ઈસ્તેમાલ કરને કે લિયે. બિહાર મેં મૈં ઈસી તરહ બચ નીકલા થા… લેકિન યહાં આપ લોગોને અચાનક અટેક કિયા તો…’ ચૌધરી આગળ કંઈ ન બોલ્યો.
ચૌધરી સાથે અત્યારે ભેજું ખપાવવાનો કોઈ અર્થ નહોતો. એ વધુ જાણકારી નહીં આપે એવું લાગતાં ગોહિલ અને ગાયકવાડ ડિટેક્શન રૂમની બહાર નીકળ્યા.
બહાર આવતાં જ ગાયકવાડ સામે જોતાં ગોહિલ બોલ્યો: ‘તો પછી સલ્લુને માર્યો કોણે? કોઈ મોઢું ખોલવા તૈયાર નથી… એના મોતનું રહસ્ય ઘેરાતું જાય છે!’
વિચાર કરીને ગોહિલે કહ્યું: ‘મને લાગે છે કે ચૌધરીની ઉપર પર એક ખેલાડી હોવો જોઈએ, પણ એ છે કોણ?’
થોડી વાર આશ્ચર્યથી ગોહિલને નીરખી ગાયકવાડે કહ્યું: ‘તું કારણ વગર આવું વિચારે છે. બની શકે ચૌધરીની ઉપર કોઈ માસ્ટર ખેલાડી ન હોય… આ માત્ર તારો વહેમ હોય!’ (ક્રમશ:)
આ પણ વાંચો…પ્લોટ – 16 – પ્રકરણ-47: બિહારના કિડની ટ્રાન્સપ્લાન્ટના રૅકેટ સાથે કનેક્શન!


