નવલકથા

પ્લોટ – 16 – પ્રકરણ-47: બિહારના કિડની ટ્રાન્સપ્લાન્ટના રૅકેટ સાથે કનેક્શન!

યોગેશ સી પટેલ

‘સર… કૃપા છટકી ગઈ..!’

‘કેવી રીતે?’

‘આપણી ટીમ પહોંચવાના કલાક પહેલાં જ તે ઘરેથી નીકળી ગઈ હતી!’ ઈન્સ્પેક્ટર રવિ કદમે જણાવ્યું.

ડૉ. વિશ્ર્વાસ ભંડારીએ અવયવ ચોરીના રૅકેટમાં પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવાની સાથે તેમની સેક્રેટરી કૃપા ગોડબોલેની સંડોવણીનો પણ ખુલાસો કર્યો હતો. આરેના જંગલમાં યોજાતા મેડિકલ કૅમ્પમાં કૃપાની ચાવીરૂપ ભૂમિકા હતી.
રહેવાસીઓ અને ડૉક્ટરો વચ્ચેની મુખ્ય કડી એવી કૃપા શિબિરમાં તપાસ માટે આવનારા લોકોના મેડિકલ રેકોર્ડ પણ રાખતી હતી, એવું તપાસમાં સામે આવતાં કદમ અને સબ-ઈન્સ્પેક્ટર વિદ્યા પાટીલ તેને કસ્ટડીમાં લેવા ગયાં હતાં.

પોલીસની ટીમ પહોંચે તે પહેલાં કૃપા ઘરેથી રફુચક્કર થઈ ગઈ હતી. આ બાબતે જાણ કરવા કદમે ઈન્સ્પેક્ટર ગોહિલને કૉલ કર્યો હતો.

‘સર… કૃપા ઘરેથી બૅગ લઈને નીકળી છે અને કામ માટે બહાર જતી હોવાનું તેની માતાને કહી ગઈ છે!’

‘…પણ આમ અચાનક ક્યાં જતી રહી?’ ગોહિલે પૂછ્યું.

‘તેની માતાને પણ શંકા હતી, કારણ કે કૃપા કપડાં લઈને નીકળી છે, પણ વારંવાર પૂછવા છતાં તે કંઈ બોલી નહોતી એટલે પરિવારજનોને કંઈ ખબર નથી, એવું તેમનું કહેવું છે.’

‘તમે અત્યારે ક્યાં છો?’

‘બોરીવલી!’

‘કેમ? કૃપા તો જોગેશ્ર્વરીમાં રહે છેને!’ ગોહિલને આશ્ર્ચર્ય થયું.

‘હા… અમે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસીને બોરીવલી સુધી પહોંચ્યાં છીએ!’ કદમે માહિતી આપી.

‘તેના ઘર નજીકની જ્વેલરીની દુકાનના સીસીટીવી કૅમેરામાં એક રિક્ષામાં બેસતી તે નજરે પડે છે… એ રિક્ષા સ્ટેશનની દિશામાં ગઈ હતી.’

કદમ બોલ્યે જતો હતો: ‘જોગેશ્ર્વરી રેલવે સ્ટેશનના કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં તો તે બોરીવલીની ટ્રેનમાં બેસતી દેખાય છે અને પછી બોરીવલીથી તે ગુજરાત જતી ટ્રેનમાં ચઢે છે!’

‘કઈ ટ્રેન હતી એ ખબર પડી?’

‘સયાજી નગરી એક્સપ્રેસ…’ કદમ બોલ્યો.

‘ગુજરાતમાં એનું કોઈ સગું રહે છે?’ ગોહિલે પૂછ્યું.

‘એ જ તો આશ્ર્ચર્યની વાત છે, સર. એનું વતન તો નાશિક છે અને નાશિક કે મહારાષ્ટ્રના કોઈ શહેરમાં જવાને બદલે એ ગુજરાત તરફ જઈ રહી છે!’

કદમે કહ્યું: ‘સર… આ બાબતે રેલવે પોલીસને અમે કૃપાની તસવીર અને જરૂરી વિગતો આપી દીધી છે. એ લોકો ટ્રેનમાં સિક્યોરિટી માટે હાજર આરપીએફના જવાનનો સંપર્ક કરી રહ્યા છે… અને ગુજરાત પોલીસને પણ આ મામલે અલર્ટ કરવામાં આવી છે…’

‘બોલો, ઑફિસર… આજે મારી યાદ કઈ રીતે આવી?’ ડૉ. ભાવિક માજીવડેએ કૉલ રિસીવ કરતાં પૂછ્યું.

‘ડૉક્ટરસાહેબ, એક મહત્ત્વનું કામ હતું!’ ગોહિલે કહ્યું.

‘શું વાત છે… હજુ મારી જરૂર છે!’ ઘણા દિવસે કૉલ કર્યો એટલે ડૉ. માજીવડે ટોણો મારતા હોવાનું ગોહિલને લાગ્યું.

‘સાહેબ… તમારા વિના અમારી ગાડી આગળ કઈ રીતે વધી શકે?’ ગોહિલે પણ ટીખળ કરી.

‘કેમ? હવે તો બધું ક્લિયર થઈ ગયું છેને… તો પછી તમારી ગાડી ક્યાં અટકી?’ ડૉ. માજીવડેને આશ્ર્ચર્ય થયું.

‘એક મુદ્દે અમે અવઢવમાં છીએ!’

‘શું સમસ્યા છે?’

‘ડૉક્ટરસાહેબ, તમે આપેલા પોસ્ટમોર્ટમના રિપોર્ટ અનુસાર ડ્રગ્સ તસ્કર સલ્લુનું મોત દવાના ઑવરડોઝથી થયું હતું!’

થોડું અટકીને ગોહિલે પૂછ્યું: ‘મૃત્યુના આ કારણથી તમે શ્યૉર છો, ડૉક્ટર?’

‘સો ટકા. મારી દેખરેખમાં પોસ્ટમોર્ટમ થયું હતું, પણ તમે આવો સવાલ શા માટે કરો છો?’ ડૉ. માજીવડેને અચરજ થયું.

‘માત્ર ખાતરી કરવા મેં પૂછ્યું હતું!’

‘અમારા તરફથી કોઈ ચૂક નથી થઈ, ઑફિસર. તમારા મનમાં કોઈ શંકા હોય તો બોલી દો!’

‘એક્ચ્યુઅલી સમસ્યા એ છે કે અમે એક આરોપીની ધરપકડ કરી છે… જૉની. એનું કહેવું છે કે સલ્લુની લાશ ડૉક્ટર ભંડારીની હૉસ્પિટલેથી જંગલમાં દાટવા એ લાવ્યો હતો!’

ગોહિલ બોલતો હતો: ‘અમે ડૉક્ટર ભંડારીની પૂછપરછ કરી તો એ ઈન્જેક્શનથી દવાના ઑવરડોઝની વાતને નકારી કાઢે છે!’

‘વ્હૉટ? ડૉક્ટર ભંડારી પણ આમા સંડોવાયેલા છે? એ તો ગરીબોની મદદ માટે ટ્રસ્ટ ચલાવે છેને?’ ડૉ. માજીવડેને આંચકો લાગ્યો.

‘ગરીબોની સહાયની આડમાં સ્કૅન્ડલ ચાલતું હતું, ડૉક્ટરસાહેબ. હવે કોઈની મદદ લેતાં પણ બે વાર વિચારવાનો સમય આવી ગયો છે!’

ગોહિલે વધુમાં ઉમેર્યું: ‘ડૉક્ટર ભંડારીની અમે આકરી પૂછપરછ કરી, પણ એ પોતાની વાત પર અડગ છે.’

‘એમનું શું કહેવું છે?’

‘એ તો કહે છે કે સલ્લુનું સ્વાસ્થ્ય ખૂબ જ કથળ્યું હતું. સારવાર માટે એ હૉસ્પિટલમાં આવ્યો ત્યારે એના હાર્ટબીટ ઘણા ઓછા હતા.’

ગોહિલે વધુ માહિતી આપી: ‘સલ્લુનું તાત્કાલિક ઑપરેશન કરવાની જરૂર હતી… બધી તૈયારી કરવામાં આવી, પણ તેણે ઑપરેશન ટેબલ પર જ દમ તોડ્યો. તેને કોઈ દવા આપવામાં આવી નહોતી. માંદગીને કારણે સલ્લુનું મૃત્યુ થયાનું ડૉક્ટર ભંડારીનું કહેવું છે!’

‘ઑફિસર… તમને શંકા હોય તો જે. જે. હૉસ્પિટલમાં સલ્લુના શબનું ફરી પોસ્ટમોર્ટમ કરાવી શકો છો, પણ હું આટલાં વર્ષોના અનુભવને આધારે કહું છું કે અમારો રિપોર્ટ પરફેક્ટ છે!’

ડૉ. માજીવડેએ ઉમેર્યું: ‘ડૉક્ટર ભંડારી જુઠ્ઠું બોલે છે… શું કામ એ નથી ખબર, પણ મને લાગે છે કે કદાચ એ કોઈને છાવરી રહ્યા છે!’

બૉનીની શોધ માટે ફરી ટીમ લઈને નીકળવાની તૈયારીમાં રહેલા એપીઆઈ પ્રણય શિંદેના મોબાઈલમાં વ્હૉટ્સઍપ મેસેજ આવ્યો. મેસેજ જોતાં જ તેની આંખો ચમકી અને ચહેરા પર ખુશી ઊમટી આવી. મેસેજમાંનું લખાણ વાંચતાં તેના શરીરમાં હર્ષનો લાવા ઊછળ્યો. તરત જ તે ઝડપી ચાલે ગોહિલની કૅબિન તરફ ગયો.

‘આવું… સર!’ કૅબિનને બારણે ટકોરા મારી શિંદે અંદર પ્રવેશ્યો.

‘શું થયું… આટલો ખુશ કેમ દેખાય છે?’ શિંદેની ચાલમાં ઉત્સાહ અને ચહેરા પરની ખુશી ગોહિલે જોઈ લીધી.

‘સર, અફલાતૂન ન્યૂઝ છે. આપણો તુક્કો કામ કરી ગયો!’

‘…પણ થયું શું?’

‘બિહાર પોલીસનો મેસેજ આવ્યો છે. વિધાનસભ્યના પીએ પ્રસન્ન ચૌધરી વિરુદ્ધ ત્યાં કેસ રજિસ્ટર્ડ છે!’

શિંદે મોબાઈલમાં જોતાં બોલ્યો: ‘અને યોગાનુયોગ… ત્યાં પણ ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ રૅકેટનો જ ગુનો છે!’

‘…પણ એ કેસનો ચૌધરી અને આપણો ચૌધરી એક જ છેને? એની ખાતરી કરી?’ગોહિલ પણ જોશમાં આવ્યો.

‘હા… એજ છે. મેં ચૌધરીની તસવીર બિહાર પોલીસને મોકલી હતી. એ લોકોએ ક્ધફર્મ કરવાની સાથે તેમની પાસેની ફાઈલ તસવીર આપણને મોકલી છે.’

‘શિંદેએ કહ્યું: ‘સર… એ લોકોએ મોકલાવેલી તસવીરને મેં ચૌધરીની તસવીર સાથે સરખાવી છે!’

‘બિહારના કેસની કોઈ વિગતો આવી?’ ગોહિલે પૂછ્યું.

‘કેસ ફાઈલની નકલ મોકલવાની વ્યવસ્થા ત્યાંની પોલીસ કરી રહી છે, પણ…’

થોડું અટકીને શિંદે બોલ્યો: ‘પણ એમાં ઘણો સમય લાગશે એટલે મેં મોબાઈલથી ફોટા પાડી વ્હૉટ્સઍપ કરવા કહ્યું છે!’

‘ઓકે. એક વાર કેસની વિગતો મળી જાય એટલે આપણા હાથ ખુલ્લા થાય!’ ગોહિલે કહ્યું.

‘સર… કેસ ફાઈલના ફોટા આવવા માંડ્યા છે… બિહારમાં ભાગલપુર શહેરના આદમપુર પોલીસ સ્ટેશનમાં આ ગુનો નોંધાયેલો છે.’ શિંદેની નજર મોબાઈલના સ્ક્રીન પર જ હતી.

‘ફાઈલના પહેલા પાને જ ચૌધરીની તસવીર છે, સર… અને એ કેસનો સારાંશ પણ છે!’

‘શું કહે છે કેસ સમરી!’

‘સર… કિડની ટ્રાન્સપ્લાન્ટનું રૅકેટ એક હૉસ્પિટલમાં ચાલતું હતું. એ કેસમાં બે ડૉક્ટર અને એક એજન્ટની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અન્ય કેટલાંક નામો પણ સામે આવ્યાં હતાં.’

‘તો… આ ચૌધરીનું શું?’

‘એને આરોપી બતાવ્યો છે, પણ પૂરા દસ્તાવેજોની નકલ આવે તો છેલ્લું સ્ટેટસ ખબર પડે!’ શિંદેએ જણાવ્યું.

‘દસ્તાવેજો મોકલનારા અધિકારીને ફોન કરી પૂછી જો!’ ગોહિલે સૂચના આપી.

‘આ દસ્તાવેજો તો ત્યાંના પોલીસ મુખ્યાલયના અધિકારી મોકલી રહ્યા છે, પણ ફાઈલ પર તપાસ અધિકારીનો નંબર છે.’ કહીને શિંદેએ ઉતાવળે મોબાઈલ નંબર ડાયલ કર્યો.

બિહાર પોલીસના અધિકારીએ આપેલી માહિતી મુજબ એ કેસની વધુ તપાસ અટકાવી દેવાનો ઉપરથી ઑર્ડર આવ્યો હતો. ચૌધરી બિહારના રાજકીય નેતા સાથે ઘરોબો ધરાવતો હતો. એ નેતા સરકારમાં પ્રધાન હોવાથી તેમણે પોલીસ પર દબાણ નાખ્યું હતું. એ રૅકેટમાં ચૌધરી મહત્ત્વની કડી હતો, પરંતુ રાજકીય વગને કારણે તે અને બીજાં મોટાં માથાં બચી ગયાં… નાની માછલી પોલીસની જાળમાં ફેંકીને મામલો સુલટાવી દેવાયો હતો.

વિગતો ગોહિલને જણાવી શિંદેએ કહ્યું: ‘એ કેસમાં ચૌધરીને વૉન્ટેડ આરોપી બતાવાયો હતો, પણ કોઈ કાર્યવાહી કરાઈ નહોતી!’

‘બધા દસ્તાવેજોના ફોટા આવી જાય એટલે માટા વ્હૉટ્સઍપ પર ફૉરવર્ડ કરી દેજે!’

પછી ગોહિલે કહ્યું: ‘આટલું આપણા માટે પૂરતું છે, શિંદે… હવે પેલા હિલતા મકાનને ધરમૂળથી ઊખેડી નાખવાનો સમય આવી ગયો છે!’

‘એની બૉડી લેન્ગ્વેજ જોઈને લાગતું નથી કે એ આવા કાંડ કરતો હશે… સ્ત્રૈણ જેવો છે, પણ…’ શિંદે આગળ બોલતો અટકી ગયો.

‘શિંદે… હવે વાતોમાં સમય પસાર ન કર. એ સ્ત્રૈણ લોકમાન્ય ટિળક ટર્મિનસ નહીં, આપણા લૉકઅપમાં પહોંચવો જોઈએ!’

થોડું વિચારી ગોહિલે કહ્યું: ‘વિધાનસભ્ય જાંભુળકરની આ કાંડમાં શું ભૂમિકા છે એ આ સ્ત્રૈણ જ કહેશે!’

(ક્રમશ:)

આ પણ વાંચો: પ્લોટ-16 – પ્રકરણ-48: અપરાધી પર રહેમ કરવાની સત્તા નથી!

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button