પ્લોટ-16 - પ્રકરણ-44: મેડિકલ કૅમ્પને બહાને ડેટા ભેગા કરાયા! | મુંબઈ સમાચાર
નવલકથા

પ્લોટ-16 – પ્રકરણ-44: મેડિકલ કૅમ્પને બહાને ડેટા ભેગા કરાયા!

યોગેશ સી પટેલ

‘ડૉક્ટરસાહેબ, આને દવાનો ઑવરડોઝ આપીને મારી નાખો અને એક્સિડેન્ટને કારણે મૃત્યુ પામ્યો હોવાનું જાહેર કરી દો!’
‘શું?’ ડૉક્ટર ચોંક્યા.

‘હા… આની લાશને અમે અવલ મંજીલે પહોંચાડી દઈશું અને તમારું નામ ક્યાંય નહીં આવે એની હું ખાતરી આપું છું!’
ગોહિલે ઉમેર્યું: ‘આમેય આની આગળ-પાછળ કોઈ નથી. આ ગાયબ થઈ જાય તોય કોઈને ફેર પડતો નથી!’

ડૉક્ટરને સૂચના આપી ગોહિલે વૉર્ડની બહાર જવાનો ડોળ કર્યો. એની પાછળ સાવંત પણ ચાલવા માંડતાં જૉની ડરી ગયો. બન્નેને જતાં જોઈ તે ઝાટકા સાથે બેડ પર બેઠો થઈ ગયો…
‘ઓ… સર! ઊભા રહો…’

જૉનીએ બૂમ પાડી એટલે વૉર્ડના દરવાજા પાસે ગોહિલ અને સાવંત ઊભા રહી ગયા. તેમણે પાછળ ફરીને જોયું તો જૉની બેડ પરથી ઊતરીને જમીન પર ઊભો હતો. ટટ્ટાર ઊભા રહીને તેણે આજીજી કરવા માંડી.
‘સર… મને સાથે લઈ જાઓ. અહીં ઈન્જેક્શનથી હડકાયા કૂતરાની જેમ મારે નથી મરવું!’
‘…પણ તારો પગ તૂટેલો હતોને!’ ગોહિલને હસવું આવ્યું.

‘મારે હવે અહીં નથી રહેવું, બસ!’ જૉની જીદે ચડ્યો.
ગોહિલે ‘થેન્ક્સ, ડૉક્ટર!’ કહીને ઇશારો કરતાં ડૉક્ટર ત્યાંથી રવાના થયા.

‘મારે બે જ સવાલ પૂછવા છે… એક તો બૉની ક્યાં છે? અને બીજો, જંગલમાં શબ કોણે દાટ્યાં? સાચો જવાબ આપે તો ઠીક, નહીં તો ટાંગ ખરેખર તૂટશે!’
‘મારા અકસ્માતની જાણ થતાં બૉની ડરી ગયો હતો. અત્યારે એ ક્યાં છે તેની મને જાણ નથી, પણ હા… જંગલ છોડીને એ બીજે જઈ શકે એમ નથી!’

જૉનીએ કહ્યું: ‘તમે ઝાડ પર લાગેલા હૉલોગ્રાફિક કૅમેરાની પાછળ પડ્યા ત્યારે અમને સમજાઈ ગયું કે હવે અમારા માટે મુશ્કેલી ઊભી થશે. દિવસે અમે જંગલના અલગ અલગ ભાગમાં સંતાઈ રહેતા અને મોડી રાતે ઘરે સૂવા જતા!’

‘ઘર?’

‘કુરાર વિલેજની ઝૂંપડપટ્ટીમાં ભાડેની રૂમમાં રહેતા હતા. મોડી રાતે ત્યાં જઈને વહેલી સવારે ફરી જંગલમાં આવતા!’

જૉનીનું બોલવાનું ચાલુ હતું: ‘મને મારી નાખવાને ઇરાદે આ એક્સિડેન્ટ કરાયું હોવાની શંકાથી ડરીને બૉનીએ કુરારની રૂમ પર જવાનું પણ છોડી દીધું… અત્યારે એ જંગલમાં જ હોવો જોઈએ!’

‘લાશ તમે જ દાટતા હતાને?’ ગોહિલે સીધું પૂછી લીધું.
થોડી વાર ચૂપ રહીને વિચાર કર્યા બાદ જૉનીએ મોં ખોલ્યું.
‘હા… મધરાત બાદ હું અને બૉની આ કામ પતાવતા!’

‘લાશ કોણ લાવીને આપતું?’
‘એકાદ બે વાર સલ્લુ… બાકી તો હું જ લાવતો!’
‘ક્યાંથી?’
ફરી જૉની બોલતો બંધ થયો અને વિચારવા લાગ્યો.

‘જો જૉની… તું નહીં બોલે તો તારી ઉપરના ડૉક્ટરો મોઢું ખોલશે અને બધા ગુના તારા નામે ચઢાવશે એ યાદ રાખજે!’ ગોહિલે ચેતવ્યો.
‘અમારી વાત માનીને પોલીસને સહકાર આપ… અમારો સાક્ષી બનીને તારા સાથીઓ વિરુદ્ધ જુબાની આપશે તો તારી સજા ઓછી કરાવવા અમે કોર્ટમાં વિનંતી કરીશું!’ ગોહિલે લલચાવ્યો.

‘…પણ એ લોકો મને પતાવી નાખશે તો?’ જૉની ગભરાયેલો હતો.
‘તને કંઈ નહીં થવા દઈએ એની ખાતરી આપું છું.’
‘સર… લાશ ડૉક્ટર ભંડારીની હૉસ્પિટલમાંથી લાવવામાં આવતી!’ મોટું રહસ્ય ખોલ્યું જૉનીએ.
‘ડૉક્ટર પાઠકની એમ્બ્યુલન્સમાં?’ ક્યારના ચૂપચાપ ઊભેલા સાવંતે પ્રશ્ન કર્યો.

‘એમ્બ્યુલન્સ કોની હતી એની મને જાણ નથી. મારા સુધી તો એમ્બ્યુલન્સ હંમેશાં સલ્લુ લાવતો!’
‘સલ્લુને દવાનો ઑવરડોઝ આપીને કોણે માર્યો?’
‘એનીય મને નથી ખબર, પણ હા… લાશ ડૉક્ટર ભંડારીની હૉસ્પિટલમાંથી લાવવામાં આવેલી!’

ડૉ. મૃત્યુંજય હિરેમઠની આવવાની રાહ જોતી ડૉ. મંદિરા અજવાની ક્યારની બેબાકળી બની આરે હૉસ્પિટલના પેસેજમાં આંટા મારતી હતી. હૉસ્પિટલમાં પ્રવેશેલા ડૉ. હિરેમઠની પાછળ પાછળ ડૉ. મંદિરા પણ તેમની કૅબિનમાં ગઈ.
‘આટલા ટેન્શનમાં દેખાઓ છો, સર… પૂછપરછ ચિંતાગ્રસ્ત તબક્કે પહોંચી હતી?’ ડૉ. મંદિરાએ ઉતાવળે પૂછ્યું.

‘ચિંતાગ્રસ્ત તબક્કે નહીં, ચર્ચા આંચકાજનક પરિણામમાં ફેરવાઈ હતી!’ ડૉ. હિરેમઠે કહ્યું.
‘પરિણામ? એટલે?’
‘મેં સ્વપ્નેય વિચારી નહોતી એવી હકીકત સામે આવી છે… આપણા પ્રોફેશન માટે કલંકરૂપ બીના છે આ!’ ડૉ. હિરેમઠ શું કહેવા માગતા હતા તે ડૉ. મંદિરાને સમજાતું નહોતું.
‘સર… સમજાય એ રીતે કહોને… શું થયું પોલીસ સ્ટેશનમાં?’

‘ડૉક્ટર આયુષ પાઠકની ધરપકડની તૈયારી કરી રહી છે પોલીસ. અત્યારે તેમનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે!’
‘વ્હૉટ?’
‘હા… ઘણી આંચકાજનક વાત છે કે ડૉક્ટર પાઠક આ બધામાં સંડોવાયેલા છે.’
‘…પણ એવું કઈ રીતે બની શકે?’ ડૉ. મંદિરા બોલીને વિચારમાં પડી ગઈ.

‘એવું જ બન્યું છે… ખુદ ડૉક્ટર પાઠકે અમારી સામે ગુનામાં તેમની ભૂમિકા સ્પષ્ટ કરી છે!’
પછી આંખ ઝીણી કરી ડૉ. હિરેમઠ બોલ્યા: ‘તને આટલું ટેન્શન શું કામ છે… આ કાંડ વિશે તું કંઈ જાણે છે?’
‘ના… ના. મને કંઈ ખબર નથી. આ તો ડૉક્ટર પાઠક આવું કરી શકે એ માન્યામાં નથી આવતું એટલે આંચકો લાગ્યો!’ ભોંઠી પડી હોય તેમ ડૉ. મંદિરાએ નજર નીચી કરી લીધી.

‘એથીય શૉકિંગ ખુલાસો એ થયો છે કે ડૉ. વિશ્ર્વાસ ભંડારી આ સ્કૅન્ડલના સૂત્રધાર છે!’
‘ઓહ માય ગૉડ! વિશ્ર્વાસ નથી બેસતો…’ ડૉ. મંદિરા ચિંતામાં જણાતી હતી.
‘ડૉક્ટર ભંડારી પણ જેલમાં જશે, એવું જણાઈ રહ્યું છે. અત્યારે તો પોલીસની ટીમ તેમને કસ્ટડીમાં લેવા નીકળી પણ ગઈ હશે.’ ગળું સુકાવા લાગતાં ડૉ. હિરેમઠે પાણીનો ઘૂંટડો પીધો.

‘આ અંગે ડૉક્ટર ભંડારીને કોઈ આગોતરી જાણ કરાઈ?’
‘ના. પોલીસ સિક્રેટલી કાર્યવાહી કરવા માગે છે!’
‘તો આપણે તેમને જાણ કરીએ?’

‘કેમ? તારે શા માટે આ ઝમેલામાં ફસાવું છે… સાચેસાચું કહી દે, તારે આ આખા મામલામાં શું લેવાદેવા છે?’ ડૉ. હિરેમઠને શંકા જવા લાગી.

‘મને કંઈ પડી નથી, પણ ડૉ. ભંડારી સાથે આપણા સારા સંબંધો છે એટલે…’
‘એક વાત તો પોલીસની સાચી છે કે આપણી હૉસ્પિટલથી થોડે જ દૂર શબ દાટવામાં આવ્યાં અને આપણને અણસાર પણ ન આવ્યો!’

પછી વિચાર કરીને ડૉ. હિરેમઠ બોલ્યા: ‘એવું તો નથીને… આપણો વૉર્ડબૉય રાઠોડ આ અંગે કંઈ જાણતો હોય, કેમ કે એ રાતે પણ હૉસ્પિટલમાં જ હોય છે!’

કાંદિવલીની હૉસ્પિટલમાંથી જૉનીને તાબામાં લઈને ગોહિલ અને સાવંત આરે પોલીસ સ્ટેશને પાછા ફર્યા. પોલીસ સ્ટેશન બહાર બોલેરોમાંથી ઊતરી રહ્યો હતો ત્યારે ગોહિલનો મોબાઈલ રણક્યો. કૉલ ઈન્સ્પેક્ટર રાજીવ કામતનો હતો. ગુનામાં વપરાયેલી એમ્બ્યુલન્સ ભાયંદરની ખાડીમાં ફેંકી હોવાની ઝમીલની કબૂલાત પછી કામત ટીમ સાથે ભાયંદર ગયો હતો.

‘સર… એમ્બ્યુલન્સ મળી ગઈ છે!’ ગોહિલે કૉલ રિસીવ કરતાં જ કામત ઉત્સાહમાં બોલ્યો.

‘ઝમીલે બતાવેલી જગ્યાથી ડાઈવરો અને માછીમારો ખાડીમાં ઊતર્યા હતા. પાણીની અંદર વાહન હોવાની ખાતરી થતાં ટ્રાફિક પોલીસની મદદ લેવાઈ હતી.’
કામત માહિતી આપતો હતો: ‘જેસીબી મશીનની મદદથી એમ્બ્યુલન્સને પાણીની બહાર કાઢવામાં આવી છે, પણ તેની નંબર પ્લૅટ ગુમ છે!’

‘નો પ્રોબ્લેમ… એ પણ મળી જશે.’ ગોહિલે કહ્યું.
પછી ઉમેર્યું: ‘એમ્બ્યુલન્સને આરે પોલીસ સ્ટેશને લાવવાની વ્યવસ્થા કર અને તપાસ માટે ફોરેન્સિકને પણ જાણ કરી દેજે!’

ઉતાવળમાં હોવાથી ગોહિલે ટૂંકમાં વાત પતાવી કૉલ કટ કર્યો. જૉનીને લઈ સાવંત પોલીસ સ્ટેશનના પહેલા માળે ગયો, જ્યારે ગોહિલ સિનિયર ઈન્સ્પેક્ટર અશોક ગાયકવાડની કૅબિનમાં. તેમની કૅબિનમાં જ ઈન્સ્પેક્ટર રવિ કદમ ડૉ. વિશ્વાસ ભંડારી સાથે બેઠો હતો.

‘મને આ રીતે લાવવાનો શો અર્થ… હું કઈ રસ્તા પરનો મવાલી નથી!’ ડૉ. ભંડારી ગાયકવાડ સાથે વિવાદમાં ઊતર્યા હતા.
‘પુરાવાને આધારે તમને પૂછપરછ માટે લાવવામાં આવ્યા છે… લો, ગોહિલ પણ આવી ગયો!’ ગાયકવાડ પણ ઊંચા અવાજે ડૉક્ટરને સમજાવતા હતા.

‘ડૉક્ટર, આટલા બરાડા શું કામ પાડો છો? બ્લડ પ્રેશર હાઈ થશે તો અમારું કામ વધી જશે!’ કૅબિનમાં પ્રવેશતાં જ ગોહિલે કહ્યું.

‘હું પ્રતિષ્ઠિત ડૉક્ટર છું, સામાન્ય ગુંડો નહીં. પૂર્વજાણકારી કે સમન્સ વિના મને અપરાધીની જેમ લાવવામાં આવ્યો છે, ઑફિસર!’ ડૉક્ટરનું મગજ હજુ ગરમ હતું.
‘સામાન્ય ગુંડા કરતાં પણ ઊતરતી કક્ષાનું કામ કર્યું છે તમે… અમારી પાસે પુરાવા છે!’ ગોહિલ લડી લેવાના મૂડમાં હતો.

‘શેના પુરાવા? અને પૂછપરછ તો મારી ઑફિસે પણ થઈ શકી હોત!’ ડૉ. ભંડારી સમજવા તૈયાર નહોતા.
‘પૂછપરછનો સમય ગયો… ડૉક્ટર, તમારી ધરપકડની પરવાનગી અમને મળી ગઈ છે!’ ગોહિલે ચોખવટ કરી.

‘વ્હૉટ? કોણે પરવાનગી આપી?’ે
‘ડીસીપી સરે. ડૉક્ટર પાઠકની પૂછપરછ વખતે સર હાજર હતા અને તેમની સામે જ બધા ખુલાસા થયા છે!’ ગોહિલે કહ્યું.
‘અમારે તમારી પાસેથી અમુક બાબતો જાણવી છે, જેથી બધી કડી જોડાઈ જાય!’

‘પહેલાં મને વકીલને ફોન કરવા દો… મારા વકીલની હાજરીમાં જ હું જવાબ આપીશ!’ ડૉ. ભંડારીએ જકી વલણ અપનાવ્યું.
‘ડૉક્ટર, લાગે છે… તમે મારી વાત ધ્યાનથી સાંભળી નથી. તમારી ધરપકડ થઈ રહી છે. હવે તમારો વકીલ સીધો કોર્ટમાં જ આવશે!’

ગોહિલે ઉમેર્યું: ‘ધરપકડની જાણ તમારી પત્નીને કરવા મહિલા અધિકારી તમારા ઘરે ગઈ છે!’
‘અમે જાણતા હતા કે ધરપકડથી બચવા આગોતરા જામીન કે બીજો કોઈ વિકલ્પ તમે શોધી કાઢ્યો હતો… અમે તમને મોકો આપવા માગતા નહોતા!’ કદમ બોલ્યો.

‘જુઓ ડૉક્ટર, પાઠકની ઇન્ક્વાયરી સમયે ડીસીપી હાજર હતા એટલે અમે સંયમ જાળવ્યો હતો. હવે અમારા હાથ ખુલ્લા છે અને પોલીસ સ્ટેશનમાં આરોપીના કેવા હાલ થાય છે એ જગજાહેર છે!’ ગાયકવાડે ધમકીભરી ભાષા વાપરી.

‘…અને એક વાતની જાણ કરી દઉં. હમણાં જ અમે જૉનીને લઈ આવ્યા છીએ. એની પાસેથી ઘણી મહત્ત્વની માહિતી મળી છે.’ ગોહિલે જૉની પકડાયાની વાત કરતાં ડૉ. ભંડારી અંદરથી થથરી ગયા.

‘હવે તમારી પાસે સહકાર આપવા સિવાય કોઈ માર્ગ બચ્યો નથી.’ કહીને ગોહિલે પ્રશ્ન કર્યો.
‘અમને એ જાણવું છે કે ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે ડોનર… એટલે કે દાતા, જેમને તમે લોકોએ મારી નાખ્યા… એમને ટાર્ગેટ કઈ રીતે કર્યા?’

ડૉ. ભંડારી થોડી વાર ચૂપ રહ્યા એટલે ગોહિલે લાલ આંખ કરીને જોરથી ટેબલ પર હાથ પછાડ્યો. અવાજ અને ટેબલ પરની અસ્તવ્યસ્ત વસ્તુઓ જોઈ ડૉ. ભંડારી ફફડી ઊઠ્યા.

‘ડૉક્ટર, મને જવાબ જોઈએ… ટાર્ગેટ કઈ રીતે નક્કી…’ ગોહિલ એટલા જોરથી બોલ્યો કે તેણે વાક્ય પૂરું કરવા પહેલાં જ ડૉ. ભંડારીના મોંમાંથી શબ્દો સરી પડ્યા…

‘ફ્રી મેડિકલ કૅમ્પથી!’
‘શું?’
‘હા… આરેમાં આરોગ્ય શિબિર યોજીને બધાના ડેટા ભેગા કરવામાં આવતા!’
‘એટલે કે મેડિકલ કૅમ્પ લોકોના સ્વાસ્થ્યની કાળજી માટે નહીં, પણ તેમનું મૃત્યુ નિશ્ર્ચિત કરવા યોજતા હતા!’ (ક્રમશ:)

આ પણ વાંચો…પ્લોટ-16 – પ્રકરણ-43 પડદા પાછળનો સૂત્રધાર કોણ?

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button