પ્લોટ-16 – પ્રકરણ-37 શબમાંથી અવયવ કેવી રીતે કાઢ્યા…

યોગેશ સી પટેલ
‘મુખિયા જુગલ મેશ્રામની ટીમે ઉત્તમ કાર્ય કર્યું છે એમાં કોઈ બેમત ન હોઈ શકે એટલે બધા મુખિયાઓ વતી હું તેમનો આભાર માનું છું. પોલીસ તપાસ પૂરી થયા પછી આપણે તેમનો સત્કાર કરવો જોઈએ!’
યુનિટ-13ના મુખિયા બાળકૃષ્ણ ટેકામે વક્તવ્ય આપતાં તાળીઓના ગડગડાટથી યુનિટ-બેનો નાનકડો હૉલ ગુંજી ઊઠ્યો. મુખિયાઓની મીટિંગ માટે આ હૉલ નિ:શુલ્ક મળી રહેતો.
‘આ સન્માનના ખરા હકદાર આપણા યુવાનો છે, જે ડર્યા વિના જંગલમાં રખડીને પેલા શોએબને પકડી લાવ્યા!’ મેશ્રામ સભ્યતા દાખવતો હતો. આજે સવારથી તેણે દેશી દારૂ પેટમાં ઉતાર્યો ન હોવાનું લાગતું હતું.
‘હવે શોએબનો સાથી હાથ લાગવો જોઈએ.’ મેશ્રામે કહ્યું.
‘એ જંગલ છોડી ભાગી ગયો છે, એવું પોલીસનું કહેવું છે. પોલીસ તેને શોધી કાઢશે.’
ટેકામે ઉમેર્યું: ‘પોલીસની મદદ કરવી એ સારું છે, પણ હજુ હું કહું છું કે શંકાસ્પદના નામે કોઈની મારપીટ યોગ્ય નથી!’
‘એ બધું તો ઠીક ટેકામજી, પણ આપણે જેની ચર્ચા માટે ભેગા થયા છીએ એની શરૂઆત કરો!’ યુનિટ-16ના મુખિયા ભાસ્કર કડુએ કહ્યું.
‘હા, પણ કૃપાને તો આવવા દો.’ મીટિંગમાં કૃપાને પણ બોલાવવામાં આવી હતી, પરંતુ હજુ તે પહોંચી નહોતી.
‘એ આવે તો કડક શબ્દોમાં ચેતવણી આપીને બધી માહિતી મેળવી લેવી.’ મેશ્રામે કોયતો બતાવતાં કહ્યું.
‘જુઓ… આમ ઉશ્કેરાટમાં નિર્ણય લેવો નથી. તેણે આપણા લોકોના સ્વાસ્થ્ય માટે ઘણી મહેનત કરી છે. પહેલાં તેનું કહેવું જાણી લેવું જોઈએ!’ ટેકામે શાંતિથી કહ્યું.
એટલી વારમાં કૃપા હૉલના ગેટ બહાર પહોંચી. સ્કૂટર ગેટ પાસે પાર્ક કરી તે અંદર પ્રવેશી.
‘માફ કરજો… એક કામમાં અટવાઈ હતી!’
‘હવે કયાં કામ બાકી છે?’ મેશ્રામે ટોણો માર્યો.
‘જો કૃપા… તું આટલાં વર્ષથી અમને ઓળખે છે અને તારા કામથી અમે પ્રભાવિત પણ છીએ.’ ટેકામે સમજાવવાનું શરૂ કર્યું.
‘અમારા રહેવાસીઓના ઉદ્ધારનાં અનેક કાર્યોમાં તે આગળપડતી ભૂમિકા ભજવી છે… અહીં મહિલાઓ તો કૃપાળુ તરીકે તને સંબોધે છે, પણ…’
થોડું અટકીને ટેકામ મૂળ વાત પર આવ્યા: ‘આ જંગલમાં જે બધું ચાલી રહ્યું છે તે વિશે તને શી માહિતી છે એ જણાવ!’
‘ટેકામજી, તમે લોકો અહીં રહો છો છતાં તમને જાણ ન થઈ તો મને કઈ રીતે ખબર હોય?’ કૃપા નિર્દોષભાવે બોલી.
‘જમીનમાંથી મળેલી એક લાશ તારી બહેનપણી અંજુની હતી. એ વિશે તે પોલીસ કે અમને પણ ક્યાં વિશ્ર્વાસમાં લીધા?’ કડુએ કડવી વાણી ઉચ્ચારી.
‘અંજુના શબની તસવીર મને બે દિવસ પછી મળી… ત્યાં સુધીમાં પોલીસ તેની ઓળખ મેળવી ચૂકી હતી!’
કૃપા લાળા ચાવવા લાગી: ‘અને અંજુ ગુમ હતી એની મને જાણ જ નહોતી… તો પછી તેની હત્યાનો અંદાજો મને કઈ રીતે હોય?’
કૃપા બોલતી હતી ત્યારે તેના ચહેરાના બદલાતા હાવભાવ ટેકામ નીરખી રહ્યા હતા. વારંવાર તે મુઠ્ઠીઓ વાળતી અને હથેળી ચોળતી હોવાનું પણ ટેકામે નોંધ્યું.
‘સલ્લુને ઑપરેશન માટે તમારી સંસ્થાએ જ નાણાંની મદદ કરી હતી… હવે કહી દે કે એ પણ તને નથી ખબર?’ કડુએ ફરી મોઢું ખોલ્યું.
‘એ મને હવે ખબર પડી… તે સમયે કોઈને જાણ નહોતી કે એ ડ્રગ્સ તસ્કર છે!’ કૃપાએ સ્પષ્ટતા કરી.
‘…પણ આ બધા સવાલ પૂછીને તમે મારા પર શંકા કરતા હોવાનું લાગે છે!’ કૃપા હવે સવાલ-જવાબથી કંટાળી.
‘શંકા ઉપજાવે એવી વાત છે. આ બધું તમારી આસપાસ થયું અને તમને જાણ નથી… એવું કઈ રીતે બને?’ મેશ્રામે કડક શબ્દો અપનાવ્યા.
‘મુખિયાજી… તમે દિવસ-રાત આ જંગલમાં ફરો છો… તમને અણસાર સુધ્ધાં ન આવ્યો?’ કૃપાના સવાલથી મેશ્રામ ભડક્યો.
‘એ છોકરી… અમે અહીં રહીએ છીએ એટલે જ આવું હલકું કામ ન કરીએ. કોઈ વ્યક્તિ પોતાના જ ઘરમાં ગંદકી ન કરે!’
મેશ્રામે કહ્યું: ‘બહારથી આવેલા લોકો આવું કરે… અને એ પણ એવા લોકો જે વારંવાર અહીં આવતા હોય!’
‘મેડિકલ કૅમ્પનું આયોજન તું કરતી હતીને? તો અંજુ… મંજરી કઈ રીતે ગુમ થઈ એની તને ખબર કેમ ન પડી?’ કડુના સવાલથી કૃપા અંદરથી હચમચી ગઈ.
‘પોલીસ પણ આવું જ સમજે છે… હું આવું કરીને પાછી અહીં આવું ખરી?’ કૃપાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં.
‘બેટા… તું ભલે રડે, પણ તારો ચહેરો અને જુબાન સાથ નથી આપતા એવું લાગે છે…’
ટેકામે ઉમેર્યું: ‘મારું અનુમાન છે કે આ કાંડ વિશે તું કંઈક તો જાણે છે!’
આરે હૉસ્પિટલમાં ડૉ. મંદિરા અજવાનીની કૅબિન પાસેના સોફા પર સબ-ઈન્સ્પેક્ટર દત્તા બંડગર અને મહિલા સબ-ઈન્સ્પેક્ટર વિદ્યા પાટીલ સાથે ઈન્સ્પેક્ટર ચંદ્રેશ ગોહિલ બેઠો હતો. ત્રણેય જણ ડૉ. મંદિરા મળવા બોલાવે તેની રાહ જોતાં હતાં.
‘મૅડમ અત્યારે બિઝી છે… થોડી વારમાં બોલાવે છે!’
વૉર્ડબૉય વસુ રાઠોડે ડૉ. મંદિરાની કૅબિનમાંથી બહાર આવી મેસેજ આપ્યો.
‘મેં કહ્યુંને, સર… આ ડૉક્ટર નાટક કરશે જ. એટલે જ શિંદેસાહેબ આ લોકો પર ભડકી ગયા હતા!’ વિદ્યાએ ગોહિલ તરફ જોતાં કહ્યું.
‘એટલે જ તો શિંદેને સાથે લાવ્યો નથી… અત્યારે કોઈ હોબાળો થવો ન જોઈએ!’ ગોહિલે જવાબ આપ્યો.
‘કેટલી વાર લાગશે… કંઈ કહ્યું?’ બંડગરે વૉર્ડબૉયને પૂછ્યું.
‘એ હું કઈ રીતે પૂછી શકું?’
‘…તો અમારે અહીં કેટલી વાર બેસી રહેવાનું!’ વિદ્યાએ ડોળા કાઢી જોતાં રાઠોડ ડરીને એક ડગ પાછળ ખસ્યો. વિદ્યા પેલા દિવસનો ગુસ્સો ઉતારવાના મૂડમાં હોવાનું ગોહિલને લાગ્યું.
સ્મિત સાથે ગોહિલે કહ્યું: ‘વિદ્યા… આ હૉસ્પિટલ છે, પોલીસ સ્ટેશન નહીં. તું શિંદે ન બન… શાંતિથી વાત કર!’
ગોહિલની આંખનો ઇશારો સમજી ગયેલી વિદ્યાની આંખો બે ક્ષણ માટે બંધ થઈ, જેને કારણે તેનો ગુસ્સો ઓસરવા લાગ્યો. એ જ સમયે ડૉ. મંદિરાની કૅબિનમાંથી બૅલ વાગી એટલે રાઠોડ દોડતો ગયો. બીજી તરફથી ડૉ. શ્રીધર ત્યાગી આવતો દેખાયો એટલે વિદ્યાથી રહેવાયું નહીં.
‘સર… ડૉક્ટર મંદિરાનો બૉડીગાર્ડ આવ્યો… હવે એ પણ આપણી સાથે અંદર આવશે!’ વિદ્યાએ કહ્યું અને થયું પણ એવું જ.
રાઠોડે કહ્યા પછી ગોહિલ, વિદ્યા અને બંડગર ડૉ. મંદિરાની કૅબિનમાં ગયાં તો તેમની પાછળ ડૉ. ત્યાગી પણ પ્રવેશ્યો. વિદ્યા અને ગોહિલ વચ્ચેની વાતો સાંભળી બંડગર માત્ર મલકાતો હતો.
‘ચા… કૉફી લેશો?’ ડૉ. મંદિરાએ વિવેક દાખવ્યો.
‘નો… થેન્ક્સ! આપણે કામની વાત કરી લઈએ?’ ગોહિલ મુદ્દાની વાત પર આવવા માગતો હતો.
‘તમારી વાતો તો કામની ઓછી અને અમને ફસાવવાની વધુ હોય છે, ઑફિસર!’ ડૉ. મંદિરા આડે પાટે જઈ રહી હતી.
‘સંજોગો એવા બની રહ્યા છે કે તમારી મદદ જોઈશે જ!’ ગોહિલ શબ્દજાળ ફેંકતો હતો.
‘મદદ કે પછી…’ ડૉ. મંદિરા કંઈ કહેવા જતી હતી, પણ ડૉ. મૃત્યુંજય હિરેમઠ કૅબિનમાં આવ્યા એટલે વાત અટકી પડી. ડૉ. હિરેમઠ ડૉ. મંદિરાની બાજુની ખુરશીમાં ગોઠવાયા. ગોહિલ હવે સમજ્યો કે ડૉ. મંદિરા વાતને આડે પાટે લઈ જઈ સમય શા માટે વેડફતી હતી?
‘હવે શું થયું, ઑફિસર!’ ડૉ. હિરેમઠ સીધા મુદ્દા પર આવ્યા.
‘ડૉક્ટરસાહેબ… વિધાનસભ્ય જાંભુળકરના પીએ ચૌધરીએ સ્ટેટમેન્ટ આપ્યું છે કે સલ્લુને નાણાંની મદદ માટે ભલામણ પત્ર આપવા ડૉ. મંદિરાએ કહ્યું હતું. તો આ મુદ્દે હવે સ્પષ્ટતા થાય એવું અમે ઇચ્છીએ છીએ!’
ગોહિલે જાણીજોઈને ગોળ ગોળ ફેરવી આ વાત પૂછી એટલે ડૉ. હિરેમઠે ડૉ. મંદિરા તરફ જોયું, પણ જવાબ ડૉ. ત્યાગીએ આપ્યો…
‘તમને કોઈ ગેરસમજ થતી લાગે છે, ઑફિસર! સલ્લુના ઑપરેશનની ફી ચૂકવવા ડૉ. પાઠકને નાણાંની વ્યવસ્થા કરવા કોઈ સંસ્થાનું નામ સૂચવવાનું કહેવાયું હતું, પણ ડૉ. પાઠકે આ રીતે વ્યવસ્થા કરી હતી!’
‘તેમ છતાં મૂળ સવાલ ત્યાં જ ઊભો છે, ડૉક્ટર. ડ્રગ તસ્કર સલ્લુ માટે ડૉ. મંદિરાએ ભલામણ કરી હતી તો તેમની વચ્ચે ઓળખાણ તો હશેને?’ બંડગરે વચ્ચે ઝુકાવ્યું.
‘ઑફિસર… માઈન્ડ યૉર લૅન્ગ્વેજ! ઓળખાણ એટલે શું?’ ડૉ. હિરેમઠ ઊકળ્યા.
‘તમારે જે પૂછવું હોય તે સીધેસીધું પૂછો… આમ ફેરવી ફેરવીને સવાલ પૂછવાની જરૂર નથી!’ ચીડિયા સ્વભાવની ડૉ. મંદિરાના શબ્દોમાં પણ રોષ હતો.
‘મૅડમ… ડ્રગ્સ અને જંગલમાંથી મળેલાં શબનું કનેક્શન જોડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ખૂટતી કડી નથી મળતી એટલે આ સવાલજવાબ કરવા પડે છે!’ વિદ્યા કડક અવાજે બોલી.
‘ડ્રગ્સ સાથે શબ કઈ રીતે જોડાયાં?’ ડૉ. હિરેમઠને આશ્ચર્ય થયું.
‘શબમાં ડ્રગ્સ ભરીને મુંબઈ બહાર મોકલાતું હતું!’
‘હેં!’ ત્રણેય ડૉક્ટર આશ્ચર્યમાં ડૂબ્યા.
‘આ હવે નવું લાવ્યા તમે! શબની અંદર ડ્રગ્સ ભરીને સ્મગલિંગ!’ ડૉ. ત્યાગીએ કહ્યું.
‘નવું નથી… લગભગ છ મહિનાથી ચાલતું હતું. સલ્લુના સાથીએ આ માહિતી આપી છે.’ બંડગરે જણાવ્યું.
‘ઓહ… પણ ઑફિસર, આ બાબતે અમને સાચે જ કંઈ ખબર નથી!’ ડૉ. હિરેમઠ બોલ્યા.
‘પણ સલ્લુનો સાથી પૂરી માહિતી આપતો નથી, એવું અમને લાગે છે. ડ્રગ્સ વિશે બોલે છે, પણ જંગલમાંથી મળેલી લાશ બાબતે તે હોઠ સીવી લે છે!’
પછી ગોહિલે ડૉક્ટરોનો અભિપ્રાય જાણવા અમસ્તો સવાલ કર્યો: ‘ડૉક્ટર, શબમાંથી અવયવ કાઢવાનું શું ચક્કર હશે?’
‘કેમ? આ સવાલનો જવાબ ડૉ. માજીવડેએ ન આપ્યો?’
ડૉ. હિરેમઠના સવાલથી ગોહિલ ચોંક્યો. ડૉ. માજીવડે આરે પોલીસ સ્ટેશનમાં આવી ગયા તેની આમને કઈ રીતે ખબર? આ ડૉક્ટરો પોલીસની દરેક હિલચાલ પર નજર રાખતા હોવાની શંકા તેને ગઈ.
‘શબમાંથી અમુક અવયવ ગુમ થવા બાબતે તમારું શું માનવું છે એ કહોને, ડૉક્ટર?’ ગોહિલે સીધો સવાલ કર્યો.
‘કોઈ હેતુસર જ અવયવ કઢાયા હશે એ સ્વાભાવિક છે!’
‘આ હેતુની સલ્લુના સાથીને જાણ હશે?’
‘એની મને કઈ રીતે ખબર. અમારે ત્યાં પ્રાથમિક ઉપચાર માટે તમારી ટીમ લાવી હતી અને એ પણ ગણતરીના કલાકો માટે… હવે એ તમારી પાસે જ છે તો આ સવાલ એને પૂછો!’ ડૉ. હિરેમઠ પણ મુત્સદ્દીથી જવાબ આપતા હતા.
‘ડૉક્ટરસાહેબ, ઉપચાર દરમિયાન કોઈએ એને ભણાવીને તો નથી મોકલ્યોને?’ ગોહિલે દાણો ચાંપ્યો.
‘શું ભણાવીને?’
‘એ જ કે પોલીસ સામે કેટલું અને શું બોલવું?’ ગોહિલ હવે દુખતી નસ દબાવી રહ્યો હતો. તે જાણતો હતો કે કોઈની પણ ધોરી નસ દબાવો તો તે સહન ન કરી શકે અને એલફેલ બોલી પડે!
‘ઑફિસર, મેં પહેલાં જ કહ્યું કે અમારી આમાં કોઈ સંડોવણી નથી… તમે ગમે તે રીતે કાન પકડો, પણ અમારો જવાબ આ જ રહેશે!’ ડૉ. હિરમેઠે ચોખ્ખું પરખાવ્યું.
‘અને તમે ભણાવવાની વાત કરો છો… અમે કંઈ કર્યું હોત અને અમને કોઈ વાતનો ડર હોત તો ઉપચાર દરમિયાન જ સલ્લુની બોલતી બંધ ન કરી દીધી હોત?’
ગોહિલની તરકીબ કામ કરી ગઈ. ધોરી નસ દબાવવાથી ડૉ. મંદિરાએ જીભ પરનો કાબૂ ગુમાવ્યો.
‘મારપીટને કારણે મૃત્યુ પામ્યો હોવાનું દર્શાવીને કેસ હૉસ્પિટલમાં જ પતાવી દીધો હોત!’ ડૉ. મંદિરાના આ વાક્યથી કૅબિનમાં સ્મશાનવત્ શાંતિ છવાઈ ગઈ…
(ક્રમશ:)
આ પણ વાંચો…પ્લોટ-16 – પ્રકરણ-36