પ્લોટ-16 – પ્રકરણ-36: શબમાં ડ્રગ્સ ભરીને બીજાં રાજ્યોમાં મોકલાતું?

યોગેશ સી પટેલ
‘ગોહિલ, મેં તને કહ્યું હતુંને… ડાઈરેક્ટ અટેક નહીં… યુક્તિપૂર્વકની તપાસ હોવી જોઈએ!’ ડીસીપી સુનીલ જોશીની સમજાવટમાં એક પ્રકારની ચેતવણી હતી.
ઘરેથી નીકળીને ગોહિલ બોલેરોમાં આરે જઈ રહ્યો હતો ત્યારે ડીસીપીનો કૉલ આવ્યો. બોલેરો ત્યારે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર નેસ્કો ગ્રાઉન્ડ સામેથી પસાર થઈ રહી હતી.
‘સર… અટેક તો હું કરતો જ નથી, પણ હજુ કોઈની આકરી પૂછપરછ પણ કરાઈ નથી!’ ગોહિલે કહ્યું.
‘ડૉક્ટર ઈમાનદારનો કૉલ હતો… ડૉક્ટર ભંડારી અને ડૉક્ટર મંદિરાની પૂછપરછને લઈ ફરિયાદ છે!’ જોશીના કહેવા પહેલાં જ ગોહિલ સમજી ગયો હતો. તે જાણતો હતો કે ડૉક્ટરો ડીસીપી સુધી જશે જ.
‘પણ તેમને માઠું લાગે એવા કોઈ પ્રશ્ન કરાયા નથી.’
‘તેમનું કહેવું છે કે પુરાવા વિના પૂછપરછ કરીને ડૉક્ટરોને ત્રાસ આપવામાં આવી રહ્યો છે.’
‘અત્યાર સુધી એવું કરવાની જરૂર પડી નથી, પણ હવે આકરી પૂછપરછનો સમય આવી રહ્યો છે!’ ગોહિલે દાણો ચાંપ્યો.
‘એટલે?’
‘સર… ડૉક્ટર માજીવડેએ માનવ અવયવની તસ્કરીના રૅકેટની શક્યતા વ્યક્ત કરી છે, જે ડૉક્ટરોના સહયોગ વિના શક્ય નથી!’
ગોહિલે કહ્યું: ‘અને સર, વિધાનસભ્ય જાંભુળકરનું કહેવું છે કે સલ્લુને આર્થિક મદદ અંગેના ભલામણ પત્ર માટે ડૉક્ટર મંદિરા દ્વારા કહેવામાં આવ્યું હતું.’
હવે બોલેરો ગોરેગામની સ્મશાનભૂમિ પાસેથી પસાર થઈને ચેકનાકા પહોંચી. વાત કરતાં કરતાં ગોહિલનું ધ્યાન ડ્રાઈવર સંજય માને તરફ ગયું. તેના ગાલની હિલચાલે તમાકુ ખાધાની ચાડી ખાધી.
‘ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ રૅકેટની ખાતરી છે?’ જોશીએ પ્રશ્ન કર્યો.
‘ડૉક્ટર માજીવડેનું તો એવું જ કહેવું છે. શબના કોઈ ને કોઈ અવયવ ગુમ છે એટલે અવયવ ચોરીનો મામલો હોઈ શકે!’ ગોહિલ આત્મવિશ્ર્વાસથી કહેતો હતો.
તેણે ઉમેર્યું: ‘સર, ડૉક્ટર મંદિરાની ફરી પૂછપરછ કરવી પડશે… તમે કહેતા હો તો આજે જ પોલીસ સ્ટેશને બોલાવું.’
‘ના. આવી ભૂલ ન કરતો. પોલીસ સ્ટેશને આવવું બદનામી સમજે છે આ લોકો.’
થોડું વિચારીને જોશી બોલ્યા: ‘ડૉક્ટર મંદિરાને અવયવ ચોરીની તપાસ ચાલી રહી છે એની જાણ ન થવી જોઈએ. માત્ર ભલામણ પત્ર અંગે જાણકારીની વાત કરજો અને સંયમપૂર્વકની પૂછપરછ હોવી જોઈએ!’
જોશીએ કૉલ કટ કર્યો ત્યારે બોલેરો પોલીસ સ્ટેશન બહાર પહોંચી ચૂકી હતી. ગોહિલ પહેલા માળે ગયો ત્યારે સબ-ઈન્સ્પેક્ટર કપિલ રાજપૂત ટીમ સાથે કૅબિન બહાર જ ઊભો હતો. ગોહિલની પાછળ તેની ટીમ પણ કૅબિનમાં પ્રવેશી.
‘બોલ… રાજપૂત. કાલે શું કહેતો હતો?’ ખુરશીમાં બેસતાં જ ગોહિલે પૂછ્યું.
‘સર, એ કૅમેરા જોનીએ ચર્ચગેટની દુકાનમાંથી ખરીદ્યો હતો અને ત્યાંથી તેનો મોબાઈલ નંબર પણ મળ્યો છે!’ રાજપૂતે કહ્યું.
‘મોબાઈલ નંબર? પણ એ બન્ને ગાંડા તો મોબાઈલ રાખતા નહોતાને?’ એપીઆઈ પ્રણય શિંદેએ પૂછ્યું.
‘અત્યાર સુધીની તપાસમાં બધાએ આપણને આવું જ કહ્યું હતું… પણ ચર્ચગેટની દુકાનમાં કૅમેરાના બિલ પર નંબર છે!’ રાજપૂતે જણાવ્યું.
‘ટેક્નિશિયન પાસે કૅમેરા ખોલાવ્યો તો અંદરથી મળેલા બાર કોડને સ્કૅન કરવામાં આવ્યો હતો. એ કૅમેરા ચર્ચગેટની દુકાનમાંથી વેચવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.’
‘ક્યારે ખરીદ્યો હતો કૅમેરા?’ ગોહિલે પૂછ્યું.
‘છ મહિના પહેલાં બે કૅમેરા ખરીદવામાં આવ્યા હતા!’ રાજપૂતે માહિતી આપી.
‘બે કૅમેરા… એટલે કે બીજો કૅમેરા હજુ કોઈ ઝાડ પર જ હોવો જોઈએ!’
ગોહિલે વિચારીને કહ્યું: ‘એક ટીમે જઈને બીજો કૅમેરા શોધી કાઢવો પડશે!’
‘જૉનીનો મોબાઈલ ઑન છે?’ ઈન્સ્પેક્ટર રવિ કદમે સવાલ કર્યો.
‘ના. બંધ આવે છે.’
‘એક કામ કરો… આ જૉની અને સલ્લુ સાથે બાકીના શકમંદોના મોબાઈલના કૉલ ડિટેઈલ રેકોર્ડ (સીડીઆર) મગાવો… અને ટેલિકૉમ સર્વિસ પ્રોવાઈડર કંપનીને ખાસ કહેજો કે તાત્કાલિક જોઈએ છે!’ ગોહિલે કહ્યું.
વાતચીત આગળ વધે તે પહેલાં પોલીસ સ્ટેશન નીચે અચાનક હોબાળો મચ્યો. બૂમાબૂમ અને ગાળાગાળીનો અવાજ સાંભળી ગોહિલે બારીમાંથી ડોકિયું કર્યું. યુનિટ-પચીસના મુખિયા જુગલ મેશ્રામની ટીમ એક માણસની મારપીટ કરતા હતા. ગોહિલ તરત નીચે ઊતરી આવ્યો.
‘મેશ્રામજી… કોણ છે આ અને શા માટે મારો છો એને?’ કોન્સ્ટેબલ નામદેવ દળવીએ પૂછ્યું.
‘આ પેલા ડ્રગ્સવાળા સલ્લુનો સાથી છે, જેને તમે શોધી રહ્યા છો!’ મેશ્રામે જવાબ આપ્યો.
‘ઓહ… શું નામ છે અને ક્યાં મળ્યો આ?’ દળવીએ બીજો સવાલ કર્યો.
‘શોએબ નામ કહે છે પોતાનું અને આપણા જંગલમાં જ સંતાયો હતો…’
શોએબને ફટકારીને અધમૂઓ કરી દેવાયો હતો એટલે ગોહિલે તેને આરે હૉસ્પિટલમાં પ્રાથમિક ઉપચાર માટે લઈ જવાની સૂચના દળવીને આપી.
‘સાજો થયા પછી આને જોઈશું!’ ગોહિલ બોલ્યો.
‘મેં ઈમાનદારીથી તમને સાથ આપ્યો અને તમે મને જ ફસાવો છો, સર!’ મીઠાબોલી કૃપા અત્યારે ગુસ્સાને કારણે કડવું બોલી રહી હતી.
‘એવું કંઈ નથી. તને કોઈએ ગેરમાર્ગે દોરીને મારી વિરુદ્ધ ભડકાવી છે!’ ડૉ. વિશ્ર્વાસ ભંડારી સમજાવવાનો પ્રયત્ન કરતા હતા.
સાકીનાકામાં આવેલી ટ્રસ્ટની હૉસ્પિટલમાં ડૉ. ભંડારી તેમની કૅબિનમાં બેઠા હતા. ખરેખર તો તે આકૃતિ બંગારાને જોવા આવ્યા હતા. આકૃતિ સાથે નિકટતાથી વાતચીત કરી માનસિક તાણ દૂર કરવાનો તેમનો ઇરાદો હતો, પરંતુ આકૃતિ કૅબિનમાં આવ્યાની પાંચ જ મિનિટમાં કૃપા આવી હતી. અનિચ્છાએ આકૃતિને કૅબિન બહાર મોકલાવી દેવી પડી હતી.
‘જો કૃપા, હું તને શા માટે ફસાવું. તને ફસાવીને મારે પોતાના જ પગ પર કુહાડી થોડી મારવી છે!’ કૃપાને નારાજ કરવી પોસાય એમ નહોતું.
‘એટલે? આ બધું મેં જ કર્યું છે, એવું તમારું કહેવું છે?’
‘બિલકુલ નહીં… તું ફસાય તો પોલીસ મને છોડે?’
‘પેલો ઈન્સ્પેક્ટર કદમ કહેતો હતો કે તપાસમાં તમે જ મારું નામ આગળ ધર્યું.’
‘મેં? કઈ રીતે?’
‘મેડિકલ કૅમ્પમાં આવનારી વ્યક્તિઓની બધી જાણકારી મને જ હોય છે, એમ તમે કહ્યું.’
‘વાત એમ છે કે અંજુ વિશે મને પૂછવામાં આવ્યું એટલે મેં કહ્યું, એની વધુ માહિતી કૃપા આપી શકશે.’ ડૉ. ભંડારી શબ્દો ગોઠવીને બોલતા હતા.
‘સર… અંજુ વિશે જેટલી મને જાણ છે તેટલી તમને પણ તો છે… તો પોલીસને મારી પાછળ છોડવાનો શો મતલબ?’ કૃપા લડવાના મૂડમાં હતી.
‘તું હોશિયાર છે એની મને ખબર છે. ક્યાં કેટલું બોલવાનું એ તું બરાબર જાણે છે!’ ડૉ. ભંડારી મસકો લગાવી રહ્યા હતા.
‘પોલીસ સામે હોશિયારી લાંબી ટકતી નથી… કદમ મને ધમકી આપીને ગયો છે કે પુરાવા સાથે મળીશું અને ત્યારે મારી અકડ હવામાં ઊડી જશે!’ કૃપાની વાત સાંભળી ડૉ. ભંડારી થોડા વિચલિત થયા.
‘પોલીસ તને ભડકાવી રહી છે… ગુસ્સામાં તું ખોટું પગલું ભરે તો તને ફસાવવાનો મોકો મળે!’
ડૉ. ભંડારી સમજાવી રહ્યા હતા: ‘પોલીસની વાતથી ડરીને ઉશ્કેરાટમાં ન આવ. અમે ડૉક્ટર ઈમાનદાર સાથે ચર્ચા કરી છે… તે આ બધું રોકવાનો પ્રયત્ન કરશે!’
‘ઠીક છે, સર… પણ હું ફસાઈ તો કોઈ સુરક્ષિત નહીં રહે!’
‘સલ્લુ સાથે કેટલાં વર્ષથી ડ્રગ્સના ધંધામાં છે?’ હૉસ્પિટલમાં પ્રાથમિક ઉપચાર પછી સલ્લુના સાથી શોએબને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો. ગોહિલની ટીમ તેની પૂછપરછ કરી રહી હતી.
‘ત્રણ વર્ષથી તેની સાથે છું!’ શોએબે કહ્યું.
‘એટલે કે ત્રણ વર્ષથી લોકોને મારીને જમીનમાં દાટી રહ્યા છો?’ ગોહિલે પૂછ્યું.
‘ના… એ તો… હમણાં…’ શોએબ અટકી અટકીને બોલતો હતો.
‘ફટાફટ બોલ, નહીંતર…’ એપીઆઈ શિંદેએ ધમકાવ્યો.
‘છએક મહિનાથી લાશ જમીનમાં દાટી રહ્યા છીએ!’ ફફડી ઊઠેલા શોએબે કહ્યું.
‘તારું શોએબ નામ સાચું છે કે પછી…’
‘સાચું નામ છે, સાહેબ!’
‘ચિંતા ન કર… તારી ઇજા ગંભીર નથી. પીટાઈને કારણે તું નબળો પડ્યો છે… પૂરો ઉપચાર કરાશે, પણ તે પહેલાં સવાલના જવાબ આપ.’ ગોહિલે સમજાવ્યો.
‘સલ્લુને કોણે માર્યો અને શા માટે?’ ગોહિલે પૂછ્યું.
‘મને નથી ખબર…’ કહેતાં જ શિંદેએ તેને અડબોથ લગાવી. પીડાથી તે કણસી ઊઠ્યો અને શિંદેના બાવડાં વધુ ફુલાયાં.
‘બરાબર જવાબ આપ, નહીં તો હું જ તારી સારવાર કરીશ અને આનાથી બદતર હાલત કરીશ.’ શિંદેએ દમદાટી આપી.
‘કસમ ખાઈને કહું છું, સાહેબ… અમને તો તેની હત્યાની જાણ જ નહોતી. તમને બૉડી મળી ત્યારે ખબર પડી એટલે ડરના માર્યા અમે લૅબોરેટરી સગેવગે કરી નાસી છૂટ્યા!’ શોએબ બોલ્યો.
‘અમે એટલે? તારો સાથી કોણ અને અત્યારે ક્યાં છે?’
‘સાહેબ, આજ રાતની ટ્રેનથી હું અને ઝમીલ બિહાર જવાના હતા, પણ…’
‘ડ્રગ્સ અને જમીનમાંથી મળેલાં શબ વચ્ચે શું કનેક્શન છે?’ ગોહિલે પૂછ્યું, પણ શોએબ ચૂપ રહ્યો.
‘ડ્રગ્સની હેરફેર માટે લાશનો ઉપયોગ થતો હતો?’ ઈન્સ્પેક્ટર રવિ કદમે પૂછેલા પ્રશ્નનો પણ તેણે કોઈ જવાબ ન આપ્યો.
‘લાગે છે… પગ સાથે બહુ પ્રેમ રહ્યો નથી… તંગડી તોડાવીને જમીન પર ધૂળ ચાટતાં પડવું છે!’ શિંદેએ શોએબનો કાંઠલો પકડ્યો.
‘જો શોએબ… તારી પાસે કોઈ વિકલ્પ નથી. તારે બોલવું તો પડશે જ. ફરક માત્ર એટલો છે કે કોઈ પણ પ્રકારનો ત્રાસ સહન કર્યા વિના જવાબ આપ કાં પછી માર ખાઈને મોં ખોલ!’ ગોહિલે ધમકીભરી ભાષામાં સમજાવ્યો.
એ જ વખતે શિંદેએ અચાનક પેટમાં લાત મારતાં શોએબના મોંમાંથી ચીસ નીકળી ગઈ. તેણે ફરી લાત મારવા પગ ઊંચો કર્યો એટલે શોએબ ભાંગી પડ્યો.
‘હા… બૉડીમાં ડ્રગ્સ ભરીને બીજાં રાજ્યોમાં મોકલવામાં આવતું. આ માટે ફ્રીઝરવાળા વાહનને એમ્બ્યુલન્સમાં ફેરવી નખાયું હતું.’ શોએબ ચોંકાવનારી માહિતી આપતો હતો.
‘શબનો ઉપયોગ વધુ દિવસ કરી શકાતો નથી… એટલે એક વારના ઉપયોગ પછી તેને જમીનમાં દાટવામાં આવતું!’
‘અંજુની લાશમાંથી ડ્રગ્સના અંશ મળ્યા હતા… તેની લાશનો ઉપયોગ…’ ગોહિલે વાક્ય અધૂરું છોડ્યું, પણ શોએબ સમજી ગયો.
‘હા… તેની લાશમાં ડ્રગ્સ ભરીને પંજાબ મોકલાયું હતું!’
‘પણ આંતરરાજ્ય ડ્રગ્સની તસ્કરી થતી જ હોય છે… લાશની જરૂર શા માટે પડી?’ કદમે પૂછ્યું.
‘એમ્બ્યુલન્સ અને લાશ હોય તો કોઈ ચેકિંગ થતું નથી… આસાનીથી હેરફેર થઈ શકે છે એટલે મોટા ક્ધસાઈન્મેન્ટ માટે આ પદ્ધતિ અપનાવાઈ હતી!’ શોએબ પોપટની જેમ બોલતો હતો.
‘ડ્રગ્સ કાઢીને બૉડી ફરી કામચલાઉ સીવી પાછી મુંબઈ મોકલી અપાતી હતી.’ તેણે કહ્યું.
‘સલ્લુના શબમાં પણ ડ્રગ્સના અંશ હતા… તો શું તેનો ઉપયોગ પણ હેરફેર માટે થયો?’ શિંદેએ પૂછ્યું.
‘ના… સાચે જ અમને ખબર નથી કે તેને કોણે માર્યો. એક રાત તે અચાનક ગુમ થઈ ગયો હતો.’
શોએબે ઉમેર્યું: ‘હા… ડ્રગ્સનો કારોબાર કરતાં કરતાં તેને પણ નશીલા પદાર્થના સેવનની આદત પડવા લાગી હતી!’
‘શબમાંથી અવયવ પણ તમે જ કાઢ્યા હતા?’ ગોહિલ મૂળ પ્રશ્ન પર આવ્યો.
‘ના… ના. અમને તો એ આવડતું જ નથી!’
‘તો કોણ કાઢતું હતું?’
‘ખબર નથી, સાહેબ. અમારી પાસે તો અવયવ કાઢેલાં શબ આવતાં હતાં!’ (ક્રમશ:)
આ પણ વાંચો…પ્લૉટ-16 – પ્રકરણ-35: માણસ કરતાં મંદિર વધુ દેખાય છે…