પ્લૉટ-16 - પ્રકરણ-35: માણસ કરતાં મંદિર વધુ દેખાય છે… | મુંબઈ સમાચાર
નવલકથા

પ્લૉટ-16 – પ્રકરણ-35: માણસ કરતાં મંદિર વધુ દેખાય છે…

યોગેશ સી. પટેલ

`તમને મળવા આવનારી વ્યક્તિને એક કપ ચા પિવડાવવાનો રિવાજ નથી આ પોલીસ સ્ટેશનમાં?’ એકાએક ડૉ. ભાવિક માજીવડેએ ચા પીવાની ઇચ્છા વ્યક્ત કરતાં ક્યારના સ્તબ્ધ થઈ ગયેલા ગાયકવાડ અને ગોહિલમાં જાણે ચેતન ફૂંકાયું.

આરેના જંગલમાંથી મળેલા શબની ફોરેન્સિક તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી. મુખ્ય માર્ગ પર હાર્ટ અટેકથી જીવ ગુમાવનારા વાહનચાલકોનાં મોત પાછળનો ભેદ હૉલોગ્રાફિક કૅમેરાને કારણે ઉકેલાયો હતો, પરંતુ ડ્રગ્સ લૅબોરેટરી અને જંગલમાં જમીનમાંથી કાઢવામાં આવેલાં શબનું કોકડું હજુ વણઊકલ્યું હતું. ડ્રગ્સના કારોબાર સાથે આ લાશોને કનેક્શન હોવાનું માનવામાં આવતું હતું, પણ હવે તપાસની દિશા જ બદલાઈ જવાની હતી.

ડૉ. માજીવડેએ આ માનવ અવયવોની તસ્કરીનું રૅકેટ જણાય છે!’ કહેતાં ગાયકવાડ અને ગોહિલ નિ:શબ્દ થઈ ગયા. બન્ને ડૉ. માજીવડેની વાત સાંભળવામાં મશગૂલ હતા, પણ વચ્ચે જ બ્રેક પડ્યો હોય તેમ ડૉક્ટરે ચા મગાવવા કહ્યું. માફ કરજો… ડૉક્ટરસાહેબ. તમે ઉતાવળમાં હશો, એવું માનીને ચા-નાસ્તાનું પૂછવાનું ભૂલી ગયો.’ ગાયકવાડે ભૂલ સ્વીકારી.

બેલ વગાડી ગાયકવાડે કોન્સ્ટેબલને બોલાવ્યો. બ્રેડ-બટર સાથે ત્રણ ચા લાવવાનો કોન્સ્ટેબલને આદેશ આપ્યો.
`મારે એક મીટિંગમાં કાંદિવલી જવાનું હતું, પણ અહીં આવતો હતો ત્યારે જ એ મીટિંગ રદ થઈ હોવાનો મેસેજ આવ્યો હતો એટલે અત્યારે ફુરસદમાં છું.’ ડૉ. માજીવડેએ ચોખવટ કરી.

સારું છે… તો આપણે આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી શકીએ છીએ!’ ગોહિલે કહ્યું. આ રૅકેટ કોઈ ડૉક્ટરની સંડોવણી વિના શક્ય નથીને?’ ગાયકવાડ સીધા મુદ્દા પર આવ્યા.
રાઈટ… અને એ સહેલું પણ નથી!’ ડૉ. માજીવડે ઉત્સાહથી સમજાવવા માંડ્યા. એટલે?’

`આ સ્કૅન્ડલના મૂળમાં જતાં પહેલાં હ્યુમન ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ વિશે થોડી જાણકારી હશે તો તમને કેસ ઉકેલવામાં કદાચ મદદ થશે!’

ડૉ. માજીવડે બોલી રહ્યા હતા: `એક વ્યક્તિના શરીરમાંથી કોઈ અવયવ કાઢીને બીજી વ્યક્તિમાં તેનું પ્રત્યારોપણ કરવાની જટિલ પ્રક્રિયા એક દિવસની નથી હોતી, કેમ કે અવયવ પ્રત્યારોપણ પહેલાં અનેક તબીબી પરીક્ષણો કરવાં પડે છે.’

`બધી અલગ અલગ તબીબી ટેસ્ટ વિશે હું તમને સમજાવી તો શકું, પણ આટલી ટૂંકી ચર્ચામાં તમે સમજી નહીં શકો. તમારા કામ માટે ટૂંકમાં કહું તો બ્લડ ગ્રૂપથી માંડીને શારીરિક રચનાને ધ્યાનમાં રાખવી પડે છે, જે દાતા… એટલે કે જેનું ઑર્ગન કાઢવામાં આવે છે અને પ્રાપ્તકર્તા… એટલે કે જેના શરીરમાં પ્રત્યારોપણ કરવામાં આવે તે બન્નેને માફક આવવી જોઈએ.’

ડૉ. માજીવડે જે બોલી રહ્યા હતા તેમાંથી અડધુંપડધું જ બન્ને અધિકારીને સમજાઈ રહ્યું હતું.

`સૌપ્રથમ તો અવયવોના પ્રત્યારોપણ માટે બ્લડ ટેસ્ટ જરૂરી છે અને એ કરવા પાછળનું કારણ બ્લડ ટાઈપ જાણવું, ટિશ્યૂ ટાઈપ એટલે કે એચએલએ (હ્યુમન લ્યુકોસાઈટ એન્ટજેન) ટાઈપિંગ અને ચેપી રોગોનો હિસ્ટ્રી જાણવાનું હોય છે.’

ડૉ. માજીવડે સમજાવતા હતા: `આ ઉપરાંત, ક્રોસમૅચિંગ અને ઈમેજિંગ પરીક્ષણો જરૂરી છે, જે દરદીના સામાન્ય સ્વાસ્થ્ય અને અંગની સ્થિતિના મૂલ્યાંકન માટે કરવામાં આવે છે.’

ગોહિલ અને ગાયકવાડ બાઘાની જેમ જોતા હતા, પણ ડૉ. માજીવડે તેમની વાત કહેવામાં ગળાડૂબ હતા.

દાતાનું બ્લડ ગ્રૂપ પ્રાપ્તકર્તા સાથે સુસંગત છે તેની ખાતરી કરવા બ્લડ ટાઈપ ટેસ્ટ કરવામાં આવે છે. એ જ રીતે ક્રોસમૅચિંગ મહત્ત્વપૂર્ણ રક્તપરીક્ષણ છે, જેમાં પ્રાપ્તકર્તાનું સીરમ દાતાના કોષો સાથે મિશ્રિત થાય છે. ઈમેજિંગ પરીક્ષણમાં એક્સ-રે, એમઆરઆઈ તથા સીટી સ્કૅનનો સમાવેશ થાય છે.’ ડૉક્ટરસાહેબ… અમારા મગજમાં ઘૂસે એ રીતે સમજાવો તો સારું!’ ગોહિલે કહ્યું.

સ્માઈલ સાથે ડૉ. માજીવડેએ કહ્યું: `મેં પહેલાં જ કહ્યું… તબીબી પ્રક્રિયા તમે સમજી નહીં શકો. તમારા કેસમાં દરદીની બધી ટેસ્ટ સહેલાઈથી થાય એ સ્વાભાવિક છે, પણ દાતા… એટલે કે અવયવ માટે જેમને મારી નાખવામાં આવ્યા તેમની આ બધી ટેસ્ટ કઈ રીતે થઈ એના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.’

`તમે કહેવા શું માગો છો, ડૉક્ટર!’ ગોહિલે પૂછ્યું.

`એ જ કે ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ પહેલાં બધી ટેસ્ટના રેકોર્ડ રાખવામાં આવ્યા હશે, કારણ કે આ લોકોને મારી નાખવાનો ઉદ્દેશ એ જ હશે કે તેમની મરજી વિરુદ્ધ અવયવ કાઢવામાં આવ્યા હશે. એટલે કે મરનાર વ્યક્તિના મેડિકલ રેકોર્ડ આ રૅકેટમાં સંડોવાયેલાઓ પાસે હશે!’ ડૉ. માજીવડેની વાત ગાયકવાડ અને ગોહિલને હવે સમજાઈ.
ચા અને બ્રેડ-બટર આવ્યા એટલે ચર્ચા થોડી ક્ષણ માટે ફરી અટકી.

ડૉ. માજીવડેએ ચાનો કપ હાથમાં લેતાં કહ્યું: `કંઈ સમજ્યા, ઑફિસર. હું શું કહેવા માગું છું!’

થોડી સમજ પડી… પછી શાંતિથી તમારી વાતોને વાગોળીશ તો વધુ સમજ પડશે!’ ગોહિલે ચાનો ઘૂંટડો પીતાં કહ્યું. હવે પ્રશ્ન એ છે કે કોઈ વ્યક્તિની જાણબહાર આ બધી ટેસ્ટ કરાવવી શક્ય જ નથી… તો પછી આ ટેસ્ટ ક્યાં અને કઈ રીતે કરાઈ?’

`એની તપાસ તો કરવી પડશે, પણ લાંબા સમયથી ધીરજપૂર્વકનો અભ્યાસ કરીને આ આખું સ્કૅન્ડલ ચલાવાતું હતું, એવું તમારું કહેવું છે?’ ગાયકવાડે અનુમાન લગાવ્યું.

`થોડી થોડી, પણ જરૂરી વિગત તમે સમજ્યા ખરા!’ ડૉ. માજીવડેએ સ્મિત કર્યું.

`ડૉક્ટરસાહેબ, પણ ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ સર્જરી તો ઘણી હૉસ્પિટલોમાં થતી હશે?’ ગોહિલે પૂછ્યું.

`હા, કાયદેસર. પણ…’

ડૉ. માજીવડેએ ચાનો ઘૂંટડો ગળે ઉતારતાં કહ્યું: `ગેરકાયદે સર્જરીમાં કરોડો રૂપિયાની કમાણી થાય છે. આ સ્કૅન્ડલમાં રૂપિયાનો વરસાદ થાય છે, એવું કહેવું અતિશયોક્તિ નહીં હોય!’

`કેટલા રૂપિયામાં અવયવ વેચાતા હશે?’

`ગ્રાહક જોઈને પડીકાં બાંધવા જેવું છે આમાં… કિડની માટે એકથી દોઢ કરોડ રૂપિયા વસૂલાય છે તો લિવર… યકૃત માટે એક કરોડ સુધીની રકમ લેવાય છે. આ મંજરીનું હાર્ટ જેને અપાયું હશે તેની પાસેથી સિત્તેરથી એંસી લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હશે!’

પછી ડૉ. માજીવડેએ ઉમેર્યું: `ભાઈ… એક વ્યક્તિના વિવિધ અવયવનો સરવાળો માંડીએ તો સાડાત્રણથી ચાર કરોડ રૂપિયા કિંમત આંકવામાં આવે છે!’

`એટલે આપણી કિંમત આટલી તો ખરીને?’ મજાકમાં ગાયકવાડે કહ્યું.

`ના… તમારી નહીં… તમારા સ્વસ્થ અવયવોની!’ ડૉ. માજીવડેએ પણ એવી જ રીતે જવાબ આપ્યો.

`…પણ ડૉક્ટરસાહેબ, એક શરીરમાંથી અવયવ કાઢ્યા પછી બીજા શરીરમાં તેને ટ્રાન્સપ્લાન્ટ કરવાની સમયમર્યાદાનું શું?’ ગોહિલે કામનો સવાલ કર્યો.

દરેક ઑર્ગનને શરીરની બહાર નિયત કલાકો સુધી જ રાખી શકાય છે, જેમ કે હૃદયને ચારથી છ કલાક… લિવરને આઠથી બાર કલાક.’ પછી ડૉ. માજીવડેએ કહ્યું:હા… કિડની ચોવીસ કલાક પછી પણ ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે!’

`એનો મતલબ, અમુક અવયવ શરીરમાંથી કાઢીને દૂર લઈ જવા મુશ્કેલ છે!’ ગોહિલ ગણતરી માંડી રહ્યો હતો.

`હા, પણ એક જ હૉસ્પિટલમાં અવયવ કાઢીને ટ્રાન્સપ્લાન્ટની સર્જરી થતી હોય તો?’ ડૉ. માજીવડેએ શક્યતા જણાવી.

`એ પણ શક્યતા નકારી ન શકાય, પણ…’

ગોહિલ વિચારીને બોલતો હતો: `મંજરી… અંજુ અહીં નજીકની રહેવાસી હતી. એનો મતલબ આ જંગલમાં કે તેની આસપાસ આ કાંડને અંજામ અપાતો હશે!’

બાઈક યુનિટ-16 પાસે પહોંચી એટલે અનાયાસે ગોહિલની નજર આરે હૉસ્પિટલ પર પડી. તપાસ જેમ આગળ વધી રહી હતી તેમ આ હૉસ્પિટલ કેન્દ્રમાં આવી રહી હતી. ડૉ. મૃત્યુંજય હિરેમઠ અને ડૉ. મંદિરા અજવાની ગોહિલના મગજમાંથી નીકળતાં જ નહોતાં.

આ કેસની ચાવી આરે હૉસ્પિટલમાં જ હોવી જોઈએ!' ગોહિલ ધીમેથી બબડ્યો. શું કહ્યું, સર!’ બાઈક ચલાવતા કોન્સ્ટેબલ નામદેવ દળવીને સંભળાયું નહીં એટલે તેણે પૂછ્યું.
`કંઈ નહીં…’ ગોહિલે વાત આગળ વધારી નહીં.

ડૉ. માજીવડે અને ગાયકવાડ સાથે મીટિંગ પત્યા પછી તેણે ઈન્સ્પેક્ટર રવિ કદમને ફોન કર્યો હતો. મહત્ત્વનું નિરીક્ષણ ચાલી રહ્યું હોવાથી અડધો કલાક લાગશે, એવું કદમે કહેતાં ગોહિલે જ ત્યાં જવાનું નક્કી કર્યું હતું. કદમ ટીમ સાથે બોલેરોમાં ગયો હોવાથી ગોહિલ દળવી સાથે બાઈક પર યુનિટ-16 જવા નીકળ્યો હતો.

`સર… આ સામેના માર્ગથી જીવન નગર જવાય છે, જ્યાં દીપડાએ પેલા બાળક અને સ્ત્રી પર હુમલો કર્યો હતો!’ દળવીએ બાઈકની ગતિ ધીમી કરી સાંકડા માર્ગ તરફ આંગળી ચીંધી.

વનિચા પાડા ક્રોસ રોડથી જમણે વળાંક લઈ બાઈક કોંકણ વિકાસ મહામંડળ રોડ પર દોડી રહી હતી. શનિધામથી થોડે આગળ દળવીએ બાઈક રોકી તો દૂર શિવ મંદિર નજરે પડતું હતું.

આ જંગલમાં માણસ કરતાં મંદિર વધુ દેખાય છે!' ગોહિલ આસપાસના પરિસર પર નજર ફેરવતો બોલ્યો. સર… અહીં બધું ભગવાન ભરોસે તો ચાલે છે… અને બાકીનું મુખિયાઓને ભરોસે!’ દળવીએ ટકોર કરી.

વાત કરતાં બન્ને હેલિકૉપ્ટર ક્રેશ સાઈટ પર પહોંચ્યા.
`શાનું નિરીક્ષણ કરતો હતો, કદમ?’ ગોહિલે પૂછ્યું.

`સર, એ તો આપણે માનીએ છીએ કે રાતે-મધરાતે જ અહીં શબ દાટવામાં આવ્યાં હશે?’ કદમે શરૂઆત કરી એટલે ગોહિલે માત્ર હકારમાં માથું હલાવ્યું.

મારું માનવું છે કે આ કોઈ એક વ્યક્તિનું કામ નથી, ભલે એ કેટલી પણ હૃષ્ટપુષ્ટ હોય.’ કદમે કહ્યું. એટલે?’

`જુઓ… સર, આ જંગલ રાતે એટલું ભયંકર દેખાય છે કે એકલી વ્યક્તિ અહીં આવવાની હિંમત ન કરે… એ સિવાય હિંસક પ્રાણીઓના હુમલાનો ખતરો હોય… એટલે બે કે તેથી વધુ લોકો લાશ દાટવા આવતા હશે.’

કદમે વધુમાં સ્પષ્ટતા કરી: `બૉડી લાવવા ફોર વ્હીલરનો ઉપયોગ થયો હશે… અને મોટું વાહન કોઈ કાળે અહીં આવી શકે નહીં. અમે આ વિસ્તારમાં દૂર સુધી તપાસ કરી… વાહનને આવવાનો કોઈ માર્ગ નથી.’

`બરાબર.’ ગોહિલે કહ્યું.

`શનિધામ કે તેની નજીક ક્યાંક વાહન પાર્ક કરીને એકાદ શબને ઊંચકીને અહીં લાવવું… ખાડો ખોદીને તેમાં શબ દાટવું… પછી ખાડો પૂરી નાખવો… આ કામ માટે વધુ લોકોની જરૂર પડતી હશે!’

કદમે બોલવાનું ચાલુ રાખ્યું: વળી, બૅટરીનો ઉજાસ કરવાની ભૂલ તો હત્યારો કરે નહીં, નહીંતર ગામવાસીઓને જાણ થવાનો ભય રહે… અને અહીંના લોકો તો આપણે જાણીએ જ છીએ કે આવા હત્યારાને જીવતો છોડે?’ બધી વાત બરાબર, કદમ… પણ તારે કહેવું શું છે?’

`સર… હું વિચારું છું કે જંગલમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ જોઈએ અને શંકાસ્પદ વાહન, જે વારંવાર આ માર્ગ પર આવતું હોય તેને ઓળખી કાઢીએ. ઉપરાંત, અહીં ટોળામાં જે લોકો સતત ફરતા દેખાય તેમના પર નજર રાખીએ!’ કદમે જાણે પ્લાન સમજાવ્યો.

`વિચાર ઉત્તમ છે… પ્રયાસ કરી જોઈએ… કદાચ આપણને સફળતા હાથ લાગે!’ ગોહિલે સહમતી દર્શાવી.
એ જ સમયે ગોહિલના મોબાઈલ પર સબ-ઈન્સ્પેક્ટર કપિલ રાજપૂતનો કૉલ આવ્યો.

સર… એ કૅમેરાની બધી માહિતી મળી ગઈ છે.’ ઠીક છે… તું ક્યાં છે?’
`ચર્ચગેટ…’ રાજપૂતે કહ્યું.

ઓકે. અત્યારે અમે જંગલમાં છીએ અને મોડું થશે… કાલે પોલીસ સ્ટેશને આવ… પછી વિગતવાર જણાવજે.’ હા, પણ મહત્ત્વની વાત કહી દઉં.’
શું?' સર… એ કૅમેરા પેલા ગાંડા… જૉનીએ ખરીદ્યો હતો!’ (ક્રમશ:)

આ પણ વાંચો…પ્લોટ – 16 – પ્રકરણ-34: એકને જીવન આપવા બીજાનો જીવ લીધો!

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button