પ્લોટ-16 – પ્રકરણ-33: હૉલોગ્રાફિક કૅમેરાએ તો ભારે કરી…

યોગેશ સી પટેલ
આરેના દિનકર રાવ દેસાઈ માર્ગને કિનારે આવેલા વિશાળ વૃક્ષ પર છુપાવેલો કૅમેરા મળી આવ્યા પછી એ પરિસરમાં વધુ તપાસ કરવાનું ગોહિલે નક્કી કર્યું હતું. ઈન્સ્પેક્ટર રવિ કદમને મહિલા સબ-ઈન્સ્પેક્ટર વિદ્યા પાટીલ સાથે અંજુ વિશે વધુ માહિતી મેળવવાનું કહેવામાં આવ્યું. અંજુનું કોઈ અફૅર કે ગેરકાયદે કાર્યમાં સંડોવણીની તપાસણી સાથે કૃપાની પણ પૂછપરછ કરવાનું કામ સોંપાયું હતું.
ટીમ સાથેની ચર્ચામાં ગોહિલ એવા નિષ્કર્ષ પર આવ્યો હતો કે એ સ્થળે એક જ કૅમેરા નહીં હોય, બીજા કૅમેરા પણ સંતાડ્યા હોવાની શક્યતા છે. પરિણામે કૅમેરા મળ્યો એની આસપાસના પરિસરમાં આવેલાં વૃક્ષોની ચકાસણી કરવા ગોહિલની ટીમ નીકળી.
આરે પોલીસ સ્ટેશનના પહેલા માળેથી ગોહિલની ટીમ નીચે ઊતરી ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર સિનિયર ઈન્સ્પેક્ટર અશોક ગાયકવાડની કૅબિન બહાર લોકોનો જમાવડો હતો. એકઠા થયેલા લોકો બરાડા પાડતા નહોતા, પણ તેમની વચ્ચે સતત ચણભણ ચાલતી હતી અને ક્રોધ તો દરેકના ચહેરા પર નજરે પડતો હતો.
‘દળવી, શું ચાલે છે અહીં? આ બધા કેમ ભેગા થયા છે?’
ગોહિલે પૂછ્યું દળવીને, પણ ટોળામાંથી એકે મહેણું માર્યું: ‘પોતાને સ્પેશિયલ ટીમના અધિકારી ગણાવે છે અને જંગલમાં શું થાય છે એની જાણ નથી!’
‘એ… એ… એય. મોઢું સંભાળીને બોલ!’ બાવડાં ફુલાવી એપીઆઈ પ્રણય શિંદેએ રુઆબ દેખાડ્યો.
‘શું કરી લેશો? અને શા માટે મોઢું સંભાળીને બોલે? શાંતિ રાખી છે એનો મતલબ એ નથી કે અમે પોલીસથી ડરીએ છીએ!’ શિંદેના વર્તનથી એક મહિલા ઉશ્કેરાઈ.
‘સાહેબ, અમારી સહનશીલતાની પરીક્ષા ન કરો. નહીંતર પોલીસ સ્ટેશનને ખંડિયેર બનતાં વાર નહીં લાગે!’ બીજી મહિલા શિંદે તરફ ધસી આવી.
‘જુઓ… એનો મતલબ તમને દબડાવવાનો નહોતો. તમારી સમસ્યા જાણીને મદદ કરવાનો હતો!’ ગોહિલે મધ્યસ્થી કરી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો.
‘અમારી મદદ તમારાથી નહીં થાય.’ કહીને એક પુરુષે દળવી તરફ જોતાં કહ્યું: ‘તમે જ કહો… શું થયું છે તે!’
દળવી ગોહિલની ટીમને પોલીસ સ્ટેશન બહાર પરસાળમાં લઈ ગયો.
‘સર, આ લોકોને છંછેડવાનો ફાયદો નથી. એ લોકો પહેલેથી જ ગુસ્સામાં છે. આપણે કંઈ કહીશું તો હંગામો થશે!’ દળવીએ સમજાવ્યું.
‘પણ સમસ્યા શું છે? ગાયકવાડસાહેબની કૅબિનમાં કોઈ ઘાંટા પાડી રહ્યું છે, જેનો અવાજ અહીં સુધી આવી રહ્યો છે. લાગે છે… અંદરના લોકો ઝઘડો કરી રહ્યા છે!’ ગોહિલે કહ્યું.
‘સર, આજે વહેલી સવારે દીપડાએ ફરી એક બાળકને ફાડી ખાધો છે!’
દળવી બોલતો હતો: ‘દસેક વર્ષનો બાળક સવારે શૌચાલય જતો હતો ત્યારે આ ઘટના બની. દીપડાએ એક સ્ત્રી પર પણ હુમલો કર્યો. પરંતુ મહિલાએ ગમેતેમ લાકડી વીંઝતાં ડરી ગયેલો દીપડો ભાગી ગયો!’
‘ક્યાં થયું આ?’
‘જીવન નગર પાસે.’
‘આ તો યાદવ બાવડીથી થોડે જ દૂર છેને, જ્યાં સાત વર્ષના ભોલુ પર દીપડાએ હુમલો કરી તેને મારી નાખ્યો હતો?’ શિંદેએ કહ્યું.
‘હા. એટલે જ તો આ લોકો આવ્યા છે…’
‘એટલે?’
‘દીપડાની સમસ્યા તાત્કાલિક હલ કરવાની માગણી રહેવાસીઓ કરી રહ્યા છે.’
દળવીએ કહ્યું: ‘ગાયકવાડસાહેબે સમજાવ્યું કે વન ખાતાને પાંજરું ગોઠવવા સંબંધી પત્ર મોકલ્યો છે, પણ ત્યાંના અધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.’
‘સાહેબ સમજાવી રહ્યા છે કે ફોન કરીને અધિકારીઓને તુરંત પાંજરું ગોઠવી દીપડાને પકડવાનું કહેશે!’ દળવીએ સમજાવ્યું.
‘ઓકે. અમારી કોઈ જરૂર નથીને?’
‘ના. અમે સંભાળી લઈશું. આ લોકો પણ ચર્ચા માટે જ આવ્યા છે.’
‘ઠીક છે. રાજપૂત આવે તો તેની સાથે તું પણ આવજે. કૅમેરા મળ્યો તે સ્થળે અમે જઈ રહ્યા છીએ.’
‘ઘણી ચાલાક છોકરી છે. જાણીજોઈને આ સુપર સ્ટોરમાં મળવા બોલાવ્યાં!’ ઈન્સ્પેક્ટર રવિ કદમે મહિલા સબ-ઈન્સ્પેક્ટર વિદ્યા પાટીલને કહ્યું.
જોગેશ્ર્વરીમાં અંજુના અડોશપડોશમાં પૂછપરછ કર્યા પછી કદમે જોગેશ્ર્વરીમાં જ રહેતી ડૉ. વિશ્વાસ ભંડારીની સેક્રેટરી કૃપા ગોડબોલેને ફોન કર્યો હતો. ઘરમાં કુટુંબના સભ્યો છે અને પોતે સુપર સ્ટોરમાં છે કહીને કૃપાએ કદમને મળવું હોય તો સુપર સ્ટોરમાં આવવાનું કહ્યું. કદમ અને વિદ્યા અત્યારે સ્ટોરના ગેટ પાસે પહોંચ્યાં હતાં.
‘મને લાગે છે, આપણે અંદર જઈએ. એ અંદર જ મળશે!’ વિદ્યાએ કહ્યું.
બન્ને સ્ટોરમાં ગયાં ત્યારે કૃપા સામાનની એક રૅક પાસે ઊભી હતી.
‘આવી ભીડવાળી જગ્યામાં મળવાનું કારણ?’ કદમે કહ્યું.
‘સર, મને પોલીસથી ડર લાગે છે એટલે સૅફ્ટી ખાતર… અહીં પબ્લિક હોય છે અને ઠેકઠેકાણે સીસીટીવી કૅમેરા પણ લાગેલા છે!’
‘સ્માર્ટ ગર્લ…’ કદમે વખાણ કર્યાં.
‘બચપન સે!’ કૃપાએ સ્મિત આપ્યું.
‘વધારે સ્માર્ટનેસ દેખાડવાની જરૂર નથી… અમે ઈમાનદારીથી માહિતી મેળવવા માગીએ છીએ, નહીંતર ગેરકાયદે માર્ગે ચાલતાં પણ અમને આવડે છે!’ વિદ્યાએ કૃપાને ડરાવવાને ઇરાદે કહ્યું.
‘તો અત્યારે કઈ કાયદેસર પૂછપરછ કરવા આવ્યાં છો? વૉરન્ટ લાવ્યાં છો?’ મીઠાબોલી કૃપાની અત્યારે સ્માર્ટનેસ ચાલુ હતી.
‘અમે પૂછપરછ કરવા નથી આવ્યાં કહ્યુંને. માત્ર જાણકારી જોઈએ છે!’ કદમે કહ્યું.
‘જાણું છું. એટલે જ તો વૉરન્ટ વિના પણ તમારી સાથે વાત કરવા તૈયાર થઈ છું.’
કૃપા ઉંમર કરતાં વધુ હોશિયારી દેખાડતી હોવાનું વિદ્યાને લાગ્યું. પોલીસ સ્ટેશન હોત તો એક લાફો ઝીંકી દીધો હોત, પણ અહીં તેના હાથ બંધાયેલા હતા.
‘અંજુ તારી બહેનપણી હતી… તેનો કોઈ બૉયફ્રેન્ડ કે કોઈ દુશ્મન હતું?’ કદમ મુદ્દા પર આવ્યો.
‘મને તેની પર્સનલ લાઈફ વિશે કઈ રીતે ખબર હોય… હું અને એ અલગ વિસ્તારમાં રહેતાં હતાં. ક્યારેક જ મળવાનું થતું.’
પછી કૃપાએ ઉમેર્યું: ‘હા… આરોગ્ય શિબિરમાં અમે મળતાં, પણ ત્યારેય આવી કોઈ વાત થઈ નથી!’
‘બહેનપણી હતી તો તેની કોઈ અંગત બાબતની જાણ હોય, જેનાથી અમને તેના હત્યારા સુધી પહોંચવામાં મદદ મળે એ અમને કહી શકે છે… અમે વાત જાહેર નહીં કરીએ!’ કદમે અખતરો અજમાવ્યો.
‘બહેનપણીઓ એકબીજા સાથે ઘણી અંગત વાતો શૅર કરતી હોય છે!’ વિદ્યાએ પણ એ જ પ્રશ્ન કર્યો.
‘સાચે જ… તમને મદદરૂપ થાય એવી કોઈ જાણકારી મારી પાસે નથી!’ કૃપા ટસની મસ થતી નહોતી.
‘પણ ડૉક્ટર ભંડારી તો કહેતા હતા કે મેડિકલ કૅમ્પનું આયોજન તું કરતી હતી… કૅમ્પમાં કોણ સેવા આપે છે એની બધી જાણકારી તને હોય છે!’ કદમે દાણો ચાંપ્યો.
‘હા, પણ બધાના બાયોડેટા હું જમા નથી કરતી!’ કૃપાનો જવાબ વિચિત્ર હતો.
‘એ છોકરી… તારી જીભ ખૂબ જ વાંકી છે. તારી ચામડી અમારો માર ખાઈ નહીં શકે અને અમે વાંકાં ચાલ્યાંને તો તું સહન નહીં કરી શકે!’ વિદ્યાની કમાન છટકી. તેણે દાંત કચકચાવ્યા અને બાવડું એટલા જોરથી પકડ્યું કે કૃપાના મોંમાંથી સિસકારો નીકળી ગયો.
આ પણ વાંચો…પ્લોટ-16 – પ્રકરણ-31- બાપટ કઈ કાતિલ ચાલ ચાલશે?
‘વિદ્યા… છોડ એને!’ કદમે વિદ્યાને સમજાવી એટલે તેણે બાવડું છોડી દીધું.
‘કૃપા… હું તને વાયદો કરું છું કે પુરાવા સાથે આપણે પાછા મળીશું ત્યારે તારી બધી સ્માર્ટનેસ… અકડ હવા થઈ જશે!’
કદમે ચીમકી આપી અને સ્ટોરમાંથી બહાર નીકળતી વખતે આગમાં ભડકો થાય એ માટે ઘી નાખવા જેવું વાક્ય કહ્યું: ‘ડૉક્ટર ભંડારીએ જ તારું નામ આગળ કરીને તને ફસાવી છે એ વાત યાદ રાખજે!’
‘આ સામાન્ય સીસીટીવી કૅમેરા નહીં, હૉલોગ્રાફિક કૅમેરા છે!’ સબ-ઈન્સ્પેક્ટર કપિલ રાજપૂતે કહ્યું.
‘હૉલોગ્રાફિક કૅમેરા… એટલે?’ દળવીએ આશ્ર્ચર્યથી પૂછ્યું.
‘એક પ્રકારનો સ્પેશિયલ કૅમેરા કહી શકાય!’ કૅમેરાની વ્યાખ્યા સમજાવી શકે એમ નહોતો એટલે રાજપૂતે ટૂંકમાં પતાવ્યું.
ઝાડ પરથી મળેલા નાની સાઈઝના સીસીટીવી કૅમેરા વિશે તપાસ કરીને રાજપૂત પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ગોહિલની સૂચનાથી દળવી સાથે તે યુનિટ-16 પાસે આવ્યો હતો, જ્યાં ઝાડ પરથી મળેલા કૅમેરાના સ્થળે ગોહિલની ટીમ તપાસ માટે આવી હતી.
‘સર, બે-ત્રણ દુકાનમાં તપાસ કર્યા પછી ખબર પડી કે આ હૉલોગ્રાફિક કૅમેરા છે. વિશિષ્ટ પ્રકારની બનાવટ છે એની.’
રાજપૂતે કહ્યું: ‘આ કૅમેરા રસ્તા પરની તસવીરો ઝીલતો નથી, પણ કૅમેરામાંની તસવીરનું પ્રતિબિંબ રસ્તા પર દર્શાવી શકે છે!’
રસ્તાને કિનારે આવેલાં ઝાડીઝાંખરાંમાં નજર કરતાં ગોહિલે કહ્યું: ‘કંઈ સમજ પડે એ રીતે સમજાવ, રાજપૂત!’
‘સર, આ કૅમેરામાં તમે કોઈ તસવીર ફીડ કરીને કૅમેરા ચાલુ કરો તો એ તસવીરની આભા સામે હવામાં અધ્ધર દેખાઈ શકે છે. એક રીતે કહીએ તો આભાસી ઈમેજ દેખાવા લાગે!’ રાજપૂતે સમજાવવાનો પ્રયાસ કર્યો.
‘આ કૅમેરામાં કદરૂપા ચહેરાવાળી ત્રણ સ્ત્રી અને એક પુરુષની તસવીર છે, જેમાંથી કોઈ પણ એકને સિલેક્ટ કરીને તેનું પ્રતિબિંબ સામે ઊભું કરી શકાય છે. વળી, કૅમેરાની કમાલ એ છે કે પ્રતિબિંબ હિલચાલ કરતું પણ દર્શાવી શકાય છે.’ બધા રાજપૂતની વાતને સમજવાના પ્રયાસમાં મૂક શ્રોતા બની ઊભા હતા.
‘સરળ ભાષામાં સમજાવું તો આ કૅમેરા ઝાડ પર લગાવવામાં આવ્યો હતો. કૅમેરા ચાલુ કરો તો તેમાંની કદરૂપા ચહેરાવાળી સ્ત્રીની ઈમેજ રસ્તા પર દેખાતી. જોનારને એવું જ લાગે કે સામે સ્ત્રી ઊભી છે. કૅમેરાની સ્પેશિયલ ઈફેક્ટને કારણે એ સ્ત્રી ચાલતી હોવાનું લાગે!’
‘બસ… રાજપૂત. એટલું ન સમજાવ કે અમે જ કૅમેરા બનાવવાનું શીખી જઈએ!’ ગોહિલે રાજપૂતને રોક્યો.
‘પણ આપણને કૅમેરા સાથે કોઈ વાયર કેમ ન મળ્યો?’ શિંદેએ મુદ્દાનો સવાલ કર્યો.
‘કેમ કે એ ઑટોમેટિક કૅમેરા છે… રિમોટ ક્ધટ્રોલથી ઑપરેટ થાય છે!’
રાજપૂતે ઉમેર્યું: ‘કૅમેરામાં જ નાની બૅટરી હોય છે, જેની કેપિસિટી ઘણી હોય છે… મહિના સુધી તેને ચાર્જ કરવાની જરૂર પડતી નથી.’
‘ઓહ… તો ભૂતની આ ઈમેજ જોઈને વાહનચાલકો ડરી જતા હતા અને જીવ ગુમાવતા હતા. હાર્ટ અટેકને કારણે ડ્રાઈવરોનાં મોત પાછળનું આ રહસ્ય હતું!’ ગોહિલે કહ્યું.
‘હું કહેતો હતોને… ભૂત કે ભૂતડી જેવું કંઈ હોતું નથી. આ તો માણસોના ભેજાની ઊપજ છે. સમસ્યા એ છે કે લોકો અંધશ્રદ્ધામાં વધુ શ્રદ્ધા રાખે છે અને તેમના મનના ભયનો આવા કારસ્તાનીઓ લાભ ઉઠાવે છે!’
‘આ કૅમેરા ક્યાંથી અને કોણે ખરીદ્યો તે જાણવું હોય તો?’ શિંદેએ ફરી કામનો પ્રશ્ન કર્યો.
‘કૅમેરાની અંદર બારકોડ હશે, જેને આધારે તે ક્યાંથી ખરીદવામાં આવ્યો તે જાણી શકાશે, પણ તેના માટે કૅમેરા ખોલવો પડશે… સર, તમે પરવાનગી આપો તો…’
‘ઠીક છે… પ્રયત્ન કરી જોઈએ. સારા ટેક્નિશિયનની મદદ લેજે, રાજપૂત. આ પુરાવા તરીકે કામ આવશે… તેને નુકસાન ન થાય તે જોજે!’
આદેશ આપ્યા પછી ગોહિલ બોલ્યો: ‘કૂપરના ડૉક્ટર માજીવડેની વાત સાચી છે… આ સુનિયોજિત ષડ્યંત્ર છે… ભેજાબાજની મેલી રમત!’
‘…પણ હજુય બધી કડી જોડાતી નથી. આમ કૅમેરા લગાવીને ભૂતનો હાઉ ઊભો કરવાની શી જરૂર પડી!’ કહીને ગોહિલ વિચારમાં પડ્યો…
(ક્રમશ:)
આ પણ વાંચો…પ્લોટ-16 – પ્રકરણ-32: ડ્રગ તસ્કરને પણ મારીને દાટી દીધો…