પ્લોટ-16 – પ્રકરણ-32: ડ્રગ તસ્કરને પણ મારીને દાટી દીધો…

યોગેશ સી પટેલ
‘સર, ટીવી ચાલુ કરું?’ દરવાજે ટકોરા મારી કૅબિનમાં પ્રવેશેલા કોન્સ્ટેબલે ઉતાવળે કહ્યું.
‘કેમ? શું થયું?’ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ સુનીલ જોશીએ પૂછ્યું.
સામાન્ય રીતે જોશીની કૅબિનમાં અવાજ મ્યૂટ કરીને ટીવી પર ન્યૂઝ ચૅનલ ચાલુ રાખવામાં આવે છે, પણ અત્યારે વારંવાર આરેની ઊથલપાથલના સમાચારો આવતાં હોવાથી કંટાળીને તેમણે ટીવી બંધ કરાવ્યું હતું.
જોશીની બાજુની રૂમમાં તેમનો ઑર્ડરલી અને વાયરલેસ મશીન પર દેખરેખ રાખનારા કોન્સ્ટેબલ્સ બેસે છે. એ રૂમનું ટીવી પણ હંમેશાં ચાલુ હોય છે. કોઈ મહત્ત્વના સમાચાર આવે તો જોશીનો ઑર્ડરલી તેમનું ધ્યાન દોરતો હોય છે.
અત્યારે ન્યૂઝ ચૅનલો પરના ફ્લૅશ જોઈને જ કોન્સ્ટેબલ જોશીની કૅબિનમાં આવ્યો હતો.
‘કોઈ મહત્ત્વના સમાચાર આવવાના છે!’ કોન્સ્ટેબલે જણાવ્યું.
‘એટલે?’ અચરજ સાથે જોશીએ કોન્સ્ટેબલને ટીવી ઑન કરવાનો ઇશારો કર્યો.
‘ગણતરીની મિનિટોમાં જ વિરોધ પક્ષના નેતા ગજાનન બાપટ આરેની ઘટનામાં મોટો ખુલાસો કરશે… મહારાષ્ટ્રના રાજકારણની શરમજનક બાજુ ઉઘાડી પાડવાનો બાપટનો દાવો…’
ન્યૂઝ ફ્લૅશ જોઈને ડીસીપી ચોંક્યા: ‘આ શું બોલવાનો છે?’
કોન્સ્ટેબલ પાસે કોઈ જવાબ ન હોવાથી તે અનુત્તર રહ્યો.
‘બાપટના હાથમાં એવું તે શું લાગ્યું કે તે મોટા ધડાકાના દાવા કરે છે? ગોહિલને ફોન લગાવીને પૂછ!’ જોશીએ કોન્સ્ટેબલને આદેશ આપ્યો.
કોન્સ્ટેબલ તેના મોબાઈલથી ગોહિલને કૉલ કરી રહ્યો હતો, પરંતુ નેટવર્ક સમસ્યાને કારણે કૉલ લાગતો નહોતો. એ દરમિયાન જોશી રિમોટથી ચૅનલો બદલી રહ્યા હતા. બધી ચૅનલ પર આ જ સમાચાર ફ્લૅશ થતા હતા.
‘પાંચ જ મિનિટમાં બાપટ મીડિયા સામે રહસ્યો ખોલશે…’ નવી લાઈન ફ્લૅશ થવા લાગી.
‘શું થયું? ગોહિલ ફોન નથી ઊંચકતો?’ ડીસીપીનો અવાજ થોડો મોટો થયો.
‘સર… નેટવર્કનો પ્રોબ્લેમ લાગે છે… કૉલ નથી જતો!’ કોન્સ્ટેબલે કહ્યું.
એટલામાં ચૅનલ પર ફ્લૅશ બદલાયા: ‘પોલીસ અને સરકારની મિલીભગત… આરેના કાંડમાં વિધાનસભ્ય ગુલાબરાવ જાંભુળકરની સંડોવણી… પણ પોલીસ નિષ્ક્રિય…’
જોશીને આંચકો લાગ્યો. બધું કામ પડતું મૂકી તેમણે રિવોલ્વિંગ ચૅર ટીવી તરફ ફેરવી. તેમના હૃદયના ધબકારા વધવા લાગ્યા. બાપટના દાવા ખરેખર પોલીસ માટે મુસીબત ઊભી કરનારા હતા.
‘સર… ગોહિલ સરનો ફોન હજુ નથી લાગતો.’ વારંવાર પ્રયત્ન કરવા છતાં ગોહિલનો સંપર્ક ન થતાં કોન્સ્ટેબલે કહ્યું.
‘હવે રહેવા દે… પહેલાં બાપટ શું કહે છે એ સાંભળવા દે!’ જોશી ઉચાટ જીવે બોલ્યા.
એટલામાં ગજાનન બાપટ ચૅનલોનાં માઈક સામે ગોઠવાયા એટલે જોશી પણ તેમને સાંભળવા ટટ્ટાર થઈ ગયા.
‘હું પહેલેથી જ કહું છું કે સરકારના વરદહસ્ત વિના આટલા મોટા કાંડ શક્ય જ નથી…’ બાપટે શરૂઆત કરી.
‘આરેના જંગલનો મુખ્ય માર્ગ કૉન્ક્રીટનો બનાવીને પહોળો કરવામાં આવ્યો… છતાં આ માર્ગ પર વાહન ડ્રાઈવરોનાં મોત થાય છે… એ મુદ્દો હું વારંવાર ઉઠાવું છું, પણ પોલીસ તેને ગંભીરતાથી નથી લેતી!’
બાપટનું બોલવાનું ચાલુ હતું: ‘હેલિકૉપ્ટર તૂટી પડ્યા પછી બીજું ભોપાળું સામે આવ્યું… જમીનમાંથી લાશો મળી… પછી ડ્રગ્સ લૅબોરેટરી પકડાઈ!’
‘સરકારની સંડોવણી વિના આટલો મોટો હત્યાકાંડ શક્ય છે? ડ્રગ્સના કારોબાર માટે જ આ બધાનો ભોગ લેવાયો હોવાની મને ખાતરી છે… શરમ હોય તો ગૃહ પ્રધાન અને મુખ્ય પ્રધાને રાજીનામાં આપી દેવાં જોઈએ!’
બાપટે પોલીસ પર પણ નિશાન તાક્યું: ‘પોલીસ તેનું કામ ઈમાનદારીથી કરતી હોત તો આ ગોરખધંધા ચાલ્યા જ ન હોત! ઊલટું, અમે નાગરિકોની પડખે ઊભા રહીએ… તેમના માટે અવાજ ઉઠાવીએ તો અમને રોકવામાં આવે છે. કૅન્ડલ માર્ચ ન કાઢવાનું કહીને પોલીસે પરવાનગી નકારી કાઢી છે, પણ અમે કૅન્ડલ માર્ચ કાઢીશું જ… કેમ કે નાગરિકો અમારી સાથે છે!’
‘આરેના કાંડમાં સરકારની શંકાસ્પદ ભૂમિકાનો પુરાવો સામે આવ્યો છે. ડ્રગ્સનો ધંધો કરનારા સલ્લુની બૉડી મળી છે… તેના પગના ઑપરેશન માટે આર્થિક ભંડોળ પૂરું પાડવાનો ભલામણ પત્ર વિધાનસભ્ય જાંભુળકરજીએ એક ટ્રસ્ટને આપ્યો હતો!’ બાપટે સૌથી મોટો ધડાકો કરતાં જોશીના હૃદયમાં ફાળ પડી.
‘આ જ બતાવે છે કે વિધાનસભ્યની ડ્રગ્સના વ્યવસાયી સાથે સાઠગાંઠ હતી, પણ આ વાત સામે આવવાના ડરે સલ્લુને પતાવી દેવાયો અને જમીનમાં દાટી દેવાયો હતો. એ તો હેલિકૉપ્ટર તૂટી પડ્યું એટલે જમીનમાં દટાયેલાં રહસ્યો બહાર આવ્યાં!’
બાપટે પડકાર ફેંક્યો: ‘મારી વાત ખોટી હોય તો પોલીસ આ ખબરને રદિયો આપી બતાવે! પોલીસ જાંભુળકરજી સામે શા માટે કાર્યવાહી કરતી નથી?’
ચતુર રાજકારણી એવા બાપટે લુચ્ચા હાસ્ય સાથે પ્રણામ કરીને વિદાય લીધી. બાપટે ખરેખર અભ્યાસ કરીને પાસા ફેંક્યા હતા.
ડીસીપીએ રિમોટથી ટીવીનો અવાજ મ્યૂટ કર્યો એની સાથે તેમનો મોબાઈલ રણકી ઊઠ્યો. વિધાનસભ્ય જાંભુળકરનો કૉલ હતો. તેમનો ફોન આવશે જ એની જોશીને ખાતરી હતી.
‘સર!’ કૉલ રિસીવ કરતાં જ જોશીએ કહ્યું.
‘શું સર… સરના ધડ પરથી માથું ઉડાવવાનું જ નક્કી કર્યું છે તમારી ટીમે?’ ટીવી પર ન્યૂઝ જોઈને જાંભુળકરના મગજનો પારો છટક્યો હતો.
‘સર… મને જ ખબર નથી આ કઈ રીતે થયું!’ જોશી પાસે શબ્દો નહોતા.
‘જે વાત મને જણાવવામાં ન આવી તે વિરોધ પક્ષ પાસે કઈ રીતે પહોંચી?’ જાંભુળકરનું માથું ખાસ્સું તપેલું જણાતું હતું.
ખરેખર તો પીએ ચૌૈધરી ચાલ ચાલે તે પહેલાં બાપટ ગેમ રમી ચૂક્યા હોવાનો જાંભુળકરને ગુસ્સો હતો. જાંભુળકર પહેલું ડગ માંડે તે પહેલાં જ બાપટે તેમને માત આપી હતી અને તેમની ઊજળી છબિના લીરેલીરા ઉડાડી દીધા હતા.
‘એટલે… સર!’
‘પત્ર વિશે પહેલાં મને પૂછવું જોઈતું હતું. મને જાણ કરી નહીં અને બાપટને ખબર પડી ગઈ! આ કોણે કર્યું?’
‘ડીસીપી… બાપટ સાથે મળીને કોઈ રમત રમો છો? આ મુદ્દો હું વિધાનસભામાં ઉઠાવીશ.’
‘સર… આ વાત ક્યાંથી અને કઈ રીતે લિક થઈ તેની હું તપાસ કરાવીશ!’ ડીસીપીનો અવાજ નરમ પડ્યો.
‘જે કરવું હોય તે જલદી કરો… યાદ રાખજો, મારી સાથે ડબલ ગેમ કરવાનું ભારે પડશે. આ રમતમાં તમને જીતવા નહીં દઉં!’ કહીને જાંભુળકરે કૉલ કટ કર્યો અને તેમણે કહ્યુંય નહીં ‘જય મહારાષ્ટ્ર… આમ્હી નાહી ભ્રષ્ટ!’
‘કઈ ગુફામાં ભરાયો છે… ક્યારનો તારો ફોન લાગતો નથી!’ ગોહિલે કૉલ રિસીવ કરતાં જ ડીસીપી સુનીલ જોશી તાડૂક્યા.
‘આરે પોલીસ સ્ટેશનમાં છું… સર!’ ગોહિલે કહ્યું.
‘તો ક્યારનો નેટવર્કનો ઇશ્યુ કેમ આવતો હતો?’
‘અમે યુનિટ છવ્વીસ પાસે ડ્રગ્સ લૅબોરેટરી આસપાસ સીસીટીવી કૅમેરા શોધી રહ્યા હતા, જેથી સલ્લુના સાથીઓની ઓળખ થાય!’
ગોહિલે સ્પષ્ટતા કરતાં કહ્યું: ‘એ પરિસરમાં મોબાઈલ નેટવર્ક નહીંવત્ હોય છે!’
‘મળ્યાં કૅમેરાનાં ફૂટેજ?’
‘સર, ત્યાં દૂર દૂર સુધી કોઈ કૅમેરા નથી અને મુખ્ય માર્ગ નજીક કૅમેરા છે તેનાં ફૂટેજ મુખિયા મેશ્રામ અને યુવાનો સાથે ચેક કર્યા. એમાં સલ્લુનો એકેય સાથી નજરે પડતો નથી!’
ગોહિલે કહેતાં જોશી વધુ ગરમાયા: ‘એટલે કે એ લોકો પણ ચાલાક હતા… કોઈ પુરાવા છોડ્યા નથી, બરાબરને?’
‘સર… અત્યારે તો એવી જ સ્થિતિ છે, પણ આપણે રહેવાસીઓની મદદ લઈ રહ્યા છીએ!’
‘આમ મદદ લેવામાં જ આપણી પત્તર ખંડાઈ જાય છે!’ જોશી ઘણા ગુસ્સામાં જણાતા હતા.
‘હું સમજ્યો નહીં, સર!’
‘ચૅનલો પર સમાચાર જોયા?’
‘ના, પણ ખબર પડી… બાપટ વિશે કહો છોને?’
‘હા. મેં કહ્યું હતુંને… ભલામણ પત્રવાળી માહિતી કોન્ફિડેન્શિયલ છે. કોઈને ખબર ન પડવી જોઈએ… તો બાપટને કઈ રીતે જાણ થઈ?’
એ જ સમયે સબ-ઈન્સ્પેક્ટર દત્તા બંડગર કૅબિનમાં આવ્યો. ગોહિલે તેને બેસવાનો ઇશારો કરી જોશી સાથે ફોન પર વાતચીત ચાલુ રાખી.
‘સર, આપણા અધિકારીઓમાંથી કોઈ આવું કરે એવું લાગતું નથી. તેમને બહારની કોઈ વ્યક્તિ પાસેથી માહિતી મળી હશે!’ ગોહિલે બચાવ કર્યો.
‘મને અને કમિશનરને ગૃહ પ્રધાને બોલાવ્યા છે… આ માહિતી લિક કરવાનું ગંભીર પરિણામ આવશે. આપણા ડિપાર્ટમેન્ટના કોઈએ આ વાત બહાર કરી હતી કે કેમ તેની તપાસ કર!’
‘જી… સર!’
‘જલદી કરજે. જાંભુળકર સમજે છે કે આપણે બાપટ સાથે મળીને ગેમ રમીએ છીએ! આ વાતને લઈ તે રાજકારણ ન રમે તે જોવાનું છે!’ કહીને જોશીએ કૉલ કટ કર્યો.
‘ભલામણ પત્રવાળી વાત લિક થઈ એને લઈ ડીસીપી ગુસ્સામાં છે… હવે આપણી વચ્ચેની નાનામાં નાની વાત પણ બહાર ન જવી જોઈએ… બધા સમજી ગયાને!’ ગોહિલે ચેતવણીના સૂરમાં કહ્યું.
કૅબિનમાં હાજર અધિકારીઓએ માત્ર ‘ઓકે’ કહ્યું.
‘બોલ બંડગર… આમ અચાનક આવ્યો!’ બોલાવ્યા વિના બંડગર આવ્યો એનું ગોહિલને આશ્ર્ચર્ય થયું.
‘સર… સલ્લુ વિશે કામની માહિતી મળી છે!’ બંડગરે કહ્યું.
‘કઈ?’
‘સર, ડ્રગ્સ સંબંધી ત્રણ-ચાર કેસમાં સલ્લુનું નામ સામે આવ્યું હતું, પણ મહારાષ્ટ્ર પોલીસના રેકોર્ડમાં તેની કોઈ તસવીર નથી!’
બંડગર માહિતી આપતો હતો: ‘હું અમસ્તા નૅશનલ ક્રાઈમ ડેટા રેકોર્ડ તપાસતો હતો તો… એ જાણવા મળ્યું કે બીજાં રાજ્યોની પોલીસ પણ તેને શોધતી હતી. તેનું કોઈ પાકું સરનામું નહોતું.’
ગોહિલ સહિત બધા અધિકારી બંડગરની વાત ધ્યાનથી સાંભળતા હતા.
‘તપાસ કરતાં જણાયું કે ગુજરાતમાં સુરત પોલીસે એક વાર સલ્લુની ધરપકડ કરી હતી. છ મહિના પછી જામીન પર છૂટીને તે ફરાર થઈ ગયો હતો. પછી સુરત પોલીસે શોધ ચલાવી, પણ તે હાથ ન લાગ્યો.’
બધા કાન સરવા કરીને બેઠા હતા.
બંડગરે કહ્યું: ‘મેં ચાન્સ લેવા માટે સુરત પોલીસનો સંપર્ક સાધ્યો તો તેમની પાસેથી સલ્લુની તસવીર મળી, જે હૉસ્પિટલમાંથી મળેલી તસવીર સાથે મેળ ખાય છે.’
બંડગર થોડું અટક્યો એટલે ગોહિલે પૂછ્યું: ‘બીજી કોઈ માહિતી?’
‘સર… સલ્લુ મોટો ડ્રગ તસ્કર હતો. કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હોવાથી તેને રસાયણોનાં મિશ્રણનું પૂરતું જ્ઞાન છે. આ જ્ઞાનનો ઉપયોગ કરી તે ડ્રગ્સ બનાવવામાં માહેર બન્યો હતો.’
‘વ્હૉટ?’ ગોહિલના મોંમાંથી શબ્દ સરી પડ્યો.
‘ઉચ્ચ શિક્ષિત સલ્લુએ તેના ભણતરનો ઉપયોગ ડ્રગ્સ બનાવવા કર્યો?’ ગોહિલને આશ્ર્ચર્ય થયું.
‘સર, ગુજરાત સહિત બિહાર પોલીસમાં પણ તેની વિરુદ્ધ ગુનો નોંધાયેલો છે, પણ રાજકીય વગને કારણે બિહાર પોલીસ તેને પકડી શકી નહોતી! પછી તો કહેવાય છે કે વિદેશમાં ડ્રગ્સ સપ્લાય કરવામાં પણ તેની સંડોવણી હતી!’ બંડગરે વાત પૂરી કરી.
‘સર… શું વિચારો છો?’ ગોહિલને વિચારમાં ડૂબેલો જોઈ બંડગરે જ પૂછ્યું.
‘હું એ વિચારું છું કે સલ્લુ આટલો મોટો ડ્રગ તસ્કર હતો… આરેમાં સંતાયો હોવા છતાં તેની કોઈને જાણ કેમ ન થઈ… તેનું કોઈ અંગ પણ કાઢવામાં નહોતું આવ્યું… તો પછી તેને માર્યો કોણે? અને મારીને એ જ સ્થળે જમીનમાં દાટી શા માટે દીધો? (ક્રમશ:)
આ પણ વાંચો: પ્લોટ-16 – પ્રકરણ-31- બાપટ કઈ કાતિલ ચાલ ચાલશે?