પ્લોટ-16 – પ્રકરણ-31- બાપટ કઈ કાતિલ ચાલ ચાલશે?

યોગેશ સી પટેલ
‘ભૂત ઝાડ પર લટકેલું હતું કે રસ્તા પર ચાલતું હતું!’ કહીને ઈન્સ્પેક્ટર ગોહિલની નજર ઘટાદાર વૃક્ષ પર તકાયેલી હતી. રસ્તા પર ઊભાં ઊભાં તે ઝાડનું બારીકાઈથી નિરીક્ષણ કરતો હતો. તેની આંખે ઝાડની બખોલમાં સંતાડેલી કોઈક વસ્તુ પકડી પાડી હતી.
‘દળવી… કોઈ વાંદરાને બોલાવો, જે સડસડાટ ઝાડ પર ચઢી શકે!’ ગોહિલે આદેશ આપ્યો.
‘શું થયું, સર! ઝાડ પર શું છે?’ એપીઆઈ પ્રણય શિંદેએ પૂછ્યું.
‘આ ઝાડની જ તો કમાલ છે, શિંદે. ભૂત આ જ વૃક્ષમાં હોવાનું લાગે છે!’ ગોહિલ હજુ ઝાડનું નિરીક્ષણ કરતો હતો.
‘ચ્યા માયલા! ભૂત ઝાડમાં છે?’ દળવીએ અચરજ સાથે ઝાડ પર જોયું.
‘ઝાડમાં ભૂત… એય દિવસમાં… તમને દેખાય છે?’ શિંદેની નજર પણ ઊંચે હતી.
બધા અધિકારીની ઝાડ પર ચોંટી હતી, પરંતુ કોઈને સ્પષ્ટ દેખાતું નહોતું.
‘ઝાડના થડના ઉપરના ભાગમાં ધ્યાનથી જુઓ… નાની બખોલ જેવું છે!’ ગોહિલે આંગળી ચીંધી.
‘હાં..!’ લગભગ બધાનાં મોંમાંથી આ શબ્દ નીકળ્યો.
‘એ બખોલમાં શું દેખાય છે?’
‘કાચ જેવું કંઈ છે… સર!’ કદમ બોલ્યો.
‘હા… એને કઢાવો!’ ગોહિલે આદેશ આપ્યો.
દળવીએ તરત જ પાસેના પાડાના એક યુવાનને ફોન કર્યો અને લાંબી સીડી મગાવી. ગણતરીની મિનિટોમાં જ બે યુવાન તેમના મંડળની સીડી સાથે દોડતા આવ્યા.
‘તમારામાંથી એક જણ સીડી પર ચઢીને સર કહે છે એ… ઝાડ પરની પેલી વસ્તુ કાઢી લાવો!’ દળવીએ યુવાનોને કહ્યું.
‘જી… સાહેબ!’ કહીને એક યુવાન ચપળતાથી સીડી ચઢી ગયો.
‘આ તો નાની સાઈઝનો સીસીટીવી કૅમેરા લાગે છે, પણ એને આ રીતે સંતાડીને શા માટે રાખવામાં આવ્યો હશે?’ ઝાડ પરથી કાઢેલો કૅમેરા યુવાને ગોહિલને સોંપતાં કદમે સવાલ કર્યો.
ઝાડમાં સાવધાનીથી બખોલ કરીને ડાળીઓ વચ્ચે કૅમેરા ગોઠવવામાં આવ્યો હતો. સહેલાઈથી કોઈની નજર ન પડે અને તેની લૅન્સ મુખ્ય રસ્તા તરફ રહે એ રીતે ડાળખીઓ અને પાનથી ઘેરાયેલા ઝાડના થડમાં કૅમેરા ફિટ કરાયો હતો, પણ ગોહિલની ચતુર નજરે એ ઝીણી લૅન્સને પકડી પાડી હતી. જોકે તેની સાથે કોઈ વાયર જોડાયેલો નહોતો.
‘કદમ… ભૂતનું રહસ્ય આ જ હોવાનું લાગે છે. મારું માનવું છે કે આ સામાન્ય સીસીટીવી કૅમેરા નથી!’
પછી ગોહિલે કહ્યું: ‘સબ-ઈન્સ્પેક્ટર રાજપૂતને કહીને આ કૅમેરા કોઈ એક્સપર્ટ પાસે ચેક કરાવો!’
વિરોધી પક્ષ નેતા ગજાનન બાપટે આરેમાં જીવ ગુમાવનારાઓના આત્માની શાંતિ માટે કૅન્ડલ માર્ચની યોજના બનાવી હતી. છેલ્લા અમુક દિવસોમાં આરેના જંગલમાં ચાલતાં ગેરકાયદે કાર્યોની વણજાર સામે આવતાં રાજકીય લાભ મેળવવા તેમણે આ પાસો ફેંક્યો હતો. બે દિવસ પછી ગોરેગામમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી યુનિટ-16 સુધીની આ માર્ચ માટે પોલીસ પરવાનગી માગવામાં આવી હતી.
બાપટને કૅન્ડલ માર્ચનો વિચાર પડતો મૂકવાનું સમજાવીને તેમણે કરેલા આક્ષેપોનો આધાર જાણવાનું ડીસીપી સુનીલ જોશીએ આરે પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર અશોક ગાયકવાડને કહ્યું હતું. એટલે ગાયકવાડ ઈન્સ્પેક્ટર રવિ કદમ સાથે બાપટની ઑફિસે આવ્યા હતા. બાપટ પક્ષના પદાધિકારીઓ સાથે મીટિંગમાં વ્યસ્ત હોવાથી બન્ને તેમની રાહ જોતા બેઠા હતા.
‘સાહેબે તમને અંદર બોલાવ્યા છે.’ ગણતરીની મિનિટમાં જ બાપટના કર્મચારીએ સંદેશો આપ્યો એટલે ગાયકવાડ અને કદમ કૅબિનમાં ગયા.
‘આવો… ગાયકવાડ. બેસો!’ બાપટે વિવેક દાખવ્યો.
ગાયકવાડ અને કદમને બેસવા માટે બે પદાધિકારીએ ખુરશી ખાલી કરી આપી.
‘અગત્યના મુદ્દા પર ચર્ચા ચાલતી હતી એટલે થોડી વાર તમારે રાહ જોવી પડી… સૉરી!’ બાપટે વિવેક ચાલુ રાખ્યો.
‘સર, થોડી કામની વાત કરવી હતી એટલે તમારો કીમતી સમય લીધો!’ ગાયકવાડે પણ સામો શિષ્ટાચાર દાખવ્યો.
‘બોલો… આ જનતાના નોકરને કઈ રીતે યાદ કર્યો?’
‘જોધપુરી સૂટ, ગળામાં સોનાની જાડી ચેન, જમણા કાંડામાં સોનાનું બ્રેસલેટ અને ડાબા કાંડે રૉલેક્સની ઘડિયાળ… વાહ! શું જનતાનો નોકર છે!’ બાપટનું નિરીક્ષણ કરી કદમે વિચાર્યું.
ગાયકવાડે કૅબિનમાં હાજર પદાધિકારીઓ સામે જોયું એટલે બાપટે જ કહ્યું: ‘કોઈ વાંધો નહીં, ગાયકવાડ… આપણા જ માણસો છે. જે કહેવું હોય તે આમની સામે કહી શકો છો!’
‘સર… તમે આરેમાં કૅન્ડલ માર્ચની પરવાનગી માગી છે તો…’ ગાયકવાડે વાક્ય અધૂરું છોડ્યું.
‘હા… તો એના માટે અહીં આવવાની તસ્દી શા માટે લીધી?’ બાપટે કહ્યું.
‘ડીસીપી સરે કહ્યું છે કે તમે કૅન્ડલ માર્ચનો વિચાર પડતો મૂકો તો સારું… આ વિનંતી છે!’
‘કેમ?’
‘અત્યારે વિસ્ફોટક સ્થિતિ છે. આમ કૅન્ડલ માર્ચથી નાગરિકોમાં ગુસ્સો વધશે અને કાયદો-વ્યવસ્થાની સમસ્યા ઊભી થશે.’ ગાયકવાડે સમજાવ્યું.
‘નાગરિકોના હિત માટે કોઈએ તો રસ્તા પર ઊતરવું પડેને, નહીંતર સરકારની આંખ કઈ રીતે ઊઘડશે?’
બાપટે વધુમાં કહ્યું: ‘સરકારની આંખ લાલ થશે તો પોલીસ પોતાનું કામ ઝડપથી અને અસરકારક રીતે કરશેને!’
‘સર… તમને કોઈ પણ પ્રકારનો સહકાર જોઈએ તો અમે આપવા તૈયાર છીએ, પણ કૅન્ડલ માર્ચથી આરેના રહેવાસીઓમાં પોલીસ વિરુદ્ધ ખોટો મેસેજ જશે અને તેમનો વિશ્ર્વાસ પણ ઘટી જશે.’ હવે કદમે સમજાવવાનો પ્રયાસ કર્યો.
‘કૅન્ડલ માર્ચ તો કાઢવી જ પડશે, ઑફિસર. જંગલમાં આટલાં મોટાં કાંડ ચાલતાં હોવાનું સામે આવ્યા પછી કેટલાની ધરપકડ થઈ?’ બાપટના આ સવાલનો કોઈ જવાબ ગાયકવાડ પાસે નહોતો.
‘તમે સરકાર પર આરોપ લગાવો છો એનો કોઈ તો આધાર હશે? તમારી પાસે એવી કોઈ માહિતી હોય તો અમારી સાથે શૅર કરો… અમે એને આધારે કાર્યવાહી કરી શકીશું!’ ગાયકવાડ મૂળ વાત પર આવ્યા.
‘આધાર શેનો? આંખની સામે બધું છે છતાં ન દેખાતું હોય એવી વાત કરો છો!’ બાપટે મોઘમ જવાબ આપ્યો.
‘સર, તમે પેલા દિવસે આરોપ કર્યો હતો કે સરકારના વરદહસ્ત હેઠળ આ બધાં કાંડ થાય છે… તો પુરાવા કે એવું કંઈ તમારી પાસે છે?’ કદમે પણ મુદ્દાની વાત કરી.
‘પુરાવા તો તમારે ભેગા કરવાના હોય… એય હું આપું તો તમે શું કરશો?’
બાપટે દાણો ચાંપી જોયો: ‘કેમ… ડ્રગ્સનો કારોબાર કરનારા સલ્લુને ઑપરેશન માટે આર્થિક મદદ પૂરી પાડવા માટેનો ભલામણ પત્ર કોણે આપ્યો હતો?’
ગાયકવાડ અને કદમ આ સાંભળીને ચોંક્યા. વિધાનસભ્ય જાંભુળકરના ભલામણ પત્રની વાત ડિપાર્ટમેન્ટની બહાર ન જવી જોઈએ, એવી કડક સૂચના ડીસીપી જોશીની હતી. છતાં બાપટને આ વાતની જાણ કઈ રીતે થઈ?
‘…અને આટલાં મોટાં કારસ્તાનો સરકારની મરજી વિના થાય ખરાં? કે પછી… આમાં કોઈ પોલીસ અધિકારીની પણ સંડોવણી છે?’ બાપટે અનેક સવાલો ઊભા કરી પોલીસને પણ સાણસામાં લીધી.
‘તેમ છતાં અમારી વિનંતી છે કે કૅન્ડલ માર્ચ રદ કરો… તમારી સુરક્ષાનો પણ અમારે વિચાર કરવો પડેને, સર!’
છેલ્લા વાક્યમાં વિનંતી સાથે ચેતવણી આપી ગાયકવાડ કદમ સાથે કૅબિન બહાર નીકળ્યા. તેમને જતા જોઈને લુચ્ચું હસી બાપટે ફરી પાસા ફેંકવા બીજી બાજી મનમાં ગોઠવી કાઢી…
‘બ્રેકિંગ ન્યૂઝ… આરેના શાંત-સુંદર જંગલમાં રોજ નવા ધડાકા થાય છે… પ્રથમ વાર અહીં હેલિકૉપ્ટર તૂટી પડ્યું… પછી જમીનમાં દટાયેલાં શબનો ઢગલો મળ્યો… એ કોકડું વણઊકલ્યું છે ત્યારે ડ્રગ્સ લૅબોરેટરીનો ભાંડો ફૂટ્યો… એસઆઈટી ડ્રગ્સના મામલાનો ઉકેલ લાવે તે પહેલાં લૅબોરેટરી ચલાવનારા સલ્લુની લાશ મળી… હજુ કેટલા આંચકા ખમવાના છે?’
આ પણ વાંચો…પ્લૉટ-16 – પ્રકરણ-29 : જંગલની જંજાળમાં કેવી રીતે ફસાયા?
‘એ હિલતા મકાન! યે ચૅનલવાલોં કો ઔર કોઈ ખબર નહીં મિલતી હૈ ક્યા?’
ચૅનલો પર સતત આરેના સમાચારો આવતા હતા. રિમોટનાં બટન દબાવીને કંટાળેલા વિધાનસભ્ય ગુલાબરાવ જાંભુળકરે તેમના પીએ પ્રસન્ન ચૌધરીને બૂમ પાડી. હંમેશ મુજબ તે મોબાઈલ પર કોઈની સાથે ગપ્પાં મારતો હતો. વાતચીતમાં મશગૂલ ચૌધરીને જાંભુળકરનો અવાજ સંભળાયો જ નહીં.
‘અરે, સુનાઈ દેતા હૈ કી નહીં… ફોન રખ!’ જાંભુળકરનો અવાજ મોટો થયો એટલે ગૅલરીમાં ઊભેલા ચૌધરીને સંભળાયો. તરત કૉલ કટ કરી તે જાંભુળકર નજીક આવ્યો.
‘યે ચૅનલ…’ જાંભુળકર કંઈ બોલવા જતા હતા ત્યાં ચૅનલ પર બીજા બ્રેકિંગ ન્યૂઝ ફ્લૅશ થવા લાગ્યા.
‘આ જંગલ વધુ ને વધુ રહસ્યમય અને ભયાનક બની રહ્યું છે… હવે જૉની-બૉની ગુમ થઈ ગયા… બન્ને માનસિક રીતે અસ્વસ્થ હતા અને યુનિટ સત્તરમાં રહેતા હતા… માસૂમ જૉની-બૉનીની પણ હત્યા કરવામાં આવી હશે કે તેમની સાથે બીજું કંઈ બન્યું હશે?… વધુ અહેવાલો માટે જોતા રહો અમારી ચૅનલ…’
‘અબ યે ક્યા હૈ? કૌન હૈ યે જૉની-બૉની?’ જાંભુળકરે માથું કૂટ્યું.
‘સા’બ… મૈં પતા લગવાતા હૂં!’ ચૌધરી પણ ટેન્શનમાં જણાતો હતો.
‘તું ક્યૂં ટેન્શન મેં હૈ?’
‘ઐસી કોઈ બાત નહીં, સા’બ… મૈં ભી હૈરાન હૂં યે સબ ન્યૂઝ દેખ કે!’
‘ડ્રગ્સવાલે સલ્લુ કા બૉડી મિલા હૈ તો મેરી બોલતી બંધ હૈ… અબ યે જૉની-બૉની કી ભી લાશેં મિલી તો મૈં પબ્લિક કે સામને કૈસે જાઉંગા!’ જાંભુળકર ચિંતામાં હતા.
‘મુઝે તો લગતા હૈ પૂરા મીડિયા બીક ગયા હૈ!’ જાંભુળકર ભળતી વાત પર ઊતરી આવ્યા એટલે ચૌધરીને કંઈ સમજાયું નહીં.
‘યે રિપોર્ટર ઉસ બાપટ કે લિયે કામ કરતે હૈ ઐસા લગ રહા હૈ!’ હવે ચૌધરીને જાંભુળકરની વાત સમજાઈ.
‘ઐસા ક્યૂં લગતા હૈ આપકો?’
‘બાપટ પૈસા ફેંક કે ચૅનલો પર યહ ન્યૂઝ બાર બાર ચલવાતા હોગા!’
પછી જાંભુળકરે કહ્યું: ‘બડા ખિલાડી હૈ બાપટ… મુઝે હટાને કે લિયે વહ શતરંજ કી જાલ બિછા શકતા હૈ!’
‘સા’બ… લેકિન આરે મેં યહ સબ હો રહા હૈ યહ ભી તો સચ હૈના!’ ચૌધરીની વાત ખંજરની જેમ ખૂંચી.
‘તુ મેરા પીએ હૈ યા ઉસકા… તુઝે જંગલ કી હર બાત પતા ચલ જાતી હૈ તો બાપટ કી અગલી ચાલ ક્યા હોગી ઉસકા પતા લગા!’
‘સા’બ હમ ભી કોઈ જૂઠી ખબર ચલવાતે હૈ… શાયદ બાપટ શાંત બૈઠે!’ ચૌધરીએ તુક્કો લગાવવા કહ્યું.
‘જૂઠી ખબર? કૌન સી?’
‘બાપટ કે બારે મેં મીડિયા કો ગલત સમાચાર દેતે હૈ! યહ સબ બાપટ કા કિયા હૈ ઐસા બોલતે હૈ!’
‘યહ જૂઠ નહી, સચ હૈ. યે ઉસકા હી કિયાકરાયા હોગા!’ જાંભુળકર ખરેખર બફાટ કરી રહ્યા હતા.
‘કલ મીડિયા કો બૂલા લેતા હૂં… તબ તક સ્પીચ તૈયાર કર લેતે હૈ!’ ચૌધરીએ તખતો ગોઠવવા માંડ્યો.
‘ઔર મેરી ભી કિસ્મત ફૂટી હૈ… એક કે બાદ એક બૂરી ખબર આ રહી હૈ!’
જાંભુળકર ચિંતામાં બોલ્યા: ‘પતા નહીં, મુઝે ફસાને કે લિયે બાપટ આગે કૌન સી કાતિલ ચાલ ચલેગા… મુઝે પક્કા લગતા હૈ કિ બાપટ નયી ગેમ ખેલને કી તૈયારી મેં હોગા?’ (ક્રમશ:)
આ પણ વાંચો…પ્લોટ-16 – પ્રકરણ-30…હું નીરખતો નથી, જવાબની રાહ જોઉં છું!’