પ્લૉટ 16 – પ્રકરણ-28 : ગુનેગાર ગાઈ-વગાડીને ગુનો આચરતા નથી…

- યોગેશ સી. પટેલ
`…પણ જંગલમાં ડ્રગ્સ આવ્યું ક્યાંથી? અને ડૉક્ટર મંદિરાને તેની સાથે શી લેવાદેવા?’ આરે હૉસ્પિટલના ડૉ. મૃત્યુંજય હિરેમઠ ફોન પર વાત કરતી વખતેય ટેન્શનમાં જણાતા હતા.
સલ્લુના પગમાંથી મળેલી મેટલ પ્લૅટની તપાસ ડૉ. વિશ્વાસ ભંડારી અને આરે હૉસ્પિટલની ડૉ. મંદિરા આસપાસ ચક્કર લગાવી રહી હતી. આ ચકડોળમાં વિધાનસભ્ય ગુલાબરાવ જાંભુળકરનું પણ નામ અટવાયું હતું.
આ કેસમાં વધુ જાણકારી મેળવવા ઈન્સ્પેક્ટર ચંદ્રેશ ગોહિલે ડૉ. ભંડારી અને ડૉ. મંદિરાને પોલીસ સ્ટેશને આવવા કૉલ કર્યા હતા. ગોહિલે જાણે બૉમ્બ ફેંક્યો હોય તેમ ડૉ. ભંડારી હચમચી ઊઠ્યા હતા અને આ અંગે ચર્ચા કરવા તેમણે ડૉ. હિરેમઠને ફોન કર્યો હતો.
`જંગલમાં દાટેલાં શબની તપાસનું ભૂત હજુ માથે ધૂણે છે ત્યાં ડ્રગ્સનો પિશાચ વળગ્યો… પણ ડ્રગ્સની લૅબોરેટરી શરૂ કોણે કરી?’ ડૉ. હિરેમઠે ફરી એ જ સવાલ થોડો ફેરવીને કર્યો.
`મને શી ખબર… હું તો નાહકનો ફસાઈ ગયો!’ ડૉ. ભંડારી પણ માનસિક તાણમાં હતા.
`ડૉ. મંદિરાને આમાં ખોટી રીતે સંડોવવામાં આવી છે. મને વિશ્વાસ છે કે એ આવું કાર્ય કરે જ નહીં… એને ડ્રગ્સ સાથે શી લેવાદેવા?’ ડૉ. હિરેમઠે ડૉ. મંદિરાનું ઉપરાણું લીધું.
ડૉ. મંદિરાનું નામ સાંભળીને આટલી કપરી પરિસ્થિતિમાંય ડૉ. ભંડારીના કાનમાં ઘંટડીઓ રણકી ઊઠી અને આંખ સામે સુંદર દૃશ્ય ઊપસી આવ્યું. તેમણે શરીરમાં હળવી ઝણઝણાટી પણ અનુભવી.
`એ તો હુંય જાણું છું કે ડૉક્ટર મંદિરા આવાં ગેરકાયદે કામોમાં કોઈને સાથ ન આપે, પણ ઈન્સ્પેક્ટર ગોહિલે અમને બન્નેને પૂછપરછ માટે બોલાવ્યા છે એનું શું?’ ભંડારીએ કહ્યું.
`પૂછપરછ? પણ ડૉક્ટર મંદિરા કહેતી હતી કે ગોહિલને કેસ સંબંધી માહિતી… વિગતો જોઈએ છે!’
`એ તો કહેવાનું હોય, ડૉક્ટર… માહિતીને બહાને ગોહિલ આકરી પૂછપરછ કરવાનો હશે. પોલીસની ભાષાને થોડી સમજો!’ ડૉ. ભંડારી ગોહિલની ચાલાકી સમજી ગયા હતા. ગોહિલે માત્ર વિગતો આપવાને બહાને બન્નેને બોલાવ્યા હતા.
`ગોહિલે મને પણ એવું જ કહ્યું છે કે તપાસમાં તમારા સહકારની અપેક્ષા છે, જેથી કેસ વહેલો ઉકેલવામાં મદદ મળી શકે!’ ભંડારીએ કહ્યું.
`ઠીક છે… બોલાવ્યા છે તો જઈ આવો. ગોહિલની સહકારની ભાવના હશે તો આપણે સાથ આપીશું, નહીંતર…’ ડૉ. હિરેમઠ અટક્યા.
જો તેણે ત્રાસ આપવાનું નક્કી કર્યું હશે તો આપણે પણ બાંયો ચઢાવવી પડશે!' ડૉ. ભંડારીએ વાક્ય પૂરું કર્યું.
ભલુ કરવાનો તો જમાનો જ નથી! દરદીને યોગ્ય માર્ગદર્શન આપવું પણ હવે ગુનો બની ગયો છે!’ ડૉ. હિરેમઠ બબડ્યા.
ડૉક્ટર મંદિરાએ તો માત્ર અંધેરીની હૉસ્પિટલમાં ઑપરેશન કરાવવાનું સલ્લુને સૂચવ્યું હતું.' ડૉ. હિરેમઠે જણાવ્યું.
મેં પણ તો વિધાનસભ્ય ગુલાબજાંભુના ભલામણ પત્રને આધારે અમારા ટ્રસ્ટમાંથી આર્થિક મદદ પૂરી પાડી હતી. મને ક્યાં ખબર હતી કે આવું ભોપાળું થશે!’
`આશ્ચર્યની વાત છે… વિધાનસભ્ય જાંભુળકર આ સલ્લુને ઓળખતા હતા? ડ્રગ્સનો કારોબાર કરનારા સાથે તેમને શો સંબંધ?’ ડૉ. હિરેમઠના પ્રશ્નોથી ડૉ. ભંડારી પણ નિ:શબ્દ હતા!
`ભાઈજી… આદેશ આપો. હવે શું કરવાનું છે?’
દિવસ પછી રાતેય જંગલ ખૂંદી વળ્યા છતાં શેતાન હાથ ન લાગતાં યુવાનો યુનિટ પચીસના મુખિયા જુગલ મેશ્રામના નવા આદેશની રાહ જોતા હતા.
`શાંતિ રાખો… અત્યારે કંઈ કરવાનું નથી!’ યુનિટ-13ના મુખિયા બાળકૃષ્ણ ટેકામે કડક શબ્દોમાં કહ્યું.
`કંઈ તો કરવું પડશે. આપણું જંગલ ગેરકાનૂની કામોનો અડ્ડો બનતું જાય છે!’ મેશ્રામે મોટા અવાજે કહ્યું.
`તમે આમેય ઘણું બધું કરી નાખ્યું છે. તાંત્રિક-બાબાઓને ફટકાર્યા… આરેમાં ફરવા આવનારા સહેલાણીઓને ત્રાસ આપ્યો… સ્ટૉલવાળાઓને ધમકાવ્યા… ભિખારીઓને ઠમઠોર્યા… હજુ કંઈ બાકી છે?’ ટેકામે મેશ્રામની ટીમનાં કાર્યોનો હિસાબકિતાબ માંડ્યો.
`પ્રેમથી પૂછવાથી કોઈ સાચું બોલતું નથી… થોડા આકરા બનવું જ પડે છે!’ મેશ્રામે બચાવ કર્યો.
`આખા જંગલમાં રોફ જમાવતો ફરે છે, પણ બાજુના પાડામાં શું ચાલે છે એની જાણ નથી!’ યુનિટ-16ના મુખિયા ભાસ્કર કડુએ મેશ્રામને સંભળાવવાની તક ઝડપી લીધી.
`એટલે?’
`ડ્રગ્સની દુકાન ક્યાંથી મળી? પહેલાં કેમ તે નજરે ન ચડી?’ કડુએ કડવા સવાલ કર્યા.
`પહેલું તો… એ ડ્રગ્સની દુકાન નથી અને… બીજું, ત્યાંના રહેવાસીઓ ડ્રગ્સના કામકાજથી અજાણ હતા તો મને કઈ રીતે ખબર પડે?’ મેશ્રામ વીફર્યો.
`એ જ તો હું કહેતો હતો કે ગુનેગાર ગાઈ-વગાડીને ગુનો આચરતા નથી… તેમ છતાં જમીનમાં દટાયેલાં શબ મળ્યા ત્યારે મારા માથે માછલાં ધોયાં હતાં!’ કડુએ સંભળાવવાનું ચાલુ રાખ્યું.
`મહેરબાની કરીને આપસમાં વાદ-વિવાદ બંધ કરો અને ગંભીરતાથી આપણા જંગલની સમસ્યાઓ વિશે વિચારો.’ વડીલ મુખિયા ટેકામે બન્નેને શાંત પાડતાં મુદ્દાની વાત પર આવવા કહ્યું.
`હું જંગલની સુરક્ષા માટે જ કહું છું કે શેતાનને શોધો!’ મેશ્રામે ફરી જૂનું ગાણું ગાવા માંડ્યું.
`શેતાન જેવું કોઈ છે જ નહીં… આટલા દિવસથી તમે પ્રયત્ન કરો છો… શું હાથ લાગ્યું?’ ટેકામે સમજાવ્યું.
`આ શેતાની દિમાગવાળા માણસોનું કામ છે… આવા લોકોને શોધીને તેમનાં ભેજાં કાઢી લેવાં જોઈએ!’ કડુએ જોખમી માર્ગ બતાવ્યો.
`મને લાગે છે, આ બધું કારસ્તાન પેલા સલ્લુનું હોવું જોઈએ.’ મેશ્રામે આશંકા વ્યક્ત કરી.
`હા, પણ એ તો મરી ગયો છે!’
`એ ગયો, પણ એના માણસો… સાથીઓ તો છેને!’
મેશ્રામે કોયતો ઊંચો કરતાં કહ્યું: `એ હરામખોરો જંગલમાં જનાવરોની જેમ રખડતા હશે… એને શોધી કાઢો!’
`જી… ભાઈજી..!’
`હા, પણ તેમની સાથે મારપીટ કરવાની જરૂર નથી.’ ટેકામે સમજાવ્યા.
`એ લોકોને બધાની સામે સજા આપીને જંગલમાં જ દાટી દઈશું!’ મેશ્રામ સમજે એવો નહોતો.
`જી… ભાઈજી!’
સામે બેસેલા ગોહિલ, કદમ અને શિંદેને ડીસીપી સુનીલ જોશી વારાફરતી જોતા હતા. ત્રણેય અધિકારીની નજર પણ જોશીના ચહેરા પર તકાયેલી હતી. ખાસ્સી વાર સુધી ડીસીપી કંઈ બોલ્યા નહીં. કદાચ ચર્ચાની શરૂઆત ક્યાંથી કરવી એની અવઢવમાં હતા.
`તમે ડૉક્ટર ભંડારી અને ડૉક્ટર મંદિરાને પૂછપરછ માટે બોલાવ્યાં છે?’ ડીસીપીએ આખરે મૌન તોડ્યું.
આમ અચાનક મીટિંગ માટે ડીસીપીએ બોલાવવા પાછળનું કારણ ગોહિલને હવે સમજાયું. સવારે ડરામણા સપનાને કારણે એ ઊંઘમાંથી જાગ્યો ત્યારે ખાસ્સું મોડું થઈ ગયું હતું. ઉતાવળે આરે જવા માટે નીકળે તે પહેલાં ડીસીપીએ મેસેજ કરીને તેને ટીમ સાથે તાત્કાલિક બોલાવ્યો હતો. બપોરે મીટિંગનો ટાઈમ નક્કી કરી કદમ અને શિંદે સાથે તે ડીસીપી ઑફિસ પહોંચ્યો હતો.
`સર, પૂછપરછ નહીં… માત્ર વિગતો પ્રાપ્ત કરવી છે!’ ગોહિલે કહ્યું.
`ગોહિલ… આ બધા પેંતરા મને ન શિખવાડ… સીધેસીધું કહો કે શા માટે પૂછપરછ કરવી છે?’
`સર, જંગલમાંથી મળેલી એક લાશ સલ્લુ ઉર્ફે સલીમ શેખની છે, જેના પગમાંથી મેટલ પ્લૅટ મળી હતી.’
ગોહિલે શબ્દો ગોઠવવા માંડ્યા: `એ મેટલ પ્લૅટ બેસાડવાનું ઑપરેશન અંધેરીની હૉસ્પિટલમાં કરાવવા ડૉક્ટર મંદિરાએ સલ્લુને સલાહ આપેલી.’
`તો?’
`તો… ડૉક્ટર મંદિરા સલ્લુને કઈ રીતે ઓળખે છે અને તેની અન્ય વિગતો જોઈતી હતી.’ ગોહિલે સમજાવ્યું.
આ જાણકારી તો આરે હૉસ્પિટલમાં જઈને પણ લઈ શકોને? હૉસ્પિટલ તો નજીકમાં જ છે!' જોશીએ માર્ગ બતાવ્યો.
સર… એક વાર એવો પ્રયત્ન કર્યો હતો… મંજરીની લાશ મળ્યા પછી જાણકારી પ્રાપ્ત કરવા હૉસ્પિટલમાં આપણી ટીમ ગઈ હતી, પણ તે સમયે ડૉક્ટર મંદિરાનું વર્તન જક્કી હતું. તપાસમાં તેમણે સહકાર આપ્યો નહોતો.’ એપીઆઈ પ્રણય શિંદેએ કહ્યું.
`એ ટીમ લઈને કોણ ગયું હતું?’ જોશીએ ગોહિલ તરફ જોયું.
ગોહિલે શિંદે તરફ નજર ફેરવી એટલે જોશી સમજી ગયા.
...તો પછી સહકાર ક્યાંથી મળે...' જોશીએ શિંદેને જોતાં કહ્યું:
તારા રેકોર્ડથી હું પરિચિત છું… મોં કરતાં હાથેથી વધુ વાત કરે તો કોણ સરખો જવાબ આપે!’
શિંદેના બાવડા ગરમાયા, પણ ડીસીપીનો કાંઠલો થોડી પકડાય? તેણે ગુસ્સો દબાવી નજર ઝુકાવી દીધી.
`ડૉક્ટર હિરેમઠ પણ પોલીસ સ્ટેશને આવીને તમને મળી ગયાને… શું ફાયદો થયો?’ જોશીએ પ્રશ્ન કર્યો.
`સર, એવું નથી… તે સમયે માત્ર મંજરીને લગતી પૂછપરછ કરવી હતી. હવે સલ્લુની અને પેલી યુવતીની પણ ઓળખ મળી રહી છે!’ ગોહિલે રહસ્ય ખોલ્યું.
`કોણ? જેના શરીરનાં ઘણાં અંગ ગુમ હતાં અને બૉડીમાંથી ડ્રગ્સના અંશ મળ્યા હતા એ યુવતી?’
`હા… સર! એ જોગેશ્વરીમાં ક્યાંક રહેતી હતી. મહિલા કોન્સ્ટેબલ સાથે સબ-ઈન્સ્પેક્ટર બંડગર ગયો છે વધુ તપાસ માટે!’
`ઠીક છે, પણ ડૉક્ટરોની પૂછપરછ સંયમથી કરજો… બબાલ થઈ શકે છે!’ ડીસીપીએ ચેતવ્યા.
`સર, આ યુવતી અને સલ્લુ… બન્નેને ડ્રગ્સ પ્રકરણ સાથે સંબંધ છે. એ જ રીતે ડૉક્ટર મંદિરા અને ડૉક્ટર ભંડારીનું પણ કનેક્શન મળ્યું છે!’ ગોહિલ જાણે રહસ્યસ્ફોટ કરતો હતો.
`એટલે?’
`સલ્લુને અંધેરીની હૉસ્પિટલમાં ડૉક્ટર મંદિરાએ મોકલ્યો હતો, પણ ઑપરેશનની ફી ડૉક્ટર ભંડારીના કહેવાથી તેમના ટ્રસ્ટે ચૂકવી હતી!’ કદમે ધડાકામાં ઉમેરો કર્યો.
જોશી આશ્ચર્યથી કદમને જોતા હતા એટલે કદમે જ વધુ મોટો ધડાકો કર્યો:
`એથી ચોંકાવનારી માહિતી એટલે, સર… વિધાનસભ્ય જાંભુળકરના ભલામણ પત્રથી આ બધું થયું!’
થોડી વારની શાંતિ પછી જોશી બોલ્યા: `આ કેસ સંવેદનશીલ સાથે હાઈ પ્રોફાઈલ બની રહ્યો છે… ગોહિલ.
સાવચેતીથી ડગ માંડજો. કોઈને આગ ચાંપવાનો મોકો ન મળવો જોઈએ!’
`અને અત્યારના તબક્કે વિધાનસભ્યને ભૂલી જાવ… તેમનું નામ બહાર ન આવવું જોઈએ… ખાસ કરીને મીડિયામાં! માત્ર ડૉક્ટરો સુધી તપાસ સીમિત રાખો.’ જોશીએ ખાસ સૂચના આપી.
`જંગલમાંથી મળેલાં શબ અને ડ્રગ્સ… આમાં કઈ કડી ખૂટે છે એ જ સમજાતું નથી!’
જોશી થોડું વિચારીને બોલ્યા: `ગોહિલ, આ બધી હત્યા ડ્રગ્સ માટે થઈ હશે? તો પછી શરીરમાંથી અંગ ક્યાં ગાયબ થયાં?’
પછી સૌથી મોટો ધડાકો જોશીએ જ કર્યો: `એવું તો નથીને કે શબમાં ડ્રગ્સ ભરીને તેની હેરફેર કરાતી હતી?’ (ક્રમશ:)
આપણ વાંચો : પ્લૉટ-16 – પ્રકરણ-27 ભરઊંઘમાં સૂતેલા આત્માઓને જગાડ્યા…