પ્લોટ-16 - પ્રકરણ-25: ભૂતડીથી ડરીને હૉસ્પિટલમાં દાખલ… | મુંબઈ સમાચાર
નવલકથા

પ્લોટ-16 – પ્રકરણ-25: ભૂતડીથી ડરીને હૉસ્પિટલમાં દાખલ…

યોગેશ સી પટેલ

‘ભારત હમ કો જાન સે પ્યારા હૈ…’

ચાનો પહેલો ઘૂંટડો લેતાં જ ઈન્સ્પેક્ટર ચંદ્રેશ ગોહિલનો મોબાઈલ રણક્યો. કૉલ દળવીનો હોવાનું જોઈ ગોહિલ સમજી ગયો કે સવારના પહોરમાં માઠા સમાચાર સાંભળવા મળશે.

‘હવે શું થયું… દળવી?’ કૉલ રિસીવ કરી ગોહિલે પૂછ્યું.

‘સર, એ જ જૂની કહાની… યુનિટ સોળ પાસે એક કારને અકસ્માત થયો છે.’

‘અરે, યાર…! પાછો અકસ્માત?’ ગોહિલ હતાશ થયો.

‘પણ સર… આ વખતે કહાની મેં થોડા ટ્વિસ્ટ હૈ… એક સારા સમાચાર પણ છે.’ દળવી ઉત્સાહમાં બોલતો હતો.

‘કયા?’

‘સર… કાર ચલાવનારનું મોત નથી થયું… એ જીવિત છે!’

‘શું કહે છે? સાચે… આજે ખરેખર કંઈ અલગ સાંભળવા મળ્યું… આપણા માટે સારા સમાચાર કહી શકાય!’ ગોહિલ પણ થોડો ઉત્સાહમાં આવ્યો.

‘કોણ છે એ અને ક્યાં રહે છે?’ ગોહિલને તેની વિગતો જાણવાની તાલાવેલી થઈ.

‘નીલ સત્રા નામ છે એનું. ગોરેગામમાં રહે છે.’ દળવીએ કહ્યું.

‘ખાનગી કંપનીમાં આસિસ્ટન્ટ મૅનેજર તરીકે નોકરી કરે છે. પત્ની ભૂમિકાને સાયનમાં… પિયરે મૂકવા ગયો હતો.’

દળવીએ માહિતી આપવાનું ચાલુ રાખ્યું: ‘પત્નીની ઘણી આનાકાની છતાં મધરાત બાદ તે ગોરેગામ આવવા કારમાં નીકળ્યો હતો. ઘરે પહોંચવાની ઉતાવળમાં આરેના જંગલમાંથી પસાર થયો અને…’

‘… અને ડરના માર્યા કાર ઠોકી દીધી!’ ગોહિલે દળવીનું વાક્ય પૂરું કર્યું.

‘હા, સર… પરંતુ ડરી ગયા છતાં તેણે કારને કાબૂમાં રાખવાનો પ્રયાસ કર્યો એટલે કાર ધીમા વેગે ઝાડ સાથે ટકરાઈ અને એ બચી ગયો!’ દળવીએ આગળની કડી જોડી.

‘ઉપરાછાપરી ઘટનાઓ બને છે… ચૅનલવાળા આટલા બરાડા પાડે છે તેમ છતાં આ લોકો સમજતા નથી. ડર લાગતો હોય તો મધરાતે જંગલના રસ્તે એકલા શું કામ પસાર થતા હશે.’ ગોહિલ ધીમા અવાજે બબડ્યો, પણ ફોન પર દળવીને સંભળાઈ ગયું.

‘ઍની વે… અત્યારે એ ક્યાં છે? એની પૂછપરછ કરવાથી વાહનચાલકોનાં મોત પાછળના રહસ્યની કોઈ તો જાણકારી મળી શકશે.’ આરેના મુખ્ય માર્ગ પર હાર્ટ અટેકથી જીવ ગુમાવનારા વાહનચાલકોનો તાગ મેળવવા મથતો હતો ગોહિલ.

‘અત્યારે તો એ હૉસ્પિટલમાં છે અને ભાનમાં પણ નથી!’

‘કેમ? શું થયું?’

‘ચ્યા માયલા… એને પણ ભૂતડી દેખાઈ હતી. બ્લડ પ્રેશર હાઈ હોવાથી ડૉક્ટરે દવા આપી છે… એ ભરઊંઘમાં હોવાનું ડૉક્ટરનું કહેવું છે.’

‘વળી પાછી ભૂતડી?’

‘હા… નીલ એટલો ડરી ગયો છે કે ડૉક્ટરનું કહેવું છે… કદાચ બે-ત્રણ દિવસ તેણે આરામ કરવો પડશે. તેની પૂછપરછ હાલ તુરંત અશક્ય છે!’

ફોરેન્સિક નિષ્ણાતોની સૂચનાથી મજૂરો જે જગ્યાએ લાશ શોધવા ખોદકામ કરતા હતા ત્યાં ડીસીપી સુનીલ જોશી સૌથી આગળ ઊભા હતા. તેમની પાછળ સિનિયર ઈન્સ્પેક્ટર અશોક ગાયકવાડ અને ઈન્સ્પેક્ટર ચંદ્રેશ ગોહિલ હતા. પાછળ ઊભેલા ઈન્સ્પેક્ટર રાજીવ કામત, એપીઆઈ પ્રણય શિંદે અને સુધીર સાવંત વચ્ચે ચાલતી ગુફ્તેગૂનો અવાજ કાન પાસે માખી બણબણ કરતી હોય એવો ગોહિલને લાગતો હતો.

‘એક વાર હાથ લાગે તો હું એની હડ્ડી-પસલી એક કરી નાખીશ!’ બાવડા ફુલાવતાં શિંદે બોલ્યો.

‘ફિલ્મી ડાયલોગ શું કામ મારે છે? હાડકાં ભાંગવા સિવાય બીજો કોઈ વિચાર આવે છે?’ સાવંતે તેને ટોક્યો.

‘…પણ કોને ભાંગવો… તોડવો છે?’ રાજીવ કામતે પૂછ્યું.

‘આ કાંડ કરનારા હરામખોરને!’ શિંદેનો જવાબ.

‘પહેલાં એને શોધી તો કાઢ! કાંડ કરનારો જલદી હાથ નહીં લાગેને તો આગળ ઊભેલો બાપ આપણા મગજની નસ ફાડી નાખશે!’

કામતે ડીસીપી જોશી માટે આમ કહ્યું અને તે જ વખતે ગાયકવાડ અને ગોહિલે પાછળ વળીને જોયું એટલે ત્રણેયની ચર્ચાને બ્રેક લાગી.

‘સર… અહીં પણ લાશ હોવાનું લાગતું નથી!’ ફોરેન્સિક નિષ્ણાતના નિષ્કર્ષથી જોશીના ચહેરા પર ચમક આવી.

‘આ તરફ પણ પહેલાં ખાડો ખોદવામાં આવ્યાનાં કોઈ ચિહ્નો જણાતાં નથી!’ મજૂરો પાસે થોડે થોડે અંતરે ત્રણ જગ્યાએ ઉપરછલ્લી માટી ઉલેચાવીને ફોરેન્સિક નિષ્ણાતે અભિપ્રાય આપ્યો. નિરીક્ષણ પરથી એવું અનુમાન લગાવાયું હતું કે એ ત્રણેય જગ્યાએ લાશ દટાયેલી નહોતી.

આજે પાંચમે દિવસે લાશ શોધવાની કામગીરી હાથ ધરાઈ ત્યારથી જોશી હાજર હતા. છેલ્લા બે-ત્રણ દિવસથી રાજકીય દબાણ વધી ગયું હતું. એમાં આગલી રાતે વિધાનસભ્ય જાંભુળકરે ઊભરો ઠાલવ્યો હતો. એટલે બે કલાકથી ઊભેલા જોશી કામગીરી અટકાવવાનું બહાનું શોધી રહ્યા હતા, જેમાં ફોરેન્સિક નિષ્ણાતે ગમતું કહ્યું.

‘મને લાગે છે… આપણે હવે આ કામગીરી અહીં અટકાવી દેવી જોઈએ!’ જોશીએ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ (ડીએમ) તરફ જોતાં કહ્યું.

જવાબમાં ડીએમ કંઈ કહે તે પહેલાં ફોરેન્સિક નિષ્ણાત જ આંગળી ચીંધતાં બોલ્યો: ‘તમે કહેતા હો તો આપણે પેલી તરફ પણ ચેક કરી લઈએ!’

જોશીના તો જાણે માથેથી પગ સુધી વીજળી પસાર થઈ ગઈ. ચહેરાની ચમક ઊડી ગઈ અને ગુસ્સાનો એવો લાવા ઊકળ્યો કે પિસ્તોલ હોત તો ફોરેન્સિક નિષ્ણાતને ગોળીએ દીધો હોત. ખોદકામ અટકાવી દેવાના ધાર્યા સંયોગ બન્યા હતા ત્યારે નિષ્ણાતે ડહાપણ ડહોળ્યું હતું.

‘ઠીક છે… પ્રયત્ન કરી જુઓ!’ અનિચ્છાએ તેમણે નિષ્ણાતની પાછળ ચાલવા માંડ્યું.

નિષ્ણાત દ્વારા જમીનનું નિરીક્ષણ કરાયું… બેથી ત્રણ જગ્યાએ થોડી ખણખોદ પણ કરાઈ… અંતે લાશ ન હોવાની ખાતરી થતાં બપોરે જ કામગીરી અટકાવવાનો નિર્ણય લેવાયો. થોડી સલાહમસલત પછી બધાએ છૂટા પડવાનું નક્કી કર્યું.

ડીએમના ગયા પછી ફોરેન્સિક નિષ્ણાત સાથે જરૂરી પ્રક્રિયા પૂરી કરવાનો આદેશ કામતને આપવામાં આવ્યો. કામત સાથે સાવંત અને અમુક કોન્સ્ટેબલ રોકાયા, જ્યારે બાકીના આરે પોલીસ સ્ટેશન જવા રવાના થયા.

‘બની શકે કે ત્યાં હજુ પણ શબ દટાયેલાં હોય, પણ અત્યારે આપણે આરોપીને પકડવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે!’ ટેબલ પરનું પેપરવેઈટ રમાડતાં જોશીએ કહ્યું.

આરે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા પછી ગાયકવાડની કૅબિનમાં ચર્ચા માટે બધા ભેગા થયા હતા. ગાયકવાડની ખુરશી પર બેઠેલા જોશી ગંભીર મુદ્રામાં હતા. ટેબલ પર પડેલું પેપરવેઈટ એક હાથે ગોળ ફેરવતાં તે વિચારમાં ડૂબેલા જણાતા હતા.

‘ઉપરથી ઘણું દબાણ છે… ટ્રાન્સફરની ધમકી અને બીજી ટીમને તપાસ સોંપવાનું સૂચન ગૃહ પ્રધાનના કાર્યાલયમાંથી આવ્યું છે.’ બોલતી વખતે તેમની નજર પેપરવેઈટ પર જ હતી.
‘અત્યારે લાશ શોધવાની કામગીરી અટકાવવી આપણા જ હિતમાં હતી. એક વાર આ કાંડ કરનારો પકડાઈ જાય તો એ જ આપણને બીજી લાશ સુધી દોરી જશે. પછી બીજાં શબ શોધી કાઢીશું, પણ અત્યારે વધુ શબ શોધવાની મથામણ ઉચિત નથી.’ જોશીએ સમજાવ્યું.

‘આ શબનું કોકડું ઉકેલાયું નથી ત્યાં ડ્રગ્સનું નવું પ્રકરણ ખૂલ્યું છે. ડ્રગ્સને આ બધી લાશ સાથે શું કનેક્શન હશે?’ ગોહિલ તરફ જોતાં જોશીએ પ્રશ્ન કર્યો.

‘ગોહિલ… ગાયકવાડ… અધિકારીઓની અલગ અલગ ટીમ બનાવી વિવિધ મુદ્દે તપાસમાં લાગી જાઓ. જરૂર પડ્યે આરેના રહેવાસીઓની મદદ લો… તે લોકો શું કહે છે?’

‘ભૂત… જાદુટોણા અને શેતાનમાં જ પડ્યા છે અહીંના રહેવાસી. ભૂત… શેતાને આ બધું કર્યું હોવાનું માને છે… એનાથી આગળ કંઈ વિચારતા નથી!’ ગાયકવાડે કહ્યું એટલે જોશી આશ્ર્ચર્યથી જોતા રહ્યા.

‘આમાં ભૂત ક્યાંથી આવ્યું? આ જંગલનાં ભૂત… પિશાચ ડ્રગ્સનું સેવન કરે છે? અને ભૂત કોઈને મારીને દાટે ખરા? શું ફાલતુ વાત છે?’ જોશી થોડા ઊકળ્યા.

‘આરેના મુખ્ય માર્ગ પર હાર્ટ અટેકથી જીવ ગુમાવનારા ડ્રાઈવરોને કારણે આ અફવા ફેલાઈ રહી છે.’

‘એય એક સમસ્યા છે.’ પેપરવેઈટ રમાડવાનું બંધ કરી જોશીએ કપાળે હાથ મૂક્યો.

‘ગોહિલ… તું તો કહેતો હતો કે ડ્રાઈવરોનાં મૃત્યુ પાછળ કોઈ ભેદ છે? એની તપાસ કરી?’

‘તપાસ ચાલુ છે, પણ સર… ડ્રાઈવરોએ એવું તે શું જોયું કે હાર્ટ અટેક આવ્યા એ જ જાણી શકાયું નથી!’ ગોહિલે ચિંતા વ્યક્ત કરી.

‘હા… એ માર્ગ પર તપાસ માટે અમે પણ મધરાતે પસાર થયા, પણ ડર ઉપજાવે એવું કંઈ દેખાયું નહીં!’ શિંદે વચ્ચે બોલી પડ્યો.

‘આજે જ સવારે એક કારચાલક… નીલ સત્રા સાથે આવું કંઈક બન્યું છે, પણ ડરના માર્યા અત્યારે તે કંઈ કહેવા લાયક નથી.’ ગાયકવાડે કહ્યું.

‘સારવાર પછી નીલ કોઈ માહિતી આપે તો…’ ગોહિલને વાક્ય પૂરું કરવાની જરૂર ન પડી.

‘અકસ્માતની ઘટના પછી આજે ફરી ભૂત… પિશાચની વાતોએ રહેવાસીઓમાં જોર પકડ્યું છે… સાંભળ્યું છે પાછો હવન કરાવવાની વાત થઈ રહી છે!’ ગાયકવાડે જાણકારી આપી.

‘એ જ તો તકલીફ છે, સર… મદદ કરતાં મુસીબત વધારે એવાં કામ છે અહીંના લોકોનાં!’ ગોહિલે જણાવ્યું.

‘સમજાવટ અને દિમાગથી તેમની પાસેથી માહિતી મેળવવાની યુક્તિ બનાવો. રહેવાસીઓમાંથી જ કોઈ આ કાંડમાં સામેલ હોય એવું બની શકે!’ જોશીએ આ શક્યતા પર ભાર આપ્યો.

‘બીજા મુદ્દાઓ પર પણ આપણી રીતે તપાસ ચાલુ રાખો… પેલી મેટલ પ્લૅટથી કોઈ સગડ મળ્યા?’ જોશીએ પૂછ્યું.

‘દિલ્હીની કંપનીએ કોડ સ્કૅન કરીને આપણને સપ્લાયરનો નંબર આપ્યો હતો… અને તેણે મુંબઈના ત્રણ ડિસ્ટ્રિબ્યુટર વિશે માહિતી આપી હતી. ડિસ્ટ્રિબ્યુટરે મેટલ પ્લૅટ પરના નંબરને આધારે તે અંધેરીની હૉસ્પિટલમાં પાઠવવામાં આવી હોવાનું કહ્યું હતું.’ ગોહિલે માહિતી આપી.

‘સર… અંધેરીની હૉસ્પિટલમાં ઑપરેશન કરી એ મેટલ પ્લૅટ દરદીના પગમાં બેસાડાઈ હતી… હવે ત્યાંથી દરદી અને અન્ય વિગતો મળે એટલે પુરુષના શબની ઓળખ થઈ જશે!’ ગોહિલે જાણે વાત પૂરી કરી.

‘…તો અંધેરીની એ હૉસ્પિટલમાં વાત નથી કરી?’ જોશીએ પૂછ્યું.

‘સબ-ઈન્સ્પેક્ટર કાળેએ અત્યારે જ ફોન પર વાત કરી… રિસેપ્શનિસ્ટનું કહેવું છે કે કમ્પ્યુટરમાં ઑપરેશનની એન્ટ્રી છે, પણ પૂરી વિગતો નથી હોતી!’

‘એટલે?’ હવે ગાયકવાડે પૂછ્યું.

‘એટલે કે એ નંબરની મેટલ પ્લૅટ જે દરદી માટે મગાવવામાં આવી હતી તેના ટૂંકા નામ સાથે ઑપરેશન કરનારા ડૉક્ટર અને કયા ડૉક્ટરની ભલામણથી દરદી હૉસ્પિટલમાં આવ્યો હતો તેમનાં નામની નોંધ કમ્પ્યુટરમાં હોય છે…
બાકીની વિગતોની ફાઈલ ડૉક્ટરની કૅબિનમાં હોય છે.’ ગોહિલે ફોડ પાડ્યો.

‘દરદીનું નામ શું કહ્યું? કદાચ ગુમ વ્યક્તિઓની ફરિયાદમાં તેના વિશે જાણકારી મળી જાય!’ ગાયકવાડે તત્પરતા દેખાડી.

‘કમ્પ્યુટરમાં તો માત્ર સલ્લુ નામ નોંધવામાં આવ્યું છે… બાકીની વિગતો માટે રિસેપ્શનિસ્ટે કાલે બોલાવ્યા છે.’

‘એટલે કે… આપણને કામ આવે એવી કોઈ માહિતી મળી નથી?’ ગાયકવાડના અવાજમાં હતાશા હતી.

‘છેક એવું નથી… એક વાત ધ્યાન ખેંચનારી છે…’ ગોહિલ થોડું અટક્યો.

‘કઈ?’

જોશી તરત પૂછી બેઠા એટલે ગોહિલે કહ્યું: ‘એ દરદી આરે હૉસ્પિટલની ડૉક્ટર મંદિરા અજવાનીની ભલામણથી અંધેરીની હૉસ્પિટલમાં ગયો હતો!’
(ક્રમશ:)

આ પણ વાંચો…પ્લોટ-16 – પ્રકરણ-24 : જંગલમાં રહેતી વ્યક્તિનું આ કાવતરું?

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button