પ્લૉટ-16 - પ્રકરણ-23: મેં જ જમીનમાં મડદાં દાટ્યાં… | મુંબઈ સમાચાર
નવલકથા

પ્લૉટ-16 – પ્રકરણ-23: મેં જ જમીનમાં મડદાં દાટ્યાં…

યોગેશ સી. પટેલ

`આ મારું ઘડેલું ષડ્યંત્ર છે અને મેં જ મડદાં જમીનમાં દાટ્યાં છે, એવું પોલીસ માને છે… એક આરોપીની જેમ ગોહિલે મને પ્રશ્નો પૂછ્યા!’ બેચેન ડૉ. મૃત્યુંજય હિરેમઠ બન્ને હાથ ગાલ પર મૂકી ચિંતામાં બેઠા હતા.

આરેની સ્થિતિ અને આરોગ્ય શિબિર અંગે ચર્ચા કરવા ડૉ. વિશ્વાસ ભંડારીએ ડૉ. હિરેમઠને ફોન કર્યો હતો, પણ ડૉ. હિરેમઠે ટેન્શનમાં હોવાથી વાત કરવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે ડૉ. ભંડારી ડૉ. સંયમ ઈમાનદાર અને ડૉ. કુશલ સહાણે સાથે ડૉ. હિરેમઠને મળવા આરે હૉસ્પિટલમાં આવ્યા હતા.

પોલીસને તમારા પર શંકા શા માટે છે… ડૉક્ટર!’ ડૉ. ઈમાનદારે પૂછ્યું. આ મડદાં સાથે તમે કઈ રીતે સંકળાયેલા છો?’ ડૉ. ભંડારીનો પ્રશ્ન કાંટાની જેમ ભોંકાયો એટલે ડૉ. હિરેમઠનો ચહેરો લાલચોળ થયો.
તમે કહેવા શું માગો છો?’ ડૉ. હિરેમઠનો અવાજ થોડો ઊંચો થયો. ના… ના… હું કંઈ કહેવા નથી માગતો. હું તો વિચારી રહ્યો છું કે પોલીસ તમારા પર શંકા શા માટે કરે છે?’ ડૉ. ભંડારીએ ફેરવી તોળ્યું.

વાત કરતી વખતે ડૉ. ભંડારીની નજર વારંવાર ડૉ. મંદિરા અજવાની પર જતી હતી. ડૉ. હિરેમઠની ડાબી તરફની ખુરશી પર બેસેલી ડૉ. મંદિરાના શરીરની તે માપણી કરતા હોવાનું લાગ્યું. આદતથી મજબૂર ડૉ. ભંડારીની હરકતથી ગુસ્સામાં ડૉ. શ્રીધર ત્યાગીના ચહેરાના હાવભાવ બદલાયા, પણ ડૉ. ભંડારી સિનિયર હોવાથી ડૉ. ત્યાગી સમસમીને બેસી રહ્યો.

`આ બધું અમે જ કર્યું છે, એવું પોલીસે નથી કહ્યું, પણ અમને તેની જાણ કેમ ન થઈ એ વાતનું તેમને આશ્ચર્ય છે.’ ડૉ. મંદિરા બોલતી હતી ત્યારે ભંડારેની નજર લાઈટ બ્રાઉન લિપસ્ટિકથી રંગાયેલા તેના હોઠના હલનચલન પર હતી.

પણ તમે શું અહીં ચોવીસ કલાક બેઠા રહો છો? જંગલમાં આવનારા શું આરે હૉસ્પિટલમાં હાજરી લગાવે છે… એમ કહેવું હતુંને!’ ડૉ. સહાણેએ સલાહ આપી. આટલા અધિકારીઓ અને આખું પોલીસ સ્ટેશન હોવા છતાં આવું બન્યું કઈ રીતે, એવો ઊલટસવાલ તમારે કરવો જોઈએ! ડૉ. ભંડારીએ પાનો ચઢાવ્યો.

તમે ડૉક્ટર છો… કોઈ પહેરેદાર નહીં કે જંગલમાં બનતી ઘટનાની જવાબદારી તમારી હોય!’ ડૉ. સહાણેએ કહ્યું. અને જંગલમાં થતી પ્રવૃત્તિ-કુપ્રવૃત્તિ માટે તમે જવાબદાર નથી… તો પછી તમારી શા માટે પૂછપરછ કરે?’ ડૉ. ઈમાનદારે કહ્યું.

અહીંના જંગલમાંથી શબ મળ્યાં છે એટલે અમને બલિનો બકરો બનાવવા માગતા હશે!’ ડૉ. હિરેમઠે શક્યતા વ્યક્ત કરી. વળી, મંજરી બે વખત અમારી હૉસ્પિટલમાં આવી હતી એટલે પોલીસ પૂછી રહી છે કે મંજરી સાથે શું થયું હશે?’ ડૉ. ત્યાગીએ ચર્ચામાં ઝુકાવ્યું.

હવે મંજરીને બધી સ્ત્રીમાં ભૂત દેખાતું હોય તો અમે શું કરીએ?’ ડૉ. ત્યાગીએ આ વાત જાહેર કરી એ ડૉ. હિરેમઠને ન ગમ્યું. ભૂત… આ બધું ભૂતે કર્યું છે?’ ડૉ. સહાણેએ આશ્ચર્ય સાથે પૂછ્યું.

`ડૉક્ટર… તમે પણ શું જંગલી લોકો જેવી વાત કરો છો. અહીંના રહેવાસીઓ ભૂત-પિશાચમાં માનતા હશે, પણ આપણે આવી વાતો પર ધ્યાન ન આપવું જોઈએ. ભૂત આમ મડદાંને જમીનમાં દાટે ખરાં?’ ડૉ. ભંડારીએ અંધશ્રદ્ધાનો છેદ ઉડાડતાં કહ્યું.

હવે તો ડ્રગ્સના કારોબારનો રહસ્યસ્ફોટ થયો છે… તો શું એ પણ ભૂતની કરામત હશે?’ તેમણે ઉમેર્યું. એ બધી વાત જવા દો… પોલીસને અમે હેન્ડલ કરી લઈશું.’ એકાએક યાદ આવ્યું હોય તેમ ડૉ. હિરેમઠે પૂછ્યું: `તમને બીજું શું કામ હતું?’

`ડૉક્ટર આયુષ પાઠક કહેતા હતા કે આરેમાં જે પરિસ્થિતિ છે એ મુજબ હાલ આરોગ્ય શિબિરનો વિચાર ન કરી શકાય… તો આપણે શું કરવું જોઈએ? કોઈ બીજો માર્ગ ખરો?’ ડૉ. ભંડારીએ કહ્યું.

`વિધાનસભ્ય ગુલાબજાંભુને પણ લોકોનો વિશ્વાસ જીતવા આવાં સત્કાર્યો કરવાની ઉતાવળ છે!’ ડૉ. ઈમાનદારે ડૉ. ભંડારીની વાતને ટેકો આપ્યો.

`ડૉક્ટર પાઠકની વાત સાચી છે. અત્યારે આરેમાં આવાં કોઈ આયોજન શક્ય નથી. આ… ડૉક્ટર ઈમાનદાર અને ડૉક્ટર સહાણે સિનિયર ઈન્સ્પેક્ટર ગાયકવાડ સાથે ચર્ચા કરવા મારી સાથે આવ્યા હતા… તેમને બધી જાણ છે.’ ડૉ. હિરેમઠે કહ્યું.

સાચું કહું તો મારું ભેજું અત્યારે કામ નથી કરતું… પેલા ગોહિલના સવાલો મારા કાનમાં ગુંજ્યા કરે છે!’ કેમ?’
`ગોહિલ મને ગુનેગારની જેમ સીધેસીધું પૂછતો હતો કે મંજરીની હત્યા કોણે કરી? તેનું હાર્ટ કેવી રીતે ગાયબ થયું?’

ઊંડા વિચાર સાથે ડૉ. હિરેમઠ બોલ્યા: `મને ચીમકી આપતો હોય તેમ ગોહિલ બોલ્યો હતો કે પુરાવા મેળવવાનું કામ ચાલુ છે… મને લાગે છે કે એ મારી પાછળ પડી જશે!’

તમે શા માટે આટલી ચિંતા કરો છો, ડૉક્ટર. તમે કંઈ કર્યું ન હોય તો ડર શાનો?’ ડૉ. ભંડારીએ મમરો મૂક્યો:ડૉક્ટર… તમે આ કાંડ વિશે ખરેખર કંઈ જાણતા તો નથીને?’

સર… ફોરેન્સિક નિષ્ણાતોનું અનુમાન છે કે જમીનમાં હજુ પણ લાશ દટાયેલી છે!’ ગોહિલને જે સાંભળવાની ઇચ્છા નહોતી એ એપીઆઈ સુધીર સાવંતે કહ્યું. તેમને એવું શેના પરથી લાગે છે?’ ગોહિલે પૂછ્યું.

`સર, નિષ્ણાતોનું કહેવું છે કે આટલા ભાગની જમીન પહેલાં પણ ખોદવામાં આવી છે, એવું નિરીક્ષણ પરથી જણાય છે!’ મજૂરો જમીન ખોદી રહ્યા હતા તે તરફ ઇશારો કરી સાવંતે સ્પષ્ટતા કરી.

શાંત સ્વભાવનો સાવંત જમીન ખોદનારા મજૂરોની કામગીરી પર દેખરેખ રાખતો હતો. એપીઆઈ પ્રણય શિંદે ઈન્સ્પેક્ટર રાજીવ કામત સાથે આસપાસ આંટા મારતો હતો, જ્યારે સિનિયર ઈન્સ્પેક્ટર અશોક ગાયકવાડ એક ઘટાદાર વૃક્ષ નીચે ખુરશી પર બેઠા હતા અને કોન્સ્ટેબલ નામદેવ દળવી તેમની પાછળ ઊભો હતો.

કૂપર હૉસ્પિટલમાંથી પાછા ફરેલા ગોહિલે સબ-ઈન્સ્પેક્ટર વિજય કાળેને મેટલ પ્લૅટ બનાવતી દિલ્હીની કંપનીનો નંબર ઈન્ટરનેટ પરથી શોધીને તેનો સંપર્ક સાધવાની સૂચના આપી હતી. આ પ્લૅટ પુરુષના શબના પગમાંથી મળી હતી અને એ જ પોલીસ તપાસને દિશા આપી શકે એમ હતી.

ગોહિલના કહેવાથી જમીનમાંથી શબ શોધી કાઢવામાં આવ્યા પછી ડીસીપી સુનીલ જોશી વીફરેલા હતા. એક પછી એક મૃતદેહ મળી રહ્યા હોવાથી તેમના પર ઉપરી અધિકારીઓ અને રાજકારણીઓનું દબાણ વધી રહ્યું હતું.

ડીસીપીના વર્તનથી ગોહિલના મનમાં ગુસ્સો હતો. તે જાણતો હતો કે હવે વધુ લાશ મળશે તો દોષનો ટોપલો તેના પર ઢોળાશે. માસૂમોને ન્યાય અપાવવાના પ્રયાસમાં તે જ દોષી ઠરી રહ્યો હતો. એમાં લાશ શોધવાના સ્થળે આવતાંવેંત તેને માઠા સમાચાર મળ્યા હતા.

હજુ એક સરપ્રાઈઝ માટે તૈયાર છેને, ગોહિલ?’ ગાયકવાડની વાત ગોહિલને મહેણા જેવી લાગી. મેં પોતે પણ નહોતું ધાર્યું કે આટલાં શબ મળશે!’ ગોહિલે લાચારી દર્શાવી.
`ટેન્શન ન લે, ગોહિલ, માનસિક તાણમાં વ્યક્તિનું મગજ પૂરી ક્ષમતાથી કામ કરતું નથી. શાંત ચિત્તે વિચારશે તો નિરાકરણના ઘણા માર્ગ મળી રહેશે!’ ગાયકવાડે ધરપત આપવા ફિલોસોફી ઝાડી.

અત્યારે તમારી નજરમાં કોઈ માર્ગ છે, સર!’ ગોહિલે પૂછ્યું. હું તો તારી સાથે જ છું, ગોહિલ… છેલ્લે રોષનું ઠીકરું મારે માથે જ તૂટવાનું છે. કેસ વહેલો ઉકેલાય કે મોડો… મારી બદલી પાકી છે.’ ગાયકવાડે વિવશતા વ્યક્ત કરી અને ગોહિલ તેને જોતો રહ્યો.

`સરરરર…’ ગોહિલ કંઈ બોલે તે પહેલાં સાવંતે બૂમ પાડી.
સાવંતનો અવાજ સાંભળી બધા અધિકારી તેની નજીક ધસી ગયા. અધિકારીઓની નજર લાશ માટે ખોદવામાં આવેલા ખાડામાં તકાયેલી હતી.

`ચ્યા માયલા!’ ખાડામાં માનવ અવશેષ જોઈ દળવી તેની જાડી મૂછને પંપાળતાં બોલ્યો તો ગાયકવાડ અને ગોહિલે નિરાશાનો શ્વાસ છોડ્યો.
લાશના નામે હાડકાં અને માંસનો કોહવાયેલો થોડો લોચો હતો. હાડપિંજર જ બચ્યું હતું એમ કહીએ તો ચાલે. અવશેષ પુરુષના છે કે સ્ત્રીના એ પણ જાણી શકાતું નહોતું. ફોરેન્સિક તપાસમાં જ આની ખાતરી થઈ શકે એમ હતી.

ગોહિલ કપાળે હાથ દઈ ઊભો હતો. વધુ એક લાશની માહિતીથી ડીસીપીનું મગજ તો ફાટવાનું જ હતું, પણ નાગરિકોનો રોષ ફાટી નીકળવાનોય ભય હતો.

શબ મળ્યાની માહિતી આપતો મેસેજ ગોહિલે ડીસીપી જોશીને મોકલાવ્યો. જવાબમાં જોશીએ `કોન્ગ્રેચ્યુલેશન’નો મેસેજ મોકલાવ્યો હતો, જે વાંચી ગોહિલનું માથું વધુ તપ્યું.

માનવ અવશેષ તબીબી પરીક્ષણ અને ફોરેન્સિક તપાસ માટે કૂપર હૉસ્પિટલમાં મોકલવાની ગોઠવણ કરવામાં આવી. સાંજ પડી હોવાથી ફોરેન્સિક નિષ્ણાતો, ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટે્રટ (ડીએમ) અને મજૂરો રવાના થયા પછી ગોહિલ અને ગાયકવાડની ટીમ પોલીસ સ્ટેશને જવા નીકળી.

મુખ્ય માર્ગ પર પત્રકારોની ભીડ ઘેરી લેશે એની જાણ હોવાથી ગાયકવાડ અને ગોહિલે ડ્રાઈવરોને કૉલ કરી તેમનાં વાહન અંદરના સાંકડા માર્ગ પર બોલાવી લીધાં. બોલેરોમાં ડ્રાઈવર સંજય માનેની બાજુની સીટ પર ગોહિલ બેઠો. પાછલી સીટ પર શિંદે સાથે સાવંત અને દળવી ગોઠવાયા. ન્યૂ ઝીલૅન્ડ હૉસ્ટેલ તરફના માર્ગ પરથી બોલેરો ધીમી ગતિએ આગળ વધી રહી હતી અને પાછળ ગાયકવાડની ક્વોલિસ.

થોડે આગળ પહોંચ્યા ત્યારે દૂરથી જૉની-બૉની પોતાની મસ્તીમાં આવતા ગોહિલને દેખાયા. બન્નેને જોઈ ગોહિલના મગજની કમાન છટકી. તેણે માનેને બોલેરો ઊભી રાખવા કહ્યું. બોલેરો ઊભી રહી એટલે જૉની-બૉની પણ આગળ વધતા અટક્યા. એક જ જગ્યાએ ઊભા રહીને પણ ગાંડાવેડા અને ઊછળકૂદ કરવાનું તેમનું ચાલુ હતું.

આજે આ બન્નેને કચડી નાખ… માને!’ ગોહિલના આદેશથી બધા ચોંક્યા. સર… એ પાગલ છે. રસ્તા પરથી ખસી જશે.’ દળવીએ વિનંતીના સૂરમાં કહ્યું.
`માને… પહેલા ગિયર પછી ગાડી તરત બીજા ગિયરમાં જવી જોઈએ!’ દળવીની વિનંતી સાંભળી ન હોય તેમ ગોહિલે ફરી આદેશ આપ્યો.

બબ્બે પાગલના જીવ લેવાની વાત સાંભળી માને શું કરવું એની અવઢવમાં હતો. તેણે સામેના રિઅરવ્યૂ મિરરમાં પાછલી સીટ પર બેસેલા અધિકારીઓના ચહેરાનું નિરીક્ષણ કર્યું હતું. તેમના ચહેરા પર પણ ભય સાથે ચિંતા દેખાતી હતી.

સર...' હવે સાવંત કંઈ કહેવા જતો હતો, પણ ગોહિલે હાથના ઇશારાથી તેને ચૂપ રહેવા કહ્યું. આ પાગલોની હરકતો આપણને ચીડવતી હોય તેવી લાગે છે… માને, શક્ય હોય તો ત્રીજા ગિયરમાં ગાડી ચલાવજે, પણ સ્પીડ ફુલ હોવી જોઈએ… બન્નેમાંથી કોઈ બચવું ન જોઈએ.’ ગોહિલના મિજાજથી માને ડર અનુભવવા લાગ્યો.

ગોહિલ ગુસ્સામાં ભાન ભૂલ્યો હોવાનું બધાને લાગ્યું. પાછળ ક્વોલિસમાં બેસેલી ગાયકવાડની ટીમને બોલેરો શા માટે અટકી અને ખરેખર શું ચાલી રહ્યું છે તેની જાણ નહોતી.
`ચલ…’ ગોહિલે ઊંચા અવાજે કહેતાં જ માનેએ બ્રેક પરનો પગ ઊંચકી બોલેરોનું એક્સિલરેટર દબાવ્યું.

પહેલા ગિયરમાં હળવા આંચકા સાથે બોલેરો આગળ વધી એટલે માનેએ તરત ગિયર બદલવા માંડ્યા. એક્સિલરેટર પર પગના પૂરા દબાણને કારણે ક્ષણમાં જ બોલેરો યમદૂતની જેમ જૉની-બૉની તરફ ધસી ગઈ…
(ક્રમશ:)

આ પણ વાંચો…-16 -પ્રકરણ-22: રાજકીય લાભ ખાટવા નેતાઓ આગમાં પેટ્રોલ નાખવામાં કોઈ કચાશ રાખતા નથી

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button