પ્લોટ-16 -પ્રકરણ-22: રાજકીય લાભ ખાટવા નેતાઓ આગમાં પેટ્રોલ નાખવામાં કોઈ કચાશ રાખતા નથી | મુંબઈ સમાચાર
નવલકથા

પ્લોટ-16 -પ્રકરણ-22: રાજકીય લાભ ખાટવા નેતાઓ આગમાં પેટ્રોલ નાખવામાં કોઈ કચાશ રાખતા નથી

યોગેશ સી પટેલ

‘હજુ કેટલી લાશો જમીનમાંથી ખોદી કાઢવાની છે?’ ડીસીપી સુનીલ જોશી ઉશ્કેરાટમાં હતા. ગોહિલના સૂચનથી જમીનમાંથી શબ શોધવાની મંજૂરી આપી તો દીધી, પણ હવે લાશોનો ઢગલો થવાને કારણે ઊમટેલા ઘેરા પ્રત્યાઘાતોથી ડીસીપી દબાણ હેઠળ આવી ગયા હતા.

‘સર… કાલે હંગામાને કારણે બપોર પછી કોઈ તપાસ થઈ શકી નહોતી. હવે… જોઈએ આજે શું રિઝલ્ટ આવે છે!’ જોશીના વિચિત્ર સવાલનો શો જવાબ આપવો તેની અવઢવમાં ગોહિલે કહ્યું.

આરેના રહેવાસીઓના વિરોધ પ્રદર્શનને કારણે આગલી સાંજે ભારે ધમાલ થઈ હતી. ઉશ્કેરાયેલા લોકોને શાંતિ જાળવવાનું સમજાવીને મામલો થાળે પાડતાં રાત થઈ ગઈ હતી. આજે ચોથે દિવસે ફરી લાશ શોધવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ઈન્સ્પેક્ટર રવિ કદમને ડ્રગ્સ લૅબોરેટરી મામલે તપાસ પર ધ્યાન આપવાનું કહી ગોહિલ આરે જવા નીકળ્યો હતો, પરંતુ ડીસીપી જોશીએ મીટિંગ માટે બોલાવતાં કદમ સાથે તે ડીસીપી ઑફિસ આવ્યો હતો.

‘…અને ડ્રગ્સના કેસમાં ક્યાં પહોંચ્યા?’ ડીસીપીએ ફરી ગોહિલને આંટીમાં લીધો.

‘ફોરેન્સિક લૅબોરેટરીના કહેવા મુજબ જંગલમાંથી મળેલા કાચના ટુકડા પરથી મેફેડ્રોનના અંશ મળ્યા છે… સર!’

ગોહિલને ખાતરી હતી કે ડ્રગ્સ પ્રશ્ને ડીસીપી તેને ભરડામાં લેશે એટલે તે શબ્દો ગોખીને આવ્યો હતો: ‘ઘરમાંથી મળેલી અમુક સાધનસામગ્રી… કેમિકલ પરથી એવું અનુમાન છે કે ત્યાં…’

‘ત્યાં ડ્રગ્સ બનાવવામાં આવતું હતું, બરાબરને?’ જોશીએ વાક્ય પૂરું કર્યું. એ પણ પૂરી તૈયારી સાથે બેઠા હોવાનું ગોહિલને લાગ્યું.

‘જંગલમાં ડ્રગ્સ બનાવીને શહેરમાં સપ્લાય કરવામાં આવતું હતું અને તેની કોઈને જાણ નહોતી… કેટલી આશ્ચર્યની વાત છે!’ જોશીએ ટોણો માર્યો.

‘કાલે હંગામાનો તમે સામનો કર્યોને? બસ, તો એટલું સમજી લો કે એ માત્ર ટ્રેલર હતું. આરેના રહેવાસીઓમાં કેટલો રોષ છે એનો અંદાજ આવી ગયો હશે… આ રોષની જ્વાળા આખા શહેરમાં ન ફેલાય તેવા પ્રયત્ન કરજો!’ જોશીએ ચેતવણી આપી.

‘જી… સર!’ કદમ આટલું જ બોલ્યો.

પણ ગોહિલના શબ્દોએ જાણે જોશીના શરીરમાં આગ લગાડી: ‘રહેવાસીઓ અને કાર્યકરોને ઉશ્કેરવાનું કામ નેતાઓએ કર્યું, સર!’

‘એ લોકો આવી તકની રાહ જોતા જ હોય છે… એમાં નવું શું છે. રાજકીય લાભ ખાટવા નેતાઓ આગમાં પેટ્રોલ નાખવામાં કોઈ કચાશ રાખતા નથી, પણ આપણે આપણું કામ ઝડપથી અને અસરકારક રીતે કરવું જોઈએ…’ જોશી આવેશમાં બોલી રહ્યા હતા.

‘સર… અલગ અલગ દિશામાં આપણી તપાસ ચાલી રહી છે અને શકમંદો પર નજર રાખવામાં આવી રહી છે.’ જોશીને શાંત પાડવાને ઇરાદે કદમે કહ્યું.
‘જમીનમાં દટાયેલાં શબ અને મુખ્ય માર્ગ પર વાહનના ડ્રાઈવરોનાં મોત… હવે તેમાં નશીલા પદાર્થનો ધંધો ઉમેરાયો… તપાસમાં કંઈ સ્પષ્ટ થાય છે?’ જોશીનો અવાજ ઉશ્કેરાટમાં મોટો થયો.
‘ખરેખર તો સર… હજુ કોઈ પાક્કા નિષ્કર્ષ પર પહોંચી શકાય એવી માહિતી હાથ લાગી નથી!’ ગોહિલે કહ્યું.

‘ગોહિલ… મેં પહેલાં પણ તને કહ્યું છે કે મીડિયાને આપવાના જવાબ મારે સાંભળવા નથી!’ જોશી ખખડાવવાના મૂડમાં હતા.
‘સર… સીસીટીવી કૅમેરાનું સ્કૅનિંગ ચાલી રહ્યું છે, જેથી સમયાંતરે જંગલમાંથી પસાર થનારા શકમંદોને ઓળખી કઢાય.’ ગોહિલે માહિતી આપી.
‘એમાં શું મળ્યું? કોઈ શકમંદ મળ્યા?’

‘સર, સમસ્યા એ છે કે જંગલ પરિસરમાં સીસીટીવી કૅમેરા જૂજ સંખ્યામાં છે. વળી, જ્યાં શબ મળ્યાં છે એ જગ્યાથી દૂર દૂર સુધી કોઈ કૅમેરા નથી. મુખ્ય માર્ગ પર અમુક અંતરે કૅમેરા લાગ્યા છે, પણ એમાં રાતનાં ફૂટેજ સ્પષ્ટ ઝડપાતાં નથી.’ કદમે સમસ્યા જણાવી.

‘તો… આપણે તપાસ બંધ કરી દઈએ?’ જોશી ગુસ્સામાં બોલ્યા.
‘ગોહિલ, મારા પર પણ ઉપરથી દબાણ છે. એસઆઈટી યોગ્ય તપાસ કરી શકતી ન હોય તો બીજી ટીમને નીમવાની સ્પષ્ટ સૂચના મને આપવામાં આવી છે.’

જોશીએ કહ્યું: ‘વિધાનસભ્ય જાંભુળકરે ગૃહ પ્રધાન સમક્ષ મુદ્દો ઉપસ્થિત કર્યો છે કે આ ઘટનાને કારણે તેમની રાજકીય કારકિર્દી અને શાખને નુકસાન થઈ રહ્યું છે. વહેલીતકે કેસનો નિકાલ ન આવે તો સરકાર માટે આફત ઊભી થઈ શકે!’

‘સર, અમે પૂરી મહેનત અને તાકાત લગાવી રહ્યા છીએ!’ ગોહિલે કહ્યું.
‘એક છોકરીનું શબ મળ્યું એ ઠીક છે, પણ બાકીનાં શબ શોધવાની જહેમત તેં કરી એમાં રામાયણ ઊભી થઈ છે. હવે રાવણને પણ તારે જ શોધવો પડશે અને એય જલદી!’ જોશીએ ફટકારની ભાષામાં આદેશ આપ્યો.

‘જી!’ આનાથી વિશેષ ગોહિલ બોલી શકતો નહોતો.
‘આરેમાં આજે શું સ્થિતિ છે?’ જોશીનો ઇશારો ગોહિલ સમજી ગયો.
‘સર… અત્યારે ગાયકવાડ સર અને શિંદે ટીમ સાથે ત્યાં હાજર છે. હજુ સુધી કોઈ મેસેજ આવ્યો નથી. હું ત્યાં જ જવાનો છું… તમને સમયસર અપડેટ આપતો રહીશ!’

‘ઓકે, પણ હજુ કેટલી લાશ ખોદી કાઢવી છે… ગોહિલ. એક વાત યાદ રાખજે… જેટલી વધુ લાશ મળશે એટલાં વધુ માછલાં આપણા માથે ધોવાશે!’ જોશીના ચહેરા પર ચિંતા દેખાવા લાગી.


ડીસીપીની અંધેરીની ઑફિસેથી નીકળી ગોહિલે આરેને બદલે કૂપર હૉસ્પિટલ જવાનું નક્કી કર્યું. ડૉ. ભાવિક માજીવડેએ અણસાર આપ્યો હતો કે આરેમાં વાહનચાલકોનાં મોત યોગાનુયોગ ન હોઈ શકે… એ વાત ગોહિલના મગજમાં ઝબકારા મારતી હતી. વળી, જમીનમાંથી કાઢવામાં આવેલાં શબનાં અંગો ગુમ હોવાની અને એક લાશના પગમાં મેટલ પ્લૅટ હોવાની જાણકારી પણ આપી હતી.

બોલેરોમાં ડ્રાઈવર સંજય માનેની બાજુની સીટ પર ગોહિલ બેઠો. માનેનો એક તરફનો ગાલ થોડો ફૂલેલો જોઈ તે સમજી ગયો કે તમાકુ મસળી ગલોફામાં ભરવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે.
‘કૂપર હૉસ્પિટલ ચાલ!’ ગોહિલના આદેશથી કદમને આશ્ર્ચર્ય થયું.
‘આજે ડીસીપીનું ખસકી ગયું લાગે છે, સર!’ બોલેરો સ્ટાર્ટ થતાં કદમે અમસ્તી વાતચીત શરૂ કરી.

‘તે સાંભળ્યું નહીં… ગુલાબજાંભુએ ફરિયાદ કરી છે. એટલે ગૃહ પ્રધાને ડીસીપી પર પસ્તાળ પાડી હશે!’ ડીસીપીના વર્તનથી ગોહિલ ગુસ્સામાં હતો છતાં તેણે કદમની વાતનો જવાબ આપ્યો.

‘લાગે છે… જમીનમાં દટાયેલી લાશ શોધી કાઢવાનું ડીસીપીને ગમ્યું નથી!’ કદમે મનમાં ચાલતો વિચાર કહ્યો.
‘ડીસીપી જ નહીં, બીજા ઘણા લોકોને ગમ્યું નથી, કદમ.’
ગોહિલે કહ્યું: ‘…પણ આ રીતે જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને ન્યાય અપાવવો ગુનો છે? સ્વાર્થ ખાતર મેલી મુરાદ સાથે લોકોને મડદાં બનાવીને દાટી દેનારાઓને સજા ન થવી જોઈએ?’

‘તો… લાશ શોધવાની કામગીરી ચાલુ રાખીશું?’ કદમ સમજી ગયો હતો કે ગોહિલ ગુસ્સામાં છે.
‘જોઈએ… પહેલાં ડૉ. માજીવડેને તો મળી લઈએ!’ ગોહિલે ટૂંકમાં પતાવ્યું.
‘અત્યારે આરેને બદલે કૂપર આવવાનું ખાસ કારણ?’ કદમે મુદ્દાનો સવાલ કર્યો. ગોહિલ કૂપર શા માટે જઈ રહ્યો છે એ પ્રશ્ન ક્યારનો તેને સતાવી રહ્યો હતો.

‘અહીં આવ્યા છીએ તો મળી લઈએ.’ ગોહિલે ફરી ટૂંકમાં પતાવ્યું.
બપોરના ટ્રાફિક ઓછો હોવાથી કૂપર પહોંચવામાં વાર ન લાગી. બોલેરોમાંથી ઊતરીને ગોહિલ અને કદમ સીધા ડૉ. માજીવડેની કૅબિન તરફ ગયા.

‘આવો… ઑફિસર! આમ અચાનક?’ આશ્ર્ચર્ય સાથે ડૉ. માજીવડેએ પૂછ્યું.
‘અમસ્તા જ આવ્યા છીએ… સામસામે વધુ સહેલાઈથી વાત થઈ શકેને?’ ગોહિલે મોઢા પર પરાણે હાસ્ય લાવતાં કહ્યું.

‘અમે મોકલેલાં શબ શું કહે છે, ડૉક્ટરસાહેબ?’ કદમ સીધો મુદ્દા પર આવ્યો.
‘શબનું ડિટેઈલ પોસ્ટમોર્ટમ કરવું પડશે અને ફોરેન્સિકની પણ મદદ લેવી પડશે.’ ડૉ. માજીવડેએ કહ્યું.
‘કોઈ ખાસ મુશ્કેલી?’ ગોહિલનો પ્રશ્ન.

‘મુશ્કેલી તો ઘણી છે. એક તો અલગ અલગ સમયે મૃત્યુ પછી બધાને દાટવામાં આવ્યા છે અને બીજું… એકને છોડીને બાકીનાં શબમાંથી કોઈ ને કોઈ અંગ ગુમ હોવાનું જણાય છે.’ ડૉક્ટરની વાત સાંભળી ગોહિલ અને કદમ અચરજથી એકબીજાનાં મોઢાં જોવા લાગ્યા.

‘કોનાં કયાં અંગો ગુમ છે, ડૉક્ટર! અને એકને છોડીને એટલે?’ કદમે પૂછ્યું.
‘એ બધું પછી કહીશ, પણ એ પહેલાં આપણે શબને નામ આપવાં પડશે, જેથી સમજવામાં સહેલાઈ રહે.’ ડૉ. માજીવડેએ કહ્યું.

‘નામથી શબને ઓળખીશું તો તેના મૃત્યુનો સમય… કોનાં કયાં અંગ ગુમ છે, જેવી વાતો સરળતાથી સમજી શકાશે.’ તેમણે સૂચવ્યું.
‘શબનાં નામકરણ તમારી ઇચ્છા મુજબ કરી નાખો, ડૉક્ટરસાહેબ… પણ પેલી મેટલ પ્લૅટનું શું થયું?’ ગોહિલે યાદ અપાવ્યું.

‘પ્લૅટ અને વિગતો તૈયાર છે.’ ડૉક્ટરે ઝિપ લૉક બૅગમાં રાખેલી પ્લૅટ ગોહિલને દેખાડી.
‘કોઈ એક્સિડેન્ટને કારણે આ માણસને પગમાં ફ્રેક્ચર થયું હશે. હાડકું તૂટવાને કારણે આ પ્લૅટ બેસાડવી પડી હશે.’

ડૉક્ટરે માહિતી આપી ઉમેર્યું: ‘આ પ્લૅટ દિલ્હીની કંપનીની છે. એના પરના કોડ નંબરને આધારે કઈ હૉસ્પિટલમાં કયા દરદીના પગમાં એ બેસાડાઈ હતી તેની વિગતો તમે પ્રાપ્ત કરી શકશો… આ રીતે મૃત્યુ પામેલા પુરુષની ઓળખ મળી જશે.’

‘ઓકે. થેન્ક્સ, ડૉક્ટરસાહેબ!’ ગોહિલે આભાર માન્યો.
‘થેન્કસ શા માટે? એ તો અમારું કામ છે.’ ડૉક્ટરે પણ વિવેક દાખવ્યો.

‘હાં… પણ અમારા આ સંવેદનશીલ કેસની તપાસને કોઈ તો દિશા મળી… તમારી માહિતી ઘણી ઉપયોગી થશે.’ કહીને ગોહિલ ખુરશીમાંથી ઊભો થવા ગયો, પણ ડૉક્ટરે તેને રોક્યો.

‘ઑફિસર… બીજી મહત્ત્વની વાત કરું તો તમારે અનેક પડકારોનો સામનો કરવાનો છે!’ ડૉ. માજીવડેની આ વાત કોઈને સમજાઈ નહીં.
‘મેં કહ્યુંને કે એક શબમાંથી કોઈ અંગ ગુમ નથી… તે આ જ વ્યક્તિ છે, જેના પગમાંથી મેટલ પ્લૅટ મળી!’

‘તો?’
‘મને આશ્ચર્ય એ વાતનું થાય છે કે તેનું કોઈ અંગ કાઢવામાં નથી આવ્યું તો બાકીનાં શબની જેમ આ વ્યક્તિની લાશ દાટવામાં શા માટે આવી? એ પણ અંગો કાઢેલાં શબની બાજુમાં?’

ડૉ. માજીવડેના મુદ્દા વિચારણીય તો હતા એટલે ગોહિલ અવાક થઈ તેમને જોતો રહ્યો.
‘ઑફિસર… તેનાથી વધુ શૉકિંગ વાત એ છે કે આ શબમાંથી ડ્રગ્સના અંશ મળ્યા છે!’
ચોંકાવનારી માહિતીથી થોડી વાર શાંતિ જળવાઈ પછી કદમે કહ્યું: ‘હજુ કંઈ કહેવું બાકી છે, ડૉક્ટર?’

‘કેમ? જમીનમાંથી મળેલી લાશોની સાથે વાહનચાલકોનાં હાર્ટ અટેકથી થતાં મોતનું પ્રકરણ પણ તો ઊભું છે!’ ડૉ. માજીવડે બધી ઘટનાઓને જોડતા હોવાનું લાગ્યું.

‘મને લાગે છે કે આ ઘટનાઓ વચ્ચે કોઈને કોઈ કનેક્શન હશે!’ ડૉ. માજીવડેના અભિપ્રાયથી ગોહિલ ચમક્યો. જમીનમાંથી મળેલાં શબ અને ડ્રાઈવરોનાં મોતની ઘટનાઓ વચ્ચે કોઈ કડી હોવાનું તેને અંદરથી લાગતું હતું.
‘એમાં કોઈ સામ્યતા જણાય છે? કોઈ એવી વાત કે જેનાથી તમને આ ઘટનાઓ જોડાયેલી લાગી?’ ગોહિલે અધીરાઈથી પૂછ્યું.

‘જુઓ, ઑફિસર… મેં એ જ દિવસે તમને કહ્યું કે આ રીતે વાહનચાલકોનાં એકાએક હાર્ટ બંધ થવાં એ યોગાનુયોગ નહીં હોય… હાર્ટ અટેકથી જીવ ગુમાવનારાઓમાંથી પંચાણું ટકા લોકોને હૃદયને લગતી કોઈ બીમારી જ નહોતી એ વાત ભૂલવી ન જોઈએ. પાછું એ પણ ધ્યાન રાખો કે આ ઘટનાઓ જ્યાં બને છે એ યુનિટ સોળમાં જ જમીનમાં દટાયેલાં શબ મળ્યાં એ કનેક્શન નાનુંસૂનું નથી.’

‘હું તો માનું છું કે ભૂત-ડાકણ જેવું કંઈ હોઈ ન શકે… એટલે હાર્ટ અટેકથી મરનારાઓની ઘટનાને ગંભીરતાથી લઈ તેની તપાસ કરવી જોઈએ… બની શકે કે એની તપાસમાં તમને જમીનમાંથી મળેલાં શબ અને ડ્રગ્સ કેસને સાંકળતી કડી મળી જાય!’

પછી ડૉ. માજીવડેએ શક્યતા વ્યક્ત કરી: ‘મને તો આ કોઈ મોટા સુનિયોજિત ષડ્યંત્રનો ભાગ લાગે છે!’
(ક્રમશ:)

આ પણ વાંચો…પ્લોટ – 16 – પ્રકરણ-21 હેલિકૉપ્ટર તૂટી પડ્યું એટલે આ કારસ્તાન ઉઘાડું પડ્યું, નહીંતર લોકોને મારીને દાટી દેવાનું ચાલુ જ રહ્યું હોત…

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button