પ્લોટ - 16 - પ્રકરણ-20 : આરેના જંગલમાં જઈને ભૂતાવળ સાથે ફરતા રહો… પહેલાં લાશ શોધો ને પછી એ વ્યક્તિને લાશ કોણે બનાવી એને શોધો! | મુંબઈ સમાચાર
નવલકથા

પ્લોટ – 16 – પ્રકરણ-20 : આરેના જંગલમાં જઈને ભૂતાવળ સાથે ફરતા રહો… પહેલાં લાશ શોધો ને પછી એ વ્યક્તિને લાશ કોણે બનાવી એને શોધો!

  • યોગેશ સી પટેલ

‘બ્રેકિંગ ન્યૂઝ… આરેના જંગલમાં હજુ પણ લાશ દટાયેલી હોવાની પોલીસને શંકા… આજે ફરી લાશ શોધવાની પ્રક્રિયા હાથ ધરાશે… દર્શકો, યાદ રહે… ગઈ કાલે બે શબ અહીંથી મળ્યાં હતાં… હવે ડ્રગ્સ બનાવવાની લૅબોરેટરીનો મામલો પણ સામે આવ્યો છે… આરેના રહેવાસીઓમાં ડરની સાથે ગુસ્સો ભભૂકી રહ્યો છે… આટલા બધા લોકોને મારીને દાટી દેવામાં આવ્યા અને ડ્રગ્સનો કારોબાર ધમધમતો હતો ત્યારે પોલીસ ઊંઘતી હતી? એવો સવાલ રહેવાસીઓ કરી રહ્યા છે… એસઆઈટી પણ જંગલમાં માત્ર ફરવા આવી હોવાનું લાગે છે…

‘આ શું છે?’ પત્ની તૃપ્તિના સવાલથી ઈન્સ્પેક્ટર ગોહિલ ટીવીનો અવાજ ધીમો કરીને પત્ની તરફ ફર્યો.

‘કેમ… તને ખબર નથી… કાલ સાંજથી આ સમાચાર બધી ન્યૂઝ ચૅનલો પર ચાલે છે!’ ગોહિલે સોગિયું મોં કરીને કહ્યું.

‘સમાચાર તો મેં રાતે જ જોયા… પણ અત્યારે ન્યૂઝ ચૅનલોવાળા કહે છે એ સાચું છે?’

‘શું?’

‘એ જગ્યાએ બીજાં પણ શબ દટાયેલાં છે?’

‘કદાચ… પણ તું શા માટે ટેન્શન લે છે… ફરવા જવાનું તારું રટણ હવે બંધને? જુએ છેને અમારા શું હાલ થવાના છે!’ ગોહિલ ટોણો મારતો હોય તેમ બોલ્યો.

‘ડાહ્યા ન બનો હવે… છાનામાના બેસી રહો… કેમ જાણે તમે ખરેખર મને ફરવા લઈ જવાના હતા… આટલાં વરસમાં ક્યાં લઈ ગયા, બોલો તો જરા!’ તૃપ્તિએ પણ જડબાતોડ જવાબ આપ્યો.

‘જઈને આરેના જંગલમાં ભૂતાવળ સાથે ફરતા રહો… પહેલાં લાશ શોધો ને પછી એ વ્યક્તિને લાશ કોણે બનાવી એને શોધો!’

તૃપ્તિના આ વાક્યથી ગોહિલને આશ્ર્ચર્ય થયું. તે તૃપ્તિના ચહેરાને નીરખીને જોતો રહ્યો.

‘આ બધી બકવાસ ક્યાંથી લાવી?’

‘તમારી પાછળથી..!’ તૃપ્તિની વાત ન સમજાઈ એટલે ગોહિલ માથું ખંજવાળવા લાગ્યો. એ મળસકે ઘરે પહોંચ્યો તે પહેલાં રાતે તૃપ્તિએ ચૅનલો પર સમાચાર જોયા હશે, એવું ગોહિલને લાગ્યું.

ગોહિલને અવઢવમાં જોઈને તૃપ્તિએ જ ચોખવટ કરી: ‘પાછળ ફરીને ટીવી જુઓ.’

તૃપ્તિએ ટીવી તરફ ઇશારો કર્યો એટલે ગોહિલે ફરી ટીવી પર નજર ઠેરવી અને અવાજ વધાર્યો.

‘મંજરીનું શબ મળ્યા પછી એસઆઈટીના ઈન્સ્પેક્ટર ગોહિલે જ એ સ્થળે બીજાં શબ દટાયાં હોવાની શક્યતા વ્યક્ત કરી હતી… ગોહિલને શેના પરથી ખાતરી હતી કે ત્યાં બીજાં શબ દટાયેલાં છે તેનો કોઈ ખુલાસો હજુ થયો નથી… જંગલમાં ડ્રગ્સ તસ્કરી કોણ કરતું હતું? હજુ કેટલાં મડદાં દટાયેલાં છે અને કેટલા ગોરખ ધંધા ચાલે છે એ સમય બતાવશે, પણ દર્શકો… આ ઘટનાની દરેક માહિતી તમને અમે બતાવીશું…’

ગોહિલે ચૅનલો બદલવાની કસરત શરૂ કરી. બધી ચૅનલોના પત્રકારો પોતાની રીતે અર્થઘટન કરીને સમાચાર દર્શાવતા હતા.

એક ચૅનલે તો હાર્ટ અટેકથી મૃત્યુ પામનારા લોકોનો મુદ્દો રજૂ કરી ફરી ભૂત-આત્માનું ગાણું ગાવાનું ચાલુ કર્યું.

‘પોલીસ અને રહેવાસીઓની જાણબહાર આવાં ભયંકર કાંડ કોઈ માનવ કઈ રીતે કરી શકે… આની પાછળ કોઈ જંગલી રાક્ષસ અથવા અદૃશ્ય શક્તિ જ હોવી જોઈએ… ભૂત-આત્મા આ ઘોર પાપ કરતા હોવાની રહેવાસીઓની ધારણા સાચી હોઈ શકે? જોતા રહો અમારી ચૅનલ…’


ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ (ડીએમ) અને ફોરેન્સિક નિષ્ણાતોની હાજરીમાં બીજે દિવસે સવારે અગિયાર વાગ્યાથી જ જમીનમાં દટાયેલી લાશ શોધવાની પ્રક્રિયા શરૂ થઈ. ગોહિલ અને શિંદે પણ સમયસર આવી ગયા હતા. ગૃહ પ્રધાને મીટિંગ બોલાવી હોવાથી ડીસીપી સુનીલ જોશી ત્યાં જવાના હતા અને સાંજે આવવાના હતા.

બપોરે ત્રણ વાગ્યાનો સમય એટલે સૂરજદાદા પૂરી તાકાતથી તાપ વેરી રહ્યા હતા. પોલીસ સ્ટેશનમાં કામ પતાવીને સિનિયર ઈન્સ્પેક્ટર અશોક ગાયકવાડ કોન્સ્ટેબલ નામદેવ દળવી સાથે આવી પહોંચ્યા.

‘લાશ મળવાનો સિલસિલો ક્યારે થંભશે… ગોહિલ?’ ગાયકવાડે આવતાંની સાથે જ કટારની ધાર જેવો પ્રશ્ન કર્યો.

‘સર… અત્યારે જ એમ્બ્યુલન્સમાં એક લાશ કૂપર રવાના કરાઈ છે!’ ગોહિલે ધીમા સાદે કહ્યું.

‘ચ્યા માયલા!’ ગોહિલની વાત સાંભળી દળવીના મોંમાંથી આદત મુજબ શબ્દો નીકળ્યા. પછી બધા તેની તરફ જોવા લાગ્યા એટલે ‘સૉરી’ કહીને તેણે નજર ઝુકાવી દીધી.

‘કૂપરવાળા શબપરીક્ષણ પછી કરશે, પણ મીડિયાએ તો અલગ અલગ રીતે પોસ્ટમોર્ટમ કરવા માંડ્યું છે!’ ગાયકવાડે તકલીફ જણાવી.

‘એ તો હંમેશનું છે, સર… મીડિયા પોતે જ નિષ્કર્ષ પર આવીને ફેંસલો પણ સંભળાવી દે છે!’ ગોહિલે કહ્યું.

‘સારું છે… પત્રકારોને અહીં ઉપર આવવાની મનાઈ ફરમાવી છે, નહીંતર આપણું મગજ ખપી જાત!’

ગાયકવાડે વધુમાં કહ્યું: ‘અહીંથી આવતા-જતા મુખ્ય રસ્તા પર હાજર પત્રકારો એ રીતે ઘેરી લે છે, જાણે આપણે જ ગુનેગાર હોઈએ!’

ગાયકવાડની વાતો સાંભળી ગોહિલે માત્ર સ્મિત કર્યું. પછી પૂછ્યું: ‘સર… કાલના હંગામા પછી શું થયું?’

મધરાતે આરેના મુખ્ય માર્ગ પર તપાસ માટે નીકળેલી પોલીસ ટીમ યુનિટ-16માં આરે હૉસ્પિટલ પાસે પહોંચી ત્યારે મહિલાનું આક્રંદ સંભળાયું હતું. પછી એમાં અન્ય સ્ત્રી-પુરુષોનો કોલાહલ ભળતાં પોલીસ ટીમ એ દિશામાં વળી હતી.
સાંકડા રસ્તા પર પાલિકાની સ્કૂલ પસાર કરીને પોલીસની ટીમ જીવનનગર તરફ આગળ વધી ત્યારે સ્ત્રી-પુરુષોનું ટોળું તાંત્રિક જેવા દેખાતા બાબાની ધોલધપાટ કરતું નજરે પડ્યું હતું.

પાડાના રહેવાસીઓ બાબાની પીટાઈ કરતા હતા, જેમાં યુનિટ પચીસના મુખિયા જુગલ મેશ્રામ મોખરે હતો. સમયસર પહોંચેલી પોલીસે અધમૂઆ થયેલા બાબાને બચાવી લીધો અને આખો જમેલો પોલીસ સ્ટેશને પહોંચ્યો. પછી મળસકું થવા આવ્યું હોવાથી ગોહિલની ટીમ ઘરે જવા નીકળી ગઈ હતી એટલે પછી શું થયું એની ગોહિલને જાણ નહોતી.

‘એ બાબા વિકૃત મગજનો લાગે છે!’ ગાયકવાડે કહ્યું.

‘એટલે?’

‘આક્રંદ કરનારી એ મહિલાનો પતિ દારૂડિયો છે. કામધંધો કરતો નથી. મહિલા ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.’

ગાયકવાડે વધુ માહિતી આપતાં કહ્યું: ‘પતિનું દારૂનું વ્યસન છોડાવવા અને ઘરની પરિસ્થિતિ સુધારવાનો ઉપાય મેળવવા મહિલા બાબા પાસે ગઈ. વિકૃત મગજના બાબાએ વિધિને બહાને મહિલાનું જાતીય શોષણ કરવા માંડ્યું!’
‘આ લોકો સમજ્યા-વિચાર્યા વગર કેવા ઢોંગી લોકોની જાળમાં સપડાઈ જાય છે!’ ગોહિલે ચિંતિત સ્વરમાં કહ્યું.

‘તો શુંને? સમસ્યાઓનું નિરાકરણ કરવા માગતી મહિલાનો છ મહિનાથી બાબા ફાયદો ઉઠાવતો હતો… પછી તેની નજર મહિલાની નવ વર્ષની દીકરી પર બગડી!’

ગોહિલ આશ્ર્ચર્યથી ગાયકવાડની વાત સાંભળતો હતો.

‘દીકરી પર વિધિને બહાને રાતે દોઢ વાગ્યે સૂમસામ જંગલમાં બોલાવી. ઢોંગી બાબાએ વિધિ શરૂ કરી એક પછી એક બધાં વસ્ત્રો ઉતારી બાળકીને નિર્વસ્ત્ર કરી દીધી… તેનાં અંગોને અણછાજતો સ્પર્શ કરવા લાગ્યો એટલે મહિલાને બાબાના કૃત્ય પર શંકા ગઈ અને…’ ગાયકવાડ થોડું અટક્યો.

‘અને… શું સર?’

‘બાબાના કમનસીબ કે આટલા મહિનાથી દુરાચાર સહન કરતી મહિલાને બાબાના બદઇરાદાની ગંધ આવી ગઈ અને તેણે બૂમાબૂમ કરી મૂકી… અવાજ સાંભળી મહિલાનો પતિ ઊંઘમાંથી જાગીને દોડી આવ્યો હતો. દીકરીને શરમજનક સ્થિતિમાં મૂકવાનો અફસોસ વ્યક્ત કરી મહિલાએ મોટેથી પોક મૂકી… એમાં નશામાં ચૂર પતિએ ગુસ્સામાં તેને ધિબેડી નાખી એટલે મહિલાએ હૈયાફાટ રુદન કર્યું અને એ જ વખતે શેતાનને શોધનારી મુખિયા મેશ્રામની ટીમ પણ ત્યાં આવી પહોંચી.’

‘શેતાન?’ ગોહિલે અચરજ સાથે પૂછ્યું.

‘એ પાછું બીજું પ્રકરણ છે… અત્યારે તો અમે બળાત્કારના આરોપસર બાબાની ધરપકડ કરી દીધી છે. એ તો સારું છે કે સમયસર આપણે પહોંચી ગયા હતા, નહીંતર રાતે જ બાબાનું રામ નામ સત્ય થઈ જાત!’

ગાયકવાડે વાત પૂરી કરી ત્યારે ગોહિલ પેલી શેતાનવાળી વાત જાણવા માગતો હતો, પણ ડીસીપી સુનીલ જોશી આવતા દેખાયા એટલે એ ચૂપ રહ્યો.

‘શું પરિસ્થિતિ છે અહીં?’ આવતાંવેંત ડીસીપીએ પૂછ્યું.

‘સર… અહીં વધુ એક લાશ હોવાની ખાતરી થઈ છે!’ જમીન તરફ આંગળી ચીંધતાં ગોહિલે કહ્યું.

‘ગાયકવાડ… આ શું ચાલી રહ્યું છે? આંખ બંધ કરીને ડ્યૂટી કરો છો? આટલા બધાને મારીને દાટી દેવામાં આવ્યા ને કોઈને જાણ સુધ્ધાં ન થઈ? આ કઈ રીતે શક્ય છે?’ ડીસીપી વીફર્યા એટલે ગાયકવાડે ચૂપ રહેવાનું યોગ્ય માન્યું.
‘ગોહિલ… બહારથી આટલાં બધાં શબ લાવીને અહીં દાટવાં મુશ્કેલ છે. મને લાગે છે કે જંગલના રહેવાસીઓનું જ આ કાવતરું હોવું જોઈએ… અને એ હત્યારો અહીંના બધા માર્ગોથી પરિચિત હશે!’ જોશીએ વિચારવાલાયક મુદ્દો કહ્યો.

જોશી સૂચના આપતા હતા ત્યારે જમીનમાંથી એક યુવતીની લાશ મળી એટલે ફોરેન્સિક નિષ્ણાતે અધિકારીઓનું ધ્યાન દોર્યું.

‘મને લાગે છે, આ યુવતીનું મોત હમણાં જ… અઅઅ… પાંચથી સાત દિવસ અગાઉ થયું હશે… આ લાશ તમને તપાસમાં વધુ મદદરૂપ થઈ શકશે!’

જોશીએ ગોહિલ તરફ જોયું એટલે તેણે કહ્યું: ‘સર… આજે આ ત્રીજું શબ મળ્યું છે!’

‘…એટલે મંજરીનું શબ મળીને અત્યાર સુધી કુલ છ શબ મળ્યાં… બરાબરને?’ જોશીએ ગણિત માંડ્યું.

‘જી… સર!’

‘તપાસમાં કોઈ પ્રગતિ?’

‘સર… કદમ ટીમ લઈને આ માર્ગ પર લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસવા ગયો છે.’

‘ડ્રગ્સ લૅબોરેટરી અને પેલા શેખની કોઈ માહિતી?’

‘કદમ ડ્રગ્સ સપ્લાય કરનારાઓની પણ વિગતો મેળવી રહ્યો છે અને સબ-ઈન્સ્પેક્ટર રાજપૂતને શેખ પાછળ લગાવ્યો છે!’ ગોહિલે વિસ્તારપૂર્વક જણાવ્યું.

‘હૉસ્પિટલમાંથી કોઈ અપડેટ?’

‘મેં કૂપર હૉસ્પિટલના ડૉક્ટર માજીવડેને ફોન કર્યો હતો… તપાસમાં મદદરૂપ થાય એવી મહત્ત્વની માહિતી મળ્યાનું તેમણે કહ્યું છે!’

‘શું?’

‘સૌપ્રથમ મળેલા પુરુષના શબના પ્રાથમિક પરીક્ષણમાં તેના પગમાં મેટલ પ્લૅટ હોવાનું ડૉક્ટરે કહ્યું છે. મેટલ ડિટેક્ટરમાં આ જ પ્લૅટ ડિટેક્ટ થઈ હતી, જેને કારણે શબ મળ્યું!’ ગોહિલે માહિતી આપી.

‘તો તેની વિગતો ક્યારે મળશે?’

‘સર, વહેલી તકે આપવાની ખાતરી ડૉક્ટરે આપી છે, પણ…’

ગોહિલ અચકાતાં બોલ્યો: ‘ગઈ કાલે પોસ્ટમોર્ટમ માટે મોકલેલી બન્ને લાશનું ડિટેઈલ પોસ્ટમોર્ટમ કરવું પડશે, એવું ડૉક્ટરે કહ્યું. અને…’

‘અને?’ જોશીએ પૂછતાં ગાયકવાડના પણ કાન સરવા થયા.

‘ડૉક્ટરનું કહેવું છે કે એક લાશના બૉડી પાર્ટ ગુમ છે, જ્યારે બીજી લાશને ડ્રગ્સ સાથે સંબંધ હોવાનું લાગે છે!’

સાંભળીને ડીસીપીની આંખો પહોળી થઈ ગઈ: ‘…તો શું લાશો મળવી અને ડ્રગ્સનો કારોબાર… બન્ને ઘટના એકબીજાથી જોડાયેલી છે?’

(ક્રમશ:)

આપણ વાંચો:  પ્લોટ – 16 – પ્રકરણ-19 : ભૂતિયા બસ સ્ટોપ પર સફેદ સાડીવાળી સ્ત્રી

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button