પ્લોટ-16 -પ્રકરણ-2 | મુંબઈ સમાચાર
નવલકથા

પ્લોટ-16 -પ્રકરણ-2

યોગેશ સી પટેલ

‘ભારત હમ કો જાન સે પ્યારા હૈ…’
સોફા પર પગ લંબાવીને આરામથી બેસી ગોહિલ સામેની દીવાલ પર લાગેલા ટીવી પર ક્રિકેટ મૅચનો આનંદ લઈ રહ્યો હતો. ટીવી નીચેના ટેબલ પર મોબાઈલ ફોનની રિંગ વાગી રહી હતી, પણ સોફા પરથી ઊઠવામાંય જાણે તેને કષ્ટ પડતો હતો. સોફા પર પડ્યા પડ્યા તેણે પત્નીને બૂમ પાડી.

‘તૂતી ડાર્લિંગ, જરા ફોન આપ…’ ગોહિલ પ્રેમથી પત્ની તૃપ્તિને તૂતી (મેના) કહીને બોલાવતો.
‘ઊઠવાનું જોર પડે એટલે ડાર્લિંગ યાદ આવે!’ તૃપ્તિએ મોબાઈલ ગોહિલને આપતાં નયન નચાવ્યાં: ‘…અને મારા જન્મદિને ફરવા લઈ જવાની વાત કરી તો ડાર્લિંગ કડવી લાગી!’
‘તું તો હંમેશાં સ્વીટ જ રહેવાની મારી સ્વીટી…’ ગોહિલે વહાલ વ્યક્ત કરવાનું ચાલુ રાખ્યું.

ઈન્સ્પેક્ટર ચંદ્રેશ ગોહિલની બદલી ત્રણ મહિના પહેલાં જ સાતારાથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં થઈ હતી. અંધેરી યુનિટના ઇન્ચાર્જ બન્યા પછી બે-ત્રણ નાના કેસ સિવાય કોઈ મોટા કેસની જવાબદારી તેના માથે આવી નહોતી એટલે કામનું ટેન્શન ઓછું હતું.

વળી, રવિવારની રજા હોવાથી બપોરે જમ્યા પછી તેણે આરામ કરવાનું વિચાર્યું હતું. સપ્તાહ પછી તૃપ્તિનો જન્મદિન હતો અને તે ઇચ્છતી હતી કે ગોહિલ તેને મુંબઈ બહાર ફરવા લઈ જાય.

મોબાઈલ હાથમાં લેતાં સ્ક્રીન પર આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર (એપીઆઈ) પ્રણય શિંદેનું નામ નજરે પડ્યું. કસરત કરીને બાવડાં ફુલાવનારો કદાવર શિંદે પડછંદ દેખાતો. ગુનાની કબૂલાત માટે આરોપીનાં હાડકાં તોડવામાં તે કોઈ કસર બાકી ન રાખતો. નામ જેવા એકેય ગુણ તેનામાં નહોતા.

‘બોલ, શિંદે… આજે કોનાં હાડકાં તોડવા નીકળ્યો?’
‘સર, હમણાં જ એક મોટી ઘટના બની છે… તમને માહિતી મળી?’ શિંદે ઉતાવળે બોલ્યો.
‘કઈ? શું થયું?’ શિંદેની બોલવાની ઢબથી ગોહિલ સોફામાં બેઠો થઈ ગયો.
‘સર, આરે કૉલોનીમાં હેલિકૉપ્ટર ક્રેશ થયું છે!’
‘શું? હેલિકૉપ્ટર તૂટી પડ્યું?’

‘હાં… સર. કન્ટ્રોલ રૂમથી વાયરલેસ પર મેસેજ ફરી રહ્યો છે.’ શિંદેએ કહ્યું: ‘વાયરલેસ મશીન સંભાળતા આપણા કોન્સ્ટેબલનો મને ફોન આવ્યો હતો.’
‘ઠીક છે…’ ગોહિલે વિચારીને પૂછ્યું: ‘આરે… આપણી હદમાં નથીને?’
‘ના, પણ આસપાસનાં પોલીસ સ્ટેશનો અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચવાની સૂચના અપાઈ છે.’

‘ઓકે. હું બાઈક પર આવું છું… તું પણ ત્યાં પહોંચ.’ ગોહિલ સોફા પરથી ઊભો થયો: ‘કદમને જાણ કરી દેજે.’
કૉલ કટ કરીને ગોહિલે તૃપ્તિને બૂમ પાડી એટલે તૃપ્તિ રસોડામાંથી ઉતાવળે પગલે આવી.
‘મારે હમણાં જ નીકળવું પડશે.’ કહીને ગોહિલ ફટાફટ જીન્સ પૅન્ટ અને શર્ટ પહેરી તૈયાર થઈ ગયો. રૉયલ એનફીલ્ડ બાઈકની ચાવી લઈ તે ઘરની બહાર નીકળ્યો.

‘બ્રેકિંગ ન્યૂઝ… આરેના જંગલમાં હેલિકૉપ્ટર તૂટી પડ્યું… હમણાં જ બનેલી આ ઘટનાની રજેરજની વિગતો માટે અમારી સાથે રહો લાઈવ… થોડી મિનિટોમાં જ અમારી ટીમ પહોંચશે ઘટનાસ્થળે… હેલિકૉપ્ટર ક્રેશ સાઈટ પર તમને લઈ જશે અમારી ચૅનલ…’

હેલિકૉપ્ટર દુર્ઘટનાના સમાચાર જેટલી ઝડપથી ન્યૂઝ ચૅનલો પર ફ્લૅશ થઈ રહ્યા હતા એની બમણી ગતિથી સોશ્યલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા. દાવાનળની જેમ દેશઆખામાં આ બનાવના ખબર ફેલાવા લાગ્યા. અમુક ન્યૂઝ પોર્ટલે તો સવારે થયેલા સોહમ મામતોરાના મોત અને આ ઘટનાની કડી જોડવા માંડી અને વિચિત્ર હેડલાઈન બનાવી…

‘આ સુંદર-રમણીય જંગલમાં કોઈક તો અદૃશ્ય શક્તિ હોવી જોઈએ, જેને કારણે આ જંગલ વિસ્તારમાં વારંવાર એક યા બીજી દુર્ઘટનાઓ બને છે અને લોકો જીવ ગુમાવી રહ્યા છે…’

શહેરમાં આટલી મોટી ઘટના બને અને વિરોધ પક્ષ શાંત બેસે એવું બને? અધકચરી માહિતી સાથે જ વિરોધી પક્ષના નેતા ગજાનન બાપટે ચૅનલો પર બરાડા પાડીને હંગામો મચાવી દીધો હતો. સરકાર અને પોલીસના નામનાં છાજિયાં લઈને કાયદાનો ફજેતો ઊડ્યો હોવાની બુમરાણ મચાવી દીધી હતી:

‘ઘટના માટે જવાબદાર કોણ? પાઈલટની બેદરકારી કે સરકારનું લાંચિયાપણું?’
‘ડૉક્ટર પાઠક… હેલિકૉપ્ટર દુર્ઘટનાના સમાચાર જોયા?’ ડૉ. વિશ્વાસ ભંડારી ફોન પર વાત કરતી વખતે બેબાકળા જણાતા હતા.
‘હાં… મને ખબર પડી.’ ડૉ. આયુષ પાઠક ઊંડા વિચાર સાથે બોલી રહ્યા હતા: ‘હું પણ એ જ વિચાર કરી રહ્યો હતો.’

‘મને લાગે છે, આવતી કાલનો મેડિકલ કૅમ્પ કૅન્સલ કરવો જોઈએ… વ્હૉટ ડુ યુ સે?’ ડૉ. ભંડારીએ પ્રશ્ન કર્યો.
‘મને પણ એ જ યોગ્ય લાગે છે. બધી મહેનત એળે જશે, પણ આવી સ્થિતિમાં કૅમ્પ કરવો મુશ્કેલ તો બનશે.’ ડૉ. પાઠકે અભિપ્રાય આપ્યો.
‘ઠીક છે… કૅમ્પ પોસ્ટપોન્ડ કરવાની સૂચના કૃપાને આપી દઉં છું અને એને હિલતા મકાનને ઈન્ફર્મ કરવાનું પણ કહું છું.’ ડૉ. ભંડારીએ કહ્યું.

‘પોસ્ટપોન્ડ એટલે… આ મહિને કૅમ્પ ગોઠવવાનો વિચાર પણ નહીં કરાય!’ ડૉ. પાઠકના શબ્દોમાં ચિંતા હતી: ‘દુર્ઘટનાનો મામલો શાંત પડ્યા પછી જોઈએ.’
‘ઓકે’ કહીને ડૉ. ભંડારીએ કૉલ કટ કર્યો.

આરે યુનિટ-પચીસમાં આદિવાસી-ગરીબો માટે મેડિકલ શિબિરનું આયોજન કરાયું હતું. તેની તૈયારી લગભગ પૂરી થઈ ગઈ હતી, પરંતુ શિબિરના એક દિવસ પહેલાં જ હેલિકૉપ્ટર તૂટી પડવાની ઘટના બનતાં શિબિર રદ કરવાની વાતચીત ડૉ. ભંડારી અને ડૉ. પાઠક વચ્ચે થઈ હતી.

ડૉક્ટર અને રહેવાસીઓ વચ્ચે સમન્વય સાધવાનું કામ ડૉ. ભંડારીની સેક્રેટરી કૃપા ગોડબોલે સંભાળતી હતી. ભંડારીની સામાજિક સંસ્થા સાથે સંકળાયેલી કૃપા આરેના રહેવાસીઓ, ગરીબોના ઉદ્ધાર માટે કાર્યરત હતી. આરેના રહેવાસીઓમાં તેની છાપ કૃપાળુ તરીકેની હતી. આ શિબિર માટે તેણે ઘણી મહેનત કરી હતી.

શિબિરના ઉદ્ઘાટન માટે સ્થાનિક વિધાનસભ્ય ગુલાબરાવ જાંભુળકર આવવાના હતા એટલે શિબિર રદ કરવાની જાણકારી તેમના પર્સનલ આસિસ્ટન્ટ (પીએ) પ્રસન્ન ચૌધરીને આપવી જરૂરી હતી, જેને અમુક લોકો હિલતા મકાન કહેતા.

‘ગુડ આફ્ટરનૂન, સર!’
ઈન્સ્પેક્ટર રવિ કદમ અને એપીઆઈ પ્રણય શિંદેના વિવેકનો જવાબ આપ્યા વગર બાઈક મુખ્ય રસ્તાને કિનારે પાર્ક કરીને ગોહિલે માત્ર ‘ચાલો…’ કહી હેલિકૉપ્ટર તૂટ્યાના સ્થળે જવા પગ ઉપાડ્યા. કદમ અને શિંદેએ પણ ચૂપચાપ ગોહિલની પાછળ ચાલવા માંડ્યું.

ચાલતાં ચાલતાં ગોહિલે કોન્સ્ટેબલ સંજય માને તરફ જોયું. માને ક્રાઈમ બ્રાન્ચના સરકારી વાહન બોલેરો સાથે આવ્યો હતો આદત મુજબ માને તમાકુ મસળી રહ્યો હતો. ગોહિલનું ધ્યાન જતાં હાથ પીઠ પાછળ વાળી લઈ માને ટટ્ટાર થઈ ગયો. બન્નેને ત્યાં જ ઊભા રહેવાનો ઇશારો કરી ગોહિલ સાંકડા-ઊબડખાબડ રસ્તા પરથી આગળ વધ્યો.

‘અકાળે મૃત્યુ પામનારા લોકોના આત્મા શક્તિશાળી હોય છે… જોયું, હવામાં ઊડતા હેલિકૉપ્ટરને પણ જમીન પર ખેંચી પાડ્યું.’ પથરાળ સાંકડા રસ્તા પર ઊભેલા લોકો વચ્ચે ગણગણાટ ચાલુ હતો, જેમાંથી એકનો અવાજ ગોહિલના કાને પડ્યો. તેણે જાણીજોઈને ચાલ ધીમી કરી. દુર્ઘટનાગ્રસ્ત હેલિકૉપ્ટરને જોવા આસપાસના પાડાના લોકો એકઠા થઈ ગયા હતા અને ચિત્રવિચિત્ર ચર્ચા કરવા લાગ્યા હતા.

‘…તો શુંને, દુરાત્માની નાગચૂડમાંથી કોઈ બચ્યું છે. આજે સવારે જ જોયુંને? કેવા જુવાનજોધે જીવ ગુમાવ્યો.’ એક મહિલાના શબ્દો સંભળાયા. ગોહિલે થોડા આગળ ડગ માંડ્યાં એટલે ગણગણાટ સંભળાતો બંધ થયો. તેણે ચાલવાની ગતિ ફરી વધારી.

આરે યુનિટ-16માં જંગલના જે ભાગમાં હેલિકૉપ્ટર તૂટી પડ્યું હતું એ મુખ્ય માર્ગ અને સાંકડી કેડીથી ઘણો અંતરિયાળ અને નિર્જન પરિસર હતો. ઊંચાં ઘટાદાર વૃક્ષો અને ઝાડીઝાંખરાંથી ઘેરાયેલા આ વિસ્તાર સુધી બાઈક નહોતી જઈ શકતી તો ફાયર બ્રિગેડનું વાહન જવાનો પ્રશ્ન જ નહોતો ઊભો થતો.

‘પાઈલટે સમયસર બુદ્ધિનો ઉપયોગ કરીને યોગ્ય-નિર્જન સ્થળે હેલિકૉપ્ટર ક્રેશ કરાવ્યું છે. લોકોના જાનમાલને બચાવી પોતાનો જીવ આપ્યો.’ ગોહિલે વિચાર્યું.
‘આ સ્થળે બચાવકાર્ય કઈ રીતે થયું હશે?’ કદમ તરફ જોઈ ગોહિલે અમસ્તા સવાલ કર્યો.
‘સર, બધી સેવાઓ પહોંચે તે પહેલાં નજીકના ગામવાસીઓએ જ પરિસ્થિતિ સંભાળી લીધી હોવાનું કહેવાય છે.’ કદમે માહિતી આપી.

‘હેલિકૉપ્ટરમાં કેટલા લોકો હતા? કોણ હતું? એ બધી વિગતો મળી?’ ડુંગરાળ માર્ગ પર ચાલતાં ગોહિલે પ્રશ્નો કરવા માંડ્યા.
‘સર, મુંબઈ દર્શન કરાવનારી કંપની પાસેથી હજુ કોઈ માહિતી આવી નથી.’ શિંદેએ જવાબ આપ્યો.
વાતચીત કરતાં ગોહિલ, કદમ અને શિંદે ઘટનાસ્થળે પહોંચ્યા. આરે સહિત પવઈ, સાકીનાકા અને વનરાઈ પોલીસ સ્ટેશન તેમ જ ક્રાઈમ બ્રાન્ચના દહિસર, કાંદિવલી અને સાકીનાકા યુનિટના અધિકારીઓ પણ પહોંચી ગયા હતા. ગોહિલ આરે પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર અશોક ગાયકવાડ પાસે જઈ ઊભો રહ્યો. કદમ અને શિંદે પણ તેની પાછળ દોરાયા.

ગોહિલે હેન્ડશેક કરી ગાયકવાડના ચહેરા પર નજર ટકાવી રાખી એટલે તે સમજી ગયો. ગોહિલ કંઈ પૂછે તે પહેલાં જ ગાયકવાડે બોલવા માંડ્યું.

‘હેલિકૉપ્ટર સીધું જમીન પર પટકાવાને બદલે વૃક્ષો વચ્ચે અથડાતું નીચે પડ્યું હતું, જેને કારણે તેના બે ટુકડા થઈ ગયા અને માત્ર અમુક હિસ્સામાં આગ લાગી હતી. આખું હેલિકૉપ્ટર સળગ્યું નથી.’ ગાયકવાડે હેલિકૉપ્ટરની દિશામાં આંગળી ચીંધી.
‘તેમાં હાજર લોકોનું શું થયું?’ ગોહિલે હેલિકૉપ્ટરના કાટમાળ તરફ જોતાં પૂછ્યું.

‘પાઈલટ સહિત પાંચ જણ હતા, જેમાં એક મહિલા અને છોકરી પણ છે.’ ગાયકવાડે વધુમાં કહ્યું: ‘હેલિકૉપ્ટર ક્રેશ થતાં જ નજીકના ગામના લોકો પાણીનાં કૅન-બાલદી સાથે દોડી આવ્યા હતા. પાણી અને રેતીની મદદથી આગ ઓલવી નાખી હતી…’
ગાયકવાડ વધુ જાણકારી આપે તે પહેલાં ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ડીસીપી) સુનીલ જોશી આવતા નજરે પડ્યા.
‘અહીંની પરિસ્થિતિ શું છે?’ આવતાંવેંત જોશીએ પ્રશ્ન કર્યો.
બધા અધિકારી એકબીજાના ચહેરા સામું જોઈ રહ્યા. આખરે ગાયકવાડે જ મૌન તોડ્યું: ‘સર, પરિસ્થિતિ ક્ધટ્રોલમાં છે. દુર્ઘટનાસ્થળની આસપાસના પરિસરમાં તપાસ ચાલુ છે.’

‘ઓકે…’
‘હેલિકૉપ્ટરના બે ટુકડા થયા છે અને આખું સળગ્યું નથી એટલે બ્લૅક બૉક્સ સહીસલામત છે.’
‘હેલિકૉપ્ટરમાંના લોકોનો શું રિપોર્ટ છે?’ ખંડાગળેએ પ્રશ્ન કર્યો.
‘સર, હેલિકૉપ્ટરમાં પાંચ જણ હતા, જેમાંથી…’
‘વ્હૉટ… કેટલા?’ જોશીએ વાક્ય વચ્ચે જ કાપી સવાલ કર્યો.
‘પાંચ જણ!’

‘…પણ અત્યારે જ પવનહંસથી મારી પાસે માહિતી આવી તે અનુસાર હેલિકૉપ્ટરમાં પાઈલટ સહિત ચાર જણ હતા!’
જોશીએ વાત આગળ ધપાવી: ‘પાઈલટ, ટેક્નિશિયન અને એક દંપતી.’
‘…પણ હેલિકૉપ્ટર પાસેથી પાંચ જણને કૂપર હૉસ્પિટલ લઈ જવાયા… ત્રણ પુરુષ અને બે સ્ત્રી, જેમાં એક છોકરી છે!’ ગાયકવાડે કહ્યું.

‘છોકરી? એ ક્યાંથી આવી?’ જોશીને આશ્ચર્ય થયું.
‘હાં… અંદાજે સત્તર-અઢાર વર્ષની હશે!’ ગાયકવાડે વાત પૂરી કરી.
‘એ કઈ રીતે શક્ય છે!’ જોશી સહિત બીજા અધિકારીઓ પણ વિચારમાં પડી ગયા…
(ક્રમશ:)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button