પ્લોટ – 16 – પ્રકરણ-19 : ભૂતિયા બસ સ્ટોપ પર સફેદ સાડીવાળી સ્ત્રી

અત્યારે બે લાશ તમારે ત્યાં આવશે. મને લાગે છે કે એનું માત્ર પોસ્ટમોર્ટમ નહીં, બીજી પણ ચકાસણીઓ કરવી પડશે…
યોગેશ સી પટેલ
સાંજે છ વાગ્યે અંધારું જંગલને ઘેરી વળવા લાગ્યું એટલે શબ શોધવા માટે જમીન ખોદવાની કામગીરી અટકાવી દેવી પડી હતી. ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ પ્રક્રિયા પૂર્ણ કરીને રવાના થયા પછી ડીસીપી સુનીલ જોશીએ પણ જરૂરી સૂચના આપી ઘટનાસ્થળેથી પગ ઉપાડ્યા. સૂચના આપતી વખતે ડીસીપી ખૂબ જ ગંભીર જણાયા હતા. તેમના ચહેરા પર ચિંતા સ્પષ્ટ જોઈ શકાતી હતી. પોલીસે ભારે દબાણ હેઠળ કુનેહપૂર્વક તપાસ કરવી પડશે એવો સાર તેમની વાતનો હતો.
ફોરેન્સિક સાથેની દસ્તાવેજી પ્રક્રિયા પૂરી કરવા ગોહિલ અને તેની ટીમ રોકાયેલી હતી.
‘સર… નીચે મીડિયાએ હંગામો મચાવી દીધો છે!’ સિનિયર ઈન્સ્પેક્ટર અશોક ગાયકવાડને મુખ્ય રસ્તા પર તેમના વાહન સુધી છોડીને પાછા ફરેલા કોન્સ્ટેબલ નામદેવ દળવીએ માહિતી આપી.
‘એ તો થવાનું જ હતું, દળવી. કેસ ઘણો મોટો બની રહ્યો છે એટલે પ્રેસના બરાડા પણ મોટા હોવાના જ!’ ગોહિલે કહ્યું.
‘સર… મીડિયાને ડ્રગ્સના સંકેત મળી ગયા છે…’ દળવીએ ગોહિલને આંચકો આપ્યો.
ફોરેન્સિક નિષ્ણાતોએ કાર્યવાહી આટોપી લીધા પછી ગોહિલે પોલીસ સ્ટેશને પાછા વળવાનું વિચાર્યું. બે લાશ મળી એ સ્થળે સુરક્ષા માટે રોજ કરતાં ત્રણ કોન્સ્ટેબલ અને બે અધિકારી વધારાના ગોઠવી દેવાનો નિર્ણય લેવાયો.
ગોહિલ ઘટનાસ્થળેથી નીકળ્યો ત્યારે તેનો મોબાઈલ રણક્યો. કૂપર હૉસ્પિટલના ડૉ. ભાવિક માજીવડેનો કૉલ હતો.
‘બોલો, ડૉક્ટરસાહેબ!’ ગોહિલે ચાલતાં ચાલતાં કૉલ રિસીવ કરી કહ્યું.
‘ઑફિસર, મેં તમને કહ્યું હતુંને… આરેના માર્ગ પર મૃત્યુ પામેલા લોકોના કેસ પર નજર ફેરવજો!’
‘હાં… અમે તેનો અભ્યાસ કર્યો છે.’ ગોહિલે કહ્યું.
‘શું તારણ નીકળ્યું?’
‘ડૉક્ટરસાહેબ… આરેમાં યુનિટ સોળ આસપાસ પાંચ મહિનામાં અગિયાર જણે હાર્ટ અટેકથી જીવ ગુમાવ્યા છે અને આની પાછળનું કારણ શોધીને જ હું જંપીશ!’
પથરાળ કેડી પર ચાલતા ગોહિલની નજર અવાજની દિશામાં આસપાસનાં વૃક્ષો પર ગઈ. અમુક વાનરો એક ઝાડથી પરથી બીજા ઝાડ પર કૂદાકૂદ કરતાં હતાં.
‘આ જ મુદ્દો મારે તમારા ધ્યાનમાં લાવવો હતો! આ યોગાનુયોગ ન હોઈ શકે… આની પાછળ કોઈ ચોક્કસ કારણ હોવાનું મને લાગે છે!’
ડૉ. માજીવડેના ખુલાસાથી ગોહિલ વિચારમાં પડી ગયો. થોડી ક્ષણ માટે તે કંઈ ન બોલ્યો. ગોહિલને તંદ્રામાંથી જગાડતા હોય તેમ ડૉ. માજીવડે બોલ્યા: ‘હેલો… ઑફિસર, શું થયું?’
‘કંઈ નહીં… તમારી વાત પર વિચાર કરતો હતો. ઍની વે, તમે અત્યારે મને કયા કારણસર યાદ કર્યો?’
‘આજે જેનું શબ હૉસ્પિટલમાં આવ્યું હતું તે રશેષ દાવડાનું મૃત્યુ પણ હૃદયરોગના હુમલાથી જ થયું છે!’
ડૉ. માજીવડેએ આપેલી માહિતીથી ગોહિલ ફરી વિચારમાં પડ્યો. પછી તરત જ તેણે ‘ઓકે… હું એ વાત પર ધ્યાન આપું છું.’ કહીને વાત આગળ વધારી.
‘ડૉક્ટરસાહેબ… તમારે અમને હજુ ઘણી મદદ કરવાની છે. અત્યારે બે લાશ તમારે ત્યાં આવશે. જમીનમાંથી એ કાઢવામાં આવી છે. મને લાગે છે કે એનું માત્ર પોસ્ટમોર્ટમ નહીં, બીજી પણ ચકાસણીઓ તમારે કરવી પડશે!’ ગોહિલ આગોતરી સૂચના આપતો હોય તેમ કહેતો હતો.
‘નો પ્રોબ્લેમ, ઑફિસર. અમે બનતી દરેક મદદ કરવા તૈયાર છીએ.’ કહીને ડૉ. માજીવડેએ કૉલ કટ કર્યો.
ફોન પર વાત કરતો ગોહિલ મુખ્ય રસ્તા નજીક પહોંચ્યો ત્યારે તેને કલ્પનાય નહોતી કે મીડિયા અને રહેવાસીઓનો આટલો જમાવડો હશે. ગોહિલની ટીમને મીડિયાએ ઘેરી લીધી અને સવાલોનો મારો ચલાવવા માંડ્યો. તેણે મીડિયાના સવાલોના જવાબ આપવાનું ટાળ્યું.
‘તપાસ ચાલી રહી છે… અત્યારના તબક્કે કંઈ પણ કહેવું વહેલું ગણાશે… અમે કોઈ નિષ્કર્ષ પર પહોંચીશું એટલે તમને માહિતી આપવામાં આવશે!’ આટલું બોલીને તે બોલેરોમાં ગોઠવાયો.
જંગલમાં દટાયેલી લાશોનો કેસ ભયાનક રૂપ ધારણ કરતો હતો ત્યારે ગોહિલના મગજમાં ડ્રગ્સ અને હાર્ટ અટેકથી જીવ ગુમાવનારાઓના અધ્યાય ઉછાળા મારતા હતા. થાક્યો હોવા છતાં તેણે મધરાતે જંગલમાં રાઉન્ડઅપ પર નીકળવાનું નક્કી કર્યું.
‘સર, તમે ઘરે જઈને આરામ કરો… અમે હેન્ડલ કરી લઈશું.’ ગોહિલે ગાયકવાડને વિનંતી કરી.
‘કૅબિનમાં એસી ચાલુ કરીને ખુરશી પર લંબાવ્યું હતું. કલાક મસ્ત ઊંઘ આવી… ઘણો આરામ મળ્યો!’ ગાયકવાડે કહ્યું.
‘અને ગોહિલ, હમણાં જ મેં ત્રણ વડાંપાંઉ પેટમાં ધકેલ્યા એટલે તરોતાજા થઈ ગયો છું… પણ તેં નાસ્તો કર્યો?’
ગાયકવાડે પૂછતાં ગોહિલે માત્ર હકારમાં માથું હલાવ્યું. ખરેખર તો તેણે પોતાની ટીમ માટે ચા-નાસ્તો મગાવ્યા હતા, પણ પોતે માત્ર ચા પીધી હતી. તેનું મગજ આરેના મુખ્ય માર્ગ પર વાહનચાલકો હૃદયરોગના હુમલાથી શા માટે જીવ ગુમાવે છે તેની પાછળનું રહસ્ય જાણવા મથતું હતું.
જમીનમાંથી ખોદી કઢાયેલાં પુરુષ અને સ્ત્રીનાં શબ પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ માટે કૂપર હૉસ્પિટલમાં મોકલી દઈ સાંજે સાત વાગ્યે ગોહિલ આરે પોલીસ સ્ટેશને પાછો ફર્યો હતો. બન્નેમાંથી પુરુષની લાશ વધારે કોહવાયેલી હતી એટલે તેનું મૃત્યુ સ્ત્રી કરતાં પહેલાં થયું હોવાનું અનુમાન પોલીસે લગાવ્યું હતું. જોકે મેટલ ડિટેક્ટરે કઈ ધાતુ શોધી, જેને કારણે સૌપ્રથમ પુરુષની લાશ મળી એ હજી જાણી શકાયું નહોતું.
જંગલમાં ખોદવાની પરવાનગી મળ્યાની ખુશીમાં રાતે ગોહિલ બરાબર ઊંઘી શક્યો નહોતો. તે આતુરતાથી સવાર પડવાની રાહ જોતો હતો. એમાં રશેષ દાવડાના મોતના સમાચાર સવારમાં જ મળ્યા અને તેનું મૃત્યુ પણ હાર્ટ અટેકથી થયું હોવાની માહિતી ડૉ. માજીવડેએ આપતાં તેના મગજનું ભારણ વધી ગયું. આવી ઘટનાઓ વધી રહી હોવાથી ગોહિલે દિવસભરના થાકોટા છતાં મધરાતે જંગલમાં ફેરો મારવાનું નક્કી કર્યું હતું.
ચારેક દિવસ પહેલાં પણ ગોહિલ અને આરે પોલીસની ટીમે તપાસના ભાગ રૂપે જંગલના મુખ્ય માર્ગ દિનકરરાવ દેસાઈ રોડ પર મધરાતે નિરીક્ષણ માટે નીકળવાનું નક્કી કર્યું હતું, પરંતુ તે રાતે દીપડાએ પોલીસનો માર્ગ રોક્યો હતો અને અધિકારીઓ પોલીસ સ્ટેશનની બહાર નીકળી શક્યા નહોતા.
ગોહિલે બૂલેટ્સ ભરેલી મૅગેઝિન પિસ્તોલમાં ફિટ બેઠી એની ખાતરી કરી લીધી. પછી પિસ્તોલ પીઠ પાછળ પૅન્ટમાં ખોસીને તે ટીમ સાથે પહેલા માળથી નીચે ઊતર્યો ત્યારે સિનિયર ઈન્સ્પેક્ટર અશોક ગાયકવાડ તૈયાર હતા. ગાયકવાડ થાકી ગયા હોવાનું માની ગોહિલે તેમને આરામ કરવાની વિનંતી કરી હતી.
ગોહિલની ટીમ સાથે કોન્સ્ટેબલ નામદેવ દળવી ક્રાઈમ બ્રાન્ચની બોલેરોમાં ગોઠવાયો. આરે પોલીસની ક્વોલિસમાં ગાયકવાડ સાથે કામત, બંડગર, સાવંત અને વિદ્યા પાટીલ હતી.
‘સર… ગાડી કઈ તરફ લઉં?’ કોન્સ્ટેબલ સંજય માનેના સ્પષ્ટ ઉચ્ચારથી ગોહિલને ખાતરી થઈ કે તેણે મોંમાં તમાકુ નથી ભર્યું.
‘પિકનિક પૉઈન્ટ… પણ ધીરે!’ ગોહિલે કહ્યું.
ગોહિલના આદેશથી માનેએ બોલેરો ગિયરમાં નાખી. હળવા આંચકા સાથે બોલેરો સ્ટાર્ટ થઈ એટલે પાછળ ગાયકવાડની ક્વોલિસ પણ નીકળી. બન્ને વાહન યુનિટ-4 નજીકની આરે માર્કેટ પસાર કરીને યુનિટ-6 પહોંચ્યાં.
‘સર… આ એક માર્ગ છે, જ્યાંથી દીપડો અહીં આવે છે!’ દળવીએ તેની જાડી મૂછને તાવ દેતાં આરેની ભુગોળનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું.
‘કેમ? દીપડો તને પૂછીને માર્ગ નક્કી કરે છે!’ ગોહિલે ગમ્મત કરી.
‘એવું હોય તો તારે દીપડાને માર્ગ પરથી ભટકાવી દેવાનો!’ કદમની ટીખળથી બધા હસી પડતાં બોલેરોમાંનું વાતાવરણ થોડું હળવું થયું.
‘એમ નથી, સર… પણ આ માર્ગ યુનિટ સાત અને આગળ ફિલ્મ સિટી તરફ જાય છે, જ્યાં ગીચ જંગલ છે.’ દળવીએ સમજાવ્યું.
બોલેરોમાંનું એસી બંધ કરીને દરવાજાના કાચ નીચે કરી રાખવામાં આવ્યા હતા. ડાબી તરફ ઘનઘોર જંગલનો પરિસર રાતે એકદમ ભેંકાર ભાસતો હતો.
યાદવ બાવડી નજીકનો પરિસર પસાર કરીને બોલેરો યુનિટ-16 તરફ આગળ વધી એટલે દળવીએ ફરી માહિતી આપવાનું શરૂ કર્યું.
‘આ જુઓ છોને, સર… ઝાડીઝાંખરાંથી ઘેરાયેલો પરિસર… અહીં દિવસે પણ લોકોની અવરજવર ખૂબ ઓછી હોય છે. દીપડાનો આવવાનો આ બીજો માર્ગ!’
‘આ પરિસરના છેવાડે યુનિટ ત્રીસ અને સામે ટેકરી પર રૉયલ પામ હોટેલ નજીક નૅશનલ પાર્કનો વિસ્તાર અડતો હોવાથી એ ભાગમાં દીપડો અને જંગલી કૂતરા ઘણી વાર ઘૂસી આવે છે.’ દળવીએ ફરી મૂછને પંપાળતાં કહ્યું.
યુનિટ-16માં પહોંચ્યા ત્યારે દળવીએ એકાએક માનેને કહીને બોલેરો અટકાવી દીધી એટલે બધા ચોંક્યા.
‘સર… જમણી તરફ જુઓ.’
‘શું છે?’ કહીને ગોહિલ સીટ પર બેઠાં બેઠાં જ થોડો આગળની તરફ ઝૂક્યો અને અનાયાસે તેનો હાથ કમરમાં ખોસેલી પિસ્તોલ તરફ ગયો.
‘ચ્યા માયલા! હરણની જોડી… નાળાને કિનારે!’ દળવીએ કહ્યું એટલે ગોહિલે નિરાંતનો શ્ર્વાસ લીધો.
‘આ હરણના શિકાર માટે દીપડો અહીં આવ્યો હશે. એટલે જ પેલી રાતે પોલીસ સ્ટેશન બહાર દેખાયો અને પછી બાળક… ભોલુને ફાડી ખાધો!’
દળવીએ વધુમાં કહ્યું: ‘હવે તો વન વિભાગને જાણ કરીને પાંજરું ગોઠવવું જ પડશે, નહીં તો દીપડો બીજા કેટલાનો ભોગ લેશે… ભગવાન જાણે!’
યુનિટ-16ના છેવાડે મૉડર્ન બૅકરીના બસ સ્ટોપ પાસે બોલેરો પહોંચી એટલી દળવીએ ચોંકાવનારી માહિતી આપી.
‘સર… આ બસ સ્ટોપ આસપાસ મધરાતે સફેદ સાડીવાળી સ્ત્રી… ભૂત દેખાયાના દાવા અનેક લોકોએ કર્યા છે.’
હવે ગોહિલે બોલેરો ઊભી રખાવી એટલે પાછળ ગાયકવાડની ક્વોલિસને પણ બ્રેક લાગી. બોલેરોમાંથી ગોહિલ બહાર નીકળ્યો એટલે ગાયકવાડ, કદમ અને શિંદે પણ નીચે ઊતર્યા.
‘સર… આમ મધરાતે ગાડીની બહાર ઊતરીને રસ્તા પર ઊભા રહેવું જોખમી છે!’ દળવીએ બધાને સજાગ કર્યા.
‘કેમ? ભૂત આવી જશે!’ ગોહિલે કટાક્ષ કર્યો.
‘ના… જંગલી જનાવરો કોઈ પણ ક્ષણે હુમલો કરી શકે છે!’
ગોહિલે દસેક મિનિટ ગાયકવાડ સાથે બસ સ્ટોપ પાસે આંટા માર્યા. મધરાતે સાવ નિર્જન થઈ જતા આ માર્ગ પરથી એકલદોકલ વાહન પસાર થતાં હતાં. એટલી શાંતિ હતી કે તમરાંનો અવાજ પણ સ્પષ્ટ સંભળાતો હતો, જે શરીરમાં કંપારી લાવી દેતો હતો. વનરાજી વચ્ચેથી થોડા થોડા સમયે સુસવાટા સાથે પવન પસાર થતો હતો, જેને કારણે થતો ગુંજારવ નબળા હૃદયવાળી વ્યક્તિમાં ભય ઊભો કરવા પૂરતો હતો.
ગોહિલ પછી બધા ફરી વાહનમાં ગોઠવાયા. મુખ્ય રસ્તાને કિનારે આવેલા પમ્પ હાઉસ, ખડકપાડા અને કોમ્બટપાડા વિસ્તાર પસાર કરીને બોલેરો બિસરા મુંડા ચોક પહોંચી, પણ ગોહિલને એવો કોઈ અનુભવ ન થયો કે જેનાથી હાર્ટ અટેક આવવાનું કારણ જાણી શકાય.
વાહનમાંથી ઊતરેલા ગાયકવાડના હાથમાં પાણીની બૉટલ હતી. તેમને જોઈને ગોહિલ પણ બોલેરોમાંથી ઊતર્યો. બે-ત્રણ કોગળા કરીને ગાયકવાડે પાણી પીધું. થોડી આળસ ખંખેરી તેમણે ગોહિલ તરફ જોયું.
‘ગોહિલ… શું લાગે છે? મને તો કંઈ શંકાસ્પદ ન દેખાયું! હવે?’
‘આપણે હાઈવે તરફ ફટાફટ નીકળી જઈએ… જોઈએ શું હાથ લાગે છે.’ ગોહિલના સૂચન પછી બધા પાછા વાહનમાં ગોઠવાયા. આટલા સમયમાં માનેએ તમાકુ મસળીને ગલોફામાં ભરી દીધું.
‘સર… આ રસ્તો છેવાડે આવેલી મૉડર્ન બૅકરી તરફ જાય છે.’ યુનિટ-16 નજીક પાછા પહોંચ્યા ત્યારે સાંકડો રસ્તો દેખાડી દળવીએ કહ્યું.
જોકે ગોહિલને હવે કોઈ માહિતી જાણવાની ઇચ્છા નહોતી. તેને ફેરો ફોગટ ગયાનું દુ:ખ હતું. શા માટે લોકો હાર્ટ અટેકથી જીવ ગુમાવી રહ્યા છે… એ પ્રશ્ન સતત તેના મનમાં ઘૂમરાયા કરતો હતો.
ધીમા વેગમાં દોડતી બોલેરો આરે હૉસ્પિટલ પાસે પહોંચી ત્યારે એકાએક જંગલમાંથી મહિલાનો રડવાનો અવાજ સંભળાયો એટલે ગોહિલ સહિત બધા હચમચી ઊઠ્યા. મહિલાની તીણી ચીસ જંગલની શાંતિને ભેદીને બધાની છાતીમાં ખૂંપી જાય એવી હતી. તરત બધાની નજર અવાજની દિશામાં ગઈ અને બોલેરોની પાછળ ક્વોલિસ પણ થંભી ગઈ.
મહિલાના આક્રંદમાં બીજાં સ્ત્રી-પુરુષોનો અવાજ ભળ્યો. જોતજોતાંમાં વિલાપથી જંગલ ગુંજી ઊઠ્યું. આટલી નીરવતા વચ્ચે ફેલાયેલું રુદન ડરામણું લાગતું હતું…
(ક્રમશ:)
આ પણ વાંચો…પ્લોટ-16 – પ્રકરણ-18: જમીનમાં દટાયેલી લાશોનો ઢગલો…