પ્લોટ-16 – પ્રકરણ-18: જમીનમાં દટાયેલી લાશોનો ઢગલો…

યોગેશ સી પટેલ
‘એને બધી સ્ત્રી ડાકણ લાગતી અને કદરૂપા ચહેરાની ભૂત જેવી દેખાતી!’ આરે હૉસ્પિટલના ડૉ. મૃત્યુંજય હિરેમઠની વાત સાંભળીને ઈન્સ્પેક્ટર ચંદ્રેશ ગોહિલનું મગજ ચકરાવે ચડ્યું હતું.
મંજરીની લાશ મળી એ સ્થળે બીજાં શબ દટાયેલાં છે કે નહીં તેની ખાતરી કરવા માટે વન વિભાગ પાસે માગવામાં આવેલી જમીન ખોદવાની પરવાનગી પોલીસને મળી ગઈ હતી. આગલી સાંજે વન વિભાગનો પત્ર મળ્યો ત્યારથી ગોહિલ ઉત્સાહમાં હતો, પણ…
…પણ પ્રથમ ગ્રાસે મક્ષીકાની જેમ સવારના પહોરમાં ચા પીતા પહેલાં જ સબ-ઈન્સ્પેક્ટર દત્તા બંડગરનો ફોન આવ્યો હતો. યુનિટ-16 નજીક આરે હૉસ્પિટલથી થોડે આગળ વધુ એક વાહનચાલકે જીવ ગુમાવ્યો હતો!
બોરીવલીમાં રહેતા રશેષ દાવડાની વિક્રોલીમાં રેડીમેડ કપડાંની દુકાન છે. દાવડા પરિવાર પહેલાં ઘાટકોપરમાં રહેતો હતો. બે વર્ષ પહેલાં જ તે બોરીવલી શિફ્ટ થયો હતો. ગઈ કાલે રાતે દુકાન વધાવીને મિત્રો સાથે પાર્ટી કરવા પવઈના બિયરબારમાં ગયો. બારમાંથી નીકળતી વખતે તેણે પત્ની વત્સલાને ફોન કર્યો હતો, એવી માહિતી બંડગરે આપેલી.
‘દારૂ ઢીંચીને નીકળ્યો એટલે કાર ઠોકી દીધી હશે?’ ગોહિલે પૂછેલું.
‘ના, સર… ભૂતડીએ માર્યો એને!’
‘ભૂતડી… એટલે?’
‘આરેના મુખ્ય માર્ગ પરથી દાવડા તેની કારમાં જતો હતો. પત્નીએ ફોન કર્યો ત્યારે કાર યુનિટ સોળ નજીક પહોંચી હતી. બન્ને વચ્ચે ફોન પર વાતચીત ચાલતી હતી ત્યારે એકાએક દાવડાને કારની સામે રસ્તા પર કદરૂપા ચહેરાવાળી સ્ત્રી દેખાઈ. ડરી ગયેલા દાવડાએ હૉસ્પિટલથી થોડે આગળ કાર રોકી અને…’ બંડગર પણ થોડું અટક્યો.
‘અને?’
‘સર… પરસેવે રેબઝેબ દાવડા એકાએક બેભાન થઈ ગયો!’
બંડગરે કહેલું: ‘ચાલુ કૉલે દાવડાએ એકાએક ‘ભૂત’ કહીને ચીસ પાડ્યા પછી વાત કરવાનું બંધ કરી દેતાં ડરી ગયેલી પત્નીએ તરત ક્ધટ્રોલ રૂમને જાણ કરી હતી. આપણી ટીમ પહોંચી ત્યારે દાવડા મૃત્યુ પામ્યો હતો, પણ મરતાં પહેલાં તેણે પત્નીને કદરૂપી સ્ત્રી તેના પર ધસી આવી હોવાનું ફોન પર કહ્યું હતું!’
ઘટનાની વિગતો સાંભળીને ગોહિલ ધૂંઆપૂંઆ થઈ ઊઠ્યો હતો. આરેમાં યુનિટ-16 નજીક વધુ એકનું મોત થયું હતું અને એના મોત સાથે ફરી ભૂત-આત્માની ચર્ચા શરૂ થઈ હતી. આ માહિતીથી જમીનમાંથી બીજાં શબ શોધી કાઢવાનો ગોહિલનો ઉત્સાહ જાણે ઓછો થવા લાગ્યો હતો.
જંગલમાં શબ શોધવા માટે ખોદવાની કામગીરી બપોરે હાથ ધરાવાની હતી એટલે અત્યારે ગોહિલ તેની ટીમ સાથે આરે પોલીસ સ્ટેશનની કૅબિનમાં એ કામગીરી સંબંધી પ્રક્રિયા અંગે ચર્ચા કરતો હતો ત્યારે ડૉ. હિરેમઠ તેને મળવા આવ્યા હતા.
મંજરી ગુમ થઈ તેના એક દિવસ પહેલાં આરે હૉસ્પિટલમાં ગઈ હતી તે અંગેની વધુ જાણકારી પોલીસ મેળવી રહી હતી. પોલીસની ટીમ હૉસ્પિટલમાં પૂછપરછ માટે ગઈ ત્યારે ડૉ. મંદિરા અજવાની અને ડૉ. શ્રીધર ત્યાગીએ યોગ્ય પ્રતિસાદ આપ્યો નહોતો એટલે ડૉ. હિરેમઠ માહિતી આપવા આવ્યા હતા.
મંજરીને બધી સ્ત્રી ડાકણ લાગવા માંડી હતી અને સ્ત્રીઓના ચહેરા તેને કદરૂપા ભૂત જેવા દેખાતા હતા. એવી માહિતી ડૉ. હિરેમઠે આપી. વળી પાછી ભૂત-પ્રેત અને આત્માની વાતો સાંભળીને ગોહિલનું મગજ ચકરાવે ચડ્યું હતું.
‘મંજરી એક વાર નહીં, બે વાર અમારી હૉસ્પિટલે આવી હતી.’ ડૉ. હિરેમઠે જાણે ભેદ ખોલ્યો.
ગોહિલ ટીકી ટીકીને ડૉક્ટરને જોતો રહ્યો. તેના પ્રશ્ન પૂછવાની રાહ જોયા વિના ડૉ. હિરેમઠે આગળ બોલવા માંડ્યું.
‘ભાગવતીને તેની દીકરી મંજરીનું વર્તન વિચિત્ર લાગતું એટલે પહેલાં પણ તે મંજરીને અમારી પાસે લાવી હતી. તે સમયે અમને છોકરી મનમોજીલી લાગી હતી. મન ફાવે તેમ એ જંગલમાં ભટક્યા કરતી.’
‘તમે શું ટ્રીટમેન્ટ આપી?’ ગોહિલને મુદ્દાની વાત જાણવામાં રસ હતો, કેમ કે તેનું લક્ષ્ય તો બપોર પછીની કામગીરી પર હતું… જમીન ખોદીને લાશ શોધી કાઢવાની!
‘તે સમયે તો મેં મગજને શાંતિ મળે અને ઊંઘ સારી આવે એવી દવાઓ આપી હતી?’ ડૉ. હિરેમઠે કહ્યું.
‘બીજી વાર ક્યારે મંજરી તમારી હૉસ્પિટલમાં આવી હતી?’ ઈન્સ્પેક્ટર રવિ કદમે પ્રશ્ન કર્યો.
‘પખવાડિયા પહેલાં ભાગવતી તેને લાવી હતી… ત્યારે તેનું સ્વાસ્થ્ય ખરેખર કથળેલું હતું.’
‘તેને થયું શું હતું?’ કદમે ફરી પ્રશ્ન કર્યો.
‘એ જાણવું મુશ્કેલ હતું. તેને પ્રોપર ટ્રીટમેન્ટની જરૂર હતી. મને શંકા હતી કે તેના મગજ પર અસર થઈ હતી!’
‘એટલે તમે તેને મગજના ડૉક્ટર પાસે લઈ જવાની ભાગવતીને સલાહ આપી હતી?’ ગોહિલે પૂછતાં ડૉ. હિરેમઠ ચોંક્યા.
‘મગજના ડૉક્ટર? ના… ના… એવું તમને કોણે કહ્યું? મેં તો એને સાઈકિયાટ્રીસ્ટ પાસે લઈ જવાનું કહ્યું હતું.’
‘કેમ?’
‘કેમ કે ભાગવતીનું કહેવું હતું કે મંજરીમાં ભૂત ભરાયું હતું!’
‘ભૂત?’ એપીઆઈ શિંદેના મોંમાંથી શબ્દ સરી પડ્યો.
‘યુનિટ સોળ નજીકથી પસાર થતી વખતે મંજરીને ભૂત દેખાયું હતું અને તે એના શરીરમાં ભરાયું હોવાની ભાગવતીને શંકા હતી!’
યુનિટ સોળ અને ભૂત… ગોહિલના કાન સરવા થયા. તે કંઈ વિચારવા લાગ્યો.
‘તમે પણ એવું જ માનો છો, ડૉક્ટર?’ કદમે વિચિત્ર પ્રશ્ન કર્યો.
‘ભૂત… આત્મા જેવી વાતોમાં હું વિશ્વાસ નથી કરતો. કદાચ તમે પણ નહીં કરતા હો…’ ડૉ. હિરેમઠે ઑફિસર્સ સામે જોતાં કહ્યું.
‘પણ હાં… એ દિવસે મંજરી ઘણી ઉગ્ર સ્વભાવની જણાતી હતી. તેની મા પર જ હુમલો કરતી હતી. તેને શાંત પાડવી મુશ્કેલ જણાતી હતી.’
‘આવું કેમ, ડૉક્ટર?’
‘એ જ જાણવા મેં તેને સાઈકિયાટ્રીસ્ટ પાસે લઈ જવાની સલાહ આપી હતી. બાકી… તેની માનું કહેવું હતું કે મંજરીને બધી સ્ત્રી ડાકણ જેવી લાગતી… સ્ત્રીના ચહેરા તેને કદરૂપા દેખાતા. ડરના માર્યા ‘ભૂત… ભૂત’ બોલી તે ક્રોધી બની જતી!’
‘મંજરીની હત્યા કોણે કરી? તેનું હાર્ટ કેવી રીતે ગાયબ થયું?’ ગોહિલે વેધક સવાલ પૂછતાં ડૉક્ટર હચમચી ગયા.
‘મને એની જાણ નથી!’
‘કોણ જાણતું હશે?’
‘ઑફિસર… તમે એ રીતે પ્રશ્નો પૂછો છો, જાણે મેં જ આ બધું કર્યું હોય!’
ગોહિલે આંખો ઝીણી કરતાં કહ્યું: ‘એવું અમે ક્યારે કહ્યું? અત્યારના તબક્કે અમારી પાસે કોઈ પુરાવા નથી એટલે આવું કઈ રીતે કહી શકીએ, પણ હાં… પુરાવા મેળવવાનું ચાલુ છે!’
હેલિકૉપ્ટર દુર્ઘટના પછી મંજરી નવલેની લાશ મળી એ સ્થળે ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરીના નિષ્ણાતોની ટીમ પાછળ ડીસીપી સુનીલ જોશી પણ આવી પહોંચ્યા. અચાનક ગુમ થયેલા સલીમ શેખની માહિતી કઢાવવાનું કામ સબ-ઈન્સ્પેકટર કપિલ રાજપૂતને સોંપી ઈન્સ્પેક્ટર ગોહિલ આરે પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર અશોક ગાયકવાડ સાથે બપોરે દોઢ વાગ્યે જ આવી ગયો હતો. જમીન ખોદવાની કામગીરી માટે ત્રણ મજૂરને પણ બોલાવી રખાયા હતા.
હવે માત્ર ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ (ડીએમ)ની રાહ જોવાઈ રહી હતી. સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોેસિઝર (એસઓપી) અનુસાર તપાસના ભાગ રૂપે જમીનમાં દટાયેલી લાશ બહાર કાઢતી વખતે ડીએમની હાજરી ફરજિયાત હોય છે. જિલ્લાના કલેક્ટર દ્વારા આ કાર્ય માટે નીમવામાં આવતા ડેપ્યુટી કલેક્ટર અથવા કોઈ પ્રતિનિધિને ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ કહેવામાં આવે છે. પ્રક્રિયા પારદર્શક થાય એ માટે ડીએમની હાજરી અનિવાર્ય કરવા પાછળનો ઉદ્દેશ હોઈ શકે.
આજે સૂરજદાદા પણ સહનશીલતાની પરીક્ષા લેતા હોવાનું ગોહિલને લાગ્યું. આટલી વનરાજી છતાં ભયંકર ગરમી લાગતી હતી, જેને કારણે થોડી થોડી વારે નૅપ્કિનથી પરસેવો લૂંછવો પડતો હતો.
ડીએમે બપોરે બે વાગ્યે કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો હોવાથી પોલીસ અધિકારી અને ફોરેન્સિક નિષ્ણાતો આવી ગયા હતા. વળી, વન વિભાગનો અધિકારી પણ સમય કરતાં વહેલો પહોંચીને આમથી તેમ આંટા મારતો હતો.
જમીન ખોદવાની કાર્યવાહી દરમિયાન વન વિભાગના એક અધિકારીને હાજર રાખવાની શરત પરવાનગી આપતા પત્રમાં નોંધવામાં આવી હતી. ફોરેન્સિક દ્વારા નિશાન કરાયેલી જગ્યાએ જ ખોદવામાં આવે છે કે નહીં તેના પર દેખરેખ આ અધિકારી રાખવાનો હતો. મેટલ ડિટેક્ટરમાં જે જગ્યાએ ધાતુ હોવાનું દર્શાવાયું હતું ત્યાં ફોરેન્સિક નિષ્ણાતે નિશાન કરી રાખ્યું હતું. એ જગ્યાએ લાશ મળે તો જ આસપાસના પરિસરમાં ખોદવાની પરવાનગી આપવી, એવી સૂચના વન વિભાગના અધિકારીને આપવામાં આવી હતી.
મેટલ ડિટેક્ટર જમીનમાં અઢીથી ત્રણ ફૂટ ઊંડે સુધી જ દટાયેલી ધાતુ શોધી કાઢતું હોવાથી વધુમાં વધુ એટલો જ ઊંડો ખાડો ખોદવાનો હતો. આ ગોહિલના ધૈર્યની જાણે કસોટી હતી.
ડીએમ આવ્યા એટલે બધા સાવધ થઈ ગયા. વરિષ્ઠ અધિકારીઓના હસ્તાક્ષરવાળા કાગળ પર ડીએમે હસ્તાક્ષર કર્યા. પછી નિશાનવાળી જગ્યાનું નિરીક્ષણ કરીને ડીએમે ઇશારો કરતાં લાશ શોધવાની પ્રક્રિયા શરૂ કરાઈ. વીડિયોગ્રાફરે કાર્યવાહીનું રેકોર્ડિંગ કરવા કૅમેરા ઑન કર્યો. મજૂરોને પણ આડેધડ ખોદકામ નહીં, પણ ધીરે ધીરે કોતરણી કરવાની સૂચના આપવામાં આવી, જેથી લાશ કે તેના અવશેષને નુકસાન ન થાય.
અધિકારીઓ અને ડીએમની હાજરીમાં મજૂરોએ જમીન ખોતરવાનું શરૂ કર્યું. ખોતરતી વખતે જેમ જેમ માટી બાજુએ ખસેડવામાં આવતી તેમ તેમ બધાનાં હૃદયના ધબકારા અને શ્ર્વાસોશ્ર્વાસની ગતિ વધવા લાગી. એની સાથે ભારે બફારાને કારણે બધાના ચહેરા પર પરસેવાના રેલાનું પ્રમાણ પણ વધ્યું.
ધીમે ધીમે ખોતરવામાં આવી રહેલા ખાડા પર બધા એકટશે જોતાં ઊભા હતા. લગભગ બે ફૂટ ઊંડે સુધી ખોતરવામાં આવ્યા પછી ખાડામાંથી દુર્ગંધ આવવા લાગી. દુર્ગંધથી દૂર ખસવાને બદલે ગોહિલ વધુ નજીક ગયો. લાશ દટાયેલી હોવાની ખાતરી થતાં દુર્ગંધ વચ્ચે પણ તેણે રાહતનો શ્ર્વાસ લીધો. માત્ર શંકાને આધારે હાથ ધરાયેલી કવાયતનું કંઈક તો પરિણામ આવી રહ્યું હતું. તેની ધારણા ખરી થવાની અણીએ હતી.
પછીની પંદરેક મિનિટમાં તો ગોહિલના મનની ધારણા સાચી પડી. જમીનમાં અંદાજે સવાબે ફૂટ ઊંડેથી પુરુષનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો. દુર્ગંધને કારણે બધાના હાથ પોતાના નાક પર ગયા અને આંખો આશ્ર્ચર્યથી પહોળી થઈ શબને જોતી રહી. વારાફરતી લગભગ બધા જ ગોહિલ તરફ જોતા હતા!
પછી ડીએમ અને ફોરેન્સિક નિષ્ણાતોએ પોલીસ અધિકારીઓ સાથે ટૂંકી ચર્ચા કરી. બીજાં શબ હોવાની શક્યતાને આધારે વધુ જમીન ખોદવાનું માન્ય રખાયું. વન વિભાગના અધિકારીને વિશ્ર્વાસમાં લઈ પુરુષનું શબ મળ્યું તેની આસપાસની જમીન ખોદવાની કામગીરી શરૂ કરાઈ…
‘હવે બીજાં શબ ન મળે તો સારું!’ કદાચ બધા જ પોલીસ અધિકારી મનમાં આવું ઇચ્છતા હતા.
સાંજ થવા આવી હોવાથી મજૂરોએ જમીન ખોતરવાની કામગીરી ઝડપી કરી. લગભગ બે કલાકની જહેમત પછી પોલીસના નસીબ કહો કે બદનસીબ… એ જમીનમાં વધુ એક લાશ હોવાના અણસાર મળ્યા! (ક્રમશ:)
આ પણ વાંચો…પ્લોટ-16 – પ્રકરણ-17: ડ્રગ્સની તસ્કરીના તાર અહીં જોડાયા…