પ્લોટ-16 - પ્રકરણ-17: ડ્રગ્સની તસ્કરીના તાર અહીં જોડાયા… | મુંબઈ સમાચાર
નવલકથા

પ્લોટ-16 – પ્રકરણ-17: ડ્રગ્સની તસ્કરીના તાર અહીં જોડાયા…

યોગેશ સી. પટેલ

`લાગે છે, અહીં… જંગલમાં કોઈ રિસર્ચ થતું હતું!’
ફોન પર સબ-ઈન્સ્પેક્ટર વિજય કાળેની વાત સાંભળીને ગોહિલ અવાક થઈ ગયો. તેની ધારણાથી વિપરીત સંજોગો સર્જાયા હતા. જંગલમાં રિસર્ચની વાતને તેણે ગંભીરતાથી લીધી નહોતી. માત્ર ડૉક્ટરે વ્યક્ત કરેલી શક્યતા અને ડીસીપીની સૂચનાથી કાળેને આ કામ સોંપ્યું હતું, પણ હવે જંગલમાં રિસર્ચની વાત સાચી પડી રહી હતી. જડ બની ગયેલો ગોહિલ સિનિયર ઈન્સ્પેક્ટર અશોક ગાયકવાડને જોતો રહ્યો. સામે ગાયકવાડ પણ પ્રશ્નાર્થ નજરે ગોહિલને તાકી રહ્યા હતા.

સર… હેલો… સર!’ ફોન પર કાળેનો અવાજ સાંભળી ગોહિલમાં જાણે ચેતન આવ્યું. હાં… બોલ. શું કહેતો હતો? શાનું રિસર્ચ?’ ગોહિલે ઉતાવળે પૂછ્યું.
`એ તો ખબર નથી, સર… પણ યુનિટ છવ્વીસ આગળની ગીચ વનરાજીમાં કાચના ઘણા ટુકડા મળ્યા છે, જે રિસર્ચ…
લૅબોરેટરીમાં વપરાતી કાચની બરણી અને કસનળીના હોવાનું લાગે છે!’

આસપાસમાં તપાસ કરી? કાચના ટુકડા કોણે ફેંક્યા? તે ફેંકનારી વ્યક્તિને કોઈએ જોઈ છે?' ના… એવી કોઈ જાણકારી મળી નથી, પણ આ ટુકડા હાલમાં જ ફેંકાયા હોવાનું જણાય છે.’ કાળેએ જણાવ્યું.
`રિસર્ચ ક્યાં ચાલતું હતું એની કોઈ માહિતી?’

ફોન પર બોલી રહેલા ગોહિલની વાત સાંભળી ગાયકવાડ સમજી ગયા કે બીજી મુસીબત આવવાના ભણકારા વાગી રહ્યા છે.
સર… દળવી યુનિટ છવ્વીસમાં તપાસ કરવા ગયો છે. ત્યાં નેટવર્કનાં ધાંધિયાં છે એટલે હું વાત કરવા જંગલની બહારના ભાગમાં આવ્યો છું.’ કાળેએ સમસ્યા જણાવી. ઓકે… અમે આવીએ છીએ. ત્યાં સુધી તમે વધુમાં વધુ માહિતી મેળવો.’ ગોહિલે કૉલ કટ કર્યો અને ગાયકવાડ સાથે કૅબિન બહાર નીકળ્યો…

વિધાનસભ્ય ગુલાબરાવ જાંભુળકર તેમના પર્સનલ આસિસ્ટન્ટ પ્રસન્ન ચૌધરીની પાછળ આવીને ઊભા હતા અને ચૌધરીને એની જાણ નહોતી. તે હંમેશ મુજબ ફોન પર વાતચીતમાં મશગૂલ હતો.
`નહીં… મૈં અભી વહાં નહીં આ સકતા. યહાં બહુત ટેન્શન હૈ!’
મોબાઈલ પર વાત કરતી વખતે પણ ચૌધરીનાં અંગોનું હલનચલન થતું હતું, જે જોઈને જાંભુળકરને ગુસ્સો આવતો હતો.

આરેના જંગલમાં મંજરીની જેમ બીજાં પણ શબ દટાયેલાં હોવાના પોલીસના અનુમાનથી જાંભુળકર માનસિક તાણમાં આવી ગયા હતા. નગારા જેવા મોટા પેટ પર વારંવાર બન્ને હાથ ફેરવી તે આમ-તેમ આંટા મારતા હતા.
`બિહાર આના બહુત મુશ્કિલ હૈ… આને-જાને મેં આઠ-દસ દિન નીકલ જાયેંગે. ઉતને દિન મેં યહાં સબ ઊલટાપુલટા હો જાયેગા!’

ચૌધરી બિહારનો વતની હતો અને અત્યારે તે પણ ભારે તણાવમાં જણાતો હતો. ફોન પર સામેની વ્યક્તિ ચૌધરીને બિહાર બોલાવતી હતી, પણ તેણે ઇનકાર કરી દીધો હતો. તેની વાત સાંભળતા જાંભુળકરનું પેટ પર હાથ ફેરવી આંટા મારવાનું ચાલુ હતું.

`મારા કરતાં આને વધુ ટેન્શન હોવાનું લાગે છે!’ જાંભુળકરે વિચાર્યું.

`ઈતની જલ્દબાજી ઠીક નહીં… યહાં પીછવાડે મેં આગ લગી હુયી હૈ!’ ચૌધરીની વાત સાંભળી જાંભુળકરના ચહેરા પર ભારે તાણ વચ્ચે પણ થોડું સ્મિત આવ્યું. નાછૂટકે તેમની નજર ચૌધરીના ચોક્કસ અંગ પર ફરી વળી.

`નેતાજી કે ભી હાલ બૂરે હૈ… ઐસા ન હો કે બમ્બઈ છોડ કર મુઝે હંમેશાં કે લિયે વાપસ બિહાર આના પડે.’ વાત કરતાં કરતાં ચૌધરી પાછળ ફર્યો તો જાંભુળકરને ઊભેલા જોયા.

ક્યા? નેતાજી કો ક્યા હુઆ?’ જાંભુળકરે પ્રશ્ન કર્યો. બાદ મેં બાત કરતે હૈં…’ કહીને ચૌધરીએ કૉલ કટ કર્યો.
`એ હિલતા મકાન! કૌન થા ફોન પે ઔર તુ ક્યા બાત કર રહા થા?’

સા'બ... ગાંવ સે ફોન થા. બુલા રહે થે... મૈંને બોલા અભી નહીં આ સકતા... યહાં આપ કાફી તકલીફોં સે ગુઝર રહે હૈ તો મૈં આપ કો છોડ કે કૈસે જા સકતા હૂં!' સહી બાત હૈ… મુસીબતોં કા પહાડ ગીરનેવાલા હો ઐસા માહોલ બના હૈ!’ જાંભુળકર સંભવિત આપદાથી પરિચિત હતા.

સા'બ... ઔર એક લફડે કા પતા ચલા હૈ!' અબ ક્યા હુઆ?’
`પુલીસ કો જંગલ મેં કાંચ કે ટુકડે મિલે હૈ… ઉનકા માનના હૈ કી વહાં કોઈ રિસર્ચ હો રહા થા!’

રિસર્ચ?’ હાં… પુલીસ કી ટીમ અભી વહાં પહુંચી હૈ… દેખતે હૈ ક્યા મિલતા હૈ!’
જાંભુળકર ચૌધરીને શંકાની નજરે જોવા લાગ્યા. `આને જંગલની રજેરજની માહિતી કઈ રીતે મળી રહે છે… જરૂર ત્યાં આનો કોઈ ચમચો હોવો જોઈએ,’ એવું તેમણે વિચાર્યું.

ક્યા હુઆ સા’બ! ક્યા શોચ રહે હૈ?’ કુછ નહીં… યે પુલીસવાલે ગડે મુડદે ક્યૂં ઉખાડને મેં પડે હૈ. લગતા હૈ લાશોં કે ઢેર મેં મુઝે હી દફન કર દેંગે યે લોગ!’
જાંભુળકરના ચહેરા પર ચિંતાની રેખા જોઈને ચૌધરી દુ:ખ થતું હોવાનો ડોળ કરતો હતો, પણ અંદરખાને તો તે ખુશ હતો. શારીરિક ઊણપને કારણે જાંભુળકર મોઢા પર `હિલતા મકાન’ કહેતા હોવાની તેના મનમાં રીસ હતી.

સા’બ… આપ પરેશાન ના હો… કોઈ રાસ્તા નિકલ આયેગા.’ ચૌધરીને એક વાત સમજાતી નહોતી કે આ કેસને લઈ જાંભુળકર આટલા ભયભીત કેમ હતા? ફિલહાલ તો મુઝે ઐસા કોઈ રાસ્તા નઝર નહીં આતા, જો મુઝે બચા શકે! ઝમીન સે અબ અગર લાશેં નિકલી ઔર રિસર્ચ કી બાત પક્કી હુયી તો… મેરી કુરશી ખતરે મેં આના તય હૈ!’
જાંભુળકર સોફા પર બેસી પડ્યા. ચિંતા સાથે કપાળે હાથ મૂકતાં તે બોલ્યા: `યદી ઐસા હુઆ તો સમજો મેરા પોલિટિકલ કરિયર ખત્મ… યા યે કહું કે શાયદ મૈં હી ખત્મ!’

`આસપાસ પતરાની કોઈ શેડ સુધ્ધાં નથી… એનો મતલબ રિસર્ચ બીજે ક્યાંક ચાલે છે અને એ જગ્યા અહીંથી બહુ દૂર નહીં હોય!’ સિનિયર ઈન્સ્પેક્ટર અશોક ગાયકવાડે અનુમાન લગાવ્યું.

જંગલમાં રિસર્ચ સંબંધી સાધનોના ટુકડા મળ્યાની માહિતી સબ-ઈન્સ્પેક્ટર વિજય કાળેએ ફોન પર આપતાં જ ગોહિલ અને ગાયકવાડ ટીમ સાથે યુનિટ-26માં પહોંચી ગયા હતા. યુનિટ-26 અને રૉયલ પામ પરિસર વચ્ચેની ગીચ વનરાજીમાં મોટા પ્રમાણમાં કાચના ટુકડા પડ્યા હતા.

`હાં… અને પુરાવાનો નાશ કરવાને ઇરાદે ચંબુ અને અન્ય સાધનો અહીં લાવીને તોડવામાં આવ્યાં હોવાનું લાગે છે.’ હવે ગોહિલે અનુમાન લગાવ્યું.

...પણ સર, તમે તો માનવશરીર પર રિસર્ચની વાત કરતા હતાને?' કાળે અટકી અટકીને બોલતો હતો:અહીં તો એવું કંઈ દેખાતું નથી!’
ગાયકવાડ અને ગોહિલ કાળેને ટીકી ટીકીને જોવા લાગ્યા.

મારું કહેવું છે કે રિસર્ચ હોત તો… લોહી અથવા માંસના ટુકડા જેવું કંઈ નજરે પડતું નથી!’ કાળેએ સ્પષ્ટતા કરી. આની વાત તો સાચી છે, ગોહિલ. માનવ પર રિસર્ચને લગતાં કોઈ સૅમ્પલ નથી. કાચના એકેય ટુકડા પર લોહીનું ટીપું પણ દેખાતું નથી.’

ગાયકવાડે જમીન પર પડેલો કાચનો મોટો ટુકડો ઊંચક્યો: મને તો આ બીજું જ કંઈ ભોપાળું લાગે છે!' ગોહિલે પણ જમીન પરથી ચંબુ અને કસનળીના ટુકડા ઉપાડ્યા:બીજું કંઈ એટલે?’

કાચનો ટુકડો સૂંઘ્યો અને પછી તેના પર લાગેલા પાઉડર જેવા સફેદ પદાર્થને ચપટીમાં પકડીને ચકાસ્યા પછી ગાયકવાડે કહ્યું: આ ડ્રગ્સ લાગે છે, ગોહિલ!’ ડ્રગ્સ?’
હાં… ડ્રગ્સ… નશીલા પદાર્થ બનાવવાની રાસાયણિક પ્રક્રિયામાં આ સાધનોનો ઉપયોગ થયો હોવાનું જણાય છે!’ ગાયકવાડે અડસટ્ટે કહ્યું. કયું ડ્રગ્સ, સર?’ કાળેએ પ્રશ્ન કર્યો.

એ તો લૅબોરેટરીવાળા કહી શકશે, પણ અહીંથી ડ્રગ્સની તસ્કરીના તાર જોડાયેલા હશે તો આપણા માટે નવો પડકાર ઊભો થશે.’ ગાયકવાડ હતાશામાં બોલ્યા. પત્યું…’ ગોહિલે કાચના ટુકડા જમીન પર ફેંકતાં કહ્યું: `પેલી છોકરીનું હાર્ટ ગુમ થયું છે એ પ્રકરણ હજુ ઊકલ્યું નથી ત્યાં બીજી મોકાણ આવી પડી!’

આ જંગલમાં હજુ કેટલા વેપલા ચાલે છે… ભગવાન જાણે!’ ગાયકવાડે માથે હાથ દીધો. વાતચીત આગળ વધે તે પહેલાં કોન્સ્ટેબલ નામદેવ દળવી બાઈક પર આવી પહોંચ્યો. ચ્યા માયલા! આદિવાસી પાડા… બાંગોર્ડા અને પચકોલી સુધી આંટો મારી આવ્યો.’ આદત મુજબ દળવીએ જાડી મૂછને પંપાળતાં કહ્યું.

કોઈ કામની જાણકારી?’ ગાયકવાડે પૂછ્યું. ના… કંઈ ખાસ નહીં, પણ ત્રણેક ઘર બંધ છે અને તેના રહેવાસીઓ ક્યાં છે તેની જાણકારી પડોશીઓને નથી.’
દળવીએ કહ્યું: `તેમાંથી એક… કાચા બાંધકામનું નાનકડું ઘર એકદમ નિર્જન સ્થળે છે. વેરાન પડેલું એ ઘર શંકાસ્પદ જણાય છે!’

તારે તાળું તોડી નાખવું જોઈએને?' સર… આમ તાળું તોડવાથી પાડાના રહેવાસીઓ ભડકી જશે. વળી, ત્યાંના મુખિયા પણ નથી… એ પોતાના વતન ગયા છે!’ દળવીએ સમજાવ્યું.
તો?' મેં બાજુના યુનિટ પચીસના મુખિયા જુગલ મેશ્રામને બોલાવી લીધા છે. એ પંદરેક મિનિટમાં પહોંચશે… આપણે પણ ત્યાં પહોંચવું પડશે.’ દળવીએ સૂચવ્યું.

મેશ્રામ… કોણ… પેલો કોયતાવાળો?’ ગાયકવાડે તિરસ્કારમાં કહ્યું. હાં… થોડો જોખમી માણસ છે, પણ તેની ઘણી ધાક છે અને યુવાનોમાં ફેવરિટ છે.’ દળવીએ ગોહિલ તરફ જોતાં કહ્યું.
યુવાનોમાં ફેવરિટ એટલે?' ગોહિલને આશ્ચર્ય થયું. સર… ગરમ મિજાજ અને લડાયક વૃત્તિવાળો હોવાથી યુવાનો તેને સાથ આપે છે અને તેની વાત માનેય ખરા!’

`ઠીક છે… ચાલો!’
ગાયકવાડે આદેશ આપતાં તેની પાછળ બધા દોરાયા. દસેક મિનિટમાં જ એ વેરાન ઘર પાસે પોલીસની ટીમ પહોંચી ત્યારે મેશ્રામ અમુક યુવાનો સાથે આવતો નજરે પડ્યો. હંમેશ મુજબ તેના હાથમાં કોયતો હતો અને શરાબના નશામાં હોવાનું જણાતું હતું.

દળવીસાહેબ… શું સમસ્યા છે?’ મેશ્રામનો અવાજ ઊંચો જ રહેતો. આ ઘરમાં તમારે શું જોવું છે? ખજાનો દાટ્યો છે કે લાશ?’ કોયતો ઘર તરફ તાકી મેશ્રામે પૂછ્યું.
`લાશની ક્યાં વાત આવી?’ ગોહિલથી પુછાઈ ગયું.

સાહેબ… આ જંગલમાં અત્યારે બધે લાશ જ મળી રહી છેને?’ એવું કંઈ નથી… શંકા હોવાથી માત્ર તપાસ કરવી છે.’ ગાયકવાડે કહ્યું.
`શેની શંકા છે?’ મેશ્રામ જાણે પોલીસની ઊલટતપાસ કરી રહ્યો હતો.

આ ઘરમાં કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ તો નથી થતીને એ જોવું છે?' ગોહિલે જવાબ આપ્યો. થોડી ક્ષણ વિચાર્યા પછી મેશ્રામે યુવાનોને પૂછ્યું:અહીં કોણ રહે છે? શું ચાલતું હતું અહીં?’
`પહેલાં અહીં શેખભાઈ… સલીમ શેખ રહેતા હતા, પણ લગભગ મહિનાથી એ દેખાયા નથી.’ એક યુવાને કહ્યું.

શેખ સાથે તેના બે-ત્રણ સાથી આવતા હતા, પણ શેખના ગુમ થયા પછી સાથીઓ પણ ગાયબ થઈ ગયા! હવે આ ઘર બંધ જ હોય છે!’ બીજા યુવાને માહિતી આપી. દવા બનાવવાનું કામકાજ અહીં ચાલતું હતું, એવું સાંભળવા મળ્યું હતું!’ યુવાને વધુમાં જણાવ્યું.
દવા? નક્કી કોઈ ગરબડ છે!’ ગોહિલ બોલ્યો:તાળું તોડવું જ પડશે!’

મેશ્રામના આદેશથી આખરે યુવાનોએ ઘરનું તાળું તોડ્યું. ઘરમાં મોટા ભાગનો સામાન ખસેડી લેવાયો હોવાનું લાગ્યું. થોડીઘણી અસ્તવ્યસ્ત પડેલી વસ્તુઓ અને સર-સામાનની ગોઠવણને જોતાં ગાયકવાડના મગજમાં ઝબકારો થયો.
નિરીક્ષણ પછી ગાયકવાડે કહ્યું: `મને લાગે છે… અહીં ડ્રગ્સ બનાવવાની લૅબોરેટરી હતી!
(ક્રમશ:)

આ પણ વાંચો…પ્લોટ-16 – પ્રકરણ-16 શું રિસર્ચ કરવા રિસર્ચ સેન્ટર શરૂ કરાયું?

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button