પ્લોટ-16 -પ્રકરણ-14 બાળકનો બલિ!

યોગેશ સી પટેલ
‘હવે અમે એને ચીરી-ફાડી નાખીશું… પોલીસે વચ્ચે પડવાની જરૂર નથી… પોલીસની બેજવાબદારીને કારણે જ આ રીતે જીવ ગયો… લોકો નાહક મોતને ભેટી રહ્યા છે અને આપણી પોલીસ હાથ પર હાથ રાખીને બેઠી છે… અમારી રક્ષા ન કરી શકતા હોય તો પોલીસ સ્ટેશનને આગ લગાડી દો…’
આરે પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં ભેગા થયેલા રહેવાસીઓ ચીસાચીસ કરીને હાકોટા પાડતા હતા. પોલીસનો હુરિયો બોલાવવાની સાથે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા હતા.
‘નકામી પોલીસ નહીં જોઈએ… મુંબઈ પોલીસ હાય… હાય!’
અચાનક મચેલા હંગામાથી ગોહિલ, કદમ અને શિંદે ચમક્યા. ત્રણેયએ પહેલા માળની કૅબિનની બારીમાંથી ડોકિયું કર્યું.
‘મારો એકનો એક લાડકવાયો છીનવાઈ ગયો… હવે મારે પણ નથી જીવવું!’
તૂટક અવાજે બોલતી એક મહિલા ચોધાર આંસુએ રડતી હતી. તેને ઊભા રહેવામાં મુશ્કેલી પડતી હતી, જાણે તમ્મર આવી રહ્યાં હતાં. તેની સાથે બીજા પણ અમુક લોકોનું રોકકળ ચાલતું હતું. એ લોકો રડારોળ કરનારી મહિલાના પરિવારજનો હોવાનું ગોહિલને લાગ્યું. જંગલની શાંતિમાં તેમનું આક્રંદ ભયાનક લાગતું હતું.
‘આ બધું શું છે? ચાલો નીચે?’ કહીને ઈન્સ્પેક્ટર ગોહિલે કૅબિન બહાર જવા ઉતાવળે ડગ માંડ્યાં. તેની પાછળ ઈન્સ્પેક્ટર કદમ અને એપીઆઈ શિંદે પણ નીચે ગયા.
પોલીસ સ્ટેશન બહાર એકઠા થયેલા લોકોમાં આક્રોશ દેખાતો હતો. પોલીસ સાથે ઝપાઝપી પર ઊતરી આવેલા લોકોને સિનિયર ઈન્સ્પેક્ટર અશોક ગાયકવાડની ટીમ સમજાવવાનો પ્રયત્ન કરતી હતી, જેમાં કોન્સ્ટેબલ નામદેવ દળવી મોખરે હતો.
પાંચેક વર્ષથી આરે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો દળવી ત્યાંના રહેવાસીઓમાં સારી છાપ ધરાવતો હતો. આરેના દરેક યુનિટના મુખિયાઓ સાથે તેણે ઉત્તમ સમન્વય જાળવ્યો હતો. વળી, રહેવાસીઓ તેની વાત સાંભળતા પણ ખરા. દળવીને તેઓ પોતીકો ગણતા, પરંતુ અત્યારે પરિસ્થિતિ અલગ હતી.
‘અમે તપાસ કરી રહ્યા છીએ અને યોગ્ય પગલાં લેવામાં આવશે. આમ ગુસ્સો કરવાથી સમસ્યાનું સમાધાન નહીં થાય. પોલીસને થોડો સમય આપો!’ ગાયકવાડ વિનંતીના સૂરમાં બોલ્યા.
‘ના… હવે જે કરવાનું હશે તે અમે જ કરીશું. અમને હાથ લાગશે તો તેને ચીરી નાખીશું. અમારા લોકોને રોકવાનો પ્રયાસ કરશો તો ખરાબ પરિણામ આવશે!’ યુનિટ પચીસના મુખિયા જુગલ મેશ્રામે ધમકીની ભાષા વાપરી.
‘અમને એસઆઈટી-બેસાઈટી પર ભરોસો નથી. તેમને પાછા મોકલી દો. જંગલના રહેવાસીઓની સુરક્ષા અમે જ કરીશું!’ યુનિટ-16ના મુખિયા ભાસ્કર કડુ પણ આજે વીફર્યા હતા.
‘મેશ્રામજી… તાંડેલજી… શાંતિથી કામ લો! આપણે ચર્ચા કરીને નિવેડો લાવીએ.’ દળવીએ સમજાવટ ચાલુ રાખી.
યુનિટ-13ના મુખિયા બાળકૃષ્ણ ટેકામ સામે જોતાં દળવીએ કહ્યું: ‘ટેકામજી… તમે તો સમજાવો આ લોકોને.’
ગોહિલ અને તેની ટીમ પર એક મુખિયાની નજર પડી એટલે એસઆઈટીના નામનો હુરિયો બોલાવ્યો: ‘એસઆઈટી હાય… હાય!’
દળવીએ પાછળ વળીને જોયું તો ગોહિલે ઇશારો કરી તેને નજીક બોલાવ્યો.
ટેકામ ઉશ્કેરાયેલા લોકોને સમજાવી રહ્યા હતા એટલે ટોળું ધીરે ધીરે શાંત પડી રહ્યું હતું. હૈયાફાટ રુદનથી નબળી પડેલી મહિલાને એકાદ-બે જણ પાણી પિવડાવવાની કોશિશ કરતા હતા.
રહેવાસીઓના ટોળાની પાછળ જૉની-બૉની ઊભા હતા. બન્ને પાગલ તેમની મસ્તીમાં હોવાનું લાગ્યું. ગોહિલની નજર તેમના પર પડી. ‘આ પાગલોનું અહીં શું કામ?’ એવો વિચાર તેને આવ્યોય ખરો.
‘શું થયું, દળવી… આ લોકો કોના મૃત્યુ પર આટલો હોબાળો મચાવી રહ્યા છે?’ ગોહિલે પૂછ્યું.
‘સર… આજે વહેલી સવારે ગુમ થયેલા એક બાળકની લાશ મળી છે. લાશ એકદમ છિન્નભિન્ન અવસ્થામાં છે.’
‘શું? આવું કઈ રીતે થયું?’
‘સર… સાત વર્ષનો ભોલુ યુનિટ છની આગળ યાદવ બાવડી નજીક પરિવાર સાથે રહેતો હતો. પાલિકાની શાળામાં ભણતો ભોલુ વહેલી સવારે ઘર નજીકનાં ઝાડીઝાંખરાંમાં શૌચ માટે ગયો પછી ગુમ થઈ ગયો હતો.’
દળવીએ માહિતી આપવાનું ચાલુ રાખ્યું: ‘ઘણો સમય વીત્યા છતાં તે ઘરે પાછો ન ફરતાં તેની મા શોધવા નીકળી હતી.’
‘ચ્યા માયલા… ડબ્બા મિળાલા, પન…’ દળવી તેનો અસ્સલ મિજાજ છોડી શકતો નહોતો.
‘બાળકની બૉડી ક્યાં મળી?’ કદમે સવાલ કર્યો.
‘યુનિટ છથી થોડે દૂર ગીચ વનરાજીમાં!’
‘…પણ આ લોકો પોલીસ પર શું કામ ભડક્યા છે? સમયસર કાર્યવાહી નહોતી થઈ?’ ગોહિલે અચરજ સાથે દળવીને પૂછ્યું અને તેની નજર ફરી જૉની-બૉની તરફ ગઈ. માથું આમ-તેમ હલાવી બન્ને ગાંડાવેડામાં મશગૂલ હતા.
‘ના… એવું નથી, સર! બાળક ગુમ થયાની માહિતી મળતાં જ આપણી ટીમ તેની શોધમાં લાગી હતી.’
દળવીએ કહ્યું: ‘પોલીસ પહેલાં રહેવાસીઓએ બાળકના શબને શોધી કાઢ્યું અને શબની હાલત જોઈ આ બધાનો રોષ ફાટી નીકળ્યો!’
‘શબ અત્યારે ક્યાં છે?’ શિંદેને લાગ્યું કે પરિવારજનોએ બાળકનું શબ પોલીસને સોંપવાનો ઇનકાર કર્યો.
‘એ તો પોસ્ટમોર્ટમ માટે કૂપર હૉસ્પિટલમાં મોકલાવી દીધું છે?’
‘તો? આ લોકો કોને ચીરી નાખવાની વાત કરે છે?’
‘સર… અહીં મુદ્દો જરા અલગ છે. પોલીસનું માનવું છે કે બાળક પર હુમલો દીપડાએ કર્યો છે!’ દળવી અટકી અટકીને બોલતો હતો.
‘કાલે રાતે પોલીસ સ્ટેશન બહાર દેખાયો હતોને? એ દીપડો આ જ પરિસરમાં ફરતો હશે અને એણે બાળકને ફાડી ખાધો હશે, પણ…’
દળવી ફરી અટક્યો અને બોલ્યો: ‘આ લોકોને લાગે છે કે જંગલમાં માનવભક્ષી છે અને તેણે બાળકને ફાડી ખાધો છે!’
આકૃતિ બંગારાને કૅબિનમાં પ્રવેશતી જોઈને જ ડૉ. વિશ્વાસ ભંડારીના મોઢામાંથી લાળ ટપકવા માંડી. હંમેશ મુજબ સાડી પહેરેલી આકૃતિ આજે પણ લલચામણા લાવણ્યની માલકીન દેખાતી હતી.
‘આવ… જાન!’ ડૉ. ભંડારીએ ધીમા, પણ માદક અવાજે કહ્યું.
અંધેરીના ચકાલા પરિસરમાં આવેલી ટ્રસ્ટની નાની હૉસ્પિટલમાં ડૉ. ભંડારી તેમની કૅબિનમાં બેઠા હતા. હૉસ્પિટલના અઠવાડિયાના કામકાજની વિગતો પર ભંડારી નજર ફેરવતા હતા ત્યારે આકૃતિ ફાઈલ લઈને આવી હતી. એક દરદીના ઑપરેશન સંબંધી આ ફાઈલ હતી.
‘તને જોતાં જ બધાં કામ ભૂલીને એક કામ યાદ આવી જાય છે.’ ડૉ. ભંડારીએ ખુરશીમાંથી ઊભા થઈ આકૃતિને પોતાની બાથમાં લીધી.
‘સર… આ હૉસ્પિટલ છે. અચાનક કોઈ આવી ચડશે તો?’ હસતા મુખે આકૃતિએ ડર બતાવ્યો. ડૉ. ભંડારીની કૅબિન બે તરફથી કાચની હતી, પણ કાચ આડે પડદો હોવાથી અંદર ચાલતી પ્રવૃત્તિ બહારની વ્યક્તિ જોઈ શકતી નહીં.
‘એ દિવસે ખરેખર મજા આવી. તને કેવું લાગ્યું?’ ડૉ. ભંડારીના આવા સવાલ સામે આકૃતિએ માત્ર સ્માઈલ કર્યું, પણ ડૉ. ભંડારીના હાથ આકૃતિની પીઠને સહેલાવતા હતા.
‘પાછી એવી મજા કરવી છે?’ ડૉ. ભંડારીના હાથ જાણે આકૃતિના શારીરિક બાંધાને માપતા હોય તેમ ફરી રહ્યા હતા.
‘સર… પહેલાં આ ફાઈલ પર નજર ફેરવી લો.’ ડૉ. ભંડારીના સ્પર્શથી ઝણઝણાટી અનુભવતી આકૃતિ શરીરને સંકોચીને બોલી.
ડૉ. ભંડારી આકૃતિમાં વધુ ઓતપ્રોત થઈ જાય તે પહેલાં તેમનો મોબાઈલ રણક્યો. ડૉ. આયુષ પાઠકનો કૉલ હતો. અનિચ્છાએ આકૃતિને છોડી ડૉ. ભંડારીએ કૉલ રિસીવ કરવો પડ્યો.
‘બોલો, ડૉક્ટર પાઠક.’
‘મેડિકલ કૅમ્પ માટે ડૉક્ટર ઈમાનદાર સાથે મીટિંગ કરીને પોલીસ સાથે વાત કરવાની છેને?’ ડૉ. પાઠક બોલી રહ્યા હતા: ‘મેં ડૉક્ટર ઈમાનદાર સાથે વાત કરી છે. તેમણે કાલે મળવા બોલાવ્યા છે.’
‘…પણ ફોન પર જ વાત પતાવી દેવી હતીને?’ ડૉ. ભંડારીએ કહ્યું.
‘મેં એ જ કહ્યું ડૉક્ટર ઈમાનદારને, પણ તેમણે કહ્યું… મળીને વાત કરીએ.’
ડૉ. પાઠકે કહ્યું: ‘ડૉક્ટર ઈમાનદારનું કહેવું છે કે બીજી પણ જરૂરી વાત કરવી છે!’
સબ-ઈન્સ્પેક્ટર દત્તા બંડગર પોલીસ સ્ટેશન બહાર પહોંચ્યો ત્યારે તેને અણસાર આવી ગયો કે અહીં કેવો હંગામો મચ્યો હશે. ઝાડનાં ડાળખાં, પાણીની બૉટલો અને અન્ય કચરો વેરવિખેર પડ્યો હતો. ગોરેગામની પાટીલ ફૅમિલીને ઘેર મંજરીની માતા ભાગવતીની માહિતી મેળવવા ગયેલા બંડગરને આરેના રહેવાસીઓએ કરેલા હલ્લાબોલની માહિતી મળી ગઈ હતી. ગોહિલ અને ગાયકવાડે મુખિયા ટેકામની મદદથી કરેલી સમજાવટ પછી રહેવાસીઓ શાંત પડ્યા હતા અને પાછા ફર્યા હતા.
બાઈક પાર્ક કરીને બંડગર સીધો પહેલા માળે ગોહિલને મળવા ગયો.
‘સર… પાટીલ દંપતીએ ઘણો સહકાર આપ્યો. તેમના કહેવા મુજબ ભાગવતી પંદરેક દિવસથી ઘરમાં કામ કરીને ત્યાં જ રહેતી હતી.’
બંડગરે માહિતી આપવા માંડી: ‘ગોરેગામમાં સ્ટેશન રોડ પર જ પાટીલ દંપતીનો ટુ-બીએચકે ફ્લૅટ છે. દંપતી સિનિયર સિટીઝન છે અને તેમનો એક માત્ર દીકરો અમેરિકામાં નોકરી કરે છે.’
‘ભાગવતી વિશે કોઈ કામની માહિતી મળી?’ ગોહિલે ઉતાવળ દાખવી.
‘પાટીલ દંપતીને ભાગવતીએ કહ્યું હતું કે મંજરી જંગલમાં ગમે ત્યાં આંટા મારતી. તેની માનસિક સ્થિતિ બરાબર નહોતી એટલે તે ભાગવતીનું કહ્યું માનતી નહીં. એક રાતે તે યુનિટ સોળના મુખ્ય રસ્તા પર આવેલા મૉડર્ન બૅકરી બસ સ્ટોપ પાસેથી આવતી હતી ત્યારે તેને ભૂત દેખાયું હતું!’
‘વળી પાછું ભૂત… આનેય દેખાયું હતું?’ શિંદે વચ્ચે જ બોલી પડ્યો.
શિંદેની ટિપ્પણી પર ધ્યાન ન આપીને બંડગરે પોતાની વાત આગળ વધારી: ‘એ રાતથી ડરી ગયેલી મંજરી વિચિત્ર હરકતો કરવા લાગી હતી. ભાગવતી સાથે ઉદ્ધતાઈથી વર્તતી. તે આક્રમક બની ગઈ હતી અને ભાગવતી પર જ હુમલો કરતી હતી.’
બધા સ્તબ્ધ થઈને સાંભળતા હતા એટલે બંડગરે કહ્યું: ‘ભાગવતીને લાગતું હતું કે મંજરીમાં ભૂત ભરાઈ ગયું હોવાથી તે આવું વર્તન કરતી હતી!’
‘ભૂત ભરાયું? કેટલી અંધશ્રદ્ધા પાળે છે આ લોકો!’ હવે કદમે કહ્યું.
‘મંજરી મરી કઈ રીતે? તેનું હાર્ટ કોણે કાઢ્યું એ વિશે ભાગવતીએ કોઈ જાણકારી આપી હતી?’ ગોહિલને આ જ વાત જાણવામાં રસ હતો.
‘એ તો ખબર નથી પડી, સર. ભાગવતીએ પાટીલ દંપતીને કહ્યા મુજબ એ સારવાર માટે મંજરીને આરે હૉસ્પિટલમાં લઈ ગઈ હતી અને પછી…’
‘પછી શું?’
‘સર… આરેના ડૉક્ટરે મંજરીને કોઈ મગજના ડૉક્ટર પાસે લઈ જવાની સલાહ આપી હતી, પણ હૉસ્પિટલથી આવ્યાના બીજે જ દિવસથી મંજરી ગુમ થઈ ગઈ. પછી ડરીને ભાગવતી ગોરેગામમાં પાટીલ દંપતીને ત્યાં જતી રહી હતી!’
‘આરે હૉસ્પિટલ…’ માત્ર બે શબ્દ મમળાવીને ગોહિલ વિચારમાં ડૂબી ગયો. (ક્રમશ:)